દસ વરસ, વીસ વરસ કે પચાસ વરસનું પ્લાનિંગ કરનારને એ વિશ્વાસ હોય છે ખરું કે હવે પછીની ક્ષણે એ પોતે જીવિત
રહેશે? તો પછી ઉજ્જવળ ભવિષ્ય માટે જે ક્ષણ પોતાની છે એને ખોઈને શા માટે જીવવું? પક્ષી બાળકોને જન્મ આપ્યા બાદ એ જ માળામાં આજીવન નથી રહેતા. જગત આખું પરિવર્તન સ્વીકારે છે, તો પછી માણસને શા માટે બંધનો જોઈએ છે?
એક તરફ મુક્ત વિચારોના નામે કશુંક ખોટું કરવાની મહેચ્છા દેખાય છે, તો બીજી તરફ રૂઢિ અને રિવાજોના નામે સમાજને બાંધવાનો પ્રયાસ થાય છે. જે જેવા છે, એવા જ દેખાવું જરૂરી છે. માત્ર જાહેરમાં સારા દેખાતા માણસો સમાજ માટે ઉધઈ સમાન છે.
મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય, તો આપ નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.
સ:
હું જે જગ્યાએ રહું છું, એ જગ્યાએ મુક્ત માહોલ છે. સ્ત્રીઓ પણ ગમતા પુરુષની છેડતી કરતી મેં જોઈ છે. પુરુષોને તો કશું પણ કરવાની સત્તા હોય એવું મોટા ભાગની સ્ત્રીઓએ સ્વીકારી લીધું છે. એનું કારણ એ છે કે મોટા ભાગના લોકો ધંધાકીય માનસ ધરાવે છે, અથવા તો ભાડુઆત છે, જેમને આ લોકોની પડી નથી.
મારી ઉમર ચૌદ વર્ષની છે. અમારી સોસાયટીની કમિટીના એક ભાઈ મને જોઈને સીટી મારતા. શરૂઆતમાં મેં સહન કરી લીધું. એક દિવસ એમની પોતાની જ દીકરીએ આ જોઈ લીધું. એણે ટોળું ભેગું કર્યું અને રજૂઆત કરી કે આ યોગ્ય નથી. એક વડીલે કહ્યું કે પુરુષો એવા જ હોય. બીજાએ કહ્યું કે છોકરીમાં જ ખોટ હશે—અમને તો કોઈ સીટી નથી મારતું. હવે એ ખરાબ દેખાતા હોય એમાં મારો શું વાંક?
પણ સ્ત્રીઓ પણ સ્ત્રીઓનો સાથ ન આપે, એ વાતાવરણમાં પણ મારી મિત્રએ આગ્રહ રાખ્યો કે એના પપ્પા મારી માફી માંગે. એની જગ્યાએ અન્ય કમિટી મેમ્બરે બે હજાર રૂપિયાનો દંડ લઈને કહ્યું કે જો હવે સીટી મારશે તો પાંચસો રૂપિયાનો દંડ થશે.

મને ન્યાય આપવાના બદલે એમણે ધંધો કરી લીધો. મેં અને મારી મિત્રે વિરોધ કર્યો, પણ અમને બંનેને ધમકાવવામાં આવ્યા. મારી મિત્રએ ઘરે વાત કરી અને અંતે એ લોકો સોસાયટી છોડીને ગયા.
બે દિવસ પહેલાં અમારા ઘરઘાટીની પેન્ટમાં કોઈએ હાથ નાખી દીધો. જે બહેને આવું કર્યું, એના પતિ બાજુમાં જ ઊભા હતા. એ માત્ર એટલું જ બોલ્યા કે “આને તો છોડ.” મને મારી ચિંતા નથી, પણ મારા મમ્મી-પપ્પા અત્યંત ભોળા છે. એમની સાથે કોઈ આવું કરશે તો શું થશે? મારાથી નાનો એક ભાઈ પણ છે; એને તો દુનિયાની કોઈ સમજણ જ નથી.
ગયા વર્ષે કોઈ છોકરાને એક અંકલ અગાસી પર લઈ ગયા હતા. પછી અમારી અગાસીને ઝાળી નાખીને બંધ કરી દીધી છે. પણ એ અંકલ હવે કમિટીમાં છે. શું કરવું, કશું સમજાતું નથી. મારા મમ્મીને લાગે છે કે આવા લોકો તો બહુ ઓછા હોય. હું શું કરું?
જ:
જે વ્યક્તિ પર બળાત્કાર થયો હોય, એને સમાજ ખરાબ નજરે જુએ છે. અને કાયદો દંડ કરે એનાથી જેને તકલીફ થઈ છે એને કોઈ ફાયદો થતો નથી. વળી સ્ત્રી પોતે સારી છે એ સાબિત કરવા અન્ય સાથે થયેલા અન્યાયને ક્યારેક સમજતી જ નથી.

તમારી મિત્રને સલામ, જે પોતાના પપ્પાની ભૂલ હતી તો પણ તમારી સાથે ઊભી રહી. દુનિયાના મોટા ભાગના લોકોને કોઈની તકલીફમાં પોતાનો ફાયદો શોધવો છે. તમારા માતા-પિતા કદાચ તમને ન કહેતા હોય, પણ એમને પણ આ બધી ખબર હશે જ. વિકૃત માણસો નબળાને ટાર્ગેટ કરતા હોય છે, એટલે તમારા માતા-પિતાને કદાચ કશું ન કરે.
તમારા ભાઈને ક્યાંય એકલો ન મોકલવો જોઈએ. સમાજમાં આવા વિકૃત લોકો વધી રહ્યા છે. એનાથી બચવાનો ઉપાય એ જ છે કે ક્યાંય એકલા ન જાઓ અને અજાણ્યા પર વિશ્વાસ ન કરો.
સૂચન:
પૂર્વ-અગ્નિ દિશામાં કચરો ભેગો કરવાથી મનોવિકૃતિ આવે છે.
(આપના સવાલ મોકલી આપો Email: vastunirmaan@gmail.com )




