શિવપૂજા કોણ કરી શકે?

પત્થરમાં પણ પ્રાણ છે એ વાતને મજાક બનાવનાર શ્વેત પ્રજાએ આપણને શીખવાડ્યું કે દરેક પદાર્થમાં જે અણું છે એના પરમાણુંમાં જે ઈલેક્ટ્રોનની ગતિ છે તેના કારણે પદાર્થમાં સંચિત ઉર્જા હોય છે. આ સંચિત ઉર્જા એટલે શું? પ્રાણ? કે પછી એ સંચિત ઉર્જાથી પણ ઉપર કોઈ સંશોધન? જો આપણે આપણા ગ્રંથો અને શાસ્ત્રોને સમજવા પ્રયત્ન નહિ કરીએ તો આપણી જ કોઈ વાત આપણને સમજાવવાવાળા નીકળી આવશે. બીજું બધું જ ભૂલી અને આપણે માત્ર આપણા દેશના એ વારસાને સન્માન આપવું જરૂરી છે.

આજે પણ કેટલાક વાચકોના વિવિધ સવાલોની આપણે ચર્ચા કરીએ. જો આપના મનમાં પણ કોઈ સંશય, દ્વિધા કે સવાલ હોય. જે વાસ્તુ નિયમો સાથે જોડાયેલા હોય તો આપ પણ અંતમાં જણાવેલા ઈ મેઈલ પર પૂછી શકો છો. આ વિભાગ આપનો જ છે.

સવાલઃ મયંકજી. શિવરાત્રી આવે છે. શિવ પૂજા માટે અનેક મત મતાંતરો પ્રવર્તે છે. તો મને જણાવશો કે શિવપૂજા કોણ, ક્યારે અને કેવી રીતે કરી શકે?

જવાબઃ બહેનશ્રી. ગત લેખમાં મેં શિવ વિષે જણાવ્યું છે. વિશ્વમાં સર્વ પ્રથમ જે ધર્મ રચાયો તે માનવ ધર્મ હોવાથી એનું કોઈ નામ ન હતું. ત્યાર બાદ તેમાંથી વિવિધ વિચારધારાઓ લઇ અને વિવિધ સંપ્રદાયો બનવા લાગ્યા અને તે ધર્મની વ્યાખ્યામાં આવી ગયા હશે. શિવ તે જગતનો આધાર છે. તેથી જે કોઈ આ જગતનો ભાગ છે તે શિવની પૂજા આરાધના કરી શકે. તેથી એવું કહી શકાય કે દરેક પ્રાણી પણ શિવપૂજા કરી શકે. દરેક જીવમાં શિવ છે. શિવ તે પરમાત્મા છે જેનો અંશ દરેક મનુષ્યમાં આત્મા સ્વરૂપે છે. ઓહ્મ્કાર એ બ્રહ્માંડનો નાદ છે. તેથી શિવ પૂજા માટે એ નાદ જરૂરી છે. શિવલિંગ તે શિવ ને શક્તિ બંને છે. જે જીવનને લગતી વિવધ ઉર્જા સાથે જોડાયેલા છે. શિવલિંગ પર વિવિધ દ્રવ્યોથી અભિષેક કરવામાં આવે છે. પણ પાણી, દૂધ, પાણીથી અભિષેક કરી શકાય. સામાન્ય રીતે આપણે સવારે શિવ પૂજા કરીએ છીએ. શિવરાત્રીના રાત્રી પૂજા પણ હોય છે.

સવાલઃ  મયંકજી. ઝુમ્મર ક્યાં લગાવાય?

જવાબઃ ઝુમ્મર લગાવવાથી ઘરની શોભા વધે છે પણ ઝુમ્મર નાના નાના આકારોથી બનેલું હોવાથી તેની સફાઈ પણ ખૂબ જરૂરી છે. ઘણા લોકો વિંડચાઈમને પણ ઝુમ્મર કહેતા હોય છે. પણ કોઈ એક આધારમાંથી વિવિધ આકારોની હારમાળાઓ બહાર નીકળી અને નીચે તરફ ઝૂલતી હોય તેને ઝુમ્મર કહી શકાય. કાચના ઝુમ્મરો પ્રકાશના માધ્યમ સાથે જોડીને વિવધ ઝુમ્મરો મહાલયોમાં જોવા મળતા હતા. તે પછી દીવાલ પર લગાવવાના ઝુમ્મરો પણ આવ્યા. જેનું મુખ્ય કામ પ્રકાશને વધારે સુંદર રીતે ફેલાવવાનું હતું. સામાન્ય રીતે આવા ઝુમ્મરો મોટી સીલીંગોમાં કે દીવાલોમાં લગાવેલા જોવા મળતા. મુખ્ય ઓરડાની વચ્ચોવચ તે ઝુલતા. જયારે સીલીંગની ઉંચાઈ વધારે હોય ત્યારે ઝુમ્મર વધારે સુંદર લાગે. આમ જોવા જઈએ તો ઝુમ્મર તે વાયુ તત્વનું પ્રતિક છે. પણ આજના જમાનામાં વિવિધ ધાતુ, કાચ વિગેરેથી તે બને છે. તેથી ઝુમ્મરનો આકાર, પ્રકાર અને તેનું મટીરીયલ એ બધું જ  સમજ્યા પછી તેનું યોગ્ય સ્થાન નક્કી કરી શકાય.

આજનું સૂચન: શિવલિંગ પર અનાજથી અભિષેક ન કરાય.

(આપના સવાલો પૂછવા માટે ઈ મેઈલ કરોઃ vastunirmaan@gmail.com)