TMCના રાજ્યસભા સાંસદ પ્રકાશ બારિકનું પણ રાજીનામું

નવી દિલ્હી: TMCના રાજ્યસભા સાંસદ પ્રકાશ ચિક બારિકે પણ રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. સુખેન્દુ શેખર રાય અને સુષ્મિતા દેવ બાદ બારિકનું રાજીનામું મમતા બેનર્જી માટે વધુ એક મોટો આંચકો માનવામાં આવી રહ્યું છે. બીજી તરફ  TMCના 19 લોકસભા સાંસદોએ પહેલેથી જ બળવો જાહેર કરી અલગ જૂથ તરીકે માન્યતા આપવા માટે લોકસભા અધ્યક્ષને પત્ર લખ્યો છે. હાલમાં TMCના રાજ્યસભામાં 10 અને લોકસભામાં 28 સાંસદો છે. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં પરાજય બાદ મમતા બેનર્જી પોતાની પાર્ટીના સાંસદો અને ધારાસભ્યોને એકજૂટ રાખવામાં નિષ્ફળ રહ્યાં હોવાનું માનવામાં આવે છે. પાર્ટીના 80 વિધાનસભ્યોમાંથી 58 ધારાસભ્યોએ અલગ જૂથ બનાવી બાગી નેતા ઋતબ્રત બેનર્જીને પોતાનો નેતા સ્વીકાર્યો હોવાનું કહેવાય છે.

પ્રકાશ ચિક બારિક TMCના જૂના અને પ્રભાવશાળી નેતાઓમાં ગણાય છે. તેઓ પશ્ચિમ બંગાળના અલીપુરદ્વાર જિલ્લાના રહેવાસી છે અને TMCના મુખ્ય આદિવાસી ચહેરા તરીકે જાણીતા રહ્યા છે. રાજકારણમાં પ્રવેશતા પહેલાં તેઓ ચા બગીચાના કર્મચારી અને મજૂર નેતા તરીકે સક્રિય હતા. પ્રકાશ બારિકને TMCમાં અભિષેક બેનર્જીના નજીકના સાથીદાર તરીકે જોવામાં આવે છે. પક્ષે તેમને ઓગસ્ટ, 2023માં પશ્ચિમ બંગાળમાંથી બિનહરીફ રાજ્યસભામાં મોકલ્યા હતા. તેમણે 2024ની લોકસભા ચૂંટણીમાં અલીપુરદ્વાર બેઠક પરથી પણ ચૂંટણી લડી હતી. વર્ષ 2004માં તેમણે ઉત્તર બંગાળ યુનિવર્સિટી સંલગ્ન સૂર્યસેન કોલેજ, સિલિગુડીમાંથી કોમર્સમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી.

સુખેન્દુ શેખર રાયનું રાજીનામું

સુખેન્દુ શેખર રાયે 8 જૂન, 2026એ રાજ્યસભા અને TMCની પ્રાથમિક સભ્યતામાંથી રાજીનામું આપ્યું હતું. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીની હાર બાદ તેમણે TMCના નેતૃત્વની ટીકા કરી હતી.

સુષ્મિતા દેવે પણ આપ્યો આંચકો

TMC સાંસદ સુષ્મિતા દેવે 10 જૂન, 2026એ પોતાના પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. રાજીનામા બાદ તેમણે નવી દિલ્હીમાં આસામના મુખ્ય મંત્રી હિમંતા બિશ્વ સરમા સાથે મુલાકાત કરી હતી, જેને પગલે તેમના ભાજપમાં જોડાવાની અટકળો વધુ તેજ બની છે.