આત્માનો અવાજ

હાલમાં જ બીજી ઓક્ટોબરે દેશ આખાએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતિ ઉજવી. ગાંધીજી વિશે અનેક ફિલ્મી ગીતો અને ફિલ્મો આપણે જોયાં, એમાં કોમેડી ફિલ્મ ‘લગે રહો મુન્નાભાઈ’નું પણ નામ લેવું પડે. એ ફિલ્મમાં સંજય દત્તના પાત્ર મુન્નાભાઈને ‘ગાંધીજી’ના આત્માનાં સાક્ષાત દર્શન થાય છે, તેમની સાથે તે વાતો પણ કરે છે અને ‘બાપુ’ની સલાહ મુજબ કામ કરે છે.


‘ચિત્રલેખા’ના સંસ્થાપક-તંત્રી વજુ કોટક લિખિત હાસ્યકથાઓનાં પુસ્તક ‘બુદ્ધિના બ્રહ્મચારી’ના એક એવા પ્રકારના જ રમૂજી પ્રકરણને અહીં પ્રસ્તુત કરીએ છીએ, જેનું નામ છે ‘આત્માનો અવાજ’

તો વાંચો અને આનંદસહ માણો વાર્તા ‘આત્માનો અવાજ’…


ભગવાને જો કોઈને ફુરસદના વખતે ઘડેલ હોય તો અમારા માળામાં રહેતો દલપત છે. એવો વિચિત્ર માણસ કે એનો જોટો પણ ક્યાંય ન મળે! મગજ એવું ધૂની કે કંઈ ઘડીએ એ શું કરી બેસશે એની આપણને કલ્પના જ ન આવે. આત્માના અવાજ ઉપર જ એનું કામકાજ ચાલે. થોડા વખત પહેલાં એ ત્રણ મહિના સુધી સીંગ અને ગોળ પર જ રહ્યો હતો. પરિણામે આંતરડાં બગડી ગયાં એટલે બંધ કર્યું. અમે ડૉક્ટરની સલાહ લેવાનું કહ્યું, પણ માને જ નહીં અને રોજ આખા શરીરે માટી લગાવીને કુદરતી ઉપાયો અજમાવ્યા કરે. કોઈએ ટકોર કરી કે ‘આમ આખા શરીર ઉપર માટી લગાવડા કરતાં કાદવમાં જ પડ્યા રહેવું વધારે સારું છે.’ આ વાત એને ગળે ઊતરી ગયેલી અને ગામને છેડે આવેલા તળાવના કાદવમાં ભેંસની જેમ કલાકો સુધી પડ્યો રહેતો. દસ દિવસ પછી એ શરદીનો શિકાર થઈ પડ્યો અને શરદી મટાડવા માટે તેણે પાંચ દિવસ સુધી કપાળે મરચાંનો ભુક્કો ભર્યો! આનો અખતરો કરતાં મરચું આંખમાં પડેલું અને આંખ દુખવા આવેલી. આ દુખતી આંખનો ઉપાય એણે શોધી કાઢ્યો. રોજ બપોરે બાર વાગે સૂર્યની સામે જોવા લાગ્યો.

હમણાં હમણાં થોડા દિવસથી એ ખાલી મકાઈ પર જીવન ગુજારી રહ્યો છે. એ જોવા માગે છે કે હિંદુસ્તાનના માણસો મકાઈ પર જીવન ગાળી શકે કે નહીં. એકલો માણસ અને આખો દિવસ નવજીવન કાર્યાલયનાં પુસ્તકો વાંચીને એ પોતાની જાતને મહાત્મા ગાંધીજીની છેલ્લી આવૃત્તિ ગણી રહ્યો છે.

થોડા વખત પહેલાં એના મામા મારી પાસે આવ્યા હતા અને મને કહ્યું હતું: ‘આ વેદિયાને તું સુધારીશ તો હું તારો આભાર માનીશ. મારું કહ્યું તો એ માનતો નથી. કેવી સુંદર કન્યા છે, પણ જોવા જવાની જ ના પાડે છે.’

બિચારા મામાએ ઘણો કકળાટ કરેલો, મને પણ થયું કે દલપત ઘણો ધૂની માણસ છે. શક્તિશાળી છે, એક વસ્તુ હાથમાં પકડી તો એને અંત સુધી ઓળખી કાઢવાની એનામાં તાકાત છે આવા માણસનું મગજ ઠેકાણે આવી જાય તો જરૂર જીવનમાં નામ કાઢે એમ હું માનતો હતો. લગ્ન કર્યા પછી મેં આવા ઘણા ઉરાંગઉટાંગોને સીધાદોર થતા જોયા છે અને જીવનનો ખરો આનંદ માણતા નિહાળ્યા છે.

