કોણ વિખેરવા માગે છે હિંદુત્વને?

11 સપ્ટેમ્બર, 2001ના ગોઝારા દિને અમેરિકાના ટ્વિન ટાવર તોડી પાડીને આતંકીઓએ ઈસ્લામિક જિહાદનું વરવું સ્વરૂપ જગતઆખા સમક્ષ રજૂ કર્યું હતું, એની યાદમાં દર વર્ષે અમેરિકામાં જાતજાતના કાર્યક્રમ યોજાય છે. નાઈન-ઈલેવનની કરુણાંતિકા તરીકે ઓળખાતી ઈસ્લામિક જિહાદની આ ઘટના હજી લોકોના સ્મૃતિપટલ પરથી ખસતી નથી અને તાલિબાને ઈસ્લામના નામે આચરેલી બર્બરતાને આખું વિશ્ર્વ ફાટી આંખે જોઈ રહ્યું છે ત્યારે અમેરિકા ઉપરાંત કેનેડા, બ્રિટન અને સ્વીડનની પ્રખ્યાત યુનિવર્સિટીઓનાં બૅનર હેઠળ અનામી આયોજકોએ 10 થી 12 સપ્ટેમ્બરે એક ચોંકાવનારી કૉન્ફરન્સનું આયોજન કર્યું છે. કેવા છે એના તાણાવાણા…

– સમીર પાલેજા (મુંબઈ)

——————————————————————

ડિસમેન્ટલિંગ ગ્લોબલ હિંદુત્વ  નામની આ ઈવેન્ટમાં વિશ્ર્વભરમાંથી હિંદુત્વને ઉખાડી નાખવાની ચર્ચા થવાની છે. આ કાર્યક્રમમાં એવું તે શું હશે એ જાણવાની ઉત્સુકતાથી એમની વેબસાઈટ વાંચો તો ભારતની ભાજપ સરકાર, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ  ઉપરાંત હિંદુ ધર્મ (આયોજકો એને હિંદુત્વ ગણાવે છે)ની અમુક પ્રણાલી સામે નર્યો તિરસ્કાર છલકે છે. પરિણામે ભારત ઉપરાંત અમેરિકાના હિંદુઓ પણ આ કૉન્ફરન્સના વિરોધમાં પૂરી તાકાત સાથે ઊતરી પડ્યા છે. ચિત્રલેખાએ પૂર્વગ્રહ કે પક્ષપાત વિના આ ઈવેન્ટનો ઘટનાક્રમ, એના સમર્થન-વિરોધમાં થઈ રહેલા દાવા-પ્રતિદાવાને સંબંધિત વ્યક્તિઓ પાસેથી જાણીને એક ચિત્ર ઊભું કરવાનો પ્રયાસ કર્યો છે.

ડિસમેન્ટલિંગ ગ્લોબલ હિંદુત્વ  (ડીજીએચ)ના સત્રના એક વક્તા ફિલ્મમેકર આનંદ પટવર્ધનને અમે ઈ-મેઈલ પર આ સંમેલન માટે એમનો અભિપ્રાય માગ્યો તો એમણે જવાબ લખ્યો કે મને હિંદુત્વને વેરવિખેર કરી નાખવામાં રસ છે, કારણ કે એ હિંદુત્વ ખરેખર તો હિંદુઈઝમ (હિંદુ ધર્મ)નો નાશ કરવાની કોશિશ કરી રહ્યું છે. બીજા શબ્દોમાં કહું તો મને એવા લોકોથી હિંદુ ધર્મને બચાવવામાં રસ છે, જે લોકો લઘુમતી પ્રત્યે ધિક્કાર ફેલાવે છે અને એમના આવા ધિક્કારનું સમર્થન ન કરનારા હિંદુઓનો પણ તિરસ્કાર કરે છે.

