હજારોની ભીડ તાળીના ગડગડાટથી એને વધાવી રહી હતી… માત્ર 30 વર્ષની વયે પ્રતિષ્ઠિત યંગ
અચિવર એવોર્ડની ટ્રોફી લઈને એ ઊભો હતો, પણ કોણ જાણે કેમ, એના મનનો એક ખૂણો અજાણ્યો ડર અનુભવતો હતો. શું કામ? એકાદ ક્ષણ વિચારતાં એની સામે જવાબ આવ્યોઃ અધર્મના માર્ગે મળેલી પ્રસિદ્ધિ એ લાલચના રણમાં દેખાતા મૃગજળ જેવી છે. હા, કાવાદાવા કરીને એ અહીં પહોંચ્યો હતો, પોતાનાથી લાયક ઉમેદવારોને એણે કાવતરાથી પછાડ્યા હતા. કંઈ જ બોલ્યા વગર એ સ્ટેજ પરથી નીચે ઊતરી ગયો.
આજના કમ્પિટિટિવ યુમાં માણસ પોતાનો પ્રભાવ પાડવા કે જીત મેળવવા પોતાનાં મૂલ્યોની આહુતિ આપી રહ્યો છે. એ જીતી તો જાય છે, પણ જીત્યા પછી અરીસામાં પોતાની નજર સાથે નજર મેળવી શકતો નથી. કેમ કે જગતઆખઆને છેતરી શકાય, પણ અંતરાત્માને નહીં. અંતઃકરણની શુદ્ધિ વગર મનની શાંતિ કયારેય ન મળે. એ અંતઃકરણની શુદ્ધિ એટલે ચારિત્ર્ય.
તમે પેલી પ્રચલિત કહેવત સાંભળી હશેઃ શુદ્ધ અંતઃકરણ જેવું મુલાયમ અને આરામદાયક ઓશીકું હોઈ ન શકેઃ અંતરમાં શુદ્ધ ભાવનાઓ હશે, જીવનમાં ખોટું આચરણ કે વિચાર નહીં કર્યાં હોય તો જ માણસ શાંતિથી સૂઈ શકશે. અંતરની શુદ્ધિ માટે ચારિત્ર્યની દઢતા ખૂબ મહત્ત્વપૂર્ણ છે. યુગોથી ભારતભૂમિ આવા વિરલ મહાપુરુષોના ચારિત્ર્યયી દેદીપ્યમાન રહી છે.

ગાયકવાડ સરકાર પ્રતિ વર્ષ વિદેશી વક્તાને પ્રવચન માટે આમંત્રણ આપતાં. તે મુજબ એક જર્મન મહાશય પ્રવચન માટે આવ્યા હતા. વાત કરતાં પહેલાં શ્રોતાઓની ભૂમિકા જાણવા હેતુથી તે જર્મન મહાશયે પૂછ્યું, ‘મારે કેવા શ્રોતાઓ સામે ચારિત્ર્યની વાત કરવાની છે?’ સંચાલકે કહ્યું કે આ બધા શ્રોતાઓ ચારિત્ર્યની એ ભૂમિ પર ઊછરેલા છે, જ્યાં લક્ષ્મજીને આદર્શ ગણવામાં આવે છે. પછી સંચાલકે રામાયણનો લક્ષ્મણજીનો પ્રસંગ કહ્યો. રાવણના પુત્ર ઈન્દ્રજિતને વરદાન હતું કે 12 વર્ષ બ્રહ્મચર્ય પાળ્યું હોય એના હાથે જ તેનો નાશ થશે… રામ વિચારમાં પડયા કે આવી વ્યક્તિ લાવવી કયાંથી? ત્યારે વિભીષણે જવાબ આપ્યો કે આપના ભાઈ લક્ષ્મણ ૧૩ વર્ષયી બ્રહ્મચર્યનું પાલન કરે છે તે તેને મારશે. રામાયણકારે નોંધ્યું છે કે રાવણ અપહરણ કરીને સીતાજીને લઈ જતો હતો ત્યારે સીતાજીએ પોતાનાં ઘરેણાં કાઢીને નીચે ફેંક્યાં હતાં. સીતાજીની શોધમાં નીકળેલા રામ અને લક્ષ્મણ કિષ્કિંધામાં સુગ્રિવને મળ્યા ત્યારે સુગ્રિવે તે ઘરેણાં તેમને બતાવ્યાં. શ્રીરામે ઘરેણાં લક્ષ્મણને બતાવીને પૂછ્યું કે તું આ ઘરેણાં ઓળખે છે? ત્યારે લક્ષ્મણે જણાવ્યું કે ‘હું આ બાજુબંધને કે કુંડળને નથી ઓળખી શકતો.’ કારણ એ હતું કે 13-13 વર્ષ સુધી શ્રીરામ-સીતાજીની સાથે વનમાં રહેવા છતાં, લક્ષ્મણજીએ ક્યારેય ઊંચી દૃષ્ટિ કરીને સીતાજીની સામે જોયું નહોતું. એટલે જ કાનનાં કુંડળ કે હાથના બાજુબંધને તેઓ ઓળખી શકયા નહીં, પરંતુ ઝાંઝરને એ તરત ઓળખી ગયા, કારણ રોજ તેઓ સીતાજીની ચરણવંદના કરવા જતા ત્યારે ઝાંઝરનાં દર્શન થતાં.

