મ્યુચ્યુઅલ ફંડ વિશે માર્ગદર્શક પરિસંવાદ: આ તહેવારો શીખવે છે આપણને નાણાં કમાવા ને ખર્ચવાના ફંડા…

‘ચિત્રલેખા’ અને ‘આદિત્ય બિરલા કૅપિટલે’ વડોદરા, સુરેન્દ્રનગર તથા ગાંધીધામમાં તાજેતરમાં યોજેલા પરિસંવાદમાં લોકોએ જાણ્યું કે ક્યાં-કેમ-કેટલું ને ક્યારેરોકાણ કરવું-ન કરવું?


આર્થિક
રોકાણના વિવિધ વિકલ્પની માહિતી, સમજ આપવા માટે ‘ચિત્રલેખા’ ગુજરાતનાં વિવિધ શહેર-ગામમાં સમયાંતરે પરિસંવાદનું આયોજન કરે છે. જાન્યુઆરી મહિનાની તારીખ પાંચ, છ ને સાતના રોજ વડોદરા, સુરેન્દ્રનગર અને કચ્છના આર્થિક પાટનગર ગાંધીધામમાં આદિત્ય બિરલા કૅપિટલની સાથે રહીને આ પરિસંવાદ ફરી યોજાયા હતા. મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી મ્યુચ્યુઅલ ફંડ અને રોકાણના અન્ય સ્રોત-વિકલ્પ અંગે જાણકારી મેળવીને પોતાને થતા પ્રશ્નોનું સમાધાન કર્યું હતું. મુંબઈથી આવેલા આર્થિક નિષ્ણાતોએ દેશ-દુનિયાની વર્તમાન આર્થિક સ્થિતિથી લઈને ભાવિ પડકાર, વગેરેને ધ્યાનમાં રાખીને રોકાણના ફાયદા અને રોકાણ ન કરવાનાંય 
જોખમ સ-રસ રીતે સમજાવ્યાં…

બચતથી માંડીને સંપત્તિથી સર્જન તથા મૂડીરોકાણ વિશે આર્થિક નિષ્ણાતોનાં માર્ગદર્શન પછી ત્રણેય શહેરમાં વાચકો-શ્રોતાઓએ અનેકવિધ પ્રશ્ન પૂછ્યા…

દિવાળી: આર્થિક બાબતનું શ્રેષ્ઠ પ્રતીક

આર્થિક આયોજનના જાણીતા સલાહકાર ગૌરવ મશરૂવાળાએ પોતાના વક્તવ્યમાં રોજિંદા જીવનમાં કઈ રીતે મૂડીરોકાણ કરવું એની તબક્કાવાર સમજણ આપીને દિવાળી પર્વને અર્થ-પૈસા માટે આપણા શાસ્ત્રએ આપેલા માર્ગદર્શન સાથે પ્રતીક રૂપે વર્ણવ્યા હતા. એ કહે કે વાક બારસ, માતા સરસ્વતીનું પૂજન એટલે આર્થિક બાબતની જાણકારી કે સમજ. કેમ કમાવું? કેમ વાપરવું? ધનતેરસ એ આયુર્વેદના દેવ ભગવાન ધન્વંતરીનો દિવસ છે એટલે સ્વાસ્થ્યને પણ મહત્ત્વ આપવું. ભૌતિક સુખ માટે કમાવું જ‚રી છે, પરંતુ એ સંપત્તિ વાપરી શકીએ એટલા સ્વસ્થ- તંદુરસ્ત રહીએ એ સમજથી કમાવું જોઈએ. કાળી ચૌદસે કકળાટ કાઢીએ છીએ એમ ધનને લગતા વિકાર, ગેરસમજ અને ખોટી રીતે કમાવાના જો વિચાર આવતા હોય તો એ વિચાર-વિકાર કાઢવાનો દિવસ છે. જો ધનને લગતા વિકાર જતા રહે તો પછી લક્ષ્મી ઘરના મુખ્ય દરવાજેથી પ્રવેશ કરે અને દિવાળીના દિવસે આપણે એનું પૂજન કરી શકીએ. બેસતા વર્ષે આપણે બાળકોને, આપણાથી નાના હોય એમને બક્ષિસ કે બોણી આપીએ છીએ. એનો અર્થ છે ગયા વર્ષમાં જે કમાયા, મેળવ્યું એમાં સમાજનો પણ હિસ્સો છે. પ્રૉફિટ શૅરિંગની એ વાત છે. આપણને જેટલું મળ્યું છે એમાંથી થોડું થોડું સમાજને આપવું એ આપણા સંસ્કાર છે. ભાઈબીજ સૂચવે છે કે આપણી કે પરિવારની સંપત્તિમાં બહેનનો-સ્ત્રીનો હિસ્સો છે. એને પણ એનો હક મળવો જોઈએ. જો આ રીતે કમાઈએ અને ઉપયોગ કરીએ તો જીવનમાં લાભ થાય એટલે લાભ પાંચમ આવે!

