‘ચિત્રલેખા નાટ્યસ્પર્ધા-૨૦૧૮’: ‘પોતપોતાનું કેનવાસ’ શ્રેષ્ઠ નાટક ઘોષિત

ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સહયોગથી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ પ્રાયોજિત અને ભવન્સ કલ્ચરલ સેન્ટર – અંધેરી દ્વારા આયોજિત ‘ચિત્રલેખા નાટ્યસ્પર્ધા-૨૦૧૮’ (વર્ષ ૧૨મું)નો પારિતોષિક વિતરણ સમારંભ ૧૯ જાન્યુઆરીના શુક્રવારે સાંજે મુંબઈમાં ઝાકઝમાળભર્યો બની રહ્યો. અમદાવાદની સમૃદ્ધિ પ્રોડક્શન સંસ્થાનું ‘પોતપોતાનું કેનવાસ’ નાટક તીવ્ર હરીફાઈમાં આખરે વિજેતા બન્યું. સરદાર પટેલ સભાગૃહ, ભવન્સ કેમ્પસ અંધેરી ખાતે યોજવામાં આવેલા પારિતોષિક વિતરણ સમારંભમાં ‘પોતપોતાનું કેનવાસ’ પાંચ મોટા એવોર્ડ જીતીને છવાઈ ગયું.આ વખતની નાટ્યસ્પર્ધામાં કુલ 25 નાટકો ભજવાયાં હતાં. એમાંથી 11 નાટકો અંતિમ સ્પર્ધા માટે પસંદ કરવામાં આવ્યા હતા. એમાંથી સાત નાટક શ્રેષ્ઠ નાટકની કેટેગરી માટે નામાંકિત થયા હતા અને એમાં ‘પોતપોતાનું કેનવાસ’ નાટક વિજેતા ઠર્યું.

'પોતપોતાનું કેનવાસ' નાટકના કલાકારો-કસબીઓએ 'ચિત્રલેખા'ના ચેરમેન મૌલિક કોટક, નાટ્યકાર પ્રવીણ સોલંકી, ભવન્સ કલ્ચરલ સેન્ટર-અંધેરીના લલિત શાહ, 'ચિત્રલેખા'ના તંત્રી ભરત ઘેલાણીના હસ્તે ઈનામ સ્વીકાર્યું.
‘પોતપોતાનું કેનવાસ’ નાટકના કલાકારો-કસબીઓને ‘ચિત્રલેખા’ના ચેરમેન મૌલિક કોટક, નાટ્યકાર પ્રવીણ સોલંકી, ભવન્સ કલ્ચરલ સેન્ટર-અંધેરીના લલિત શાહ, ‘ચિત્રલેખા’ના તંત્રી ભરત ઘેલાણીના હસ્તે ઈનામ એનાયત થયું.

‘પોતપોતાનું કેનવાસ’ નાટકના વિજેતા કલાકારો-કસબીઓ

‘પોતપોતાનું કેનવાસ’ નાટકે ‘શ્રેષ્ઠ નાટક’ ઉપરાંત ‘શ્રેષ્ઠ દિગ્દર્શક’ – પ્રથમ ઈનામ, ‘શ્રેષ્ઠ અભિનેત્રી’ – દ્વિતીય ઈનામ (વિભાજીત), ‘શ્રેષ્ઠ સહાયક અભિનેતા’ – પ્રથમ ઈનામ (વિભાજીત) અને ‘શ્રેષ્ઠ મૌલિક કૃતિ’ એવોર્ડ પણ જીત્યા હતા.

‘ચિત્રલેખા નાટ્યસ્પર્ધા’ના ૧૨ વર્ષના ઈતિહાસમાં આ વખતે પહેલી જ વાર ગુજરાતી રંગભૂમિના દિવંગત દિગ્ગજોની સ્મૃતિમાં ચાર પારિતોષિક એનાયત કરવામાં આવ્યા છે.

‘કાન્તિ મડિયા પારિતોષિક’ (સૌજન્યઃ મહેશ વકીલ) માટેનું ‘શ્રેષ્ઠ દિગ્દર્શક’નું પ્રથમ ઈનામ કર્તવ્ય શાહે ‘પોતપોતાનું કેનવાસ’ નાટક માટે જીત્યું છે.

‘શફી ઈનામદાર પારિતોષિક’ (સૌજન્યઃ કાજલ ઓઝા વૈદ્ય) માટેનું ‘શ્રેષ્ઠ અભિનેતા’નું પ્રથમ ઈનામ સ્વપ્નિલ પાઠકે ‘એક વત્તા એક અગિયાર’ નાટક માટે જીત્યું છે.

