અબુ ધાબીમાં સૌ પ્રથમ હિન્દુ મંદિરનો શિલાન્યાસ…

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત આરબ અમિરાત (યૂએઈ)ના પાટનગર અબુ ધાબીમાં આજે આ ભૂમિ પરના સૌપ્રથમ હિન્દુ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો. પ્રમુખસ્વામી મહારાજ દ્વારા સ્થાપિત બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (BAPS)ના ઉપક્રમે દુબઈ-અબુ ધાબી હાઈવે પર બંધાનારા આ મંદિરનું બાંધકામ 2020માં પૂરું કરવાનો નિર્ધાર છે. મોદીએ અહીં ઓપેરા કમ્યુનિટી સેન્ટર ખાતે વિડિયો કોન્ફરન્સિંગ માધ્યમ દ્વારા આ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો.

વડા પ્રધાન પશ્ચિમ એશિયાના ત્રણ દેશોના ચાર દિવસના પ્રવાસે છે. જોર્ડન અને પેલેસ્ટાઈન થઈને તેઓ યૂએઈની બે-દિવસની મુલાકાત માટે અબુ ધાબી પહોંચ્યા છે. આજે એમણે યૂએઈના પાટનગર અબુ ધાબીમાં સૌપ્રથમ હિન્દુ મંદિરનું ભૂમિપૂજન કર્યું હતું. અબુ ધાબીમાં હિન્દુ મંદિરનો શિલાન્યાસ એક ઐતિહાસિક ઘટના છે.

શિલાન્યાસ વિધિ પ્રસંગે ઓપેરા કમ્યુનિટી સેન્ટરમાં ઉપસ્થિત ભારતીય સમુદાયનાં લોકો તથા યૂએઈના સત્તાધિશોને કરેલા સંબોધનમાં વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે મંદિર માનવતાનું માધ્યમ છે. અબુ ધાબીમાં આ પહેલું હિન્દુ મંદિર છે જે આ દેશ અને ભારત વચ્ચેના સંબંધો માટે એક સેતુ બનશે.

મંદિરનું નિર્માણ કરવાની પરવાનગી આપવા બદલ મોદીએ અબુ ધાબીના પાટવીકુંવરને સવાસો કરોડ ભારતવાસીઓ વતી આભાર માન્યો હતો.

અખાતના દેશો સાથે ભારતનો સંબંધ માત્ર વ્યાપારનો જ નથી, પરંતુ એક ભાગીદારીનો છે. અનેક દાયકાઓ બાદ ભારતને અખાતના દેશો સાથેની ભાગીદારીને મજબૂત કરવાનો ફરી મોકો મળ્યો છે, એમ વડા પ્રધાન મોદીએ એમના સંબોધનમાં કહ્યું હતું.

મોદીએ વધુમાં કહ્યું કે, અમે એ દિવસો પણ જોયા હતા જ્યારે લોકો કહેતા હતા કે ચલો છોડો યાર, કંઈ થવાનું નથી. પરંતુ હવે ભારતવાસીઓ નિરાશાના એ સમયગાળામાંથી પસાર થઈ ચૂક્યા છે. હવે લોકો એવા તબક્કે પહોંચ્યા છે જ્યાં લોકો એવું નથી પૂછતા કે આ કેવી રીતે થશે, થશે કે નહીં. હવે લોકો એમ પૂછી રહ્યા છે કે્ મોદીજી આ ક્યારે થશે? આ સવાલમાં ફરિયાદ નથી હોતી, પણ વિશ્વાસ હોય છે કે એ ક્યારે બનશે.

મોદીએ કહ્યું કે, દુનિયામાં આટલી ઝડપથી કોઈ દેશ આગળ વધી શકતો નથી. ભારત હવે વિશ્વ બેન્ક રેન્કિંગ્સમાં 100મા નંબર પર આવી ગયું છે. અમે દરેક રીતે પરિવર્તન માટે સજ્જ છીએ.

નોટબંધી નિર્ણય અંગે મોદીએ કહ્યું કે, મેં નોટબંધી નિર્ણય અમલમાં મૂક્યો તો દેશના ગરીબ લોકો ખુશ થયા છે, પરંતુ જેમના કાળા પૈસા ડૂબી ગયા છે એ લોકો બે વર્ષથી રડી રહ્યા છે.

શિલાન્યાસ વિધિ પૂર્વે BAPS મંદિર સમિતિના સભ્યોએ અબુ ધાબીમાં બંધાનાર હિન્દુ મંદિર વિશેનું સાહિત્ય અબુ ધાબીના પાટવીકુંવર તથા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પ્રસ્તુત કર્યું હતું.

મંદિરનો શિલાન્યાસ કરતા પહેલાં, વડા પ્રધાન મોદીએ અબુ ધાબીમાં વહાત અલ કરામા સ્મારક ખાતે જઈને અમિરાત સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

મોદીએ યૂએઈમાં આગમન કર્યા બાદ અબુ ધાબીના પાટવીકુંવર મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયને પોતાના પ્રમુખ મહેલમાં મોદીને ભેટીને એમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

ત્યારબાદ પીએમ મોદી અને અબુ ધાબીના પાટવીકુંવરની ઉપસ્થિતિમાં બંને દેશ વચ્ચે કેટલાક મહત્વના કરારો પર સહીસિક્કા કરવામાં આવ્યા હતા. આ કરારોમાં મેનપાવર, રેલવે સેવામાં સહકાર, ઈનલેન્ડ વોટરવેઝ ક્ષેત્રમાં સહકાર તેમજ મુંબઈ શેરબજાર તથા અબુ ધાબી શેરબજાર વચ્ચેની સમજૂતીનો સમાવેશ થાય છે.

યૂએઈમાં ભારતીય મૂળના લગભગ 30 લાખ લોકો વસે છે.

વડા પ્રધાન મોદી 2015માં પણ અબુ ધાબીની મુલાકાતે આવ્યા હતા અને ત્યારે જ એમણે ભારતીય સમુદાયની સભામાં જાહેરાત કરી હતી કે અબુ ધાબીમાં સૌપ્રથમ હિન્દુ મંદિર બાંધવાની અહીંના શાસકોએ મંજૂરી આપી છે.

આ મંદિર 55,000 સ્ક્વેર મીટર એરિયામાં બનાવવામાં આવશે. આ મંદિરનું નિર્માણ 2020ની સાલમાં પૂરું થશે. પથ્થરો વડે બાંધવામાં આવનાર આ મંદિર પશ્ચિમ એશિયામાં પહેલું હિન્દુ મંદિર હશે. આ મંદિર દિલ્હીમાં બાંધવામાં આવેલા તેમજ અમેરિકાના ન્યૂ જર્સીમાં બાંધવામાં આવી રહેલા BAPS અક્ષરધામ મંદિરોની પ્રતિકૃતિ હશે.

અબુ ધાબી મંદિર સમિતિના સભ્યો દ્વારા બીએપીએસ મંદિરનો પ્લાન અબુ ધાબીના પાટવીકુંવરને પ્રસ્તુત કરાયો તેનો વિડિયો…

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]