હું એની પાસે ગયો અને લગ્ન કરવા સમજાવ્યું. તેણે જવાબ આપ્યો:

‘હું તો આજીવન બ્રહ્મચર્યનું પાલન કરવા માગું છું.’

‘હા, પણ એમાં છોકરી જોવામાં તને શું નુકસાન થવાનું છે?’


બીજો એક કલાક બગડ્યો, પણ દલપત આવ્યો નહીં. મને થયું કે આજે એના આત્માની મશીનરી બગડી ગઈ છે. કંઈ યુક્તિ કરવી જોઈએ.


‘મને તો કાંઈ નુકસાન થવાનું નથી, પણ આપણને જોઈને છોકરી આશા બાંધી બેસે તો પાછળથી એ બિચારીને કેટલું ખમવું પડે? હું કોઈનું હૃદય દુભાવીને હિંસા કરવા નથી માગતો. તું તો જાણે છે કે હિંદુસ્તાનને સ્વરાજ ન મળે ત્યાં સુધી લગ્ન ન કરવું એવી પ્રતિજ્ઞા લીધી છે.’

હું સમજી ગયો કે ભાઈસા’બનું મગજ આ વિષયમાં બહુ જ ગૂંચવાઈ ગયું છે. વિચારો સ્પષ્ટ થયા નથી. આખું જીવન બ્રહ્મચર્ય પાળવાની વાત કરનારે એક જ પળ પછી સ્વરાજ મળે તો લગ્ન કરવું એવી વાત રજૂ કરી. મેં જણાવ્યું:

‘ભલા માણસ, સ્વરાજ તો લગભગ આવી ગયું છે. દેશમાં કામચલાઉ સરકાર પણ આપણી છે અને આવતે વર્ષે અંગ્રેજો હિંદ છોડવાના છે એ વાત પણ પ્રગટ થઈ ચૂકી છે. તું પરણે નહીં તો કંઈ નહીં, પણ હવે પરણવાનો વિચાર કરે તો કંઈ ખોટું નથી. છોકરી જો પસંદ પડી તો નક્કી કરી નાખીશું અને સંપૂર્ણ આઝાદી મળે ત્યારે તું લગ્ન કરજે.’

દલપતને ગળે મારી દલીલ ઊતરી. તેણે કહ્યું: ‘તારી વાત વિચારવા જેવી છે. ભલે હું એ બાબત પર આત્માને પૂછી જોઈશ. એ મને આજ્ઞા કરશે એ પ્રમાણે કરીશ. તું હમણાં અહીંથી જા, હું આત્માના અવાજની રાહ જોઉં છું.’

‘અવાજ કેટલી વારમાં આવશે?’

‘એનો કંઈ ભરોસો નહીં. એક મિનિટમાં આવે અને એક કલાક પછી પણ આવે. અવાજ આવશે કે તરત જ હું તારી પાસે આવીશ.’

હું મારી ઓરડીમાં ચાલ્યો ગયો. કલાક ગયો, દોઢ કલાક ગયો, પણ દલપત આવ્યો જ નહીં. શેઠ એની ઓરડીનાં બારણાં બંધ કરીને બેઠો હતો. કંટાળીને હું ત્યાં ગયો અને બહારથી બૂમ પાડી:

‘એલા દલપત! અવાજ આવ્યો?’

અંદરથી જવાબ મળ્યો: ‘હજુ કંઈ સૂઝતું નથી. મારી આસપાસ અંધકાર પથરાઈ ગયો છે. હું વેદના અનુભવી રહ્યો છું. પ્રકાશની શોધમાં છું.’


‘હા, મારી તને આજ્ઞા છે, બેટા દલપત, તું ભગવાન બુદ્ધનો સગો ભત્રીજો છે, મહમદ પયગંબરનો તું લઘુ બંધુ છો અને જિજસ ક્રાઈસ્ટ તારા ફુવા થાય. તું જે કન્યા જોવા જવાનો છે એ તારી ગયા ભવની સહધર્મચારિણી છે. તારી બાજુમાં રહેતા વજુ કોટકની તું સલાહ માન.’


મેં જવાબ આપ્યો: ‘ભલા માણસ, અંધકાર છવાઈ રહ્યો હોય તો બત્તી કર, સૂઝશે.’

‘હું એવા પાર્થિવ પ્રકાશને નથી ઈચ્છતો. અંતરના પ્રકાશની તેમ જ અવાજની રાહ જોઈ રહ્યો છું.’

