આજકાલ દરેક વ્યક્તિ નાના-મોટા પેમેન્ટ માટે સ્માર્ટફોનથી ક્વિક રિસ્પોન્સ (QR) કોડ સ્કેન કરીને ચૂકવણી કરે છે. કોઈપણ વધારાના ચાર્જ વગર ક્ષણવારમાં પૈસા ટ્રાન્સફર થઈ જાય છે. જોકે, ગુરુવારે લોકસભામાં પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ (સંશોધન) વિધેયક, 2026 પસાર થતાં હવે આ વ્યવસ્થામાં ફેરફારના સંકેતો મળી રહ્યા છે.

પહેલા શું નિયમ હતો અને હવે શું બદલાશે?
અત્યાર સુધી દેશના કાયદા મુજબ, UPI અથવા સરકાર દ્વારા નક્કી કરાયેલા અમુક ચોક્કસ ડિજિટલ માધ્યમો દ્વારા પેમેન્ટ કરવા પર કોઈ બેંક કે પેમેન્ટ સર્વિસ આપનારી કંપની ગ્રાહક પાસેથી વધારાનો એક પણ રૂપિયો વસૂલી શકતી નહોતી. આ સેવા ગ્રાહકો માટે સંપૂર્ણપણે મફત હતી. નવા કાનૂની સુધારા બાદ હવે કેન્દ્ર સરકારને એ વિશેષ અધિકાર મળી ગયો છે કે તે પોતે નક્કી કરશે કે કયા-કયા ઈલેક્ટ્રોનિક પેમેન્ટ મોડ પર ચાર્જ લાગશે. સરકાર સત્તાવાર નોટિફિકેશન બહાર પાડીને UPI સહિતના અન્ય માધ્યમો પર ફી લાગુ કરવાની મંજૂરી આપી શકશે.

સરકારે શા માટે લીધો આ નિર્ણય?
સંસદમાં દેશના નાણામંત્રી નિર્મલા સીતારામને આ મહત્વપૂર્ણ વિધેયક રજૂ કર્યું હતું, જે કરવેરા સાથે જોડાયેલા વ્યાપક સુધારા બિલનો જ એક ભાગ છે.
આવકનું મોડેલ: દેશમાં ડિજિટલ પેમેન્ટ ઈકોસિસ્ટમ ઝડપથી વધી રહી છે. તેને લાંબા સમય સુધી સુરક્ષિત અને મજબૂત જાળવી રાખવા માટે આ પગલું જરૂરી ગણાવવામાં આવ્યું છે.
નાણાકીય બોજ: બેંકો, પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડર કંપનીઓ અને પેમેન્ટ માળખું તૈયાર કરતી સંસ્થાઓને પોતાનું કામકાજ યોગ્ય રીતે ચલાવવા માટે એક સ્થિર રેવેન્યુ મોડેલની જરૂર છે. સંપૂર્ણપણે મફત સેવા આપવાથી કંપનીઓ પર જે નાણાકીય દબાણ આવી રહ્યું છે, તેને ઓછું કરવા આ નવી વ્યવસ્થા ઊભી કરાઈ રહી છે.
સામાન્ય નાગરિકો પર શું અસર પડશે?
હાલમાં સામાન્ય નાગરિકોએ તાત્કાલિક ગભરાવાની જરૂર નથી. UPI પર ક્યારે, કોના પર અને કેટલો ચાર્જ લાગશે તે અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. નિષ્ણાતોના મતે, જો મર્ચેન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) લાગુ થશે, તો પણ તેની અસર મુખ્યત્વે વેપારીઓ (Merchants) સાથે થતા મોટા મૂલ્યના વ્યવહારો પર જ પડી શકે છે. સામાન્ય લોકો વચ્ચે થતા વ્યક્તિ-થી-વ્યક્તિ (P2P) ટ્રાન્સફર પહેલાની જેમ જ મફત રહેવાની શક્યતા છે.




