CICનો PMOને સવાલ: કોહિનૂર હીરાને પરત લાવવા સરકારે શું કર્યું?

નવી દિલ્હી- સેન્ટ્રલ ઈન્ફોર્મેશન કમિશને વડાપ્રધાન ઓફિસ અને વિદેશ મંત્રાલયને પ્રશ્ન કર્યો છે કે, સરકારે કોહિનૂર હીરાના દેશમાં પરત લાવવા ક્યા પ્રકારના પ્રયાસો કર્યા છે. આ ઉપરાંત CICએ મહારાજા રણજીત સિંહનું સોનાનું સિંહાસન, શાહજહાંનો શરાબનો પ્યાલો અને ટીપુ સુલ્તાનની તલવાર જેવી પ્રાચીન અને કીમતી વસ્તુઓ પરત લાવવા માટે સરકાર દ્વારા કરવામાં આવેલા પ્રયાસો અંગે માહિતી આપવા જણાવ્યું છે.મહત્વનું છે કે, આ તમામ પ્રાચીન વસ્તુઓ ભારતીય ખ્યાતિ અને લોકકથાઓનો એક ભાગ છે અને આ તમામ વસ્તુઓને આક્રમણકર્તાઓ ભારત પાસેથી લઈ ગયા હતા. હાલના સમયમાં આ કીમતી ચીજવસ્તુઓ વિશ્વભરના વિવિધ સંગ્રહાલયોની શોભા વધારી રહી છે.

આ અંગે જ્યારે એક RTI અરજદારે વિદેશ મંત્રાલય અને વડાપ્રધાન કાર્યાલયનો સંપર્ક કર્યો ત્યારે તેની અરજીને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગને મોકલવામાં આવી હતી. ASI એ જણાવ્યું હતું કે, વિદેશોના સંગ્રહાલયમાંથી વસ્તુઓ પરત લાવવાનો પ્રયાસ તેના અધિકારક્ષેત્રમાં નથી આવતો.

ASI એ જણાવ્યું કે, તેઓ માત્ર એ પ્રાચીન વસ્તુઓને પરત મેળવવા પ્રયાસ કરે છે, જેને એન્ટીક્વિટીઝ એન્ડ આર્ટ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ, 1972નો ઉલ્લંઘન કરીને ગેરકાયદે રીતે વિદેશોમાં નિકાસ કરવામાં આવ્યો હોય. માહિતી કમિશનર શ્રીધર આચાર્યુલુએ જણાવ્યું કે, આ વસ્તુઓ ભારતની ધરોહર છે અને ભારતના લોકોને આ વસ્તુઓ પરત મેળવવામાં રુચિ છે.

સરકાર આ ભાવનાઓની અવગણના કરી શકે નહીં. તેમણે કહ્યું કે, સાંસ્કૃતિક મંત્રાલયે સુપ્રીમ કોર્ટને ખાતરી આપી છે કે, તે પ્રયત્ન ચાલુ રાખશે. એવામાં આ પ્રયાસોમાં જો કોઈ પ્રગતિ થઈ હોય તો માહિતી આપવાનું તેમનું કાર્ય હતું. પણ એ જાણવા મળ્યા પછી પણ કે ASI પાસે આઝાદી પહેલાની કલાકૃતિ મેળવવાનો કાનૂની અધિકાર નથી, તો પછી PMO અને સાંસ્કૃતિક મંત્રાલય એ નિષ્કર્ષ પર પહોંચ્યા છે કે, RTIની અરજી ASIના કાર્યો સાથે સંકળાયેલી છે.