‘પદમારાણી પારિતોષિક’ (સૌજન્યઃ અરવિંદ રાઠોડ) માટેનું ‘શ્રેષ્ઠ અભિનેત્રી’નું પ્રથમ ઈનામ દિપના પટેલે ‘સંતાકૂકડી’ નાટક માટે જીત્યું છે.

‘તારક મહેતા પારિતોષિક’ (સૌજન્યઃ આસિતકુમાર મોદી-નિલા ટેલિફિલ્મ્સ) માટેનું ‘શ્રેષ્ઠ મૌલિક કૃતિ’નું ઈનામ ભાર્ગવ ત્રિવેદીએ ‘પોતપોતાનું કેનવાસ’ નાટક માટે જીત્યું છે.

શ્રેષ્ઠ નાટકની શ્રેણીમાં ઈનામો આ મુજબ આપવામાં આવ્યાઃ

‘પોતપોતાનું કેનવાસ’ (સમૃદ્ધિ પ્રોડક્શન-અમદાવાદ) – પ્રથમ ઈનામ

‘કાચીંડો’ (ક્લેપ ટ્રેપ ધ ટ્રુપ-મુંબઈ) – દ્વિતીય ઈનામ (વિભાજીત)

‘એક વત્તા એક અગિયાર’ (થિયેટર ઓફ જનરેશન નેક્સ્ટ-સુરત) – દ્વિતીય ઈનામ (વિભાજીત)

‘ધ ગેઈમ’ (જહાંગીર ગ્રુપ-નવસારી) – તૃતિય ઈનામ

શ્રેષ્ઠ દિગ્દર્શકની શ્રેણીમાં ઈનામો આ મુજબ છેઃ

કર્તવ્ય શાહ ‘પોતપોતાનું કેનવાસ’ – પ્રથમ ઈનામ – ‘કાન્તિ મડિયા પારિતોષિક’ (સૌજન્યઃ મહેશ વકીલ)

વ્યાસ હેમાંગ – ‘કાચીંડો’ – દ્વિતીય ઈનામ

રૂમી બારીયા – ‘ધ ગેઈમ’ – તૃતિય ઈનામ

શ્રેષ્ઠ અભિનેતાની શ્રેણીમાં ઈનામો આ મુજબ છેઃ

સ્વપ્નિલ પાઠક (એક વત્તા એક અગિયાર) – પ્રથમ ઈનામ – ‘શફી ઈનામદાર પારિતોષિક’ (સૌજન્યઃ કાજલ ઓઝા વૈદ્ય)

વ્યાસ હેમાંગ  (કાચીંડો) – દ્વિતીય ઈનામ

હિમાંશુ વૈદ્ય (ધ ગેઈમ) – તૃતિય ઈનામ (વિભાજીત)

દેવાંગ જાગીરદાર (સાત સમંદર સહુની અંદર) – તૃતિય ઈનામ (વિભાજીત)

શ્રેષ્ઠ અભિનેત્રીની શ્રેણીમાં ઈનામો આ મુજબ છેઃ

દિપના પટેલ (સંતાકૂકડી) – પ્રથમ ઈનામ – ‘પદમારાણી પારિતોષિક’ (સૌજન્યઃ અરવિંદ રાઠોડ)

સિમરન અરોરા (એક વત્તા એક અગિયાર) – દ્વિતીય ઈનામ (વિભાજીત)

સૌમ્યા ઠાકર (પોતપોતાનું કેનવાસ) – દ્વિતીય ઈનામ (વિભાજીત)

દ્રષ્ટિ દોડિયા (રાવતો) – તૃતિય ઈનામ (વિભાજીત)

શ્રીયા તિવારી (સાત સમંદર સહુની અંદર) – તૃતિય ઈનામ (વિભાજીત)

‘ચિત્રલેખા નાટ્યસ્પર્ધા-૨૦૧૮’ની અન્ય વિવિધ શ્રેણીઓનાં ઈનામ વિજેતાઓનાં નામ આ મુજબ છેઃ

શ્રેષ્ઠ નાટક માટેના પ્રોત્સાહન ઈનામો

(ત્રણ ઈનામ વિભાજીત)

સાત સમંદર સહુની અંદર

રાવતો

સંતાકૂકડી

શ્રેષ્ઠ સહાયક અભિનેતા

પ્રથમ ઈનામ (વિભાજીત) – નિરવ પરમાર (પોતપોતાનું કેનવાસ)

પ્રથમ ઈનામ (વિભાજીત) – કુરુષ જાગીરદાર (ધ ગેઈમ)

