કાજલ ઓઝા-વૈદ્યએ કરેલા બદનક્ષીના કેસમાં કોર્ટનું આકરું વલણ

ચિત્રલેખાના નવલકથાકાર,લોકપ્રિય લેખિકા-વક્તા કાજલ ઓઝા વૈદ્ય અને એમના પુત્ર તથા પરિવાર વિશે ફેસબુક પર, સોસિયલ મીડિયા પર અભદ્ર, અયોગ્ય ટિપ્પણી કરનાર કહેવાતા સામાજિક કાર્યકર અશ્વિન સાંકડસેરિયા સામે કાજલ બહેને કરેલા બદનક્ષીના કેસમાં કોર્ટે અશ્વિનની ઝાટકણી કાઢી હતી. અને હવે પછી આ માતા-પુત્ર વિશે ક્યાંય પણ કંઇ પણ ન લખવા આદેશ જાહેર કર્યો છે. આજે કોર્ટનું તેડું હોવા છતાં એ હાજર ન થતાં હવે આ કેસની સુનાવણી તા. 26મી સપ્ટેમ્બરે થશે.

મોરારીબાપુની પેરિસ કથા પછી સ્વામી નારાયણ સંપ્રદાયના પ્રતિભાવોથી શરુ થયેલા વિવાદમાં કાજલ ઓઝા વૈદ્ય અને અન્ય કલાકારો,લેખકોએ જે કંઇ પણ કહ્યું-લખ્યું એના પર અશ્વિને કાજલ ઓઝા વૈદ્યને અંગત રીતે લક્ષ્ય બનાવી એના વિશે ફેસબુક  પર સતત પોસ્ટ મુકી હતી. જે વિવાદ હતો એની સાથે કોઇ સંબંધ ન હોય એવી અને મોટાભાગની અવાસ્તવિક વાત લખીને એમણે કાજલ ઓઝા, એમના પુત્ર તથાગત અને પરિવાર માટે અયોગ્ય વાત લખી હોવાનું ધ્યાનમાં આવતાં કાજલ ઓઝા વૈદ્યે અમદાવાદ સિવિલ એન્ડ સેસન્સ કોર્ટમાં અશ્વિન સાંકડશેરિયા વિરુધ્ધ બદનક્ષીનો દાવો માંડ્યો હતો.

આજે એની સુનાવણી હતી. કાજલ ઓઝા વૈદ્યના પુત્ર તથાગત અને વકીલ ડો.ઋષાંગ મહેતાએ chitralekha.com સાથે વાત કરતાં કહ્યું કે અમે દાવો દાખલ કર્યા પછી કોર્ટે આરોપી અશ્વિનને આજે હાજર રહેવા નોટિસ આપી હતી પરંતુ બપોરે બે વાગ્યા સુધી એ કે એના વકીલ આવ્યા નહોતા. અદાલતના આદેશ અનુસાર અમે અમારા પક્ષની તમામ દલીલ પુરાવા સાથે કરી હતી. આજે કોર્ટમાં આવવાનું હતું એમ છતાં સવારે અશ્વિને વધુ એક પોસ્ટ ફેસબુક પર કરી હતી. આ પોસ્ટ તો અગાઉની ફેસબુક પોસ્ટ કરતાં પણ અભદ્ર વિચાર અને શબ્દથી ભરેલી હતી.

એક તો કોર્ટમાં હાજર ન થવું અને એ જ પ્રકરણમાં અન્ય પોસ્ટ મુકવી એવાં અશ્વિન સાંકડસેરિયાના વલણનું ગંભીર પરિણામ આવ્યું છે. સિવિલ કોર્ટે એવો આદેશ કર્યો છે કે હવે પછી સોસિયલ મીડિયા, પ્રિન્ટ મીડિયા કે અન્ય કોઇ માધ્યમ પર કાજલબહેન અને એમના પુત્ર વિશે અશ્વિને કંઇ લખવું નહીં. આ કિસ્સાની હવે પછીની સુનાવણી તા. 26 સપ્ટેમ્બરે થશે એમ એડવોકેટ ડો. ઋષાંગ મહેતાએ કહ્યું હતું.

મૂળ વિવાદ શું હતો?