‘અચ્છા ત્યારે. હું મારી ઓરડીમાં બેઠો છું.’

આટલું કહીને હું કંટાળીને ચાલ્યો ગયો. બીજો એક કલાક બગડ્યો, પણ દલપત આવ્યો નહીં. મને થયું કે આજે એના આત્માની મશીનરી બગડી ગઈ છે. કંઈ યુક્તિ કરવી જોઈએ. છેવટે ઓરડીના ખૂણામાં પડી રહેલું એક ભૂંગળું મેં ઉપાડ્યું અને દલપતના રૂમની પાછળ જે બારી પડતી હતી ત્યાં ગયો. ઉપર ચડીને જોયું તો ઘીના-દીપકના ઝાંખા પ્રકાશમાં દલપતભાઈ ભગવાન બુદ્ધની જેમ પદ્માસન વાળીને બેઠા હતા. મેં ભૂંગળું મોઢે લગાડ્યું, એની નજર ન પડે એવી રીતે બારીની કિનારી પર ગોઠવ્યું અને ભારે અવાજે જાણે પ્રેતાત્મા બોલતો હોય એમ હું બોલ્યો:

‘બેટા દલપત! ઊભો થા અને કન્યા જોવા જા.’

આ અવાજથી દલપત ચમક્યો. એને થયું કે કોઈ દૈવી અવાજ બોલી રહ્યો છે. એ ચારે બાજુ જોવા લાગ્યો અને ગદગદ કંઠે બોલ્યો:

‘ઓ પરમ પ્રકાશ! શું તમે મને આજ્ઞા કરી રહ્યા છો?’

પત્તો ન લાગી જાય એવી રીતે હું ભૂંગળામાંથી ફરી બોલ્યો:

‘હા, મારી તને આજ્ઞા છે, બેટા દલપત, તું ભગવાન બુદ્ધનો સગો ભત્રીજો છે, મહમદ પયગંબરનો તું લઘુ બંધુ છો અને જિજસ ક્રાઈસ્ટ તારા ફુવા થાય. તું જે કન્યા જોવા જવાનો છે એ તારી ગયા ભવની સહધર્મચારિણી છે. તારી બાજુમાં રહેતા વજુ કોટકની તું સલાહ માન.’

આટલું કહીને હું ઝપાટાબંધ મારી ઓરડીમાં ચાલ્યો ગયો અને બારણાં બંધ કરી બેઠો. થોડી વારમાં જ કોઈએ બારણું ખખડાવ્યું, મને ખાતરી જ હતી કે દલપત સિવાય બીજું કોઈ ન હોય. એ બહારથી બોલ્યો:

‘બારણું ઉઘાડ, જલદી ઉઘાડ. અવાજ આવી ગયો છે.’


‘એવું કંઈ નથી. આવા ઘણા અલેલ-ટપ્પુઓને લગ્ન પછી અરબી ઘોડા જેવા થઈ જતા જોયા છે અને આવનારીના વાળ ખરી પડશે તો પછી આપણું તેલ ક્યાં નથી! બે બૉટલ વધુ ખપશે.’


મેં અંદરથી જવાબ આપ્યો: ‘હું પણ આત્માના અવાજની રાહ જોઈ રહ્યો છું. બારણું ક્યારે ખોલવું એ માટે હું અંદરના અવાજની રાહ જોઈ રહ્યો છું. તું થોડો વખત બહાર ઊભો રહે. બારણું ઉઘાડવાની આજ્ઞા થશે તો ઉઘાડીશ અને નહીં થાય તો નહીં ઉઘાડું.’

એ અધીરાઈથી બોલ્યો: ‘ઉઘાડ, હમણાં જ ઉઘાડ, મને આજ્ઞા થઈ ચૂકી છે.’

મેં બારણું ખોલ્યું અને એ ઉત્સાહમાં બોલી ઊઠ્યો: ‘દોસ્ત, પરમેશ્ર્વરની મહેરબાની છે. આજે તદ્દન ચોખ્ખો અવાજ સંભળાયો છે. આવો અવાજ મેં પહેલી જ વાર સાંભળ્યો. ધીર ગંભીર એ મધુર ધ્વનિ હતો. આજે મને ખાતરી થઈ ગઈ કે મારું આધ્યાત્મિક જીવન ઘણી ઉચ્ચ કક્ષાએ પહોંચી ગયું છે. મને આજ્ઞા થઈ ચૂકી છે.’

‘શું આજ્ઞા થઈ છે?’

