વર્ષા વિજ્ઞાનના 59 નિષ્ણાતોનું તારણ, આટલો થશે વરસાદ…

જૂનાગઢ– જૂનાગઢમાં વર્ષા વિજ્ઞાનના અવલોકનકારોનો પરિસંવાદ યોજાઈ ગયો, જેમાં 59 અવલોકનકારોનું તારણ છે કે ગુજરાતમાં આ વર્ષે 12થી 14 આની વરસાદ થશે.જૂનાગઢ જિલ્લામાં છેલ્લા ૨૫ વર્ષથી વર્ષાવિજ્ઞાન મંડળ અને જૂનાગઢ કૃષિ યુનિ. દ્વારા આગામી ચોમાસાની લાંબાગાળાની આગાહીઓ એકત્ર કરવા તેમજ વિવિધ સંબંધે અભ્યાસુ આગાહીકારોને એકમંચ પર ભેગા થયાં હતાં. ચોમાસા પૂર્વે કૃષિ યુનિ. કેમ્પસમાં આ કાર્યક્રમ યોજાયો હતો.

સૈારાષ્ટ્રની ખેતી અને ખેડુતોનાં વિકાસને ધ્યાને રાખીને જૂનાગઢ કૃષિ યુનિ. અને વર્ષા વિજ્ઞાનમંડળ દ્વારા યોજીત વર્ષા વિજ્ઞાન પરિસંવાદને ખુલ્લો મુકતા કૃષિ યુનિ.નાં કુલપતિ ડો. એ.આર. પાઠકે જણાવ્યુ હતુ કે કૃષિ અવલોકનકારોનાં આ પૈારાણિક વારસો જીવંત રહે અને કૃષિ પ્રયોગશીલ ખેડુતોની કોઠાસુઝને વિજ્ઞાન સાથે સંકલીત કરવાનો આ પ્રયાસ લાભપ્રદ બની રહેશે. રાજ્ય સરકારે વરસાદી જળસંગ્રહ માટે જળઅભિયાન દ્વારા જે કાર્યો કર્યા છે, તેનાથી સંગ્રહીત જળરાશીથી ખેડુતોને ખુબ ફાયદો થશે, વરસાદ એ પ્રભુએ આપેલ પ્રસાદ છે અને પ્રસાદરૂપી વરસાદી નીરને ખેતરમાં પ્રસાદભાવે જ સિંચીત કરવુ જોઇએ.ડો. પાઠકે ઉમેર્યુ હતુ કે અવલોકનકારો ભડલીવાક્યો, વનસ્પતિનાં લક્ષણો, પશુપક્ષીની ચેષ્ટાઓ, અખાત્રીજનાં પવનો, જ્યોતીષ વિદ્યા, ખગોળ વિજ્ઞાન, વાદળનો કસ, વસંતમાં આવેલા ફૂલ, ચૈત્રના દનીયા, પાનખરની ઋતુ, મે માસનું તાપમાન, વૃક્ષોના ફળો વગેરેનાં પોતપોતાનાં અવલોકનોના આધારે આવનાર વર્ષનું પૂર્વાનુમાન કરતા હોય છે. આવા જાણકારો પોતાનાં અભ્યાસ, લાંબાગાળાનો અનુભવ તેમજ તેઓ પાસે રહેલ જ્ઞાનને આધારે આગાહી કરે છે.
આવનાર ચોમાસામાં કેવો અને કેટલો વરસાદ થશે તે અંગે વર્ષાવિજ્ઞાનનાં જાણકારોએ બારથી ચૌદ આની વર્ષ રહેવાની આગાહી વ્યક્ત કરી છે.

ઊમરાળાના નાનજીભાઈ રંગાણી

ઊમરાળા ગામનાં નાનજીભાઇ રંગાણીએ શીયાળાનાં કસ, દનૈયાનો તપારો, અખાત્રીજનાં વાયરા, ઉપરથી વરતારો વ્યક્ત કરતા જણાવ્યુ છે કે આ વર્ષ ૧૪ આની રહેશે.

મોરૂકા ગીરના મોહનભાઈ દલસાણીયા

મોરૂકા ગીરના મોહનભાઇ દલસાણીયાએ અધિક માસનાં અગાઉના વર્ષોનાં અભ્યાસ અને કસનું બંધારણ-પવનની અનુકુળતા જેવા મુદાઓ પર અભ્યાસ કરી અનુમાન વ્યક્ત કરેલ છે કે આ વરસ ૧૨ આની એટલે કે સારુ રહેશે.