દ્વિતીય ઈનામ – રોહિત પ્રજાપતિ (રાવતો)

શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી

પ્રથમ ઈનામ – પૂજા રૂમાલે (અભિનેત્રી)

દ્વિતીય ઈનામ – શિવાની ચાહવાલા (ધ ગેઈમ)

શ્રેષ્ઠ કલા નિર્દેશન

સેતુ ઉપાધ્યાય (સાત સમંદર સહુની અંદર)

શ્રેષ્ઠ પ્રકાશ રચના

વૈભવ દેસાઈ અને વ્યાસ હેમાંગ (કાચીંડો)

શ્રેષ્ઠ સંગીત આયોજન

રૂમી બારીયા (ધ ગેઈમ)

શ્રેષ્ઠ વેશભૂષા

રોહિત પ્રજાપતિ (રાવતો)

‘શ્રેષ્ઠ યુવા પ્રતિભા’ માટે ‘જય કોટક પારિતોષિક’ વિજેતા મેઘ પંડિત

‘ચિત્રલેખા નાટ્યસ્પર્ધા’માં યુવા ટેલેન્ટને પ્રેરણા મળી રહે એ માટે દર વર્ષે ‘શ્રેષ્ઠ યુવા પ્રતિભા’ માટે ‘જય કોટક પારિતોષિક’ આપવામાં આવે છે. આ વર્ષનું ‘જય કોટક પારિતોષિક (સૌજન્યઃ મૌલિક કોટક)’ મેઘ પંડિતે ‘મસ્તરામ’ નાટક માટે જીત્યું છે. આ એવોર્ડ મૌલિક કોટક તથા એમના પત્ની રાજુલબેન કોટકનાં હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો.

આ ઈનામ વિતરણ કાર્યક્રમમાં ચિત્રલેખા ગ્રુપના સહ-સંસ્થાપક મધુરીબહેન કોટક, મનન કોટક, રિલાયન્સ ગ્રુપના વિનોદ અંબાણી, સુરતના SRK ગ્રુપના વડા ગોવિંદભાઈ ધોળકિયા, ગુજરાતી રંગભૂમિના જાણીતા અભિનેતાઓ અરવિંદ રાઠોડ અને અરવિંદ જોશી, અભિનેત્રી મિનળ પટેલ, દેવેન્દ્ર પંડિત, નીતિનાબહેન કાન્તિ મડિયા, નિલા ટેલિફિલ્મ્સના આસિતકુમાર મોદી, મહેશ વકીલ, કપિલ શુક્લા, મુકુલ ચોકસી, સંજય ગોરડિયા, સંજય છેલ, કમલેશ મોતા, શરદ વ્યાસ, પ્રતાપ સચદેવ, રોબિન ભટ્ટ, વિહંગ મહેતા, સેન્સર બોર્ડના સભ્ય અશોક બથીયા, મરાઠી અભિનેતા દેવેન્દ્ર પેમ સહિત અનેક નામાંકિત મહેમાનો તેમજ ‘ચિત્રલેખા’ પરિવારનાં સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં.

SRK ગ્રુપના વડા ગોવિંદભાઈ ધોળકિયાએ એમના સંબોધનમાં આ નાટ્યસ્પર્ધાનાં આયોજન માટે ‘ચિત્રલેખા’ ગ્રુપની ભાવનાને બિરદાવી હતી અને કહ્યું કે હું સ્વયંને ભાગ્યશાળી ગણું છું કે આવા સુજ્ઞ, સજ્જનો અને સાત્વિક લોકો સાથે મારો મેળાવડો થયો છે. આ નાટ્યસ્પર્ધા લાંબા સમય સુધી ચાલુ રહે એવી પોતે ઈશ્વરને પ્રાર્થના કરું છું

પ્રસિદ્ધ નાટ્યકાર અને ભવન્સ કલ્ચરલ સેન્ટર-અંધેરીના પ્રવીણ સોલંકીએ એમના સંબોધનમાં કહ્યું હતું કે, નાટ્યસ્પર્ધાનું આયોજન અને ઈનામો માટે પસંદગીઓની પ્રક્રિયા કઠિન હોય છે. નાપસંદગીને કારણે કેટલાકને અસંતોષ રહે છે, પરંતુ આમાં અમારો કોઈ સ્વાર્થ હોતો નતી. આ નાટ્યસ્પર્ધાના આયોજન-સહયોગમાં જે સંસ્થાઓ અને સજ્જનો સંકળાયાં છે એમની પર વિશ્વાસ રાખવો જોઈએ.