મનીષ ઠક્કર

(‘આદિત્ય બિરલા કૅપિટલ’ના વેસ્ટ ઝોનના વડા)

nદેશનો જીડીપી આપણા હાથમાં નથી, પરંતુ આપણે આપણાં ગોલ-ડ્રીમ-પ્લાન (જીડીપી)નો વિચાર કરવો જોઈએ.

nબધી રીતે મૉડર્ન થઈ ગયા, પણ રોકાણની બાબતમાં આપણે જુનવાણી છીએ. ૯૭ ટકા લોકો હજી પણ ફિક્સ ડિપોઝિટ, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, વગેરેમાં નાણાં રોકે છે.

nવધતા ફુગાવાને લીધે પૈસાનું મૂલ્ય ઘટી રહ્યું છે. રૂપિયા ૨૦૦૦નું મૂલ્ય ૩૦ વર્ષ પછી રૂપિયા ૩૦૦ અને પાંચ વર્ષ પછી રૂપિયા ૧૪૦૦ હશે.

nસોનું, રિયલ એસ્ટેટ, બૅન્ક, મિલકતમાં રોકાણ થાય છે ખરું, પરંતુ છેલ્લાં ૨૦ વર્ષના સત્તાવાર આંકડા કહે છે કે ઈક્વિટીમાં થયેલા રોકાણનું વળતર સૌથી વધારે છે.

nરોકાણ કરતાં પહેલાં એક વાત યાદ રાખીએ કે કયા રોકાણનું વળતર કેટલા સમયમાં કેટલું મળે છે?

nમ્યુચ્યુઅલ ફંડમાં નાણાંની પ્રવાહિતા છે. યોજના બદલવાની અનુકૂળતા છે. સેબી એનું સંચાલન કરે છે.

nઆ ફંડમાં બૅન્કનાં ખાતાંની જેમ પણ રોકાણ થઈ શકે, ફિક્સ ડિપોઝિટની જેમ ડિબેન્ચર્સમાં પણ થઈ શકે અને વધારે સમય ધીરજ રાખી શકીએ તો ઈક્વિટીમાં પણ રોકી શકાય.

nમ્યુચ્યુઅલ ફંડમાં નહીં, પરંતુ મ્યુચ્યુઅલ ફંડ દ્વારા રોકાણ થાય છે.

nઈક્વિટી કે મ્યુચ્યુઅલ ફંડ એટલે જોખમ એવી માન્યતા છે, પરંતુ છેલ્લાં ૩૯ વર્ષમાંથી ૨૭ વર્ષ આ જ રોકાણે સારું વળતર આપ્યું છે.

nજેટલું વહેલું રોકાણ શરૂ કરીએ એટલું વધારે વળતર મળશે.

nસંપત્તિ માટે રોકાણ જરૂરી છે, રોકાણ માટે સંપત્તિ જરૂરી નથી.

nદુનિયાના જેટલા ધનવાન છે એ કોઈ ફિક્સ ડિપોઝિટ દ્વારા સંપત્તિસર્જન નથી કરી શક્યા. એમણે પોતાનું મહદ્ રોકાણ ઈક્વિટીમાં કર્યું છે…

આ ત્રણેય શહેરના પરિસંવાદમાં હાજર રહેલા ‘ચિત્રલેખા’ના તંત્રી ભરત ઘેલાણીએ પ્રારંભમાં આ પ્રકારના પરિસંવાદનાં આયોજન-એની જરૂરિયાત અને વાચકો-રોકાણકારો તરફથી મળતા પ્રતિસાદની વાત કરી તો ત્રણેય શહેરમાં પરિસંવાદનું સંચાલન જાણીતા ફાઈનાન્સિયલ માર્કેટ ટ્રેનર અમિત ત્રિવેદી વિવિધ ઉદાહરણ, અમિતાભ બચ્ચનના સંવાદના સંદર્ભ અને વૈશ્વિક ઉદાહરણ સાથે બહુ રસાળ રીતે કરીને આર્થિક નિષ્ણાતો તથા શ્રોતા વચ્ચે એક અગત્યની કડીરૂપ રહ્યા.

શ્રેષ્ઠ પ્રશ્નોના વિજેતા આ રહ્યા…

પરિસંવાદના અંતે થયેલી પ્રશ્નોત્તરીમાં દરેક શહેરમાં પાંચ-પાંચ શ્રેષ્ઠ પ્રશ્ન પસંદ કરી એમને નિરાલી નૉન-સ્ટિક કૂકવેર તરફથી ઈનામ આપવામાં આવ્યાં હતાં.

વડોદરા: રાજેશ દસાડિયા, પ્રમોદ ચાવડા, ડૉ. પી.બી.થોરાટ, અંજનાબહેન પુરાણી, રોહિત કુમાર રાઠોડ.

સુરેન્દ્રનગર: જયદીપસિંહ ચૌહાણ, નીલેશ કંટારિયા, ચેતન પૂજારા, રમેશ પરમાર, જય શાહ.

ગાંધીધામ: દામોદર સારંગલા, ડૉ. મયૂર પૂજારા, પ્રદીપ જાડેજા, પંકજ શાહ, મનીષ ઠાકર.

અહેવાલઃ
ગોપાલ પંડ્યા (વડોદરા)
જ્વલંત છાયા (સુરેન્દ્રનગર)
સુનીલ માંકડ (ગાંધીધામ)