અમે આનંદ પટવર્ધનને એમની દલીલના સમર્થનમાં ઉદાહરણ અને આંકડા આપવા જણાવ્યું તો પ્રતિસાદ ન મળ્યો. પછી અમે એમને પૂછ્યું કે શું તમે ઉદ્દામવાદી ઈસ્લામ કે ખ્રિસ્તીઓની વટાળપ્રવૃત્તિ ઉખેડી નાખવાની ટહેલ કરતી કોઈ કૉન્ફરન્સમાં ભાગ લેશો તો એમણે જવાબ લખ્યો:

‘તમારો પ્રશ્ર્ન અપમાનજનક છે. મેં ધર્મને નામે થતા દરેક પ્રકારના દ્વેષભાવનો વિરોધ કર્યો છે. ઈન્ડિયન મુસ્લિમ્સ ફૉર સેક્યુલર ડેમોક્રસી  (આઈએમએસડી)એ તાલિબાનના સત્તારોહણનો વિરોધ કરતું જાહેર નિવેદન બહાર પાડ્યું એમાં મેં પણ હસ્તાક્ષર કર્યા છે. આઈએમએસડીના બહુમતી સભ્યો મુસ્લિમ હોવા છતાં એ કોઈ એક ધર્મનું પ્રતિનિધિત્વ કરતું સંગઠન નથી. એમ તો હું હિંદુઝ ફૉર હ્યુમન રાઈટ્સ  નામના સંગઠનનો પણ ટેકેદાર છું. તમે ખરા પત્રકાર હો અને હિંદુત્વના ટેકેદાર એવા ટ્રોલર ન હો તો મારી ફિલ્મો જોવાની તસ્દી લો. હું તો મહાત્મા ગાંધી અને ડૉ. આંબેડકરના ભારતમાં વિશ્ર્વાસ રાખું છું, નહીં કે ગોડસે અથવા મોદી-શાહ-યોગીના ભારતમાં.’

(આનંદ પટવર્ધન: મોદી-શાહ-યોગીનું ભારત મને ક્યારેય માન્ય નથી)

આનંદ પટવર્ધનના અભિપ્રાયનો આદર કરતાં આગળ વધીને અમે આ કૉન્ફરન્સના આયોજકો સાથે ઈ-મેઈલ પર લાંબી પ્રશ્ર્નોત્તરી કરી, જેના સંક્ષિપ્ત અંશ આ રહ્યા. કૉન્ફરન્સના આયોજકો એમની ઓળખ છતી કરતા નથી અને અનામી રહેવામાં માને છે!

ચિત્રલેખા: આવી કૉન્ફરન્સ યોજવાનું કારણ શું?

આયોજકો: હિંદુ રાષ્ટ્રના ખયાલમાં રાચીને, બિનહિંદુઓને હાંસિયામાં ધકેલી દેતી તથા જાતિ-લિંગના આધારે ભેદભાવ કરતી કથિત રાજકીય શક્તિ અથવા હિંદુત્વ અથવા હિંદુ સર્વોપરિતા સ્થાપવા મથતી વિચારધારા સામે સવાલ કરવા જરૂરી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, બજરંગ દળ  અને વિશ્ર્વ હિંદુ પરિષદ  જેવાં હિંદુ સંગઠનોની રાજકીય નીતિમાં હિંદુત્વ વણાયેલું છે. આમાંનાં ઘણાં સંગઠનો ભારતીય બંધારણની બિનસાંપ્રદાયિકતામાં માનતાં નથી. નબળા-નિર્બળ લોકો પ્રત્યેની હિંદુઓની પારંપરિક અનુકંપા તથા સહનશીલતાનો એમણે અસ્વીકાર કર્યો છે. આવી વિચારધારા અને એમના ઈતિહાસને ચકાસવાની વિદ્યાપીઠોની જવાબદારી છે એટલે અમે નિષ્ણાતોનાં આ અંગેનાં સંશોધનોને અમારી કૉન્ફરન્સ દ્વારા પ્રસારિત કરવાની તક આપીએ છીએ.

કોઈ વક્તાને આરએસએસ કે એવાં બીજાં સંગઠનોના અત્યાચારનો વ્યક્તિગત અનુભવ છે?