જાણીતા નાટ્યકાર અને નિર્ણાયક કપિલ શુક્લાએ કહ્યું કે આ વખતે 25 નાટકોમાંથી શ્રેષ્ઠ નાટકની પસંદગીનું કાર્ય અઘરું હતું. આનંદની વાત એ છે કે ‘ચિત્રલેખા નાટ્યસ્પર્ધા’માં નાટકોની ગુણવત્તા સુધરી છે. મને ખાતરી છે કે આવનારા વર્ષોમાં આ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ નાટકો આપણને જોવા મળશે.

‘ચિત્રલેખા’ના તંત્રી ભરત ઘેલાણીએ એમના આવકાર સંબોધનમાં કહ્યું હતું કે ‘ચિત્રલેખા નાટ્યસ્પર્ધા’ના 12 વર્ષના ઈતિહાસમાં ગુજરાતી રંગભૂમિના દિગ્ગજ દિવંગતની સ્મૃતિમાં ચાર મુખ્ય એવોર્ડ આપવામાં આવ્યા છે. આ એવોર્ડ એ ધુરંધરો પ્રત્યેની લાગણીનો પડઘો છે. આ નાટ્યસ્પર્ધાના સફળ આયોજન માટેનો મુખ્ય શ્રેય ભરતભાઈએ ભવન્સ કલ્ચરલ સેન્ટર-અંધેરીના આ પાંચ જણને આપ્યો હતો – પ્રવીણ સોલંકી, લલિત શાહ, રમાકાંત ભગત, કમલેશ દરુ અને જિજ્ઞેશ મકવાણા.

સમગ્ર કાર્યક્રમને ગીત-સંગીત-નૃત્યની વિવિધ પેશકશ દ્વારા મનોરંજનથી સભર બનાવ્યો હતો સાંસ્કૃતિક કાર્યક્રમના દિગ્દર્શક અભિલાષ ઘોડા તથા એમના ગ્રુપે. ‘ચિત્રલેખા નાટ્યસ્પર્ધા’ ઈનામ વિતરણ કાર્યક્રમના શ્રોતાઓ, મહેમાનો તથા સ્પર્ધક કલાકારો-કસબીઓને એક અવનવો જલસો પ્રાપ્ત થયો હતો. ગુજરાતના વિવિધ પ્રદેશોના નામાંકિત કલાકારોના કાફલા સાથે, ગુજરાતનાં તળપદાં ગીતોના સથવારે દિલધડક ફ્યુઝન ડાન્સ પરફોર્મન્સ પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. નૃત્ય કલાકારો તથા સંગીત આયોજને શ્રોતાઓનાં મન મોહી લીધા હતા. જેમાં કાઠિયાવાડી ફ્યુઝન (‘હાલ તને હાલ સૌરાષ્ટ્ર બતાવું’), પતંગ ગીત, કચ્છનું ખમીર રજૂ કરતા ગીત, ચારણ કન્યા, ગુજરાતની ગાથા ફ્યુઝન ગીતનો સમાવેશ થાય છે. જોકે આમાં સૌથી સરપ્રાઈઝ પરફોર્મન્સ રજૂ કર્યો હતો ગાયિકા બહેનો પ્રીતિ-પિન્કીએ. એમણે લોકપ્રિય ગીત ‘સાંવરિયો મારો’ રજૂ કરીને નાટ્યસ્પર્ધા ઈનામ વિતરણ સમારંભમાં મનોરંજનનો અણધાર્યો મોજીલો ડોઝ આપ્યો હતો.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રીતિ શાહે એમની આગવી રસાળ શૈલીમાં કર્યું હતું. સમારંભમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું સંચાલન સરસ રીતે સંભાળ્યું હતું અભિલાષ ઘોડાએ. ભવન્સ કલ્ચરલ સેન્ટર-અંધેરીના રમાકાંત ભગતે આભારવિધિ વ્યક્ત કર્યો હતો.

‘ચિત્રલેખા નાટ્યસ્પર્ધા-૨૦૧૮’ના અન્ય સહયોગીઓ હતાંઃ શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સ પ્રા.લિ. (એસઆરકે) સુરત, જીવનભારતી મંડળ (સુરત), એગ્રોસેલ ઈન્ડસ્ટ્રિઝ (ભૂજ), રાજવી જોશી- રાજ થિયેટર (મુંબઈ), ભવન કલા કેન્દ્ર-ચોપાટી, મુંબઈ તથા ભવન્સ-અમદાવાદ.

(સમગ્ર ઈનામ વિતરણ સમારંભની વધુ તસવીરો)

અહેવાલઃ મનોજ મોતીવાલા
તસવીરોઃ દીપક ધુરી