ભારતે બનાવ્યું વિશ્વ સ્તરીય બુલેટપ્રુફ જેકેટ, કીંમત 70-80 હજાર રુપિયા…

નવી દિલ્હીઃ કેન્દ્રીય કન્ઝ્યુમર, ખાદ્ય અને સાર્વજનિક વિતરણ પ્રધાન રામવિલાસ પાસવાને જણાવ્યું કે ભારત બુલેટપ્રુફ જેકેટો માટે પોતાના માનક અનુસાર જેકેટ બનાવનારા અમેરિકા, બ્રિટન અને જર્મની જેવા પસંદગીના દેશોમાં શામિલ થઈ ગયું છે. તેમણે કહ્યું કે ભારત બ્યુરો ઓફ સ્ટાન્ડર્ડ્સ દ્વારા નક્કી માનક આંતરરાષ્ટ્રીય માનકો બરાબર છે. જેકેટ વિશ્વ ગુણવત્તા અનુરુપ છે. જેકેટોની કીંમત મામલે તેમણે કહ્યું કે આની કીંમત 70,000 રુપિયાથી 80,000 હજાર રુપિયા વચ્ચે છે અને આ કીંમત પહેલા ખરીદવામાં આવનારા જેકેટો કરતા ઓછી છે.તેમણે જણાવ્યું કે આ જેકેટ વડાપ્રધાન મોદીની મેક-ઈન-ઈન્ડિયા પહેલ અંતર્ગત બનાવવામાં આવી રહ્યા છે અને કેટલાક દેશોમાં તેની નિર્યાત પણ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે આનાથી દેશમાં રોજગારીની વધારે તકો ઉભી થશે. જેકેટ ભારતીય માનક બ્યૂરો દ્વારા નિર્ધારિત અને ડિસેમ્બર 2018 માં નોટિફાઈડ સ્ટાન્ડર્ડનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યા છે. આ માનકને નીતિ આયોગ અને ગૃહ મંત્રાલયના નિર્દેશો અનુસાર બનાવવામાં આવ્યા છે. આ માનક ભારતીય સશસ્ત્ર દળો, અર્ધ સૈનિક દળો તેમજ રાજ્ય પોલીસ દળોની માંગને પૂરી કરશે અને તેમની ખરીદ પ્રક્રિયા ને સહજ બનાવવામાં સહાયક બનશે. જેકેટ પહેરવા પર તેનું વજન વાસ્તવિક વજનથી અડધું જ અનુભવાય છે અને તે સરળતાથી ખુલી પણ જાય છે. આને જવાન પોતાની આવશ્યકતા અનુસાર પહેરી અને ઉતારી શકે છે. આ જેકેટ પહેરીને જવાન પોતાના હથિયારોનો ઉપયોગ સહજતાથી કરી શકે છે.

અધિકારીઓએ જણાવ્યું કે પહેલા બુલેટપ્રૂફ જેકેટમાં લોખંડનો ઉપયોગ થતો હતો, જેના કારણે તેનું વજન 20 કિલોગ્રામ સુધીનું હતું, પરંતુ આમાં બોરોન કાર્બાઈડનો ઉપયોગ થાય છે, જે ખૂબ સખત હોય છે અને ગોળી આની આરપાર જઈ શકતી નથી. સાથે જ આ જેકેટનું વજન વધારેમાં વધારે 10 કિલોગ્રામ છે અને આમાં લાગેલી લોડ ડિસ્ટ્રીબ્યૂશન સિસ્ટમનો ઉપયોગ કરવા પર આનું વજન પાંચ કિલોગ્રામ થઈ જાય છે. કોઈ દુર્ઘટનાની સ્થિતીમાં જો સુરક્ષાકર્મચારીઓને જેકેટ જલ્દી ઉતારવાની આવશ્યકતા હોય તો તેઓ એક જ ઝાટકે અને માત્ર એક સેકન્ડ જેટલા સમયમાં આ જેકેટને પોતાના શરિર પરથી ઉતારી શકે છે. તેમણે જણાવ્યું કે જેકેટમાં છ સ્તરીય સુરક્ષાના માનકો નક્કી કરવામાં આવ્યા છે.