‘અરે દોસ્ત, આજે જ મને ખબર પડી કે હું ભગવાન બુદ્ધનો ભત્રીજો છું. પૂર્વજન્મનું મને જ્ઞાન થયું છે. હું કન્યા જોવા માટે તૈયાર છું. તું કહે એ પ્રમાણે કરીશ, તારી સલાહ પ્રમાણે મને ચાલવાનો હુકમ થયો છે.’

મને હસવું તો ઘણું આવતું હતું, પણ મેં રોકી રાખ્યું, ખોટી ગંભીરતા ધારણ કરીને કહ્યું: ‘હું હમણાં ઑફિસમાં જાઉં છું. ત્યાંથી શેઠની રજા લઈને સીધો કન્યાના બાપાને ઘેર જઈશ. તારા મામા પણ ત્યાં જ આવી પહોંચશે. તું બરાબર ત્રણ વાગે આવી પહોંચ. કપડાં સારાં પહેરજે અને બાબરા ભૂત જેવા તારા માથાના વાળ વ્યવસ્થિત રાખજે. લે, લઈ જા આ ‘રજની’ પ્રોડક્ટનું બ્રાહ્મી તેલ.’

‘આ તેલ શા માટે?’


સત્યભામાને નીરખીને મને જ તેની સાથે પરણવાનું મન થઈ ગયું. કુંવારો હોત તો જરૂર આને પસંદ કરત, પણ આ દૂષ્ટ વિચારને મેં મનમાંથી હાંકી કાઢ્યો અને દલપતની રાહ જોતો બેઠો.


‘એમાં લખ્યું છે કે તમારી સજનીનું મન રંજન કરવા માટે આ ‘રજની’નું બ્રાહ્મી તેલ વાપરો.’ મેં એક શીશી પકડાવી દીધી. ખર્ચ પૂરો કરવા માટે હું નવરાશના વખતે ‘રજની કંપની’નું તેલ વેચતો હતો અને એમાંથી પચ્ચીસ ટકા કમિશન મળતું હતું. દલપતને એક શીશી આપીને મેં તો જાણે સાંજના શાકના પૈસા કાઢી લીધા. તેણે પૈસા તરત જ આપવા માંડ્યા, પણ વ્યવહારની ખાતર કહ્યું:

‘પૈસા ક્યાં નાસી જાય છે!  સાંજે આપજે.’

‘ત્યારે સાંજે વાત.’ આટલું કહીને દલપત ચાલ્યો ગયો અને પછી દલપતની બાજુના રૂમમાં રહેતો કાંતિલાલ મારી પાસે આવ્યો. તેણે કહ્યું:

‘પેલી વેદિયાને તું શિખામણ આપતો હતો?’

‘યાર, આજે એને એક કન્યા જોવા લઈ જવાનો છું, એના મામાનો બહુ જ આગ્રહ છે. મામાનું કહ્યું માનતો નથી. એના મામા મારા મિત્ર છે એટલે હું જરા વાતમાં રસ લઈ રહ્યો છું. બીજું તો કંઈ નહીં, પણ આપણી એક બ્રાહ્મી તેલની બાટલી ખપી ગઈ છે.’

કાંતિ બોલ્યો: ‘તું પણ આદુ ખાઈને તેલની પાછળ પડ્યો છે. અચ્છા, શું તું એમ માને છે કે દલપત નામના આપણા આખલાને નાથી શકીશ? આખો દિવસ ઓરડીમાં બેસી રામના નામનો જપ કર્યા કરે છે. ગાંધીજીએ હરિજનમાં લખ્યું છે કે રામનું નામ એ અજબ દવા છે એટલે આ ભાઈસા’બને ગઈ કાલે જરા કબજિયાત જેવું હતું તેથી આખી રાત રામનું નામ જપ્યા કરતો હતો. મારી તો ઊંઘ ઊડી ગયેલી અને રામ નામનો જપ સાંભળીને માથું દુખી ગયું.’

મેં કહ્યું: ‘ભાઈ, એ તો આત્માના અવાજ ઉપર ચાલનારો માણસ છે.’

કાંતિએ જરા ચીડમાં ‘કપાળ તારું, છેલ્લા બે દિવસથી ઓરડીમાં પીંજણ લઈ આવ્યો છે અને રાતના બે વાગ્યા સુધી પીંજ્યા કરે છે. હું તો ગળે આવી ગયો છું. યાર, આવો એ આત્માનો અવાજ હોય! અને સાંભળ, આત્માના અવાજની એજન્સી ભગવાને એકલા ગાંધીજીને આપી છે. આવા લોકોને આત્માનો અવાજ ક્યાંથી સંભળાય અને જો સંભળાતો હશે તો વળી કોઈ બીજાનો હશે. બીજું તો કંઈ નહીં, પણ આવનારી દુ:ખી થઈ જશે. આવી દુનિયાની દસમી અજાયબી જેવા પતિદેવને જોઈને એના માથાના વાળ ખરી પડશે.’

