અજ્ઞાત બાવા પાસે મળ્યું વિશોત્તરી ‘દશાઓ’નું રહસ્ય

જ્ઞાત બાવા પાસે હમણાં એકવાર ફરી મુલાકાત થઇ ગઈ, તેમણે હંમેશની જેમ કંઈ ખાસ સમય ફાળવ્યો નહી.. પરંતુ, તેમણે કીધું કે, જ્યોતિષ રહસ્યોનો મહાસાગર છે અને રત્નોથી ભરેલો છે. જ્યોતિષ એ કલ્પવૃક્ષ પણ છે. તેમાં અનેક ફળ લાગેલાં છે, કઈ રીતે જ્ઞાનનો ઉપયોગ કરવો એ તમને માત્ર ગુરુ જ કહી શકે. જ્યોતિષમાં ફળકથન સમયે ઘટના ક્યારે ઘટે તેની માટે દશા પદ્ધતિઓ દ્વારા ઘટનાના સમયનું અનુમાન કરવામાં આવે છે.

જ્યોતિષ અને પૂર્વપુણ્ય:

જ્યોતિષનું જ્ઞાન બધાં પાસે નથી રહેતું, હોય અને પૂર્વપુણ્ય ન હોય, પાત્રતા ન હોય તો મળેલું જ્ઞાન પણ ચાલ્યું જાય છે. કારણ કે, આ વિષય મૂળ ઋષિમુનિઓનો જ વિષય છે. અને તમને ખબર છે કે ઋષિમુનિઓ દરેક કાળમાં હાજર હોય છે, તેઓ સતત ઈશ્વર અને જ્ઞાનની ઉપાસના અને સૃષ્ટિના રક્ષણમાં લાગેલાં હોય છે. આ જ્ઞાન જો કોઈ ‘પાત્ર’ વ્યક્તિ ન હોય અને તેના હાથે આવે તો પણ તે સમયાંતરે યેનકેન પ્રકારે કુદરત દ્વારા જ પાછું લઇ લેવામાં આવે છે.

દશાઓના પ્રકાર:

જ્યોતિષમાં ઋષિમુનિઓએ મુખ્ય બે પ્રકારે દશાઓ વર્ગીકૃત કરી છે, આયુષ્ય દશાઓ અને ફલિત દશાઓ. ફલિત દશાઓ દ્વારા મનુષ્યના જીવનના દરેક ક્ષેત્ર અને તેને સંકલિત ભાવનો અભ્યાસ કરીને જે તે ભાવનું ફળ જણાવાય છે. ફલિત દશાઓ ગ્રહોના ફળ ક્યારે ભોગવાશે તેને ધ્યાને લઈને ઉપયોગમાં લેવાય છે. વિશોત્તરી દશા અને કાલચક્ર દશા એ ફલિત દશાઓ છે. અષ્ટોત્તરી અને શૂલદશાએ આયુષ્ય જાણવા માટેની દશાઓ છે. મનુષ્યના સ્વાસ્થ્ય અને જીવનની મોટી તકલીફદાયક ઘટનાઓ પર અષ્ટોત્તરી અને શૂલદશા દ્વારા ફળકથન થઇ શકે છે. જે આજે વ્યવહારમાં ભાગ્યે જ ઉપયોગમાં જોવા મળે છે.

વિશોત્તરી દશાનું રહસ્ય:

અજ્ઞાત બાવા એ આગળ વાત કરી કે, હાલ જે વિશોત્તરી દશા ભારતભરમાં પ્રચલનમાં છે, તે મૂળ વિશોત્તરી દશાઓનું એક નાનું સ્પષ્ટરૂપ અને સર્વમાન્ય રૂપ છે. સમય સાથે બધાં જ્યોતિષી વિદ્વાન આ વિશોત્તરી દશાના પ્રકારને માન્ય રાખ્યો છે. પરંતુ વિશોત્તરી દશા જેમ ચંદ્રથી ગણીએ છીએ તેમ સૂર્ય અને લગ્નના અંશ પરથી પણ ગણી શકાય છે. જ્યોતિષના આદ્ય આચાર્યો અને ઋષિમુનિઓએ ધ્યાન અવસ્થા અને તપ દ્વારા પોતાની અંદર ગ્રહોના પ્રભાવ અનુભવીને ગ્રંથોમાં લખ્યાં છે. સૂર્ય, ચંદ્ર અને લગ્ન ત્રણેયમાંથી જે સૌથી વધુ બળવાન હોય તેના અંશ મુજબ વિશોત્તરી દશા ગણવી. તેમણે કહ્યું કે ચંદ્રથી વિશોત્તરી દશા ગણશો તો સાચું પડશે, પરંતુ મનુષ્યના જીવન અને ગ્રહોની દશાઓ સાથે તાલમેલ પણ કરવો પડશે. જો ચંદ્રથી દશાઓ ગણતાં સચોટ ફળકથન ન મળે તો સૂર્ય અને લગ્નના અંશથી પણ દશાઓ ગણીને અભ્યાસ કરવો જોઈએ.

વિશોત્તરી દશાઓની ગણતરીનું રહસ્ય:

અજ્ઞાત બાવાને મેં વિનંતી કરી કે તેઓ કોઈ મને એવી વાત જણાવે જે વિશોત્તરી દશા બાબતે રહસ્ય રહી હોય તેમણે તેના ઉત્તરમાં જણાવ્યું કે, તમારી કુંડળીનું ચિત્ર એ ભગવાન મહાવિષ્ણુના કરમાં રહેલ કમળ સમાન છે. સમગ્ર બ્રહ્માંડનો આકાર ભગવાન મહાવિષ્ણુના કરમાં રહેલ કમળ જ છે. કેન્દ્ર અને કોણના ભાવ થઇ ૬ ભાવમાં રહેલો ચંદ્ર ફળ-પ્રભાવી ગણાય છે, આ ૬ ભાવમાં ચંદ્ર હોય ત્યારે જન્મનક્ષત્ર વડે દશાઓ ગણવી જોઈએ. જો ચંદ્ર ૧૨મેં કે ૮માં ભાવે હોય તો જન્મ નક્ષત્રથી અષ્ટમ એટલે કે આધાન નક્ષત્રથી દશાઓ ગણવી. જો ચંદ્ર ૨જે કે ૬થે ભાવે હોય તો જન્મ નક્ષત્રથી ચતુર્થ નક્ષત્ર, ક્ષેમ નક્ષત્રથી દશાઓ ગણવી જોઈએ. ૩જે કે ૧૧મે ભાવે ચંદ્ર હોય તો જન્મ નક્ષત્રથી પંચમ નક્ષત્ર, ઉત્પન્ન નક્ષત્રથી દશાઓ ગણવી જોઈએ.

અજ્ઞાત બાવાની આ વાતથી મને અનેક પ્રશ્નો થયાં, પરંતુ તેઓ પોતાના નિત્ય સેવાક્રમ માટે તરત ઉભા થઇ ગયાં. તેમણે જતાં જતાં એક વાત કહી કે જન્મ, આધાન, ઉત્પન્ન, ક્ષેમ બધાં નક્ષત્ર જે રાશિઓમાં પડે તે રાશિઓના બળ પણ જોવા જરૂરી છે. આ નક્ષત્ર ધરાવતી જે રાશિઓ બળવાન હોય તે રાશિઓમાં રહેલ નક્ષત્ર લઈને પણ વિશોત્તરી દશા ગણી શકાય. આયુષ્ય માટે જન્મ નક્ષત્રથી અષ્ટમ એટલે કે આધાન નક્ષત્રથી દશાઓ ગણવી વધુ સચોટ પરિણામ આપી શકે.    

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]