ત્રીજા મોરચા માટે જુદા જુદા પક્ષો પ્રયાસો કરે છે, તેની બહુ નવાઇ લોકોને રહી નથી. જૂની પેઢીના લોકોને યાદ છે કે કટોકટી પછી ગમે તે સંજોગોમાં કોંગ્રેસને હરાવવી જરૂરી હતી ત્યારે જનતા મોરચો બન્યો હતો. તેમાં જનતા પાર્ટીના સાથી પક્ષોએ જનસંઘને પણ પોતાની સાથે સામેલ કર્યો હતો. તે સાચા અર્થમાં એક રાષ્ટ્રીય પક્ષ સામે મોરચો બન્યો હતો. મોરચો બન્યો અને તેને ચૂંટણીમાં સફળતા પણ મળી, પરંતુ તે લાંબો સમય ચાલ્યો નહિ. કોંગ્રેસ બહાર રહીને તેમાં ભાગલા પડાવવા માટે સક્રીય હતી અને થોડા જ સમયમાં મોરચો વિખાઈ ગયો.
તે મોરચો વીંખાઇ ગયો તે પછી ફરી 1989માં મોરચો બન્યો હતો. આ વખતે કોંગ્રેસ સામે હવે કોંગ્રેસમાંથી છુટ્ટા પડેલા વી. પી. સિંહ હતા. જનસંઘનો નવો અવતાર ભારતીય જનતા પક્ષ બન્યો હતો, પણ આ વખતે ભાજપને મોરચામાં જોડાવાનો એટલો રસ નહોતો. કોંગ્રેસની સામે મોરચો વીંખાઇ ગયો તે પછી ભાજપ રાષ્ટ્રીય પક્ષ તરીકે આગળ વધવા માગતો હતો. તે માટેનો માર્ગ તેને દેખાવા લાગ્યો હતો એટલે ચૂંટણી પહેલાં કોઈ મોરચામાં જોડાવામાં ભાજપને રસ નહોતો.
ચૂંટણી પછી જ્યારે લાગ્યું કે કોંગ્રેસને સત્તામાં આવતી રોકવી હોય તો ત્રીજા મોરચાને ટેકો આપવો જોઈએ, ત્યારે ભાજપે વી. પી. સિંહને ટેકો આપ્યો હતો. તે પછી ફરી એકવાર એક દાયકો પસાર થઈ ગયો અને 1999માં આખરે ભાજપની આગેવાનીમાં એનડીએની રચના થઈ ત્યારે હવે ત્રીજો મોરચો રહ્યો નહોતો. હવે કોંગ્રેસનો એક મોરચો અને એક મોરચો ભાજપનો હતો. બંને રાજ્યોમાં અનુકૂળતા પ્રમાણે પ્રાદેશિક પક્ષોનો સાથ લઈ રહ્યા હતા.
આટલી લાંબી પ્રસ્તાવના બાંધવા પાછળનો આશય નવી પેઢીના વાચકોને જૂના મોરચાઓનો ખ્યાલ આપવાનો છે. નવી પેઢીના મતદારોએ ભાજપ અને કોંગ્રેસના મોરચા જોયા છે. 1996માં ત્રીજો મોરચો હતો ખરો પણ તે લાંબું ટકશે નહિ તે સૌ જાણતા હતા. કેમ કે તે મોરચામાં કોંગ્રેસ પણ નહોતો કે ભાજપ પણ નહોતો. બેમાંથી એક મુખ્ય રાષ્ટ્રીય પક્ષની હાજરી વિના મોરચાને ધરી મળે નહિ અને મોરચો ટકે નહિ તે માન્યતા ઘર કરી ગયેલી છે.
હવે 2019 માટે જે મોરચો આકાર લઇ રહ્યો છે તે ફરીથી કટોકટી પછી બનેલા જનતા મોરચા જેવો છે. ભાજપને કોઇ પણ ભોગે હરાવવા માટે બધા પક્ષો એક થઈ રહ્યા છે અને તેમાં કોંગ્રેસ પણ એક પક્ષ છે, તે મુખ્ય પક્ષ નથી. 1977 અને 2019માં ફરક એ છે કે તે વખતે કોઈ પણ પક્ષે સત્તાનો સ્વાદ ચાખેલો નહોતો. દરેક પક્ષની માત્ર મહત્ત્વાકાંક્ષા જ હતી. દરેક કોંગ્રેસને હટાવીને પોતાનું સ્થાન જમાવવા માગતો હતો. આ વખતે મોટા ભાગના પક્ષો એવા છે, જેમણે રાજ્યોમાં અને અમુક અંશે કેન્દ્રમાં સત્તાનો સ્વાદ ચાખેલો છે અને સ્થાન જમાવવાના બદલે, સ્થાન જામેલું હતું -પોતપોતાના રાજ્યોમાં-તે સ્થાન જોખમમાં છે.