મેં જવાબ આપ્યો: ‘એવું કંઈ નથી. આવા ઘણા અલેલ-ટપ્પુઓને લગ્ન પછી અરબી ઘોડા જેવા થઈ જતા જોયા છે અને આવનારીના વાળ ખરી પડશે તો પછી આપણું તેલ ક્યાં નથી! બે બૉટલ વધુ ખપશે.’

‘તું પણ પાકો ‘સેલ્સમૅન’ છો, હોં.’


વાતો ચાલતી હતી ત્યાં ધોતિયું અને ઝભ્ભામાં સજ્જ થયેલો દલપત આવ્યો, પણ એને જોઈને જ મારાં તો મોતિયાં મરી ગયાં. મામા ઠંડા બરફ થઈ ગયા અને દલીચંદ શેઠ ઘડીમાં મને જોવા લાગ્યા તો ઘડીમાં દલપતને જોવા લાગ્યા.


કાંતિ લુચ્ચાઈથી હસતો હસતો ચાલ્યો ગયો. હું પહોંચ્યો ઑફિસમાં અને શેઠની રજા લીધી. શેઠને મેં સત્ય હકીકત જણાવી ત્યાં તો શેઠ બોલી ઊઠ્યા:

‘ઓ… હો ! તમે અમારી સત્યભામા માટે મુરતિયો શોધી લાવ્યા છો કેમ !’

છોકરીના બાપનું નામ આપતાં જ મારા શેઠે છોકરીનું નામ જણાવી દીધું. મને તો આ નામ બહુ ગમ્યું. સત્યના ઉપાસક દલપત માટે સત્યભામા નામ બરાબર યોગ્ય છે એમ મને લાગ્યું. મેં શેઠને પૂછ્યું:

‘આપના કંઈ સંબંધી થાય?’

‘ત્યારે નહીં! દલીચંદ શેઠની એ છોકરી, મારા સાળા પાનાચંદના સાળા થાય. છોકરી મોતીના દાણા જેવી છે. મુરતિયો સારો હશે તો થશે.’

દલપતની વકીલાત કરતાં મેં કહ્યું: ‘સાહેબ, છોકરો હીરાના ટુકડા જેવો છે. ચંદ્રમાનું બચ્ચું જોઈ લો! એના ચહેરા ઉપર સો કૅન્ડલ પાવરનું તો તેજ છે.’

શેઠ હસી પડ્યા, પણ હસતાં હસતાં એમના ઉપલા દાંતનું ચોકઠું બહાર નીકળી આવ્યું. હું મારા શેઠના સાળાના સાળા દલીચંદ શેઠને ઘેર પહોંચી ગયો. દલપતના મામા મારી રાહ જોતા હતા. દલીચંદ શેઠ પાસે જ બેઠા હતા. થોડી વારમાં છોકરી સત્યભામા પણ આવી અને વાતો શરૂ કરી. ખરેખર, કન્યા બહુ જ રૂપાળી અને શાંત સ્વભાવની હતી. મેં તો ઈજનેરની દ્રષ્ટિએ એને નીરખવા માંડી.

કાન બરાબર હતા, એક નાનો અને એક મોટો એવું ન હતું. નાક પણ માપસર ગોઠવાયેલું હતું અને વાળની સમૃદ્ધિ પણ સારી હતી. સત્યભામાને નીરખીને મને જ તેની સાથે પરણવાનું મન થઈ ગયું. કુંવારો હોત તો જરૂર આને પસંદ કરત, પણ આ દૂષ્ટ વિચારને મેં મનમાંથી હાંકી કાઢ્યો અને દલપતની રાહ જોતો બેઠો.

પૂર્વ ભૂમિકા તૈયાર કરવાના ઈરાદાથી હું છોકરીની સમક્ષ દલપતની અજબ શક્તિઓનાં વખાણ કરવા લાગ્યો. દલપતના મામા પણ ‘હા’ માં ‘હા’ ઉમેરવા લાગ્યા. મેં દલપતના વિશાળ વાંચનની વાત કરી, એની અજોડ સાદાઈનાં વખાણ કર્યાં. એની ધાર્મિક વૃત્તિ કેવી પ્રબળ છે એ જણાવ્યું અને એ તો મહાન કર્મયોગી છે એવું મેં દાખલાઓ આપીને સિદ્ધ કરી બતાવ્યું. હું જોઈ શક્યો કે સત્યભામા દલપત વિશેની વાતો રસપૂર્વક સાંભળી રહી હતી અને દલપત કેવો ભવ્ય હશે એ વિશે એ કલ્પના કરતી હતી. અમે લોકો હવે દલપતની આતુરતાથી રાહ જોતા હતા. મામાએ બે-ત્રણ વખત મારી સામે જોયું, એની નજરમાં પ્રશ્ર્ન હતો:

‘શું દલપત આવશે તો ખરો ને? નહીં આવે તો આપણી આબરૂ જશે.’