* અમે એમને એ બાબતે પૂછ્યું નથી. જો કે ઘણા વક્તા તથા આયોજકોને મોતની ધમકી કે અપશબ્દોથી ભરેલા ઑનલાઈન સંદેશા મળ્યા છે. કદાચ કેટલાક સ્પીકર્સ એમના વ્યક્તિગત અનુભવ જણાવે પણ ખરા. હા, હિંદુત્વવાદી સંગઠનોએ વિધર્મી, દલિત, આદિવાસી, બુદ્ધિજીવીઓ અને સમાજસેવકો સામે આચરેલી જુદા જુદા પ્રકારની હિંસા વિશે વક્તાઓએ લખ્યું જરૂર છે.

એક જ દેશમાં અસ્તિત્વમાં રહેલા હિંદુત્વની અસર આખી દુનિયામાં કેવી રીતે થાય?

* વાસ્તવમાં અમેરિકાના ઘણા બિનનિવાસી ભારતીયોએ હિંદુત્વવાદી ભાજપની સરકારને ચૂંટી કાઢવામાં ભાગ ભજવ્યો છે. હિંદુત્વવાદી સંગઠનોને આ બિનનિવાસી ભારતીયો તરફથી ફંડિંગ મળ્યું હોવાના અહેવાલ છે. આવા હિંદુત્વવાદીઓ મોદી સરકારની લોકશાહીવિરોધી, હાનિકારક તથા ટીકાપાત્ર નીતિઓની આલોચના થતી રોકવા માટે ગમે તે હદ સુધી જાય છે. અધૂરામાં પૂરું, અમેરિકા, બ્રિટન, કેનેડા, ઑસ્ટ્રેલિયા અને ન્યુઝીલૅન્ડમાં પણ ઉપલી જ્ઞાતિઓના હિંદુઓ દ્વારા થતો જાતિવાદી ભેદભાવ સામે આવ્યો છે. અમારી કૉન્ફરન્સનો સૌથી મોટો વિરોધ અમેરિકામાંથી જ થયો છે, જે સાબિત કરે છે કે હિંદુત્વની વિચારધારા અહીં રહેતા ભારતીયોમાં પણ પ્રસરી છે, એ વિશે સમજવું જરૂરી છે.

દુનિયાના સૌથી મોટા લોકશાહી દેશ ભારતના આંતરિક રાજકારણની ચર્ચા વિદેશની વિદ્યાપીઠોમાં યોજવાનું નૈતિક-કાયદાકીય દૃષ્ટિએ યોગ્ય છે?

* ભારતીય સમાજશાસ્ત્રીઓએ અમેરિકાના વંશવાદ વિશે લખ્યું છે, અન્ય દેશોના સાહિત્ય અને ભાષા પર ભારતીય નિષ્ણાતો ટિપ્પણી કરતા હોય છે, ભારતીય અર્થશાસ્ત્રીઓ બીજાં રાષ્ટ્રોનાં અર્થતંત્રનો તુલનાત્મક અભ્યાસ કરતા હોય છે, પાકિસ્તાન, નેપાળ અને ચીનની આંતરિક ઘટના પર ભારતીય પત્રકારો સતત ટિપ્પણી કરતા હોય છે. હવે વર્લ્ડ પ્રેસ ફ્રીડમના રૅન્કિંગમાં ભારતની પડતી થઈ છે અને ભારતમાં પ્રોફેસરોને ધમકીઓ મળી રહી છે ત્યારે આવી કૉન્ફરન્સ એવા દેશમાં યોજવી બહુ જરૂરી છે, જ્યાં ભારતના સત્તાધારી પક્ષનો કોઈ ડર નથી. ઈન્દિરા ગાંધીએ લાદેલી કટોકટી દૂર કરવામાં વિદેશી મિડિયાનો હાથ જગજાહેર છે. એટલે જ માનવાધિકારો તથા લોકશાહી સંકટમાં છે ત્યારે ભારતનું હિત હૈયે હોય એમણે અવાજ ઉઠાવવો જ જોઈએ, ભલે એ દુનિયામાં ક્યાંય પણ રહેતા હોય. હિંદુત્વવાદી શાસનમાં ઘણા હિંદુઓ પણ પીડાઈ રહ્યા છે, જેમ કે કોવિડની દ્વિતીય લહેરમાં લાખો ગુજરાતીનાં મૃત્યુની ગણતરી કરવામાં આવી નહોતી (આ દાવાના કોઈ આંકડાકીય કે બીજા પુરાવા નથી).