વંથલીના રમણીકભાઈ વામજા

વંથલીનાં રમણીકભાઇ વામજાએ આ વર્ષને ૧૬ આની લેખાવી અનુમાન વ્યક્ત કરતા જણાવ્યુ કે આકાશમાં કસ સારા, વનસ્પતિના લક્ષણ સારા, ઉતાસણી અને અખાત્રીજનો પવન સારો હોય વરસાદ સાનુકુળ રહેશે.

સીદસરના ગીરધરભાઈ બેચરા

સીદસર ગામનાં ગીરધરભાઇ બેચરાએ પણ તેમના અવલોકનો પરથી વર્ષ ૧૬ આની રહેવાની સંભાવના વ્યક્ત કરી છે.સને ૧૯૯૦માં ડો. એ.ઓ.ખેરનાં માર્ગદર્શન તળે ડો. મુન્શી, ડો. ગુંદાલીયા, અને કૃષિ યુનિ.નાં સહયોગથી આજે ૨૫ વર્ષથી વરસાદી વરતારા માટે અવલોકનકારો તેમનાં ભડલી વાક્યો, શતવૃષભાવકુંડળી, મયુર ચિત્રકામ, મેઘમાલા, વૃષ્ટી પ્રબોધ તેમજ પશુપક્ષીઓની ચેષ્ટાઓ, લોકવાયકાઓ, ખગોળવિજ્ઞાન, ઋતુમાં થતાં પરીવર્તનો, વનસ્પતિમાં જોવા મળતા બદલાવને ધ્યાને લઇ મેળવાતા તારણોમાં આધુનીકતા આવે અવલોકનકાર વૈજ્ઞાનીક તથ્યોને સમજીને અવલોકન સચોટ કરી શકે તે માટે ભેજમાપક યંત્ર, તાપમાનમાં થતાં બદલાવના અવલોકન માટે તાપમાનમાપક યંત્ર, પવન દીશા સુચકયંત્ર આગાહીકારોને વિનામુલ્યે આપવામાં આવ્યા હતા.

ગત વર્ષે અભ્યાસુઓએ રજુ કરેલ અવલોકન પેકી પ્રેમજીભાઇ બોરડ અને અરજણભાઇ ખાંભલા ને પ્રથમ, બાવનજીભાઇ ગજેરાને દ્વિતિય અને તૃતિય સ્થાને પરશોત્તમભાઇ રાજાણીએ રજુ કરેલ તારણો શ્રેષ્ઠ રહ્યા હતા. જેમને શાલથી સન્માનિત કરાયા હતા.

