‘લક્ષ્ય હોય ત્યાં લક્ષ્મી હોય, માર્કેટ હોય ત્યાં મગજમારી હોય’

‘ચિત્રલેખા’ અને આદિત્ય બિરલા સન લાઈફ મ્યુચ્યુઅલ ફંડના સહયોગમાં, ‘ચિત્રલેખા’ના વાચકો, ‘ચિત્રલેખા.કોમ’ના ફોલોઅર્સ તથા ઈન્વેસ્ટરોને માર્ગદર્શન આપવાની સેમિનાર-વેબિનાર શ્રેણીના એક વધુ મણકામાં ગઈ કાલે આર્થિક જગતના નિષ્ણાતોએ બજેટ-2021 અંગે ચર્ચા કરી. આ વખતના વેબિનારનો વિષય હતોઃ ‘બજેટ અને તમે’. નિષ્ણાતોએ આ મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી અને દર્શકો તથા રોકાણકારોને માર્ગદર્શન આપ્યું હતુંઃ ‘કેન્દ્રીય બજેટની પર્સનલ ફાઈનાન્સ પર અસર, વર્ષ 2021-22માં ટેક્સનું આયોજન અને તમારા પોર્ટફોલિયોને કઈ રીતે કરશો રિ-બેલેન્સ?’

આદિત્ય બિરલા સન લાઈફ એએમસી લિ.ના ઈન્વેસ્ટર એજ્યૂકેશન અને ડિસ્ટ્રીબ્યુશન ડેવલપમેન્ટના હેડ કે.એસ. રાવ, જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર ગૌરવ મશરૂવાળા, આદિત્ય બિરલા સન લાઈફ એએમસી લિ.ના EVP અને Co-Head (સેલ્સ) ભવદીપ ભટ્ટ અને પર્સનલ ફાઈનાન્સ વિષયના લેખક અને નિષ્ણાત અમિત ત્રિવેદીએ આ વેબિનારમાં ભાગ લીધો હતો. અમિતભાઈએ કાર્યક્રમનું સંચાલન પણ કર્યું હતું.

કે.એસ. રાવે પોતાના વક્તવ્યની શરૂઆતમાં બજેટના રી-કેપ સમાન એક પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું અને કહ્યું કે આજે વિશ્વ માતૃભાષા દિવસ છે, પરંતુ લોકોની સમાન ભાષા પૈસો છે. પૈસો દરેક વ્યક્તિને કહે છે કે આજે તું મને સંભાળ, કાલે હું તને સંભાળીશ. અમિત ત્રિવેદીના એક સવાલના જવાબમાં રાવે વધુમાં કહ્યું કે બજેટની દરખાસ્તો સુવિધા પૂરી પાડનારી છે. બજેટ નકારાત્મક નથી. સરકારે કોરોના કટોકટીને અવસરમાં પરિવર્તિત કરી છે. બજેટ રીબેલેન્સ માટેનું છે.

ભવદીપ ભટ્ટે કહ્યું કે, સરકારનું આ વખતનું બજેટ કંઈ માત્ર આ એક વર્ષને ધ્યાનમાં રાખીને નહીં, પરંતુ આગામી દસ વર્ષોમાં દેશના આર્થિક વિકાસને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. સરકારે મૂડીખર્ચ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અર્થતંત્રને વેગ આપવા માટે જનતા પર કોઈ નવા વેરા લાદ્યા નથી, પરંતુ નાણાકીય સ્રોત ઊભાં કરવા ડાઈવેસ્ટમેન્ટનો માર્ગ પસંદ કર્યો છે. ભટ્ટે વધુમાં કહ્યું કે આ વખતનું બજેટ આત્મનિર્ભર ભારત સંકલ્પવાળું છે. એ ગેમચેન્જર બની રહેશે. ઘણા બિઝનેસ જીએસટીના દાયરામાં આવી રહ્યા છે. બજેટ વિશે સૌથી મહત્ત્વની બાબત એ છે કે લક્ષ્ય હોય ત્યાં લક્ષ્મી હોય અને માર્કેટ હોય ત્યાં મગજમારી હોય. સરકારે સુધારાવાદી પગલાં લીધા છે. નવા દાયકાને ધ્યાનમાં રાખીને લોકોએ સારી કંપનીઓમાં મૂડીરોકાણ કરવું જોઈએ.

કરવેરાનું પ્લાનિંગ કેવી રીતે કરવું જોઈએ એ વિશેના સવાલના જવાબમાં ગૌરવ મશરૂવાળાએ રોકાણકારોને સલાહ આપતા કહ્યું કે, તમારે આગામી વર્ષમાં તમારા ધ્યેયને ધ્યાનમાં રાખીને મૂડીરોકાણ કરવું જોઈએ. આ વખતનું બજેટ નવા દોરનું છે. વરિષ્ઠ નાગરિકોને ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવામાંથી રાહત આપવામાં આવી છે, પરંતુ એમાં ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે આ સુવિધા માત્ર પેન્શનધારકોને માટે જ છે.

અમિત ત્રિવેદીએ કહ્યું કે, નાણાંપ્રધાને ઈન્વેસ્ટરોના રક્ષણ પર પહેલી વાર ધ્યાન આપ્યું છે. બેન્ક ડિપોઝીટરોનાં હિતમાં નિર્ણય લીધા છે. તાકીદની પરિસ્થિતિમાં ઈન્સ્યોર્ડ રકમ એમને ઉપાડવા મળે એનું ખાસ ધ્યાન રખાયું છે.

‘ચિત્રલેખા.કોમ’ના તંત્રી કેતન ત્રિવેદીએ વેબિનારના આરંભે નિષ્ણાત વક્તાઓ તથા ઈન્વેસ્ટરો, દર્શકોનું સ્વાગત કર્યું હતું. એમણે નિષ્ણાત-વક્તાઓનો સંક્ષિપ્તમાં પરિચય આપ્યો હતો અને કહ્યું કે કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારામને રજૂ કરેલા અંદાજપત્રની વિશેષતા અને રાહત એ રહી કે એમાં કોઈ પણ પ્રકારના નવા ટેક્સ લાદવામાં આવ્યા નથી. બજેટ પૂર્વે એો ડર હતો કે જનતાના માથે કોવિડ-સેસ લદાશે, પણ કોઈ એવો કોઈ ટેક્સ નાખવામાં આવ્યો નથી. તેથી હવે સમય છે થોડાક માઈક્રો લેવલ પર જવાનો એ અર્થમાં કે પર્સનલ ફાઈનાન્સ વિશે વિચારવાનો, માસિક-વાર્ષિક આવકને આ બજેટ કેવી રીતે અસર કરશે એની પર ધ્યાન આપવાનો. આજે અહીં ચર્ચા કરાશે આપણી ઈકોનોમી માટે, આપણી આવક માટે, આપણા ખિસ્સાના આયોજન માટે.

(સંપૂર્ણ વેબિનાર જોવા નીચેની લિન્ક પર ક્લિક કરો)

Chitralekha Webinar Budget 2021