લોકશાહી, માનવાધિકાર તથા લઘુમતી અધિકારના નબળા રેકૉર્ડ ધરાવતાં દુનિયાનાં ૫૬ ઈસ્લામિક રાષ્ટ્રો શરિયાના કાનૂનથી બચવા નાસી રહેલા અફઘાન નિરાશ્રિતોને સ્વીકારવા તૈયાર નથી ત્યારે રેડિકલ ઈસ્લામ વિશે કૉન્ફરન્સ કેમ નહીં?

* છવ્વીસ લાખ નોંધણીકૃત અફઘાની રિફ્યુજીમાંથી ૮૪ ટકાને પાકિસ્તાન અને ઈરાને સ્વીકાર્યા છે. ગેરકાયદે ઘૂસેલા જુદા. હવે એ દેશો વધુ નિરાશ્રિતો સમાવી શકે એમ નથી. બીજું, શૈક્ષણિક સંસ્થાઓમાં પોલિટિકલ ઈસ્લામ વિશે ત્રણ કૉન્ફરન્સ થઈ ગઈ અને હજી બીજી ત્રણનું પ્લાનિંગ છે. અમેરિકાનું મિડિયા તાલિબાન અને આતંકી સંગઠન આઈસીસ-કે  પર સતત ફોકસ કરી રહ્યું છે. અમે પોતે પણ અફઘાન નિરાશ્રિતોનો મુદ્દો ઉઠાવીને ભંડોળ એકત્ર કરવાની પણ ટહેલ કરી છે. આતંકનો ભોગ બનનારા અફઘાનિસ્તાનના લોકો માટે ઘણા દેશોની સરકાર કામ કરી રહી છે, પણ હિંદુત્વ તરફ કોઈની નજર નથી ગઈ. એટલે જ હિંદુત્વની યોગ્ય કસોટી માટે યુનિવર્સિટીઓ પણ તૈયાર થઈ છે.

અનામી રહેવા ઈચ્છતા આ આયોજકો પ્રશ્ર્નોત્તરીના અંતે લખે છે કે હિંદુત્વ પોતે જ હિંદુવિરોધી છે, કારણ કે એના પ્રણેતાઓ ભૂતકાળના ખોટા વિચારોનો ઉપયોગ હિંદુઓમાં તિરસ્કાર અને અસલામતી પેદા કરવા માટે કરે છે. અમે જોયું કે કોવિડની દ્વિતીય લહેરમાં લાખો ગુજરાતીનાં મૃત્યુની ગણતરી કરવામાં આવી નહોતી. હિંદુત્વ ખરેખર તો એની હિંસા, ભાગલાવાદી નીતિ તથા તિરસ્કારથી હિંદુને જ બદનામ કરી રહ્યું છે.

કોણ છે ટાર્ગેટ…

(સુહાગ શુકલ: આ તો બધી હિંદુ સંસ્થાઓની બદનામીનો પ્લાન છે)

અમેરિકાવાસી ભારતીયોમાં, ખાસ કરીને ગુજરાતીઓમાં ભાજપ-મોદી અને આરએસએસના વધતા પ્રભાવને નવી પેઢીમાં ઊતરતો રોકવો એ આ કૉન્ફરન્સનો એક સ્પષ્ટ હેતુ જણાય છે. આ કૉન્ફરન્સના વિરોધમાં ઊતરેલી સંસ્થા હિંદુ અમેરિકન ફાઉન્ડેશન  (એચએએફ)નાં સહસંસ્થાપક અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સુહાગબહેન શુકલ ચિત્રલેખાને કહે છે:

