પિતા સાજા થઈ જાય તે પછી હૃતિક શરૂ કરશે ‘ક્રિશ 4’નું શૂટિંગ

મુંબઈ – પીઢ અભિનેતા અને દિગ્દર્શક-નિર્માતા રાકેશ રોશનને ગયા જાન્યુઆરીમાં ચામડીનું કેન્સર હોવાનું નિદાન થયા બાદ રાકેશ અને એમના અભિનેતા પુત્ર હૃતિકનો ‘ક્રિશ 4’ પ્રોજેક્ટ ખોરવાઈ ગયો હતો. રાકેશ રોશનને સર્જરી કરાવવી પડી હતી અને જ્યાં સુધી સંપૂર્ણપણે સાજા નહીં થાય ત્યાં સુધી આ પ્રોજેક્ટથી દૂર રહેવાનું એમણે નક્કી કર્યું હતું.

તે છતાં હૃતિકે એવું જણાવ્યું હતું એના પિતાની તબિયત હવે સારી છે.

હૃતિકે એમ પણ કહ્યું છે કે એના પિતા જ ‘ક્રિશ 4’નું દિગ્દર્શન સંભાળશે. આ ફિલ્મનું શૂટિંગ ટૂંક સમયમાં જ શરૂ થાય એવી ધારણા છે.

હૃતિકે વધુમાં કહ્યું કે, ‘વોર’ ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે અને હવે હું મારા પિતા સાથે બેસીશ અને અમે નક્કી કરીશું કરીશું કે ‘ક્રિશ 4’ પરનું કામકાજ શરૂ કરવું કે નહીં. મારા પિતાને સારું નહોતું એટલે અમે આ ફિલ્મનું કામકાજ અટકાવી દીધું હતું. હવે એમની તબિયત સારી છે. એ પોતે જ ફરી દિગ્દર્શન કરશે.

રાકેશ રોશને 2003માં ‘કોઈ મિલ ગયા’ ફિલ્મ બનાવી હતી, જે સાથે હૃતિકે બોલીવૂડમાં એન્ટ્રી કરી હતી. ત્યારબાદ 2006માં રાકેશે ‘ક્રિશ’ અને 2013માં ‘ક્રિશ 3’ બનાવી હતી. ચોથી આવૃત્તિની જાહેરાત 2017માં કરી દેવામાં આવી હતી. આ ફિલ્મ 2020ના નાતાલમાં રિલીઝ કરવાનું નિર્ધારિત કરાયું છે.

હૃતિક ટૂંક સમયમાં જ તેની નવી ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાનો છે, જેનું દિગ્દર્શન રોહિત શેટ્ટી કરશે અને નિર્માણ ફરાહ ખાન કરશે. આ ફિલ્મ અમિતાભ બચ્ચનની ‘સત્તે પે સત્તા’ ફિલ્મની રીમેક હોવાનું કહેવાય છે. 1982માં આવેલી ‘સત્તે પે સત્તા’ ફિલ્મ રાજ સિપ્પીએ બનાવી હતી. એ ફિલ્મ અમેરિકાની ‘સેવન બ્રાઈડ્સ ફોર સેવન બ્રધર્સ’ ફિલ્મનું હિન્દી રૂપાંતર હતી.

હૃતિકે અગાઉ ‘અગ્નિપથ’ ફિલ્મમાં અમિતાભનો રોલ કર્યો હતો. હવે ‘સત્તે પે સત્તા’માં અન્ય કયા કલાકારો હશે એ હજી જાણવા મળ્યું નથી. ‘સત્તે પે સત્તા’માં અમિતાભની હિરોઈન બન્યા હતા હેમા માલિની.