ગિફ્ટ આપવા માટે કેટલાક યુનિક ઓપ્શન

પ્રેમ એવી ભાવના, કે જે અનોખી છે. પ્રેમના ઘણા પ્રકાર છે. ભાઇ-બહેન વચ્ચેનું વ્હાલ, માતા પિતા માટેનું માન, મિત્રોની મિત્રતા, સંબંધીઓનો સ્નેહ, જીવનસાથીનો સાથ… જોવા જઇએ તો આ બધા પ્રેમના જ પ્રકાર. અને કોઇપણ પ્રકારનો પ્રેમ હોય તેની અભિવ્યક્તિ પણ ખુબ જરૂરી છે. હ્યુમન સાયકોલોજી અનુસાર કેરિંગ એન્ડ શેરિંગથી પ્રેમ વધે છે, આત્મીયતા વધે છે. પ્રેમ સાથે કેર એટલે કે કાળજી પણ જોડાયેલી છે.હવે સવાલ કે આ પ્રેમની અભિવ્યક્તિ આખરે કરવી હોય તો કેવી રીતે? સવાલ મહત્વનો તો છે. અને જવાબ પણ ઘણા બધા છે. જેમાંથી સૌથી પ્રચલિત છે, ભેટ આપવાનો સિરસ્તો. આજે આપણે એની જ વાત કરીએ. ભેટ આપવી એ ખાવાના ખેલ નથી. અને એ તો તમને પણ ખબર જ હશે. ભેટ આપવી એ ઘણીવાર એક ટાસ્ક બની જતુ હોય છે. જફાવાળુ કામ. એક તો પહેલુ કંઇ સુઝે નહીં. પછી સુઝે તો મળે નહીં. અને પાછુ જો એમા કોઇ વિશેષ વ્યક્તિ હોય, કોઇ ખુબ નજીકના વ્હાલા મિત્રો હોય તો તો કંઇ એમ જ ઉઠાવીને આપવાનો આપણો જીવ પણ નહીં ચાલે. તો ગીફ્ટ આખરે પસંદ કરવી તો કેવી, કે જેથી તમારી લાગણીઓ પણ તેના મુળ રુપે વ્યક્ત થઇ જાય. આ જ તો સવાલ છે મેઇન. આમ તો ગીફ્ટ આપવા માટે આપણી પાસે કેટકેટલાય ઓપ્શન્સ છે. પણ આ બધા ઓપ્શન્સ કોને ગીફ્ટ આપવી છે તેના પર આધારિત છે.માર્કેટમાં મેલ-ફિમેલ અને કિડ્સ (બોય એન્ડ ગર્લ) બધા માટે અલગઅલગ પ્રકારની વસ્તુઓ ઉપલબ્ધ છે. આર્ચીસ, હૉલમાર્ક જેવી કેટલીય ગીફ્ટ શોપ છે. જ્યાં તમને યુનીક ગીફ્ટ મળી રહેશે. તેમ છતાં ત્યાંની વેરાઇટીઝમાંથી ચૂઝ તો તમારે જ કરવુ પડશે. દાયકા પહેલા લોકો ગ્રીટીંગ કાર્ડ આપતા. ત્યાર બાદ ટેડી બેર એટલે કે સોફ્ટ ટોયઝનો જમાનો આવ્યો. જો કે હજુ ટીનએજર માટે સોફ્ટ ટોયઝ એક જૂનો અને જાણીતો વિકલ્પ છે જ. અને કાર્ડ પણ પણ કેટલાકને ભરોસો છે. એ સિવાય ચોકલેટ, વોલેટ, રિસ્ટ વૉચ, પેન, બુક, શો-પીસ, બાળકો હોય તો રમકડા આવી ઘણી બધી વસ્તુઓ ભેટ તરીકે યુઝ થાય છે. પણ આ બધી ટ્રેડિશનલ ગીફ્ટ્સ છે. જો ટ્રેડિશનથી હટીને કંઇ આપીએ તો!

