પહેલું રફાલ 8 ઓક્ટોબરે મળશે; રાજનાથ સિંહ પેરિસમાં ‘શસ્ત્ર પૂજા’ કરશે

નવી દિલ્હી – ફ્રાન્સ તરફથી પહેલું રફાલ યુદ્ધવિમાન મેળવવા માટે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ પેરિસ ગયા છે. ત્યાં ખાસ સમારંભમાં એ રફાલ વિમાનની ડિલીવરી ભારત વતી સ્વીકારશે. ફ્રાન્સના સત્તાવાળાઓ એમને પહેલું વિમાન 8 ઓક્ટોબરના મંગળવારે સુપરત કરશે, જે દિવસે દશેરા તહેવાર પણ છે.

રાજનાથ સિંહ સંરક્ષણ પ્રધાન છે અને દશેરાના દિવસે શસ્ત્ર પૂજા કરવાની પરંપરાને તેઓ જાળવશે અને પેરિસમાં જ એ પૂજા કરશે.

દશેરાના દિવસે શસ્ત્રસરંજામની પૂજા કરવાની ભારતમાં પ્રાચીન પરંપરા છે, જેમાં યોદ્ધાઓ એમના શસ્ત્રોની પૂજા કરતા હોય છે.

સંરક્ષણ મંત્રાલયના સૂત્રોનું કહેવું છે કે ગૃહ પ્રધાન તરીકે રાજનાથ સિંહ દર વર્ષે દશેરાના દિવસે શસ્ત્ર પૂજા કરતા હતા. હવે તેઓ સંરક્ષણ પ્રધાન છે અને તેઓ એ પરંપરાને ચાલુ રાખશે.

રાજનાથ સિંહ પેરિસમાં ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોંને મળશે અને ત્યારબાદ બોર્ડોક્સ જશે જ્યાં ભારત માટે બનાવવામાં આવેલું પહેલું રફાલ વિમાન સ્વીકારશે.

ફ્રાન્સની દસોલ્ટ એવિએશન કંપની તરફથી પહેલું રફાલ યુદ્ધવિમાન ગયા મહિનાના આરંભમાં ભારતીય હવાઈ દળને સુપરત કરવામાં આવ્યું હતું. રાજનાથ સિંહની મુલાકાત વખતે એ વિમાનને સત્તાવાર રીતે હવાઈ દળમાં સામેલ કરવામાં આવશે.

પહેલા વિમાનનો નંબર RB-01 આપવામાં આવ્યો છે. એર માર્શલ વી.આર. ચૌધરીની આગેવાની હેઠળના ભારતીય હવાઈ દળના અધિકારીઓની ટૂકડીએ ફ્રાન્સમાં તે વિમાન મેળવ્યું હતું અને એમાં બેસીને એક કલાક સુધી ચક્કર પણ લગાવ્યું હતું.

વિમાનને RB-01 નંબર ભારતીય હવાઈ દળના એર માર્શલ આર.કે.એસ. ભદૌરિયાના નામે આપવામાં આવ્યો છે, કારણ કે ભારતનો આ સૌથી મોટો સંરક્ષણ સોદો પાર પાડવામાં એમણે ખૂબ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. ભદૌરિયા હવે હવાઈ દળના વડા, એર ચીફ માર્શલ બન્યા છે.

ભારત અને ફ્રાન્સ વચ્ચે રૂ. 60 હજાર કરોડનો કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યો છે.

ભારતને આપવામાં આવેલા આ પહેલા વિમાન પર ફ્રાન્સમાં જ બીજા સાત મહિના સુધી અજમાયશો અને પરીક્ષણો કરવામાં આવશે.

આ વિમાનને 8 ઓક્ટોબરે ભારતીય હવાઈ દળમાં સત્તાવાર રીતે સામેલ કરવામાં આવશે પણ એનું ભારતમાં આગમન તો 2020ના મે મહિનામાં જ થશે.

ત્યાં સુધીમાં ભારતીય હવાઈ દળ 24 પાઈલટ્સને ભારતીય રફાલ ફાઈટર જેટ વિમાનમાં ઉડવાની જુદા જુદા બેચમાં તાલીમ આપશે.

હરિયાણામાં અંબાલા અને પશ્ચિમ બંગાળમાં હાશીમારા ખાતે હવાઈ દળના મથકો ખાતે રફાલ વિમાનની એક-એક સ્ક્વોડ્રન તહેનાત કરવામાં આવશે.

ફ્રાન્સની દસોલ્ટ એવિએશન ભારતને 36 રફાલ યુદ્ધવિમાનો આપશે. એ માટેના કરાર પર ભારત અને ફ્રાન્સ સરકારે 2016ના સપ્ટેંબરમાં કરાર કર્યો હતો.