ડિજિપબ વર્લ્ડ સિલ્વર એવોર્ડ: ચિત્રલેખા ડિજિટલના શો-કેસમાં એક વધુ એવોર્ડ…

વાચકોને નિયમિત કંઈક નોખું-અનોખું આપવાની સદા અગ્રસર સાપ્તાહિક ‘ચિત્રલેખા’ની પરંપરા અને વિશેષતા છે, જે ‘ચિત્રલેખા’એ એની ડિજિટલ આવૃત્તિમાં પણ જાળવી રાખી છે.

ડિજિટલના શોખીન વાચકોને શું અલગ જોઈએ?

એમને કંઈક રસપ્રદ, નવીનતાવાળી વાંચનસામગ્રી જોઈએ. એમને વિડિયો, કળાત્મક રજૂઆત વધારે ગમે. એ વાત વિશેષ ધ્યાનમાં રાખીને ‘ચિત્રલેખા’ના વેબ પોર્ટલ ‘ચિત્રલેખા ડૉટકૉમ’ જાણીતી હસ્તીઓ વિશેની પ્રેરણાત્મક વાર્તાઓ (Unique Inspirational Stories) સરળ-સચોટ ને મુદ્દાસર ટૂંકાણમાં અને એ પણ વિડિયો ફોર્મેટમાં પૂરી પાડે છે.

– અને આ અનોખી સામગ્રીને ‘ચિત્રલેખા’ના ડિજિટલ અને સોશિયલ મિડિયાના વાચકોએ સહર્ષ સ્વીકારી. વાચકોએ આપેલા પ્રતિસાદની નોંધ લીધી ડિજિપબ વર્લ્ડ સંસ્થાએ. આ વર્ષે એણે ‘ચિત્રલેખા’ને એનાયત કર્યો ‘સિલ્વર એવૉર્ડ ફૉર બેસ્ટ યુઝ ઑફ વિડિયો કૅટેગરી’ માટે.

‘ડિજિપબ વર્લ્ડ’ સંસ્થાએ ‘ચિત્રલેખા’ને આ સમ્માન આપ્યું હતું ગઈ ૨૯ ઓગસ્ટે હરિયાણાના ગુરુગ્રામમાં એના તૃતીય વાર્ષિક એવૉર્ડ સમારંભમાં, જે ‘ચિત્રલેખા’ ડિજિટલ જેમના નેજા હેઠળ કાર્યાન્વિત છે એ ‘ચિત્રલેખા’ના વાઈસ ચૅરમૅન મનન કોટક તથા ક્રિયેટિવ આર્ટિસ્ટ પ્રશાંત ધુરેએ એવૉર્ડ સ્વીકાર્યો.

ડિજિપબ વર્લ્ડ એવૉર્ડની આ ત્રીજી આવૃત્તિ હતી. એવૉર્ડ સમારંભ હરિયાણાના ગુરુગ્રામ શહેરની વેસ્ટઈન હોટેલ ખાતે યોજવામાં આવ્યો હતો. ભારતમાં ઑનલાઈન પબ્લિશર્સને આપવામાં આવતો આ એકમાત્ર એવૉર્ડ છે. આ એવૉર્ડ વેબ પબ્લિશર્સને અંગ્રેજી તથા ભારતીય ભાષાઓમાં પ્રશંસનીય વાંચનસામગ્રી પીરસવા માટે આપવામાં આવે છે.

‘ચિત્રલેખા ડૉટકૉમ’ દ્વારા Inspirational Stories કૅટેગરીમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, વિજ્ઞાની આલ્બર્ટ આઈન્સ્ટાઈન, બ્રિટનના ભૌતિકશાસ્ત્રના વિજ્ઞાની સ્ટીફન હોકિંગ, ભારતના ‘મિસાઈલમૅન’ અણુવિજ્ઞાની ડૉ. અબ્દુલ કલામ, જગમશહૂર કૉમેડિયન ચાર્લી ચૅપ્લિન, માર્શલ આર્ટ્સ નિષ્ણાત અને ઍક્ટર બ્રુસ લી, ક્રિકેટ કૅપ્ટન વિરાટ કોહલી વિશેની પ્રેરણાત્મક વાર્તા ટેક્સ્ટ તેમ જ વિડિયો ફોર્મેટમાં વેબસાઈટ તથા ફેસબુક અને ટ્વિટરના સોશિયલ નેટવર્ક પર પ્રકાશિત કરવામાં આવી છે.

