વિપક્ષોનું ગઠબંધનઃ છે, છે અને નથી…

ગયા વખતે આપણે 2024ની ચૂંટણીમાં ભાજપની રણનીતિ સમજવાનો પ્રયત્ન કર્યો. આ વખતે જોઇએ, ઇન્ડિયા ગઠબંધન કઇ સ્થિતિમાં છે એ.

આમ તો, કોંગ્રેસ અને ઇન્ડિયા એલાયન્સની અડધી શક્તિ રણનીતિ ઘડવા કરતાં મોદી-શાહના આક્રમણને ખાળવામાં વપરાઇ જાય છે. રોજ સવાર પડે અને ક્યાંક ધરપકડ, ક્યાંક ઇન્કમટેક્સની નોટીસ અને ક્યાંક કોઇ નેતાના ભાજપમાં જોડાયાના સમાચારો. ગઠબંધનના નેતાઓ એક વાતનો માંડ ખુલાસો કરીને મામલો થાળે પાડવા મથે ત્યાં એનડીએનો બીજો ઘણ માથે પડ્યો જ હોય!

નો ડાઉટ, આઠ-દસ મહિના પહેલાં ઇન્ડિયા એલાયન્સનું માળખું ઘડાયું ત્યારે આંકડાઓ-વિસ્તારની દ્રષ્ટિએ આ ગઠબંધન મજબૂત સ્થિતિમાં હતું. બિહાર, દિલ્હી, બેંગલુરુ, મુંબઇ એમ વિવિધ સ્થળોએ ગઠબંધનના નેતાઓ ભેગા થયા. મોરચો મંડાયો. ખાસ કરીને કર્ણાટક અને તેલંગણામાં કોંગ્રેસની જીત પછી, ઉત્તર-પશ્ચિમમાં ભાજપ સામે દક્ષિણ-પૂર્વમાં ઇન્ડિયા એલાયન્સ એ રીતના સમીકરણો ઘડાઇ જ રહ્યા હતા…

એવામાં મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ વિધાનસભાના પરિણામોએ કોંગ્રેસની હાલત કમજોર કરી નાખી. કોંગ્રેસની મોટાભાઇ બનવાની જીદ અને પ્રાદેશિક પક્ષોના નેતાઓના અહમના કારણે વિધાનસભા ચૂંટણીમાં ગઠબંધન ન થઇ શક્યું.

બસ, એ પછી ઇન્ડિયા એલાયન્સ તૂટું તૂટું થતી અવસ્થામાં ટકેલું આવ્યું છે. બંગાળમાં મમતાદીદી કોઇના હાર્યાદોર્યામાં નથી અને કેજરીવાલ એન્ડ કંપની ગઠબંધનનો ભાગ હોવા છતાં પંજાબમાં કોંગ્રેસને મચક આપવા તૈયાર નથી. ગઠબંધન હોવા છતાં યુપીમાં અખિલેશ, બિહારમાં લાલુ, મહારાષ્ટ્રમાં ઉધ્ધવ ઠાકરેની શિવસેના અને તામિળનાડુમાં ડીએમકે એમ બધા એકસૂરમાં બોલવાના બદલે પ્રાદેશિક હિતો સાચવવા અલગ અલગ રાગ આલાપી રહ્યા છે. ઉદાહરણ તરીકે, ડીએમકેના નેતા એ. રાજા તામિળોને સાચવવા હિન્દુત્વ વિરુધ્ધ નિવેદન આપે એટલે એનો બચાવ કરવામાં કોંગ્રેસની બધી શક્તિ ખર્ચાઇ જાય.

અલબત્ત, ખોંડગાતા ખોડંગાતા ડગલે આગળ વધી રહેલા ગઠબંધનને અરવિંદ કેજરીવાલની ધરપકડે ટેકણલાકડી પૂરી પાડી છે. દિલ્હીના રામલીલા મેદાનમાં યોજાએલી રેલીમાં મમતાદીદીના પ્રતિનિધિ સહિત ગઠબંધનના બધા પક્ષોની હાજરીથી હાલપૂરતો તો મોરચો મેદાનમાં છે.