ફ્રાન્સના પેરિસમાં ઓગસ્ટ માસની 17મી તારીખથી યોજાયેલી રામકથા માનસ માનસ રુદ્રાભિષેકમાં મોરારીબાપુએ સ્વામીનારાયણ સંપ્રદાયના આદ્ય એવા નિલકંઠ વર્ણી ભગવાન વિશે જે કહ્યું એના પ્રત્યાઘાત ઘેરા પડ્યા હતા. બાપુએ કથા દરમ્યાન  સનાતન ધર્મના ઉલ્લેખ સાથે કહ્યું હતું કે જે કંઠમાં ઝેર રાખી જાણે એને જ નિલકંઠ કહેવાય. જો કે આ કથા પછી એક પખવાડિયા સુધી તો કોઇ કંઇ બોલ્યું નહોતું. પરંતુ પછી મોરારીબાપુ વિશે સ્વામી નારાયણ સંપ્રદાયના સંતોએ વિવિધ વિધાન કર્યાં હતાં. આ સમગ્ર પ્રકરણાં કાજલ ઓઝાએ સ્વામી નારાયણ સંપ્રદાયના સ્ત્રીઓ પ્રત્યેના વલણ અંગે આક્રોશ વ્યક્ત કરતી પોસ્ટ મૂકી હતી. સામે સ્વામી નારાયણ સંપ્રદાયના એક સંતે તો ત્યાં સુધી કહ્યું કે જુદા જુદા કલાકારો દારુ પીને કાર્યક્રમ રજૂ કરે છે.

ગુજરાતના કલા જગતમાં આ વિધાનની ઘણી માઠી અસર થઇ હતી. અને કટાર લેખક-વક્તા જય વસાવડા, હાસ્ય કલાકાર માયાભાઇ આહિર, સાંઇરામ દવે, અનુભા ગઢવીએ સ્વામી નારાયણ સંપ્રદાય તરફથી એમને અગાઉ અપાયેલા રત્નાકર એવોર્ડ પરત કર્યા હતા. પછી તો પદ્મશ્રી ભીખુદાન ગઢવીએ પણ આવો એવોર્ડ પરત કર્યો હતો. આ તમામ લેખક-કલાકારોએ પોતાના અપમાનમાં અને મોરારીબાપુના સમર્થનમાં એવોર્ડ પરત કર્યાનું માધ્યમોને સત્તાવાર રીતે પણ જણાવ્યું હતું.

વિવાદ શરુ તો સંતો વચ્ચે થયો હતો. જૂનાગઢના પ્રેરણાધામ ખાતે મળેલા સાધુ સંમેલનમાં પણ મોરારીબાપુને સમર્થન આપતો સૂર વ્યક્ત થયો અને આખરે સમાધાનકારી વલણ બન્ને પક્ષે અપનાવાયું હતું. નદીનું મૂળ, સાધુનું કૂળની જેમ આ વિવાદના મૂળ પણ ઊંડા રહ્યાં. કલાકારો,લેખકોએ મોરારીબાપુને સમર્થન જાહેર કર્યું. સ્વામી નારાયણ સંપ્રદાયનો આ વિવાદ ચાલુ હતો ત્યાં જ

સુરત ગુરુકુલના ધર્મ વલ્લભદાસ સ્વામી દ્વારા ભગવાન કૃષ્ણ વિશે અશોભનીય ટિપ્પણી કરી હોવાનો વિડીયો વાઇરલ થયો હતો. બે હરિભક્તોને સંબોધતાં ધર્મ વલ્લભ સ્વામીએ કહ્યું હતું કે, શું કૃષ્ણએ ભગવાન છે? શિશુપાલને ફોન કરી પૂછો, શંકરવર્ણી પાંડવોએ તેમને ભગવાન બનાવ્યા, વગેરે ટિપ્પણી કરી હતી.

આ વીડિયો વાઇરલ થતાં આહીર સમાજમાં રોષ ફેલાયો હતો. આહીર સમાજના લોકો મોટી સંખ્યામાં ભેગા થઈ ડભોલી સ્થિતિ સ્વામિનારાયણ ગુરૂકુળ ગયા હતાં. જ્યાં એક સમયે સ્વામિનારાયણ સંપ્રદાય અને આહીર સમાજના લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જો કે પછીછી ધર્મવલ્લભ સ્વામીએ કહ્યું હતું કે કૃષ્ણ વિશે કંઇ ઘસાતું હું બોલ્યો નથી. ફક્ત ઉદહારણ આપી રહ્યો હતો.

