ઉમેદવારોની પસંદગીઃ કોંગ્રેસ મેદાનમાં છે?

આ ચૂંટણીમાં ગુજરાતને લાગેવળગે છે ત્યાં સુધી રૂપાલા વિરુધ્ધ ક્ષત્રિયોના પ્રકરણના કારણે બાકીની 25 બેઠક પર શું ચાલી રહ્યું છે એના તરફ કોઇનું જાણે ધ્યાન જ નથી! નથી બીજા કોઇ મુદ્દે ક્યાંય ચર્ચા થતી.

એટલી હદ સુધી કે ભાજપ માટે એકતરફી મનાતા આ મુકાબલામાં, જો રૂપાલાજીએ આ વિધાન ન ઉચ્ચાર્યું હોત તો કોણ, ક્યાં ચૂંટણી લડે છે એની ય કોઇને ખબર ન પડેત આ તો ભલું થજો, ભાજપના અસંતુષ્ટોનું કે એમણે વડોદરા, સાબરકાંઠા, વલસાડ, સુરેન્દ્રનગર એમ અમુક અમુક સ્થળોએ પક્ષે પસંદ કરેલા ઉમેદવારો સામે નારાજગી વ્યક્ત કરી અને બધાનું ધ્યાન ગયું!

આ હાલતમાં કોંગ્રેસના ઉમેદવારોની તો વાત જ શું કરવાની?

છેક હમણાં સુધી મનાતું હતં કે, ગુજરાતમાં કોંગ્રેસની કથળેલી હાલત જોતાં પક્ષને છવ્વીસ બેઠક પર ઉમેદવારો શોધવામાં ફાંફા પડશે. અમુક અંશે વાત સાચી ય હતી. મોદી-શાહના જુવાળમાં કોંગ્રેસના આગેવાનો જ ભાજપમાં જોડાવા દોટ મૂકતા હોય એવા માહોલમાં ચૂંટણી લડવાનું જોખમ લેવા કોઇ તૈયાર ન થાય, પરંતુ ઉમેદવારોની યાદી જોયા પછી કોંગ્રેસ રહી રહીને ચૂંટણી મેદાનમાં પાછી ફરી હોય એવું ચિત્ર ઉપસે છે. યાદ રહે, ભરુચ અને ભાવનગર એ બે બેઠક પર ગઠબંધન વતી આમ આદમી પાર્ટીની ઉમેદવારો લડે છે એટલે કોંગ્રેસના ચોવીસ ઉમેદવારો આ વખતે મેદાનમાં છે.

ભાજપ માટે ગુજરાતમાં જંગ આસાન હોવા છતાં કોંગ્રેસ સાવ વોક ઓવર આપી દેશે એવી અગાઉની માન્યતા બદલાતી હોય એવું લાગે છે. એમાંય, ક્ષત્રિય સમાજના આંદોલન પછી ગુજરાતમાં કોંગ્રેસ ક્ષત્રિય, ઠાકોર, ઓબીસી, મુસ્લિમ, દલિત અને આદિવાસી મતો પર મદાર રાખીને બેઠી છે.

કોંગ્રેસનો આ આશાવાદ ખાસ કરીને, બનાસકાંઠા, પાટણ, વલસાડ, સાબરકાંઠા, દાહોદ, અમરેલી, સુરેન્દ્રનગર અને આણંદ જેવી બેઠકો પર વધારે છે. બનાસકાંઠામાં ધારાસભ્ય ગેનીબેન ઠાકોર વ્યક્તિગત રીતે મજબૂત ઉમેદવાર છે અને એમણે ચૂંટણી લડવા લોકો પાસે સ્વૈચ્છિક ફાળો માગવાની અપીલ કરી એ પછી એમની ઝોળી છલકાઇ રહી છે. ચૂંટણીમાં આ પ્રકારે ક્રાઉડ ફન્ડીંગનો ઉપયોગ કરીને ગેનીબહેને બધાનું ધ્યાન ખેંચ્યું છે. રાજકોટમાં રૂપાલા સામે ક્ષત્રિય આંદોલનના હજુ મંડાણ થતાં હતા ત્યાં જ ગેનીબહેને અઢારેય વર્ણ મારું મામેરું ભરશે એ પ્રકારની અપીલ કરીને ભાજપને પડકાર ફેંક્યો છે.