અધીરા બનેલા દલીચંદ શેઠે પૂછ્યું: ‘દલપતભાઈ કેમ ન આવ્યા?’

મેં જવાબ આપ્યો: ‘આવ્યા વિના રહે જ નહીં. એના જેવો એકવચની માણસ મેં જોયો નથી. આવવાનું વચન આપ્યું છે એટલે જરૂર આવશે. રસ્તામાં કોઈ ગરીબને મદદ કરવા રોકાઈ ગયા હશે તો જરા મોડું થશે.’


‘બહુ સારું, મને આ તારી જીભના લોચા વળી જાય એવી ભાષા સમજાતી નથી. તારે પરણવું હોય તો પરણ, નહીંતર પડ ઊંડા ભમરિયામાં! મારી-તારા મામાની આબરૂના આજે તે કાંકરા કરી નાખ્યા.’


વાતો ચાલતી હતી ત્યાં ધોતિયું અને ઝભ્ભામાં સજ્જ થયેલો દલપત આવ્યો, પણ એને જોઈને જ મારાં તો મોતિયાં મરી ગયાં. મામા ઠંડા બરફ થઈ ગયા અને દલીચંદ શેઠ ઘડીમાં મને જોવા લાગ્યા તો ઘડીમાં દલપતને જોવા લાગ્યા. દલપતના માથા પર મૂંડો હતો! તદ્દન સફાચટ મેદાન, સહારાના રણ જેવું છોતરાં ઉખેડી લીધેલા નાળિયેર જેવું!

‘નમસ્તે. માફ કરજો જરા મોડું થઈ ગયું.’ બે હાથ જોડીને સત્યના ઉપાસક ઊભા રહ્યા.

દલીચંદ શેઠે કહ્યું: ‘બેસો, અમે તમારી જ રાહ જોતા હતા.’

દલપતભાઈ બેઠા. મામા તો મૌન ધારણ કરીને મનમાં મૂંઝાઈ રહ્યા હતા અને મારી બળતરાનો પાર ન હતો. છોકરીના મનની શું સ્થિતિ હશે એ હું કલ્પી ન શક્યો. હું મનમાં ગુસ્સે થઈ રહ્યો હતો, પણ શું થાય? દલપતભાઈ તો જાણે કંઈ બન્યું જ નથી એવી રીતે મારી પાસે બેઠા અને છોકરીને જોવા લાગ્યા. મેં કહ્યું:

‘આ છે સત્યભામાબહેન. તમારો પરિચય તો મેં એમને અગાઉથી જ આપી દીધો છે.’ સત્યભામાની મેં ઓળખાણ આપી કે દલપતે બે હાથ જોડીને કહ્યું:

‘નમસ્તે, બહેન.’

હું મનમાં બોલ્યો: ‘હરામખોર, તદ્દન જંગલી છે. ‘બહેન’ શબ્દ વાપરવાની શી જરૂર હતી?’

સત્યભામાએ પણ નમસ્તે કર્યા અને તેણે મારી સામું જોયું. છોકરીની આંખો મને પૂછી રહી હતી:

‘શું આ છે તમારા મહાન કર્મયોગી? શું આવા છે તમારા દલપતકુમાર? કામદેવની વિકૃત થયેલી આવૃત્તિ જેવા?’

ખલાસ, બાજી બગડી ગઈ. સત્યભામાની દ્રષ્ટિ દલપત પર ઠરતી જ ન હતી. દલપતે એની સાથે વાતો કરવાનો ઘણા પ્રયત્ન કર્યા, પણ પેલી ટૂંકા જવાબ આપીને વાત જલદી પતાવી દે. આમ આ મિલાપ દસેક મિનિટમાં પૂરો થયો અને ચા-પાણીની વિધિ પૂરી થઈ કે અમે લોકોએ રસ્તો માપ્યો.