આવું જોખમ અરવિંદ કેજરીવાલને પણ લાગ્યું છે તે એક નવી વાત હવે સામે આવી રહી છે. વચ્ચે એક તબક્કે કોંગ્રેસ અને ભાજપ બંનેનો સાથે લઈને પસ્તાયેલા બીએસપીનો આગ્રહ એકલા ચાલવાનો હતો. બીએસપી એકને નાગનાથ અને બીજાને સાપનાથ કહેતી આવી હતી અને પ્રાદેશિક પક્ષ એસપી સામે તો કાયમી દુશ્મનાવટ હતી જ. અરવિંદ કેજરીવાલનો પક્ષ આમ આદમી પાર્ટી પણ એ જ ભૂમિકા પર આગળ વધ્યો હતો. કોંગ્રેસ પણ નકામી, ભાજપ પણ નક્કામો અને પ્રાદેશિક પક્ષોનો કોઈ અર્થ નથી. અમે આપીશું રાષ્ટ્રીય વિકલ્પ.
આ સપનું બહુ ઝડપથી તૂટી ગયું, કેમ કે લોકસભામાં નરેન્દ્ર મોદીનો વાવટો ફરી વળ્યો અને દિલ્હીની સાતેસાત લોકસભા બેઠકો ભાજપે જીતી લીધી હતી. એક જ વર્ષ પહેલાં દિલ્હીમાં આમ આદમી પાર્ટીને મળલો વિજય અકલ્પનિય હતો. ભાજપને માત્ર 3 બેઠકો મળી હતી અને કોંગ્રેસને ઝીરો. આમ આદમી પાર્ટી 87 બેઠકો જીતી ગયો હતો. એક જ વર્ષમાં તેને ખ્યાલ આવી ગયો કે દિલ્હી તેની એકલાની નથી.
ત્યારબાદ ગુજરાતમાં ચૂંટણી લડવાના પણ તેના હોંશ રહ્યા. માત્ર પંજાબમાં થોડો સારો દેખાવ કર્યો અને ગોવામાં પણ કંઈ હાથ આવ્યું નથી.
તેથી બીએસપીની જેમ આમ આદમી પાર્ટીને પણ ખ્યાલ આવ્યો છે કે એકલા હાથે લડવાનું તેનું હવે ગજું નથી. માયાવતી પણ હવે જે રીતે એસપી સાથે ગળે ના ઉતરે તેવું ગઠબંધન કરવા તૈયાર થયા છે, તેવી રીતે કેજરીવાલ માન્યામાં ના આવે તેવી રીતે કોંગ્રેસ સાથે ગઠબંધન કરવા ઉતાવળા થયા છે એવા અણસાર છે.
હાલમાં જ બોર્ડેની પરીક્ષાનું પરિણામ આવ્યું. તેમાં કોંગ્રેસના નેતા અજય માકેનના દીકરાને સારા માર્ક્સ મળ્યા. કેજરીવાલે તે માટે તેમને અભિનંદન આપ્યા. તેના કારણે સૌનું ધ્યાન ખેંચાયું છે. માકેનને અભિનંદન આપીને કેજરીવાલે સૌને ચોંકાવ્યા. હકીકતમાં તેના થોડા દિવસ પહેલાં જ શીલા દીક્ષિતનું એક નિવેદન આવ્યું હતું તેના તરફ કોઈનું ધ્યાન ગયું નહોતું.
નિવેદન નહિ, પણ એક સ્થાનિક અખબારને આપેલા તેમણે ઇન્ટરવ્યૂના કારણે સૌને ખ્યાલ આવ્યો કે કંઇક ચાલી રહ્યું છે. આમ આદમી પાર્ટીએ ભાજપ સામે લડવા માટે લોકસભાની ચૂંટણીમાં સમજૂતિ કરવી જોઈએ તેવી સમજૂતિ માટે કોંગ્રેસને ઓફર કરી છે. આ ઓફર વિશે ગંભીરતાથી વિચારણા ચાલે છે તેવો અણસાર દીક્ષિતના ઇન્ટરવ્યૂમાંથી મળ્યો. ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે રાજકારણ હંમેશા શક્યતાનો ખેલ હોય છે. રાજકારણમાં કંઈ પણ શક્ય છે તેવી તેમની વાત નવી નથી, પણ અત્યારે કહેવામાં આવી એટલે લોકો એવું સમજ્યા છે કે આપ સાથે પણ જોડાણની શક્યતા ખુલી છે.
