સોનું નવા શિખરો પર, કોણે આપ્યો તેજીને સપોર્ટ?

સોનું પાછલાં કેટલા સમયથી નવા દિવસે નવા શિખરો બનાવતું જાય છે. એક બાજુ લગ્ન સિઝન અને બીજી બાજુ સોનાની વણથંભી તેજી. સોનાએ પાછલા એક વર્ષમાં રોકાણકોરાને તો હાશકારો આપ્યો છે. ત્યારે લગ્નના તાતણે બંધાનારાઓ માટે સોનાની ખરીદી એક પડકાર રૂપ બની છે. સોનાની આંધણી દોડથી લોકોના બજેટ પર તો જાણે પાટુ પડ્યું હોય. વધતા સોનાના ભાવથી સોનીઓની હાલત કફોડી બની છે. લોકો લોભામણી યોજનાઓથી પણ સોનાની ખરીદી કરવા માટે આવી રહ્યા નથી. જ્યારે વાત થાય વૈશ્વિક બજારની તો વૈશ્વિક બજારમાં પણ સોનાની કિંમતો રોજ નવા શિખરો પર સર કરે છે.  બીજી તરફ સોનાના પગલે ચાંદીમાં પણ તેજીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. આથી લોકો સોના સાથે ચાંદીની ખરીદીને ટાળવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આ વણથંભી તેજીના કારણો જાણવા માટે ચિત્રલેખા.કોમે કુંવરજી ગ્રુપના રવિ દિયોરા સાથે વાત કરી હતી. વાતચીત દરમિયાન રવિ દિયોરાએ તેજીના કારણો જણાવતા કહ્યું કે, હાલ દુનિયામાં ભૌગોલિક તણાવ ચાલી રહ્યા છે. એકતરફ ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું. તેમાં હવે ઈરાને પણ ઈઝરાયેલ સામે યુદ્ધ શરૂ કર્યું છે. આ જ ભૌગોલિક તણાવ સોનાની કિંમતોને સપોર્ટ કરતા જોવા મળી રહ્યા છે. વધુમાં તેમણે જણાવ્યું કે ચીનની સેન્ટ્રલ બેન્કની ખરીદી પણ સોનાની કિંમતોને સપોર્ટ આપતી જોવા મળી રહી છે.

આ ઉપરાંત ગોલ્ડ ETFs ફ્લૉ પણ હવે પોઝિટિવમાં આવી રહ્યો છે. છેલ્લાં બાવીસ મહિનાથી ગોલ્ડ ETFs ફ્લૉ વીસ મહિના સુધી નેગેટિવમાં રહ્યો હતો. જે હાલ પોઝિટિવ થતો જોવા મળી રહ્યો. લોકસભા ચૂંટણીને લઈ રવિ દિયોરાએ જણાવ્યું કે સોનાની કિંમતો પર ચૂંટણીની વધુ અસર જોવા નહીં મળે. સાથે જ વધતા ડૉલર ઈન્ડેક્સથી સોનાની કિંમતો પર મામૂલી અસર જોવા મળી શકે છે.