એવી જ રીતે, સાંબરકાંઠામાં કોંગ્રેસ ડો. તુષાર ચૌધરીની વ્યક્તિગત સરળ છાપ અને અમરસિંહ ચૌધરી માટે સ્થાનિક લોકોના લગાવ ઉપરાંત ભાજપના ઉમેદવાર શોભનાબહેન બારૈયા સામે ભાજપમાં જ અસંતોષના મુદ્દા પર લાભ લેવાની ગણતરી રાખે છે. તુષાર ચૌધરી જેવી જ વ્યક્તિગત રીતે સારી ઇમેજ ધરાવતાં દાહોદના ડો. પ્રભા તાવિયાડને પણ આ ઇમેજનો ફાયદો થશે એવું કોંગ્રેસના નેતાઓ માને છે. વલસાડમાં અનંત પટેલની વ્યક્તિગત તાકાત ઉપરાંત દાહોદથી વલસાડ સુધીના પટ્ટામાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો લાભ મળશે એવો પ્રદેશ નેતાગિરીને વિશ્વાસ છે.

કોંગ્રેસની આ વખતની રણનીતિ જે તે બેઠક પર ઉમેદવારની સામે ઉમેદવારને આગળ ધરીને લજવાની છે. ઉદાહરણ તરીકે, અમરેલીમાં ભાજપના ઉમેદવાર ભરત સુતરીયાનું નામ ખુદ ભાજપના જ વર્તુળોમાં નવાઇ પમાડે એવું હતું એની સામે કોંગ્રેસે પરદેશથી ઉચ્ચ શિક્ષણ મેળવીને આવેલાં પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ જેની ઠુમ્મરને મતદારો સમક્ષ મૂક્યા છે. જેનીબહેનને પિતા વીરજી ઠુમ્મરના રાજકીય અનુભવ ઉપરાંત પરેશ ધાનાણી અને પ્રતાપ દૂધાત જેવા અગ્રણીઓના ટેકા પર આશા છે. પોતાની કાવ્યાત્મક ટ્વિટ માટે હમણાંથી ખૂબ ચર્ચામાં રહેતા પરેશ ધાનાણી રાજકોટ જતાં પહેલાં જેનીબહેન માટે આખાય વિસ્તારનો આંટો મારી ચૂક્યા છે. આ બેઠકોની સાથે રાજકોટ બેઠક પર ય રૂપાલા વિરુધ્ધ ધાનાણીના જંગ પર બધાની નજર છે, પણ એનું કારણ ક્ષત્રિય આંદોલન વધારે છે.

તો, આણંદમાં ભરત સોલંકીનો ગઢ પાછો લેવા કોંગ્રેસે એ જ પરિવારના અમિત ચાવડાને મેદાનમાં ઉતાર્યા છે. અમિતભાઇ અહીં રૂપાલા વિરુધ્ધ ક્ષત્રિય ફેક્ટરનો લાભ લેવા પહેલા દિવસથી જ ક્ષત્રિયોના સ્વાભિમાનનો મુદ્દો લઇને લડી રહ્યા છે.

જો કે, ફક્ત આટલા કારણસર કોંગ્રેસ માટે આ લડત આસાન હોવાનું માની શકાય એમ નથી. ચૂંટણી લડવા જરૂરી બૂથ મેનેજમેન્ટ અને રણનીતિમાં એ હજુ ભાજપ કરતાં ક્યાંય પાછળ છે. વળી, છેલ્લાં કેટલાંક સમયથી જે રીતે પક્ષના તાલુકા-જિલ્લા કક્ષાના કાર્યકરો ભાજપમાં જોડાઇ ચૂક્યા છે એ જોતાં કોંગ્રેસ માટે ગામડાઓમાં બૂથ લેવલે પાયાના કાર્યકરોની ફોજનો અભાવ એ સૌથી મોટો પડકાર બની શકે એમ છે.

હાલ તો, ગુજરાતમાં આ ચૂંટણીમાં બે પડકાર ઉભરીને સામે આવી રહ્યા છેઃ ભાજપ માટે ક્ષત્રિયોનું આંદોલન અને કોંગ્રેસ માટે લડતના મેદાનમાં ટકી રહેવાનો પડકાર. જેમ જેમ પ્રચારમાં રંગ જામશે એમ નવા મુદ્દાઓ પણ ઉમેરાશે.

(લેખક ચિત્રલેખા.કોમના એડિટર છે.)