બહાર આવ્યા પછી દલપતના મામા તો એક શબ્દ પણ બોલ્યા વિના અમારાથી વિખૂટા પડ્યા અને ચાલ્યા ગયા. હું એમના મનમાં કેવું દુ:ખ થયું હશે એ કલ્પી શક્યો હતો. મેં ગુસ્સામાં દલપતને પૂછ્યું:

‘આ મૂંડો કેમ કરાવી નાખ્યો? જો અમારી રેવડી કરવી’તી તો પછી આવવું જ નહોતું. તને ભાન છે કે તું કેવો લાગે છે? અરીસામાં તેં તારું મુખાવૃંદ જોયું છે?’

‘કેવો લાગું છું? એમાં મેં શું ખોટું કર્યું છે? અંતરના અવાજ પ્રમાણે જ કામ કર્યું છે. હું સ્નાન કરીને આવ્યો અને તાશ તેલની શીશી હાથમાં લીધી કે અંતરનો અવાજ આવ્યો. તેણે આજ્ઞા કરી કે તું ભગવાન બુદ્ધનો ભત્રીજો છે! તારે માથે વાળ ન શોભે. મૂંડો કરાવીને જા. બહારના સૌંદર્ય કરતાં અંદરનું સૌંદર્ય હજાર દરજ્જે ઉત્તમ છે.’

‘તને એક દિવસમાં કેટલા અવાજ આવે છે? પ્રથમ મુલાકાતે તારા અંદરના સૌંદર્યને કોણ તારો કાકો જોવાનો છે? અંતરમાં કેવી મીઠાશ છે એની ખાતરી તો પાછળથી કરાવવાની છે.’

દલપતે જવાબ આપ્યો: ‘એવું કંઈ નથી. બહારનું શરીર જોઈને જ જો પસંદગી કરવાની હોય તો તે શારીરિક મોહ છે. પ્રેમ નથી. આવાં લગ્નમાં કામવાસના સિવાય બીજું કંઈ નથી. હું વાસનાની શાંતિ માટે લગ્ન કરવા નથી ઈચ્છતો, પણ આત્માની ઉન્નતિ માટે લગ્ન હોવાં જોઈએ એમ મારું માનવું છે.’

‘બહુ સારું, મને આ તારી જીભના લોચા વળી જાય એવી ભાષા સમજાતી નથી. તારે પરણવું હોય તો પરણ, નહીંતર પડ ઊંડા ભમરિયામાં! મારી-તારા મામાની આબરૂના આજે તે કાંકરા કરી નાખ્યા.’

શાંત ચિત્તે સત્યના સેવકે કહ્યું: ‘સુખ અને દુ:ખ એ મનની માયા છે. આ માયાને જે સમજી શકે છે એને કદિ પણ દુ:ખની છાયા સ્પર્શી નથી શકતી.’

‘બસ… બસ, મારે ગીતાનું પ્રવચન નથી સાંભળવું. હું તો ઑફિસમાં જાઉં છું.’

દૂરથી બસ આવતી જોઈ અને હું દોડી ગયો. બુદ્ધ ભગવાનનો ભત્રીજો ઘેર ચાલ્યો ગયો. શેઠ બહાર ગયા હતા અને હવે આવવાના નથી એ જાણીને હું પણ એકાદ કલાક પછી બહાર ચાલ્યો ગયો. રાત સુધી મને વિચાર આવ્યા કે ભગવાન માણસના મગજમાં કઈ જાતનો મસાલો ભરતો હશે કે જેથી દલપત જેવા નમૂનાઓ પેદા થતા હશે.

રાત્ર ઘેર આવ્યો ત્યાં દલપત દાખલ થયો અને તેલની શીશી પાછી આપતાં કહ્યું: ‘લે આ તારું તેલ, હવે મારે જરૂર નથી.’

જોયું? કમિશનના પૈસા પણ ઊડી ગયા અને દલપત માટે કરેલી મહેનત પણ પાણીમાં ગઈ. થોડા વખત પહેલાં પણ જ્યારે મેં એક વીમા કંપનીની એજન્સી લીધેલી ત્યારે આવું જ બનેલું. એક શેઠ સાહેબે મને પચાસ હજારના વીમાનું સવારમાં વચન આપ્યું હતું અને સાંજે હું ફૉર્મ લઈને જાઉં છું ત્યાં દરવાજે માથે સફેદ ફાળિયા બાંધીને ડાઘુ લોકો બેઠા હતા. કોઈએ જણાવ્યું કે શેઠ બપોર પછી હાર્ટફેલથી મરી ગયા છે. આજે આ તેલની પહેલી શીશી વેચી ત્યાં આ ભૂત માથે મૂંડો કરાવીને આવ્યો.

