શા માટે હું જ, આ સવાલનો સુંદર જવાબ

પણે જીવનમાં થોડી પણ તકલીફ આવી જાય તો તરત જ એવુ વિચારીએ છીએ કે, શા માટે? શા માટે મારી સાથે જ આવુ થયુ? શા માટે હું જ? કેટલાક તો ભગવાન પર ચઢી બેસે કે, ભગવાન મારી તરફ જોતો જ નથી. પણ ક્યારેય આપણે એવુ વિચારીએ છીએ કે આ બધા કદાચ આપણી નજરના દાવપેચ છે. તમે કેવી રીતે જુઓ છો સ્થિતિને એ જ તો મહત્વનું છે. સૌથી ઉત્તમ ઉદાહરણ તેનું – IMposible, જેને તમે I M possible પણ વાંચી શકો. એટલે કે ફરક છે માત્ર દ્રષ્ટિકોણનો. વિચારીએ તો, એ શક્ય છે કે આપણે જે રીતે જોઇએ છીએ સ્થિતિ એનાથી અલગ એન્ગલ પણ ધરાવતી હોય છે.i-me-myself

શા માટે હું, મારી સાથે જ, લાઇફ ઇઝ નોટ ફેર વિથ મી. આ બધા એક્સક્યુઝિસ એટલે કે બહાના જ છે. એ વાત જો તમે ન માનતા હોવ તો આર્થર એશના સંદેશ બાદ તમે તમારા વિચાર બદલાય જશે.

આર્થર એશ. લિજેન્ડરી વિમ્બલડન પ્લેયર. ટેનિસમાં પોતાના નામનો ડંકો વગાડનાર, અને 3 વાર ગ્રાંડ સ્લેમ ટાઇટલ જીતનાર આર્થર એશ. જેમણે 1980માં ખેલથી નિવૃત્તિ લીધી હતી. જો કે આજે આર્થર એશની વાત કરવામાં એવુ માનવાની જરુર નથી કે તે ભુતકાળ છે. અથવા ઇતિહાસ થઇ ગયો આ તો. કારણ કે વાત આર્થર એશના એ સંદેશની છે જે કોઇ પણ સમયમાં સાચો જ ઠરવાનો છે.  1993માં 43 વર્ષની વયે આર્થર એશનું બિમારીમાં નિધન થયું વાત તે પહેલાની છે. 1992માં આર્થર એશે પોતાને એઇડ્સની જીવલેણ બિમારી હોવાનુ જાહેર કર્યુ હતુ. પોતે એઇડ્સ જેવી જીવલેણ બીમારીને કારણે મરણ પથારીએ હતા. આ જીવલેણ બિમારી  તેમને 1983માં તેમની સર્જરિ દરમિયાન ઇન્ફેક્ટેડ લોહી ચઢાવવાથી થઇ હતી.

તેમની જાહેરાત બાદ તેમના ચાહકો પર તો જાણે વીજળી તુટી પડી. તેમની બિમારી દરમિયાન તેઓના ચાહકોના ઘણા પત્ર તેમને મળ્યા. જેમાંથી એકમાં લખ્યુ હતુ કે, ” શા માટે ભગવાને આવી જીવલેણ બિમારી તમને જ આપી.”

સ્વાભાવિક રુપે જ તેમના ચાહકને અત્યંત સહાનુભુતિ હતી આર્થર માટે. પણ અહીં ધ્યાન ખેંચે તેવો અભિગમ મરણપથારીએ પડેલા આર્થર એશનો સામે આવ્યો. આર્થરે પોતાના એ ચાહકને જવાબ આપ્યો. અને એ જવાબમાં તેમણે લખ્યુ કે, 50 મિલિયન (મિલિયન એટલે દસ લાખ)  એટલે કે 5 કરોડ બાળકો એ ટેનિસ રમવાનુ શરુ કર્યુ.  5 મિલિયન (50 લાખ)  બાળકોએ ટેનિસ રમવાનુ શિખ્યુ. જે બાદ 5 લાખ બાળકોએ પ્રોફેશનલી ટેનિસ રમવાની તાલીમ મેળવી. આ 5 લાખમાંથી 50 હજાર સર્કિટમાં આવ્યા. અને 5 હજાર ગ્રાંડ સ્લેમમાં પહોંચ્યા. 50 વિમ્બલ્ડનમાં પહોંચ્યા. જેમાંથી 4 સેમિફાઇનલ્સમાં પહોચ્યાં. 2 ફાઇનલમાં પહોંચ્યા. જ્યારે મારા હાથમાં મે પુરસ્કાર લીધો હતો ત્યારે મે ભગવાનને એવુ નથી પુછ્યુ કે શા માટે હું. તો હવે જ્યારે હું દુઃખમાં છુ ત્યારે હું ભગવાનને કેવી રીતે પુછી શકુ કે શા માટે હું.arthurઆર્થર એશના જવાબથી એક અલગ જ દ્રષ્ટિકોણ મળે છે આજના માનવને.

દુઃખ ખરેખર શું છે. ખુશીનો અભાવ. અને ખુશી સાધનોમાં નથી, ખુશી તમારા મનમાં છે. અને ખુશી એટલે કે હેપ્પીનેસ, તમને મધુર આનંદમાં રાખે છે. એવી જ રીતે પ્રયાસ તમને મજબુત રાખે છે.  દુઃખ તમરી અંદરની માનવતાને જાળવે છે. તો, નિષ્ફળતા તમને ઉદાર બનાવે છે. અને સફળતા તમને દુનિયાના ફલક પર પ્રકાશિત કરે છે. પણ  આ બધામાં માત્ર  અડગ વિશ્વાસ (ફેઇથ ) જેને તમે શ્રદ્ધા પણ ગણી શકો. એ જ તમને આગળ વધવાની પ્રેરણા આપે છે.

થોડું ઉંડાણથી વિચારીશું તો એ પણ સમજાશે કે, જે તમારી પાસે છે તેને મેળવવાના સપના બીજા જોતા હોય છે. ક્યારેક એવુ બને કે તમે તમારા જીવનથી સંતુષ્ટ ન હોવ, પણ સામે ઘણા એવા હોય જે તમારા જેવુ જીવન જીવવાના સપના રાખે છે.

ખેતરમાંથી એક બાળક આકાશમાંથી પસાર થતાં પ્લેનને જોઇને ઉડવાનુ સપનુ સેવે છે. તો એ પ્લેનમાં રહેલ પાયલોટ ખેતર જોઇને ધરતી પર ઉતરી પોતાના ઘરે જવાનુ સપનુ જોતો હોય છે. આ જ તો જીવન છે.

તો સહજતા અને સરળતાથી જીવો. ઉદારતાથી ચાલો અને યથાર્થપણે પ્રેમ કરો. શા માટે હું એ નિરર્થક છે. હું છું એ મહત્વનુ છે. એટલુ યાદ રાખીને મન ભરીને જીવો.