કોઇ સંબંધમાં તમે ગળાડૂબ હોવ તો લોંગલાસ્ટીંગ ગીફ્ટ આપવું જોઇએ. જેથી તમારુ કમિટમેન્ટ દેખાય. આ ફક્ત ગર્લફ્રેડ-બોયફ્રેંડની વાત નથી. તમારા કોઇપણ સંબંધની વાત છે. જ્યાં તમે એ કહેવા માંગો છો કે જે સંબંધ છે તે બંધન નથી. અને જીવનમાં એ સંબંધનું મહત્વ ઓછુ નથી. આવી કોઇ વ્યક્તિમાં તમારા મિત્ર, બહેન, સાથી, માતાપિતા બધા આવી શકે. તો આવી ગીફ્ટ શું હોઇ શકે. જે શબ્દો વિના મૂકપણે આ મેસેજ સ્પષ્ટ આપે. આવી ગીફ્ટ યુનિક હોય છે. અને એની યુનિકનેસ જ તમારો મેસેજ આપે છે. આવી ગીફ્ટ માટે તમે ખાસ પ્રકારની પેઇન્ટીંગ, જ્વેલરી, મેસેજબોર્ડ, વૉલપેપર વગેરે પર પસંદગી ઉતારી શકો. કારણ એ છે કે આવી ગીફ્ટ વારે વારે નજર સમક્ષ આવતી રહે. જેથી એ ગીફ્ટ આપનાર પણ એટલી જ વાર યાદ આવે. અને જો મોટીવેશનલ મેસેજ લખેલો હોય તો એ પણ હંમેશા નજર સામે આવતો રહે અને મોટીવેટ થતા રહેવાય.તમે સરસ લેન્ડસ્કેપની પેઇન્ટીંગ અથવા તો મોર્ડન આર્ટ પણ પસંદ કરી શકો. જો કે એ બધાથી વધુ યુનિક ઓપ્શન છે વુડ બર્નિંગ પેઇન્ટીંગ. લાકડાની તકતી પર ડ્રીલ જેવા મશીનથી ડ્રોઇંગ કરીને આ પેઇન્ટીંગ બનાવવામાં આવે છે. આ પેઇન્ટીંગ માટે તમે તમારા વ્હાલા આપ્તજનોના સ્કેચ કે તેમને ગમતી વસ્તુ ડ્રો કરાવી શકો છો. પેપર અને કેન્વાસ પર તો ઘણા સ્કેચ અને પેઇન્ટીંગ થઇ શકે. પણ વુડ એટલે કે લાકડા પર બનાવેલી આવી પેઇન્ટીંગ ચોક્કસપણે અલગ તરી આવશે. લાકડા પરના નેચરલ વલય પર બનેલુ કોઇ પણ પોટ્રેઇટ સ્કેચ યુનિકની સાથે એલીગન્ટ પણ લાગે. અને એ જ્યારે દિવાલ પર લટકાવેલુ હોય તો ઘરમાં આવનારનું પણ તુરંત જ ધ્યાન ખેંચે. આ સિવાય ગીફ્ટ માટે ફ્રેમ પસંદ કરી શકો. જો કે ફ્રેમ પસંદ કરો તો તેની સાથે સરસ મજાના મોમેન્ટ કેપ્ચર પીક્ચર્સનું કોલાજ લગાવો, તો જ પોતાની ભાવના વ્યક્ત કર્યાનો સંતોષ થશે. જો કે ફ્રેમ પણ આમ તો સામાન્ય ટ્રેડીશનલ ગીફ્ટ જ લાગે. પણ આ કોલાજ જો તમે કોઇ નવીન વસ્તુ પર પ્રિન્ટ કરાવો તો તેનો અલગ જ પ્રભાવ પડે. આ ઓપ્શન એટલે આર્ટીસ્ટીક ગ્લાસ બોટલનું ઓપ્શન. કાચની બોટલ પર મેસેજ અથવા તસ્વીર પ્રિન્ટ કરાવીને પણ તેને ગીફ્ટ તરીકે આપી શકાય. જો જો પણ ધ્યાન રાખજો, આ કાચની બોટલ પાણી પીવા માટે નથી. પણ તે નાઇટ લાઇટ તરીકે અથવા તો શો-પીસ તરીકે રાખવાની હોય છે.

પર્સનલાઇઝ ગીફ્ટ પણ એક સારુ ઓપ્શન છે. તમે કોઇ ટેબલપીસ અથવા શો-પીસ પર નામ સાથે મેસેજ પ્રિન્ટ કરાવીને પણ આપી શકો છો. સરસ મજાનો તમારા તરફનો અથવા તો કોઇ મોટિવેશનલ, કે ફન કોટ કોઇપણ ચાલે. મેસેજ લખેલુ નાનાકડુ એ ટેબલ પીસ પણ વારે વારે ધ્યાન ખેંચ્યા વિના નહીં રહે. અને જેટલી વાર ધ્યાન જશે એટલી વાર તમારી યાદ અને તમારી ભાવના વ્યક્ત થશે.

ગીફટ આપીએ એટલે હંમેશા એ સાંભળવા મળે કે મહત્વ ગીફ્ટનું નહી એ પાછળની ભાવનાનું છે. પણ આ ભાવના જ્યારે તમારી ભેટમાંથી ડોકિયા કરતી જાતે જ છતી થાય ત્યારે તો પુછવું જ શું. તો બર્થડે હોય કે મેરેજ, વેલેન્ટાઇન ડે હોય કે એનીવર્સરી કે પછી હોય મધર્સ કે ફાધર્સ ડે.. કોઇ પણ અવસર હોય, ગીફ્ટ ચુઝ કરો તો કંઇક યુનિક પસંદ કરજો. જેથી તમારી ફિલિંગ શબ્દો વિના પણ સરળતાથી વ્યક્ત થઇ શકે.