દલપત ગંભીર બનીને ચાલ્યો: ‘મને કન્યા ગમી ગઈ છે. મારી ખરી જીવનસંગાથિની છે એવી મારી ખાતરી થઈ ચૂકી છે. મામાને પૂછી લેજે કે આગળ વધવા જેવું છે કે નહીં. સગપણ હમણાં કરીશું, પણ લગ્ન અંગ્રેજોના ગયા પછી થશે.’

મેં ગુસ્સામાં કહ્યું: ‘હવે તું માફ કર. મને આ બાબતમાં સંડોવતો નહીં. મારો આત્માનો અવાજ આવા વિચિત્ર કામમાં પડવાની ના પાડે છે.’

‘પણ મારા આત્માના અવાજે મને આજ્ઞા કરી છે કે મારે તારી સલાહ પ્રમાણે જ વર્તવું.’

‘મારી સલાહ એ છે કે હવે તારે માથે વાળ ઊગશે ત્યારે જ આ બાબતમાં આપણે કંઈ પ્રયત્ન કરીશું. તું અહીંથી જા. મારે હજી ઘણા વિચાર કરવાના છે.’

દલપત ચાલ્યો ગયો. થોડી વારમાં કાંતિલાલ આવ્યો. એના ચહેરા પર આનંદ પથરાયો હતો. તેણે પૂછ્યું:

‘કેમ, પેલા હનુમાનજીનું શું થયું?’

‘થાય શું? માથે મૂંડો કરાવીને કન્યા જોવા આવ્યો. દેશનો ઉધ્ધાર થઈ રહ્યો!’

અને કાંતિ ખડખડાટ હસી પડ્યો. તે બોલ્યો :

‘મારી યુક્તિ સફળ થઈ ખરી.’

મેં આશ્ર્ચર્ય અનુભવતાં પૂછ્યું: ‘શું?’

કાંતિએ જવાબ આપ્યો, તું સવારમાં એની બારી પાછળથી ભૂંગળાથી બોલતો હતો એ મેં જોયેલું અને પછી જ્યારે એ સ્નાન કરીને આવ્યો અને તારા તેલની શીશી હાથમાં લીધી કે હું પણ ભૂંગળું લઈને પાછળ ગયો, છૂપી રીતે બોલ્યો:

‘બેટા દલપત, તું ભગવાનનો સગો ભત્રીજો છો. દેવાનામ્ પ્રિય છો. તારે માથે વાળ ન શોભે.’ અને દીકરો સીધો હેરકટિંગ સલૂનમાં જ ગયો હોવો જોઈએ.’

આ ચમત્કાર સાંભળીને મારી આંખો ચાર થઈ ગઈ. મેં પૂછ્યું:

‘કોઈનું ઘર મડાતું હોય તેને તોડી પાડવામાં તને શો ફાયદો થવાનો છે?’

કાંતિએ જવાબ આપ્યો: ‘હું સત્યભામાને જાણું છું. અમે બન્ને ચોથી અંગ્રેજીમાં સાથે ભણતાં હતાં. મેટ્રિકમાં આવ્યા પહેલાં જ તેને ઉઠાડી મૂકી. આવી સારી છોકરી આ ભૂતને પરણે એ મને ન ગમ્યું, મારે બનાવટી આત્માના અવાજની મદદ લેવી પડી.’

હું કંઈ ન બોલ્યો. કાંતિએ મને શાંત બેઠેલો જોઈને કહ્યું:

‘મૂંઝાય છે શા માટે? લાવ તારા તેલની બે શીશી, હું બોણી કરાવું.’

કાંતિ બે શીશી લઈ ગયો. બીજે દિવસે જ્યારે હું ઑફિસમાં ગયો ત્યારે શેઠે મને કહ્યું:

‘વાહ ભાઈ, વાહ, મુરતિયો ભારે સરસ, એના ચહેરા પર નહીં, પણ એના મૂંડા ઉપર સો કૅન્ડલ પાવરનું તેજ હતું, હોં! આવા સ્વામિનારાયણના ચેલાને અમારી સત્યભામા કદી પણ પસંદ ન કરે, સમજ્યા? તમારે જરા બુદ્ધિ વાપરવી હતી! આ જમાનાની કોઈ પણ છોકરી કોઈ મૂંડાને પસંદ કરે ખરી?’

મારે કંઈ દલીલ કરવા જેવું હતું નહીં. મૂંગે મોઢે શેઠનાં વચનો સાંભળી લીધાં અને કામે લાગી ગયો. નક્કી કર્યું કે જો મને વાર્તા લખતાં આવડશે તો જરૂર હું આત્માના અવાજ ઉપર એક વાર્તા લખી નાખીશ.