‘આ ઈવેન્ટ પ્લાન કરી રહેલા અમુક અધ્યાપકોના ઈ-મેઈલ (જેમાં આરએસએસ  અને હિંદુત્વને કાયમ માટે બદનામ કરવાના કાવતરામાં જોડાવાનું આમંત્રણ હતું એ લખાણ) અમારા હાથે ચડ્યા. પછી એમની વેબસાઈટ ફૂટી નીકળી. એમાં હિંદુ ધર્મને પછાત ગણાવવાથી માંડીને કેટલીક સામાજિક બદીઓને હિંદુ ધર્મ સાથે સાંકળવામાં આવી. વળી, વક્તા તરીકે એવા લોકોની પસંદગી થઈ, જે હિંદુ ધર્મને ધિક્કારે છે. આયોજકોએ જુદા જુદા દેશની ૪૦થી વધુ યુનિવર્સિટીનાં લોગો-નામ સ્પૉન્સર્સ તરીકે મૂકીને ઈવેન્ટનું માર્કેટિંગ કરવાની કોશિશ કરી, પણ હિંદુઓ જાગ્રત હતા. અમે અનેક યુનિવર્સિટીને પત્ર લખીને માગણી કરી કે આ ઈવેન્ટ શૈક્ષણિક નહીં, પણ રાજકીય હોવાથી યુનિવર્સિટી એના પ્રાયોજક ન બની શકે કે ન તો એ કોઈ એક વિચારધારાનું સમર્થન કરી શકે. પછી તો ત્રણ-ચાર યુનિવર્સિટીએ એમની પરવાનગી વિના લોગો વપરાયો હોવાનું કબૂલ્યું. અમારા સૉફ્ટવેર થકી ૨૪ કલાકમાં ૧૦,૦૦૦ લોકોએ યુનિવર્સિટીના વિવિધ વિભાગોને ૯,૪૦,૦૦૦ વ્યક્તિગત ઈ-મેઈલ મોકલ્યા. બે દિવસમાં આયોજકોએ કોઈ ખુલાસા વિના તમામ લોગો કાઢી નાખ્યા ને યુનિવર્સિટીના અમુક વિભાગ કે સેન્ટર એમને સપોર્ટ કરે છે એવું લખ્યું. જોખમ એવું છે કે આટલા મોટા પાયે યોજાઈ રહેલી આ ઈવેન્ટની પ્રસ્તાવના એ રીતે બાંધી છે કે ભવિષ્યમાં કોઈ હિંદુ વિદ્યાર્થી ક્લાસમાં કે કૅમ્પસમાં પોતાના ધર્મ વિશેની ગેરસમજ દૂર કરવાનો પ્રયત્ન કરે તો એને હિંદુ સુપ્રીમસિસ્ટનું લેબલ ચોંટી જાય ને એ સતત ભેદભાવનો ભોગ બને.’

યાદ રહે, અમેરિકામાં ભારતીય મૂળના લોકોની વસતિ ૧.૨ ટકા છે, એમાં હિંદુ કદાચ ૮૦ ટકા હશે. અમેરિકન સરકારની નીતિઘડતરની પ્રક્રિયામાં હિંદુ સમાજનાં હિતો સચવાય અને અમેરિકન પ્રજામાં હિંદુ ધર્મ પ્રત્યેની ગેરમાન્યતા દૂર થાય એવાં કાર્યો કરવા માટે ૧૮ વર્ષ પહેલાં એચએએફની સ્થાપના કરવામાં આવેલી. એનાં સહસંસ્થાપક સુહાગ શુકલ કહે છે કે ડાબેરીઓ, જિહાદી ઈસ્લામીઓ અને વટાળપ્રવૃત્તિ ચલાવતા ખ્રિસ્તીઓ હિંદુ ધર્મ સામે એક થઈ ગયા છે, કારણ કે સદીઓની કોશિશ પછી પણ એ આપણને નાબૂદ કરી શક્યા નથી. હવે એમનું ટાર્ગેટ આરએસએસને આતંકી ચિતરીને ધીરે ધીરે બીજાં હિંદુ સંગઠનો-ધાર્મિક સંસ્થાઓને પણ આરએસએસનાં સહયોગી ગણાવીને એમના વિરુદ્ધ ધિક્કારની ભાવના પેદા કરવાનો છે. વિશ્ર્વમાં લાખો બિનહિંદુ લોકો યોગ, ધ્યાન ને વેદાંતના ચાહક બન્યા છે એ વાસ્તવિકતા એમને પચી નથી.