આ પ્રસંગ સાંભળીને પેલા જર્મન વિદ્વાન પ્રવચન આપવા ઊભા થયા ત્યારે એમણે આટલું જ કહ્યું, ‘મારાં બહુ મોટાં ભાગ્ય કે ભારતની ભૂમિમાં આવ્યો. ગાયકવાડનો પણ આભાર. આટલા બધા સારા શ્રોતા બેઠા છે એ મારાં બહુ મોટાં ભાગ્ય.’ એમ કહીને એ પોતાની જગ્યાએ બેસી ગયા.
ચારિત્ર્યના આદર્શ સમાન આવા જ એક ઐતિહાસિક વીર એટલે ખુદીરામ બોઝ. એક એવું નામ, જેને દરેક ભારતીય ગર્વયી આજેય યાદ કરે છે. સૌ જાણે છે કે એ ભારતની આઝાદી માટે સૌથી નાની ઉંમરે શહીદ થનાર વીર સપુત હતા. ખુદીરામ માત્ર અઢાર વર્ષના હતા ને શાળામાં ભણતા હતા ત્યારે એક બૉમ્બબ્લાસ્ટ કેસમાં એમની ધરપકડ થઈ. કાળકોટડીમાં ગુપ્ત બાતમી કઢાવવા પોલીસે રૂપાળી કન્યાને એમની પાસે મોકલી. કન્યા એના ચેનચાળા શરૂ કરે તે પહેલાં જ ખુદીરામ બે હાથ જોડી બોલ્યાઃ ‘ભલે તમે આવ્યાં, મા. હું બાળપણથી જ મા વગરનો હતો. હું કેવો નસીબદાર કે આજે મરતાં મરતાં મા મળી. મને એવા આશીર્વાદ આપો કે હું માતૃભૂમિ કાજે આનંદથી મરું.’

ખુદીરામની વાત સાંભળી કન્યાની આંખોમાં આંસુ આવી ગયાં. એ તરત પાછી ફરી ગઈ.
ખુદીરામની શુરવીરતાના મૂળમાં તેમનું ચારિત્ર્ય હતું. આજે લોકો દેશ-દુનિયામાં અનેક અજાયબીઓ જોવા જાય છે, પણ એ બધી અજાયબીઓ કરતાં પણ ચારિત્ર્યની આવી મોટી મોટી અજાયબીઓનો વારસો આપણા દેશમાં જ ધરબાઈને પડ્યો છે.
(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)
(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)