કાજલ ઓઝા માટે શું લખાયું?

કાજલ ઓઝા વૈદ્યે પોતાના વિચાર રજૂ કર્યા એની સામે અશ્વિન નામના કોઇ વ્યક્તિએ જે પોસ્ટ લખી એની ભાષા અને શૈલી અશોભનીય હોવાનું વાંચનાર દરેકે અનુભવ્યું હતું. કાજલ ઓઝા વૈદ્યના પારીવારિક અને અંગત જીવન વિશે એ પોસ્ટમા તદ્દન અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી જેની સાથે આ કિસ્સાને આમ પણ કંઇ સંબંધ નથી. કાજલબહેન ઉપરાંત એમના પુત્રનું નામ પણ આખી વાતમાં અકારણ ઢસડીને અત્યંત દ્વેષપૂર્ણ રજૂઆત કરવામાં આવી હતી. તો લોકપ્રિય કટાર લેખક,વક્તા જય વસાવડા વિશે પણ અશ્વિને લખ્યું હતું. અશ્વિને કાજલ ઓઝા અને જય વસાવડાને વામપંથી લેખક ગણાવ્યા એ તો ઠીક પરંતુ એમના લેખની ટીકા કરવાની સાથે મોરારીબાપુ વિશે પણ અયોગ્ય વાત કરી હતી. જો કે અહીં સૌથી મહત્વની વાત એ છે કે કાજલ ઓઝા વૈદ્યને તો આ સંપ્રદાય તરફથી એક પણ એવોર્ડ મળ્યો નથી એટલે એવોર્ડ પરત કરવાનો એમના માટે તો સવાલ જ નથી. પરંતુ તદ્દન અપ્રસ્તુત અને ખરાબ ભાષા વાળી આવી પોસ્ટનો સતત મારો ચાલુ રહેતાં આખરે કાજલ ઓઝાના પૂત્ર તથાગતે કોર્ટમાં ફરિયાદ કરીને અશ્વિન સામે બદનક્ષીનો દાવો માંડ્યો હતો.

દરમ્યાન  તા. 18 સપ્ટેમ્બરે રાત્રે કાજલબહેને ફેસબુક-સોસિયલ મીડિયા પર મુકેલી પોસ્ટમાં લખ્યું હતું કે મારા અને જયભાઈ વિશે આ લખનાર ભાઈ બિનજરૂરી વિવાદ છંછેડવા માગે છે. સૌ જાણે જ છે કે મારો એક જ દીકરો છે જે મારી સાથે જ રહે છે. (સાધુ થયો નથી.એનું નામ તથાગત છે)

સંજય, મારા પતિ છે ને એમની સાથે, મારા સાસુ સાથેના ફોટા પણ મેં મારા FB પરિવાર સાથે શેર કર્યા જ છે! મારો પરિવાર સુખી છે. હું કોઈ વિશે ખરાબ બોલતી નથી.સમાજમાં સમજણ અને શાંતિ વધે, સંબંધો સારા રહે અને સંસ્કૃતિ સચવાય એવા પ્રયાસ કરું છું. સ્ત્રી તરીકે મને અપશબ્દો લખનાર, પૂરી માહિતી વગર ખોટી અફવા ફેલાવનાર સામે પોલીસ ફરિયાદ કરું તો એમને જેલ થાય એવી એમને ખબર છે ખરી ????

કોઈપણ ધર્મ આવા જ લોકો ને લીધે બદનામ થાય છે…ધર્મ ક્યારેય ખરાબ નથી હોતો પણ આવા જુઠ્ઠા અને ગંદા મગજ ના લોકો ધર્મ ને પોતાના મગજ ની ગંદકી થી ગંદો કરે છે.

(જવલંત છાયા)

આ પ્રાથમિક ચુકાદા પછી કાજલ ઓઝા વૈદ્ય, જે હાલ અમેરિકાના પ્રવાસે છે એટલે ‘ચિત્રલેખા’એ એમનો ત્યાં સંપર્ક કરી એમની પ્રતિક્રિયા મંગાવી. આ છે એમનું વિડિયો નિવેદન…