અનોખી વિડિયો-વાર્તા…

‘ચિત્રલેખા’એ આ હસ્તીઓ વિશેની ટૂંકી પ્રેરણાત્મક વાર્તાઓ ગુજરાતી, અંગ્રેજી અને મરાઠી એમ ત્રણ ભાષામાં ટેક્સ્ટ તથા વિડિયો ફોર્મેટ એમ બન્ને સ્વ‚રૂપે પ્રકાશિત કરી છે.

વાર્તા એવી પસંદ કરવામાં આવી છે, જે બહુ ચર્ચાઈ ન હોય, છતાં એના પ્રેરણાત્મક તત્ત્વને વિડિયોમાં કળાત્મક રીતે, કર્ણપ્રિય બૅકગ્રાઉન્ડ સંગીત અને કોઈ પણ પ્રકારના વૉઈસઓવર વિના એને પેશ કરવામાં આવી છે.

આવી વાર્તાઓની ધારી અસર જોવા મળી. લોકો સોશિયલ મિડિયા પર શૅર કરવા પ્રેરિત થયા. ‘ચિત્રલેખા’ને વેબસાઈટ, ફેસબુક અને ટ્વિટર પર ઘણા ફોલોઅર્સ, ચાહકો મળ્યા, જે ‘ચિત્રલેખા ડૉટકૉમ’ વેબસાઈટ અને એના સોશિયલ મિડિયા પેજીસના નિયમિત વિઝિટર્સ બન્યા છે.

ફેસબુક પર ૧ જૂન, ૨૦૧૮થી ૩૧ મે, ૨૦૧૯ સુધીમાં આ વિડિયો વાર્તાના ૮૨,૦૦૦ વ્યૂઝ, ૨,૭૧,૦૦૦ ઈમ્પ્રેશન્સ અને નવ હજાર એન્ગેજમેન્ટ્સ જોવા મળ્યાં.

આ વિડિયો વાર્તાઓને ‘ચિત્રલેખા ડૉટકૉમ’ હોમ પેજ પર મહત્ત્વના સ્થાને દર્શાવવામાં આવી છે, જેને લીધે વેબસાઈટના વિઝિટર્સની સંખ્યા ઘણી વધી અને મંથલી પેજ વ્યૂઝમાં ધરખમ વધારો નોંધાયો. આને લીધે યુટ્યૂબના વ્યૂઝમાં પણ વધારો નોંધાયો છે.

‘ચિત્રલેખા’ ડિજિટલ આજે જગતભરના ૨૦ લાખ જેટલા લોકો સુધી પહોંચે છે, જેમાં મોટા ભાગના વાચકો ૩૦થી નીચેની વયના છે. આ વિડિયો-વાર્તાઓ ગુજરાતી ભાષામાં મનોજ મોતીવાલા, મરાઠીમાં સાગર રાજહંસ અને અંગ્રેજીમાં મનન કોટકે લખી છે. આ પ્રેરણાત્મક વાર્તાઓ વાંચવા ક્લિક: www.chitralekha.com/inspire

આ વર્ષના ડિજિપબ વર્લ્ડના સિલ્વર ઉપરાંત ૨૦૧૮માં ‘ચિત્રલેખા’ ડિજિટલે પ્રાદેશિક ભાષાની કૅટેગરીમાં ‘બેસ્ટ આર્ટિકલ/વિડિયો સિરીઝ’ માટે ‘ગોલ્ડ એવૉર્ડ’ જીત્યો હતો. આ સમ્માન ડિસેમ્બર, ૨૦૧૭ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન ‘ચિત્રલેખા ડૉટકૉમે’ રજૂ કરેલા શ્રેષ્ઠ સમાચાર, લેખ અને વિડિયો સિરીઝ માટે મળ્યું હતું. આ ઉપરાંત, ‘બેસ્ટ મૅગેઝિન ઈન ઑનલાઈન સ્પેસ’ માટે ‘એબીસ બ્રોન્ઝ’ (૨૦૧૫) તથા ડિજિટલ ક્ષેત્રે વિશેષ પ્રદાન માટે ‘ચિત્રલેખા’ના મનન કોટકને ‘ઉમંગ-ઘરદીવડા એવૉર્ડ’ (૨૦૧૫) સહિત કુલ મળીને ‘ચિત્રલેખા ડિજિટલ’ને અત્યાર સુધીમાં ચાર પ્રતિષ્ઠિત એવૉર્ડ પ્રાપ્ત થયા છે.