એક બહુ પ્રખ્યાત શિલ્પકાર હતા. એક વાર તેમણે જીવંત લાગતી અદભુત મૂર્તિ બનાવી. મૂર્તિ એટલી સુંદર હતી કે કલાકાર પોતે જ
તેના પ્રેમમાં પડી ગયા. દરરોજ તે મૂર્તિ સામે ઊભા રહી ગર્વથી કહેતા, “આ મેં બનાવી છે. મારા સિવાય આ દુનિયામાં કોઈ આવી મૂર્તિ બનાવી શકે નહીં!”
એક રાત્રે ભૂકંપ આવ્યો અને મૂર્તિના ટુકડા થઈ ગયા. કલાકારનું હૃદય તૂટી ગયું. તેમને સમજાઈ ગયું કે જે ‘હું’ (I)ના ગર્વમાં તેઓ જીવતા હતા, તે કુદરતની એક થપાટ સામે કેટલું વામણું હતું.
જ્યારે આપણો ‘હું’ અંગ્રેજીના કેપિટલ ‘I’ જેવો મોટો અને અભિમાની બની જાય છે, ત્યારે તે તૂટી પડે છે. પરંતુ જ્યારે ‘હું’ સ્મૉલ ‘i’ જેવો નમ્ર બને છે, ત્યારે તે ઝૂકીને પણ જીતી જાય છે. શું તમે ક્યારેય ધ્યાન આપ્યું છે કે સ્મૉલ ‘i’ના માથા પર હંમેશાં નમ્રતાનું એક ટપકું હોય છે? બિગ ‘I’ એટલે અહંકાર અને સ્મૉલ ‘i’ એટલે આપણું સાચું અસ્તિત્વ.
આજે આપણે આસપાસ નજર કરીએ તો મોટા ભાગના સંબંધો અને પરિવારો અહંકારના કારણે જ વીખરાઈ રહ્યા છે.

“ઘરમાં મારું જ ચાલવું જોઈએ…”
“મારી આગળ કોઈની હુશિયારી ચાલે જ નહીં…”
આવા સંવાદો આપણે અવારનવાર સાંભળીએ છીએ. કોઈ કદાચ આને વ્યવહાર કહે, પરંતુ હકીકતમાં આ અહંકાર છે, જે ક્યારેક માણસને મોટી મુશ્કેલીમાં મૂકી શકે છે.
જે વ્યક્તિ વ્યવહાર અને સંસ્કારની વાત કરે છે, તે ક્યારેય પોતાના અહંને મોટો થવા દેતી નથી. જે વ્યક્તિની અંદર સારા સંસ્કારોનું સિંચન થયું હોય છે, તે પોતાની અંદર ‘હુંપદ’ને પ્રવેશવા દેતી નથી.
કોઈપણ સુખી અને સશક્ત પારિવારિક જીવનનું ધ્યાનપૂર્વક વિશ્લેષણ કરશો તો ખ્યાલ આવશે કે ત્યાં કોઈ ‘બોસ’ હોતો નથી. ઘરની દરેક વ્યક્તિ પોતે સર્વેસર્વા બનવાને બદલે એકબીજાને સમજીને, હળીમળીને રહેતી હોય છે. ત્યારે જ ઘર અને પરિવાર સુખપૂર્વક ચાલે છે અને ટકી રહે છે.
આજે ઠેરઠેર છૂટાછેડાના કેસો નોંધાઈ રહ્યા છે. તેની પાછળ મોટાભાગે બે વ્યક્તિઓનો અહંકાર જ જવાબદાર હોય છે. જે વ્યક્તિમાં જતું કરવાની ભાવના ન હોય અને જે સંબંધો કરતાં પોતાના અહંને વધુ મહત્વ આપે છે, તેના સંબંધોની ડોર નબળી જ રહેવાની. કારણ કે અહંકાર નામનો રાક્ષસ સંબંધોને ખોખલા બનાવવાનું કાર્ય કરતાં ક્યારેય અચકાતો નથી.

તમારી ઈચ્છા પ્રમાણે બધું જ થવું જોઈએ એવું રટણ કરવાને બદલે, થોડું બીજાની અનુકૂળતા પ્રમાણે વર્તતા શીખો. બીજાને સમજવાનો અને અનુકૂળ થવાનો પ્રયત્ન કરશો તો સંબંધોમાં અને જીવનના અન્ય ક્ષેત્રોમાં પણ ઘણી સાનુકૂળતા પ્રાપ્ત કરી શકશો.
બીજી વ્યક્તિને સમજીને થોડા સરળ બની શકવું એ સૌથી મોટા સંસ્કારોમાંનો એક સંસ્કાર છે. યાદ રાખજો, અહંશૂન્યતા દરેક સદ્સંસ્કારની જનની છે.
Pramukh Swami Maharaj કહેતા હતા કે અંગ્રેજીમાં ‘I’ કેપિટલ લખવાનો નિયમ છે, પરંતુ હું મારા જીવનમાં હંમેશાં ‘I’ નાનો જ રાખું છું. તેઓ અંગ્રેજીમાં આશીર્વાદ લખતા ત્યારે પણ ‘I’ને સ્મૉલ જ લખતા.
જીવનમાં દરેક વ્યક્તિ પોતાનો ‘I’ નાનો રાખશે તો સુખી થશે. જો એ ‘I’ કેપિટલ બની જશે તો અનેક સમસ્યાઓનો સામનો કરવો પડશે. તેથી જીવનને સુખી રાખવું હોય તો દરેક વ્યક્તિએ પોતાનો ‘I’ સ્મૉલ જ રાખવો. સ્મૉલ ‘i’ રાખવું એ સારા સંસ્કારનું પ્રતીક છે.
જો તમે સજાગ અને બુદ્ધિશાળી હશો તો સમજી શકશો કે આવડત માત્ર તમારામાં જ નથી. પૃથ્વી પર જન્મેલી દરેક વ્યક્તિ કોઈ ને કોઈ ક્ષેત્રમાં તમારાથી વધુ હોશિયાર હોય જ છે. તમે કોઈ એક બાબતમાં પાવરધા હો, તો બીજી વ્યક્તિ બીજી કોઈ બાબતમાં પાવરધી હોઈ શકે.
કોઈપણ વ્યક્તિ સર્વગુણસંપન્ન નથી હોતી, પરંતુ કોઈ વ્યક્તિ એવી પણ નથી હોતી જેને કંઈ જ આવડતું ન હોય. આથી, “હું જ બધું છું” એવો ભ્રમ અહંકાર સિવાય બીજું કંઈ જ નથી.
(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)
(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)




