જગતના કણકણમાં શિવ છે. એવું સાંભળ્યું તો હશે જ પણ ક્યારેય વિચાર્યું છે કે એવું શા માટે કહેવામાં આવ્યું છે? શિવ પુરાણના મત મુજબ શિવને એક અગ્નિ સ્તંભ તરીકે જોવામાં આવ્યા છે. એક દિવસ એ સ્તંભનો વિસ્તાર વધતો ગયો અને પ્રચંડ ધડાકા સાથે તેનું વિભાજન થયું. જેમાંથી સમગ્ર સૃષ્ટિને રચના થઇ. આ વાતને કોઈ અન્ય વિચાર સાથે સરખાવી શકાય? તો એ વિચારનો આધાર આપણા પુરાણો ન હોઈ શકે? સમગ્ર સૃષ્ટી જે આધારની આસપાસ ફરે છે તે અક્ષ એટલે જ શિવ? તો પછી બાર જ્યોતિર્લીન્ગનો આધાર અન્ય રીતે જોઈ શકાય? કે મુખ્ય બાર ભાગમાં બ્રહ્માંડ વિભાજીત થયું હશે? જો જગતનો મુખ્ય અંશ એ જ શિવ છે તો પછી શિવ આરાધના કરવાના નિયમો વિષે પણ યોગ્ય અભ્યાસ જરૂરી બને ને? આપણી દરેક ક્રિયા પ્રક્રિયાઓ પાછળ વિજ્ઞાનનો આધાર છે.
આજે પણ કેટલાક વાચકોના વિવિધ સવાલોની આપણે ચર્ચા કરીએ. જો આપના મનમાં પણ કોઈ સંશય, દ્વિધા કે સવાલ હોય જે વાસ્તુનિયમો સાથે જોડાયેલા હોય તો આપ પણ અંતમાં જણાવેલા ઈ મેઈલ પર પૂછી શકો છો. આ વિભાગ આપનો જ છે.
સવાલઃ ભાઇ, મારા લગ્નને ઘણા વરસ થઇ ગયા છે. દીકરીને ગાય દોરે ત્યાં જાય એવા સિદ્ધાંત સાથે માબાપે મને વળાવી. સારું એવું કરિયાવર આપ્યું. મારા પતિ શું કેટલું અને ક્યાંથી કમાય છે એ આટલા વરસ પછી પણ મને નથી સમજાયું. એમને હાલતા નવા પ્રેમરકરણો ચાલુ થઇ જાય છે. હું હવે એ બધાથી ટેવાઈ ગઈ છું. મારા બાળકો પણ મોટા થઇ ગયા છે. અમારી બાજુવાળા બેન સાથે એમનું અફેર ચાલે છે. પેલા બેનના વર પણ કાઈ કમાતા નથી. પણ એ મને હેરાન કરે છે. હું એમની પત્ની જેવી નથી. હું ત્રાસી ગઈ છુ. મારા પતિને કહેતા ડર લાગે છે. અને પેલા બેન તો ગાળો બોલે એવા છે. મારે શું કરવું?
જવાબઃ બહેનશ્રી, પ્રેમને કોઈ બંધનો નથી હોતા એ વાત સાચી. પણ આપના પતિ જે કરે છે એને પ્રેમ ન જ કહેવાય. આપને હવે પાકા ઘડે કાંઠા ચડાવવાના છે. આપના પતિની પણ ઉમર થઇ ગઈ છે એટલે એમને સમજાવવાનો અર્થ નથી. આપના પતિ વધારે પડતા વિશ્વાસમાં છે કે એમને કોઈ કશું જ નહિ કરી શકે અને તમે હમેશા એમના જ રહેશો. બે ખોટા થી એક સાચું ક્યારેય નથી થતું. આપના નિર્ણયને માન આપું છુ. પણ તમારા પાડોશીને કહી દો કે તમને આવું કાઈ ગમતું નથી અને તમારા બાળકો મોટા અને સમજદાર છે તેથી એમને તમારી આસપાસ રાખો જેથી પેલા ભાઈ તમને હેરાન ન કરે. આપના ઘરનું મુખ્ય દ્વાર દક્ષિણના નકારાત્મક પદમાં છે અને બાજુવાળા નું દ્વાર પણ નકારાત્મક છે. બંને ઘરમાં ઉત્તરનો મુખ્ય અક્ષ નકારાત્મક છે અને બાજુના ઘરમાં અગ્નિથી વાયવ્યનો અક્ષ નકારાત્મક છે. ઘરમાં ગણેશજીને ગોળ ધરાવો. શિવલિંગ પર યોગ્ય રીતે અભિષેક કરો અને ગાયત્રી મંત્ર કરો. ચોક્કસ ફાયદો થશે.
