વાસ્તુ: નમ્રતા, ક્ષમા અને સ્વમાન વચ્ચેની સમજણ

સંબંધ સાચવવા જરૂર પડે તો નમી જવું જોઈએ. પરંતુ વારંવાર એટલું પણ ન નમવું જોઈએ કે કમર કાયમ માટે નમેલી જ રહી જાય. વળી વીર બનવાના ધખારામાં જેને-તેને ક્ષમા પણ ન આપવી જોઈએ. ક્ષમા ભૂલની હોય, ગુનાની નહિ—એટલી સમજણ પણ જરૂરી છે. આપણા ગ્રંથોમાં પણ રાક્ષસનો વધ કરવાની વાત જ કહી છે. ખૂની, બળાત્કારી કે પાખંડીને સજા થવી જ જોઈએ. જો માત્ર કર્મના ભરોસે જ દુનિયા ચાલતી હોત, તો રામ અને કૃષ્ણ યુદ્ધ ન લડ્યા હોત. જો ઈશ્વર મનુષ્ય અવતાર લે તો એમને પણ પોતાના હક માટે લડવું પડતું હોય, તો એમાંથી સામાન્ય માણસે પણ શીખવું જરૂરી છે.

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ પણ નીચે જણાવેલા ઈમેઈલ પર ચોક્કસ પુછી શકો છો.

પ્રશ્ન:
ભારતમાં પહેલા સ્વમાન અને હક માટે યુદ્ધ થતા હતા. નારીને બચાવવા વિધર્મી શાસકો પણ મેદાનમાં આવી ગયા હતા. તો આજે એ જ દેશમાં કોઈની સાથે કશું ખરાબ થાય ત્યારે લોકો ચૂપ કેમ રહે છે? શું તેઓ પોતાની ફરજ ભૂલી ગયા છે કે પછી તેમનો સ્વાર્થ તેમના આત્મસન્માનથી ઉપર જતો રહ્યો છે? આવી નમાલી પ્રજા બનવા પાછળ દેશનું વાસ્તુ જવાબદાર ગણી શકાય?

ઉત્તર:
જ્યારથી વિદેશી વિચારોથી આપણે પ્રભાવિત થઈને જીવી રહ્યા છીએ, ત્યારથી આપણે ભારતીય વિચારોથી વિમુખ થતા જઈ રહ્યા છીએ. જાહેરમાં સારા દેખાવાની વાત જ ખોટી છે. જે જેવા છે એવા દેખાય, એ સમાજવ્યવસ્થા માટે પણ સારું છે. એક ગુંડો કે મવાલી માત્ર ૧૫ ડિગ્રી પર નમીને કેટલાક લોકોનો પ્રિય બની જાય અને પછી એ જ વ્યક્તિની જગ્યા પર પોતે આવે, ત્યારે વિશ્વાસઘાત થયો ગણાય. નમે એ બધાને ગમે, પણ કોણ ક્યારે અને કેટલું નમે છે—એ સમજવું પડે. રાજા સત્તામાં હોય ત્યારે તે પ્રજાલક્ષી કાર્ય કરે, અને ભિખારી પાસે માત્ર પોતાના સ્વાર્થ અને વૈભવી દેખાડાની જ અપેક્ષા રાખી શકાય. તેથી જ આપણે કોણ છીએ અને આપણી નૈતિક જવાબદારી શું છે—એ સમજવું જરૂરી છે.

આપણી રહેણાકની શૈલી ભારતીય હતી ત્યાં સુધી આપણે ભારતીય ખુમારી ધરાવતા હતા. હવે આપણે વિદેશી શૈલીના મકાનોમાં રહીએ છીએ. વળી નગરરચના માટેના વાસ્તુનિયમોનું પણ પાલન થતું નથી. સમગ્ર દેશ અને ખંડ-ઉપખંડ માટે પણ વાસ્તુનિયમો હોય છે. માત્ર એક નાનકડી જગ્યાનું વાસ્તુ જોવાથી કોઈ ફાયદો થતો નથી; તેને વિશાળ પરિપ્રેક્ષ્યમાં જોવાની જરૂર છે.

એક વિચિત્ર વાત એ પણ છે કે મેડિકલ સાયન્સ અને વાસ્તુ જેવા જીવનલક્ષી વિષયોની પણ રીલ્સ જોઈને લોકો પોતાનું જીવન નક્કી કરે છે. જે વાતનો કોઈ આધાર છે કે નહિ—એ સમજ્યા વિના કશું પણ કરવું ઘાતક છે. મફતમાં મળેલું જ્ઞાન કશા કામનું હોતું નથી.

અંગત સ્વાર્થ પણ વધી રહ્યો છે. તેથી જ કોઈનું ખરાબ થાય ત્યારે કેટલાક લોકો આનંદિત પણ થાય છે. તો એમનું ખરાબ થાય ત્યારે અન્ય લોકો પણ આવું કરી શકે. કોઈ જવાબદારી લેતું નથી. વિભાજિત લોકોને મૂર્ખ બનાવવું સહેલું છે. ભારત દેશમાં વસ્તી ઉપરાંત રોજગારની સમસ્યા તો છે જ, પરંતુ જ્ઞાન વિનાની ડિગ્રી આસાનીથી મળે એવી પણ કેટલીક જગ્યાએ વ્યવસ્થા છે. આવા લોકોના વિચારો નકારાત્મક હોય છે, કારણ કે સમજ્યા વિના ડિગ્રી લીધા પછી નોકરી ન મળે ત્યારે એ સમાજ અને સરકાર પર પ્રહાર કરવા ઉપરાંત નકારાત્મક વિચારો ફેલાવે છે. જેમના જીવનની શરૂઆત જ મૂલ્ય આધારિત નથી, એ જવાબદાર સમાજનો ભાગ કેવી રીતે બની શકે?

સૂચન:
વહેલા ઊઠવાથી સ્વ માટેનું સન્માન વધે છે.

(આપના સવાલ મોકલી આપો Email: vastunirmaan@gmail.com )