પરિસંવાદની હાઈલાઈટ્સ

  • ૫૯ જેટલા અવલોકનકારો અને ૧૨૦ જેટલા વર્ષ વિજ્ઞાનમાં રસ ધરાવતા લોકોની હાજરીમાં આવનાર ચોમાસુ ૧૨થી ૧૪ આની રહેવાની ધારણાઓ વ્યક્ત કરવામાં આવી છે.
  • ચોમાસાની શરુઆત ૮ જુનથી અને અંત ઓક્ટોબરનું બીજુ અઠવાડીયુ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરાઇ છે.
  • જૂલાઇનાં ત્રીજા અને ઓગષ્ટનાં બીજા અઠવાડીયામાં અતીવૃષ્ટીની સંભાવના અવલોકનકારોએ મુકી છે.
  • આ વરસે ખંડીય અને ઝાળીઝપટ પવન તેમજ ગાજવીજ સાથે થાય તેથી ઝાડ-પાનને નુકશાન થવાની તેમજ વીજળી પડવાની શક્યતા વ્યક્ત કરાઇ છે.
  • લાંબાગાળાનાં પાક કપાસ, મગફળી તુવેર એરંડા જેવા પાકો સારા થવાની શક્યતા છે.
  • વરસાદનાં પાણીનો સંગ્રહ થવાથી શીયાળુ પાક પણ સારો રહેવાની અવલોકનકારોએ ધારણા વ્યક્ત કરી છે.
  • આ વરસે ચૈત્ર માસના દનૈયા આ વખતે ૩૮થી ૪ર ડિગ્રીએ તપેલા છે.
  • તા. ૭થી ૧૪ એપ્રિલ સુધીના આદ્રાથી હસ્ત નક્ષત્ર સુધીના આ દનૈયામાં આખો દિવસ ઠંડો દનૈયુ રહ્યુ હતું. માટે એકાદ નક્ષત્રમાં વરસાદ ન થાય તેવુ અનુમાન છે.
  • તપેલા દનૈયાના કારણે કરાં સાથે વરસાદ પણ પડયો હતો. માટે આ વર્ષે દુષ્કાળની સંભાવના નથી.
  • વરસાદ નક્કી કરવા માટે આ સૌથી વધુ પ્રચલિત તહેવાર છે. જાણકારો તો ઠીક સામાન્ય લોકો પણ આ દિવસે વરસના વરતારા માટે પવનની દિશા જોતા હોય છે.
  • હોળીના દિવસે સૂર્ય આથમી ગયા બાદ ૯૬ મિનીટ પવનની દિશા જોવાની હોય છે. આ વખતે ઈશાન દિશામાંથી પવન આવીને નૈઋત્ય તરફ જતો હતો. માટે પવનની આ દિશાને ધ્યાને લેતા ચોમાસુ સરેરાશ રહે તેવી શક્યતા છે.
  • અખાત્રીજના દિવસે સવારના સમયે સૂર્યોદય બાદ ૯૬ મિનીટ સુધી પવનની દિશા જોવાની હોય છે. જેમાં ક્યારેક ઉતર અને ક્યારેક ઈશાન દિશાનો પવન હતો. વધારે વાયવ્યનો પવન જોવા મળ્યો હતો. ઉતરથી દક્ષિણ અને વાયવ્યમાંથી અગ્નિ દિશા તરફ ગયેલા પવનના કારણે સારો વરસાદ થવાની આગાહી છે.
  • સામાન્ય રીતે ગ્રામ્ય વિસ્તારોમાં એક કહેવત છે કે, ‘ડોશી મહિનામાં દુકાળ પડે…’ પણ આ કહેવત આ વર્ષે એટલા માટે ખોટી પડશે કે ડોશી મહિનો એટલે કે અધિક માસ આ વખતે શ્રાવણ કે ભાદરવા મહિનામાં નથી !
  • છેલ્લા ૯૭ વર્ષમાં ૩૯ અધિક માસ આવ્યા છે. આ માસ હોય તેવા વર્ષના વરસાદી પત્રકોનો અભ્યાસ કરતા એવુ તારણ નિકળે છે કે, જેઠ કે વૈશાખ માસમાં અધિક માસ હોય ત્યારે વરસાદ સારો થાય છે. જો શ્રાવણ કે ભાદરવા માસમાં અધિક માસ હોય તો જ વરસાદ નબળો પડે છે.
  • અત્યાર સુધીમાં પ્રકૃતિની મળેલી નિશાનીઓને જોતા વરસ સારૂ રહે તેવા સંકેત મળી રહ્યા છે. અધિક માસ હોવા છતાં ચોમાસુ ખરાબ જશે નહીં.

કેટલાક આગાહીકારોના મતે અરબી સમુદ્ર કે બંગાળની ખાડીમાં લો-પ્રેશર સર્જાશે. જો કે તેની અસર કેવી અને કેટલી વર્તાશે ? તે જે તે સમયે જ તાગ કાઢી શકાય. વર્ષા વિજ્ઞાન મંડળ પ્રમુખ ડો.એ.એમ.પારખીયાએ વર્ષા વિજ્ઞાન પરિસંવાદની ફલશ્રુતી વ્યક્ત કરતા જણાવ્યુ હતુ કે સમગ્ર સ્થિતિને ધ્યાને લેતા જૂનથી નિયમીત ચોમાસુ બેસે તેવી શક્યતા છે. વરસાદી પાણીના તળ ભરાશે અને શિયાળુ પાક લઈ શકાશે. લાંબા ગાળાના પાક મગફળી, કપાસ વગેરે ઓરવીને વાવેતર કરવાના બદલે નિયમીત વાવણી સમયે વાવેતર કરવાથી ખેડૂતોને ફાયદો થશે. જૂલાઈ, ઓગષ્ટ અને સપ્ટેમ્બરમાં વધારે વરસાદ પડશે, તેવુ અનુમાન છે. આ પરિસંવાદમાં ખેડુત અગ્રણી અને જૂનાગઢ એ.પી.એમ.સી.નાં ચેરમેન ભીખાભાઇ ગજેરા, વેપારી અગ્રણી જેરામભાઇ ટીંબલીયા, પ્રો.જે.ડી.ગુંદાલીયા, ડો. વી.જે.સાવલીયા, ડો. એ.એમ.પોલરા, ડો. પી.આર.કાનાણી, પ્રવિણભાઇ વોરા, સહીત આગાહીકારો, વર્ષા વિજ્ઞાન સાથે સંકળાયેલ તજજ્ઞો પરિસંવાદમાં ઉપસ્થિત રહ્યા હતા.