હવે શું?  એ પ્રશ્ર્નના ઉત્તરમાં સુહાગ શુકલ કહે છે કે બધી યુનિવર્સિટીને અમે ફરી પત્ર લખી રહ્યાં છીએ કે આ કૉન્ફરન્સના સંદર્ભમાં એમણે ખાતરી આપવી જોઈએ કે હિંદુ તિરસ્કાર સામે હિંદુ અધ્યાપકો અને વિદ્યાર્થીઓ સાથે યુનિવર્સિટી અડીખમ ઊભી રહેશે.

શત્રુનો શત્રુ બન્યો છે મિત્ર…

(રતન શારદા: આ લોકો વિદ્યાર્થી માનસમાં ઝેર ઉમેરીને અરાજકતા ફેલાવે છે)

હિંદુ વિરોધી નેરેટિવ ઊભું કરતા ડાબેરી ઝોકવાળા પ્રવક્તા અર્થાત્ લેફ્ટ લિબરલ્સ સામે ટીવી ડિબેટમાં ધારદાર દલીલો કરવા માટે જાણીતા ટીવી પૅનલિસ્ટ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ  (આરએસએસ) પર પીએચ.ડી.  કરનારા લેખક રતન શારદા ચિત્રલેખાને કહે છે કે આવી કૉન્ફરન્સમાં હિંદુત્વને બદનામ કરીને ડાબેરીઓ ઉગ્રપંથી ઈસ્લામ પરથી દુનિયાનું ધ્યાન હટાવવા ઈચ્છે છે. સતત માર-કાપ ચાલે છે એ અફઘાનિસ્તાન, સિરિયા કે આફ્રિકાના દેશોમાં આરએસએસ  કે હિંદુત્વ નથી. હિંદુત્વએ કોઈ દેશને બરબાદ નથી કર્યો, પણ જિહાદી ઈસ્લામે અનેક દેશનું ધનોતપનોત કાઢી નાખ્યું છે. ગૌરક્ષકોનાં ટોળાં દ્વારા થયેલી એકલ-દોકલ હત્યાની આસપાસ મોટી-મોટી વાર્તા ઘડી કાઢનારા ડાબેરીઓને પૂછીએ કે કયો હિંદુ મશીનગન લઈને ખુનામરકી કરવા નીકળી પડ્યો છે તો એમની પાસે જવાબ હોતો નથી. દલીલ ખૂટી પડે એટલે વિષયાંતર કરી નાખવું એ એમની ખાસિયત છે.

દેશ-વિદેશનાં શિક્ષણતંત્ર પર ભયંકર પકડ ધરાવતા ડાબેરીઓ તો બુદ્ધિજીવી ડાયનોસોર છે એવો આરોપ મૂકતાં રતન શારદા કહે છે કે ન્યુ લેફ્ટ અર્થાત્ ડાબેરીઓની નવી જમાત ક્યાંય રાજકીય જીત મેળવી શકતી નથી એટલે વિદ્યાર્થી માનસમાં ઝેર ઉમેરીને અરાજકતા ફેલાવે છે. એમણે જિહાદી ઈસ્લામિસ્ટો સાથે જોડાણ કર્યું છે. આશ્ર્ચર્ય એ કે ઈસ્લામિક દેશોમાં સામ્યવાદના લાલ ઝંડાનું અને ચીન, ઉત્તર કોરિયા જેવા સામ્યવાદી દેશોમાં ઈસ્લામના લીલા ધ્વજનું કોઈ સ્થાન નથી. છતાં એમની જુગલબંદી હિંદુ સમાજમાં વ્યાપ્ત અમુક તિરાડને પહોળી કરીને ભાગલા પાડવાનો પ્રયાસ કરે છે, પણ એ બહુ સફળ થયા નથી.

…ને કદાચ થશે પણ નહીં.

