કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ સ્વીકાર કર્યું શેખ હસીનાનું નિમંત્રણ, જશે બાંગ્લાદેશ

નવી દિલ્હીઃ પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી અને રાજ્યસભા સાંસદ આનંદ શર્માના પ્રતિનિધિમંડળે રવિવારે બાંગ્લાદેશના વડાંપ્રધાન શેખ હસીના સાથે મુલાકાત કરી હતી.

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામની 50મી વર્ષગાંઠ પર થનારા સમારોહમાં ભાગ લેવા માટે બાંગ્લાદેશના વડાંપ્રધાન શેખ હસીના દ્વારા અપાયેલાં નિમંત્રણ સ્વીકાર કરી લીધું છે. શેખ હસીનાએ રવિવારે સોનિયા ગાંધી ઉપરાંત રાહુલ ગાંધી અને કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાને પણ નિમંત્રણ આપ્યું હતું. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંઘી, પ્રિયંકા ગાંધી અને રાજ્યસભા સાંસદ આનંદ શર્માએ પણ તેમની મુલાકાત કરી હતી.

શેખ હસીનાએ એક દિવસ પહેલાં શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.

કોંગ્રેસ નેતાઓની મુલાકાત બાદ બહાર પાડવામાં નિવેદનમાં જણાવાયું હતું કે સોનિયા ગાંધીએ બંને પરિવાર વચ્ચેના મિત્રતાના બંધનને જોતાં હસીના સાથે મુલાકાત લીધી હતી. આ બેઠકમાં હસીનાએ બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામમાં ભારતના સમર્થન માટે આભાર દર્શાવ્યો અને તેમના પિતા બંગબંધુ શેખ મુજીબૂર્રહેમાન અને ઇન્દિરા ગાંધી વચ્ચેની દોસ્તીને વિશેષપણે યાદ કરી હતી.

તો સોનિયા ગાંધીએ શેખ હસીનાને સતત ત્રીજીવાર બાંગ્લાદેશના વડાંપ્રધાન બનવા માટે અભિનંદન આપી અને જણાવ્યું કે બાંગ્લાદેશની જનતા તેમના નેતૃત્વ અને વિઝન ઉપર વિશ્વાસ કરે છે. પૂર્વ પીએમ મનમોહનસિંહે દેશમાં પ્રાપ્ત શાનદાર આર્થિક વૃદ્ધિ અને સ્વાસ્થ્ય તેમ જ શિક્ષણના ક્ષેત્રમાં બહેતર પ્રદર્શનની પ્રશંસા કરી હતી.