પરંતુ ખરો ખેલ ટીકીટોની વહેંચણી અને એ પછી કેમ્પેઇનમાં થશે. ટીકીટોનું તો હજીય સમજ્યા, પણ પ્રચારસભાઓમાં ડીએમકેના નેતાઓ કાંઇક બોલશે, કોંગ્રેસના અધીર રંજન ચૌધરી મમતાદીદી વિશે બોલશે એટલે ખાંડા પાછા ખખડશે. આ પક્ષો અને એમના નેતાઓની મજબૂરી એ છે કે પ્રાદેશિક હિતો સાચવવા એમણે અમુક નિવેદનો કરવા પડે છે. વિચાર કરો, રાહુલ ગાંધી ભૂલેચૂકેય સાવરકર વિશે કાંઇ બોલે તો મહારાષ્ટ્રમાં એમના જ સાથી ઉધ્ધવ આણિ મંડળી માટે વળતો પ્રહાર કર્યા વિના છૂટકો છે? આ સંજોગોમાં, અમુક મુદ્દે કોમન એજન્ડા નક્કી કરીને પ્રચારમાં એકસૂત્રતા લાવવી જરૂરી છે. તો જ વિપક્ષોની એકતા દેખાય, પરંતુ અત્યારે તો આ શક્યતા દેખાતી નથી. પ્રચારમાં સ્પષ્ટ રણનીતિનો અભાવ ગઠબંધનને નડી શકે છે.

એ પણ હકીકત છે કે, અને ખાસ કરીને ઇલેક્ટોરલ બોન્ડની વિગતો બહાર આવ્યા પછી સ્પષ્ટ થઇ ચૂક્યું છે કે, સત્તાપક્ષ ભાજપની સરખામણીએ કોંગ્રેસ સહિતના વિરોધી પક્ષો પાસે ચૂંટણી જીતવા પૂરતાં આર્થિક સંસાધનો નથી. અમારાં બેન્ક ખાતાં ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે એવી કોંગ્રેસની ફરિયાદ સાવ સાચી નહોતી તો સાવ ખોટી ય નહોતી. વર્ષો જૂના કેસમાં ઇન્કમટેક્સ વિભાગ અચાનક જાગે એ ગળે ઉતરે એવું તો નથી જ. અફકોર્સ, હાલપૂરતું તો સુપ્રીમ કોર્ટે રાહત આપી છે, પણ ચાલુ ચૂંટણીએ આવું કાંઇક નવું ગતકડું ન આવે એની કોંગ્રેસને કોઇ ખાતરી નથી. ચૂંટણી જીતવા જરૂરી નાણા-મશીનરી આજે ભાજપ પાસે છે એટલી અન્ય કોઇ પક્ષ પાસે નથી. વિપક્ષ ચૂંટણી પહેલાં જ માનસિક રીતે થાકી જાય અને ગુજરાત વિધાનસભાની ગઇ ચૂંટણીમાં જે રીતે કોંગ્રેસે લો-પ્રોફાઇલ રણનીતિના નામે લડતાં પહેલાં જ હથિયારો હેઠાં મૂકી દીધેલાં એવું ઘણી જગ્યાએ બને એ શક્ય છે.

ઇન શોર્ટ, હાલની સ્થિતિએ ગઠબંધન છે, છે અને નથી જેવું છે. ભાજપ-વિરોધી મતો વંહેંચાઇ જતા અટકાવવા ગઠબંધનમાંથી એક જ ઉમેદવાર હોય એ પૂરતું નથી, એ ઉમેદવાર માટે બધા પક્ષોના કાર્યકરોએ મહેનત પણ કરવી પડે. એ થશે? ખબર નથી, અત્યારે તો વિપક્ષના નેતાઓ-ઉમેદવારો પક્ષની રણનીતિ કરતાં મતવિસ્તારમાં પોતાની લોકપ્રિયતા અને તાકાતથી કેટલી બેઠકો જીતી લાવે છે એના પર સઘળો દારોમદાર છે.

(લેખક ચિત્રલેખા.કોમના એડિટર છે.)