જોકે માકેનને આ વાત માફક આવે તેમ નથી. કેમ કે તેમણે દિલ્હી માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે અને આપ સરકારની નિષ્ફળતા માટેનું અભિયાન શરૂ કર્યું છે. તે જ વખતે આ ઇન્ટરવ્યૂ આવ્યો એટલે કોંગ્રેસમાં પણ સામસામે જૂથો ગોઠવાયેલા છે તેનો ખ્યાલ આવ્યો. માકેનની મહત્ત્વાકાંક્ષા એ છે કે શીલા દીક્ષિતના દિવસો હવે પૂરા થયા છે ત્યારે પોતાના માટે તક છે. પણ દીક્ષિત જૂના ખેલાડી છે અને સહેલાઇથી મેદાન છોડવા તૈયાર નથી. કેજરીવાલે આ તકનો પણ લાભ લીધો છે. એવી ચર્ચા છે કે તેમણે એવી બેઠકો કોંગ્રેસને ઓફર કરી છે, જ્યાં માકેન વિરોધી નેતાઓને ટિકિટ આપી શકાય. તે રીતે એક કાંકરે બે પક્ષીઓ મારવાનું કામ કેજરીવાલે કર્યું છે. દિલ્હીમાં પોતાની આબરૂ બચાવી રાખવી જરૂરી છે. તેથી કોંગ્રેસ સાથે સમજૂતિ કરી લેવાની વાત કરી છે. સાથોસાથ કોંગ્રેસના મજબૂત નેતા માકેનના હરિફ જૂથને મદદ કરીને કોંગ્રેસમાં આંતરિક કલહ બંધ ના થાય તે માટે પણ કોશિશ કરી છે. નબળી કોંગ્રેસ હોય તો સાથી તરીકે સારી એવી ગણતરી કેજરીવાલની છે.
આપ અને કોંગ્રેસની સમજૂતિ અસ્થાને નથી લાગતી, કેમ કે મધ્ય પ્રદેશમાં પ્રમુખ તરીકે નિમાયેલા કમલ નાથે કહ્યું છે કે તેમણે બીએસપી સાથે સમજૂતિ કરી લીધી છે. મધ્ય પ્રદેશમાં બીએસપી સાતેક ટકા મતો લઇ જાય છે અને કોંગ્રેસને નડે છે. આ વખતે તેમની સાથે અગાઉથી જ સમજૂતિ કમલ નાથે કરી લીધી છે. ભાજપ વિરોધી મોરચા માટે આ અગત્યના ન્યૂઝ છે. મધ્ય પ્રદેશના પૂર્વ વિસ્તારમાં આદિવાસીઓનો મોરચો છે. તેની સાથે પણ સમજૂતિ કરી લીધાની વાત કમલ નાથે કરી છે.
તે સાથે જો દિલ્હીમાં કોંગ્રેસ આપ સાથે સમજૂતિ કરે તો તે વધુ એક મહત્ત્વનું પગલું ગણાશે. આપને બીજા પક્ષો સાથે ખાસ ફાવતું નથી. માત્ર મમતા બેનરજી સાથે કેજરીવાલને થોડા સંબંધો છે. દિલ્હીમાં અમુક ભાજપ વિરોધી કાર્યક્રમોમાં બંને નેતાઓ સાથે દેખાયા હતા. બંગાળમાં પણ કોંગ્રેસ સાથે મમતા કેવી રીતે ગોઠવણ કરે છે તે જોવાનું રહ્યું. તે સંજોગોમાં દિલ્હીમાં સમજૂતિ કરવા માટે આપને મમતાએ મનાવ્યા હોય તે શક્ય છે. વડાપ્રધાનની મહત્ત્વાકાંક્ષા રાખતા ત્રીજા મોરચાના નેતાઓ પોતાને ટેકો આપે તેના નાના પક્ષોને સાથે લઈ રહ્યા છે. મમતા માટે આપ એવો જ એક પક્ષ છે. મમતા માટે બિહારમાં કોઈ હરિફ નથી. તેજસ્વી યાદવ તેમને સમર્થન આપી શકે છે. મહારાષ્ટ્રમાં તેઓ શિવસેના સાથે સંબંધો બાંધી રહ્યા છે. આ બધા ગણિતો ભેગા થઈ રહ્યા છે, ત્યારે તાળો મેળવવો ઉલટાનો મુશ્કેલ બની રહ્યો છે. કોણ કોની સાથે છે અને આખરે કોણ કોના પગ ખેંચશે તે માટે હજી આખું વર્ષ રાહ જોવાની છે.