સવાલ: મારી પાસે એક ખૂબજ જાણીતી કંપનીની કાર છે. થોડા સમય પહેલા મેં સર્વિસમાં મૂકી હતી. એ લોકોએ સર્વિસ કર્યા બાદ ખૂબ વધારે પૈસા માંગ્યા જે અંગે પહેલા કોઈ વાત થઇ ન હતી. મેં મેનેજરને સમજાવ્યું. પણ એ ન માન્યા અને રડવા લાગ્યા કે મારી નોકરી જતી રહેશે. મને દયા આવી અને મેં પૈસા આપી દીધા. પણ આ દરમિયાનમાં એ લોકો ગાડી પાછી અંદર લઇ ગયા અને મને રાત્રે નવ વાગે ગાડી મળી. ગાડીમાં કોઈ વિચિત્ર વાસ આવતી હતી પણ એ લોકોએ એવું સમજાવ્યું કે કોઈ ખરાબ કપડું ગાડીમાં રહી ગયું હશે એટલે મેં ગાડી લઇ લીધી. ગાડીના કાચ પર સ્ક્રેચીસ હતા એ ત્યારે એમણે સમજાવ્યું કે અમે ઇન્સ્યોરન્સમાં કરાવી આપીશું. પણ રસ્તામાં ખબર પડીકે એક કલાકમાં એમણે ગાડીમાં ખુબ નુકશાન કર્યું હતું અને હવે એ લોકો હાથ ઊંચા કરીને બેસી ગયા છે. ઇન્સ્યોરંસ વાળાને પણ એમણે સમજાવી દીધા છે એટલે હું લાચાર થઇ ગયો છુ. શું કરવું. આવું શાથી થયું હશે?
જવાબ: ભારતમાં એક બીજાના ભરોસાથી કામ ચાલતું. મિકેનિક એક વાર કામ બગાડે તો ડર રહેતો કે કામ ઓછુ થઇ જશે. કંપનીમાં પગારદાર માણસો આવું વિચારે ખરા? વૈભવી ગાડી ખરીદતા પહેલા એની સર્વિસ કેવી છે એ તપાસવું પણ જરૂરી છે. વિદેશી કંપની ભારતીય વિચારધારા ધરાવે જ એવું માની ન લેવાય. દરેક કંપનીના એક કરતા વધારે સર્વિસ સ્ટેશન હોય છે. અન્ય જગ્યાએ પ્રયત્ન કરો. તમે એક ભૂલ તો કરી જ છે કે કોઈ ફરિયાદ લખ્યા વીના ગાડી લઇ લીધી. તમારી ભલમનસાઈનો ફાયદો પેલા માણસે ઉઠાવ્યો છે. એ જગ્યામાં દક્ષીણ અને પશ્ચિમ બંને જગ્યાના નકારાત્મક દ્વાર છે. માણસો દક્ષીણ તરફ મુખ રાખીને બેસે છે જે યોગ્ય નથી. જે માણસે પ્રોબ્લેમ કર્યો તે બ્રહ્મમાં નકારાત્મક રીતે બેસે છે. તેથી તે આવી વિચિત્ર વાતો કરતો થઇ ગયો છે. સહુથી ઉપર કુદરત છે. એ લોકોને કુદરતના હવાલે કરી તમે તમારો રસ્તો શોધી લો. તમારા ઘરમાં ઉત્તરથી ઈશાનનો ભાગ નકારાત્મક છે તેથી આવું થયું છે.
ઈશાનમાં તુલસીનું વન બનાવી દો. ઘરમાં શિવલિંગ પર યોગ્ય રીતે અભિષેક કરો અને દર ગુરુવારે મુખ્ય દ્વાર પર આસોપાલવનું તોરણ લગાવી દો.
આજનું સૂચન: પશ્ચિમમુખી બેઠક વ્યવસ્થા માણસને કામમાં સંતોષ ઓછો આપે છે.
(આપના સવાલો પૂછવા માટે ઈ મેઈલ કરોઃ vastunirmaan@gmail.com)