———————————————————————

હિંદુ રાષ્ટ્રનું રાજકારણ એટલે હિંદુત્વ…

આ સેમિનારના એક વક્તા અને સામ્યવાદી પક્ષ (માર્કસિસ્ટ-લેનિનિસ્ટ)ના પોલીટ બ્યૂરોનાં સભ્ય કવિતા ક્રિશ્ર્નન સાથે પણ ચિત્રલેખાએ ટેલિફોનિક વાતચીત કરી:

ચિત્રલેખા: હિંદુત્વ અને હિંદુઈઝમ વચ્ચે શો તફાવત છે?

કવિતા ક્રિશ્ર્નન: હિંદુઈઝમ એક આસ્થા છે, એની વ્યાખ્યા ન થાય. અંગ્રેજી રાજવટ પહેલાં આપણે ત્યાં લોકોની ઓળખ એમના પંથથી થતી હતી. અંગ્રેજો આવ્યા પછી એ બધા હિંદુ તરીકે ઓળખાયા. હિંદુઈઝમનો આધાર અન્ય ધર્મોનો ધિક્કાર નથી. બીજી તરફ, વીસમી સદીના આરંભે વીર સાવરકરે હિંદુત્વની થિયરી આપી, જેનો વિસ્તાર ગયા વર્ષે આપણે નાગરિકતા ધારા (સીએએ  અર્થાત્ સિટિઝનશિપ અમેન્ડમેન્ડ ઍક્ટ)ના રૂપમાં જોયો. સીએએમાં હકપાત્ર બિનહિંદુઓને ભારતીય નાગરિકત્વથી વંચિત રાખવામાં આવ્યા છે. ટૂંકમાં, ભારત ફક્ત હિંદુઓનું છે અને બિનહિંદુઓ બહુ બહુ તો દ્વિતીય કક્ષાના નાગરિક બનીને જ રહી શકે એ રાજકારણ એટલે હિંદુત્વ. મુસ્લિમો અને ખ્રિસ્તીઓ સામે હિંદુઓનું રાજકીય ધ્રુવીકરણ કરવું એ જ છે હિંદુત્વ.

ભારતમાં શરિયાનો કાયદો લાગુ કરવા માગતાં મુસ્લિમ સંગઠનો વિશે શું કહેશો?

* એમની સંખ્યા નગણ્ય છે. ભારતના મુસ્લિમો તો બંધારણીય લોકશાહી જ માગે છે. જે રીતે આપણે અહીં આરએસએસના કોમવાદી રાજકારણ સામે બંધારણ-લોકશાહીના શાસન માટે લડીએ છીએ એ જ રીતે અફઘાનિસ્તાનમાં બિનલોકશાહી એવું શરિયાનું શાસન લાગુ કરવા ઈચ્છતા તાલિબાનો સામેની અફઘાન લોકોની લડતમાં પણ સામેલ થવું જોઈએ.

આ સેમિનાર પછી વિદેશની યુનિવર્સિટીઓના હિંદુ વિદ્યાર્થીઓ સામે દ્વેષપૂર્ણ વર્તાવ થશે તો?

* હકીકતમાં સેમિનારના આયોજકો ભારતીય વિદ્યાર્થીઓ જ છે, જેમાં મોટા ભાગના હિંદુ છે. આ કૉન્ફરન્સથી ભારતનું જમણેરી રાજકારણ, સામાજિક વાસ્તવિકતા તથા માનવઅધિકાર સહિત ચાલતાં વિવિધ આંદોલન વિશે સમજવામાં મદદ થશે. વાસ્તવમાં અમારો વિરોધ કરનારા, અમને સવાલ કરનારા લોકો ભારત સરકાર અને એની ઈસ્લામોફોબિક નીતિઓને છાવરવા માટે એમ કરે છે. બાકી, અમે તો દરેક પ્રકારના દ્વેષપૂર્ણ વર્તાવનાં વિરોધી છીએ. એ પછી હિંદુ વિદ્યાર્થિનીના ચાંદલાની મજાક હોય કે ભારતીય ખાણાંનો ઉપહાસ હોય.

———————————————————————–

(તસવીર: જોનાથન કાસ્ટેલ)