વ્યવસાયે વણકર એવા કબીરજી પોતાના કામ સાથે જ્ઞાન, પરિશ્રમ સાથે ભક્તિ, નિર્મોહ સ્થિતિ સાથે
કરુણા અને ઈશ્વરસ્મરણ સાથે પરોપકાર જેવા અનેક તાણાવાણાની ગૂંથણી કરીને જીવનની સુંદર ભાત પાડી આપે છે.
જેમ વણકર તાણામાં વાણો પરોવતો જાય છે, તેમ તાણાનો અંત પણ નજીક આવતો જાય છે. વાણાનો દોરો પસાર થયા પછી વણકર તેને ફટકો મારીને મજબૂત બનાવે છે. એ જ રીતે સમયનો પ્રવાહ પણ વાણા જેવો સતત પસાર થતો રહે છે. તેથી કબીરજી ભક્તિ દ્વારા જીવનના તાણા-વાણાને મજબૂત બનાવવાનો ઉપદેશ આપે છે.
હરપળ જીવનનો તાણો કાળ ટૂંકાવી રહ્યો છે. ત્યારે જીવન સાર્થક બને તેવાં સત્કર્મો કરીએ, એ જ ઇચ્છનીય છે.
વણાટનું કામ પણ આયોજન માગી લે છે. સૂતરને ઉકેલવું, કાંજી કરવી, તાણો તૈયાર કરવો, તેને શાળ પર ચઢાવવો અને પછી વાણો ભરીને વણાટ કરવો — આ સમગ્ર પ્રક્રિયા પછી જ કાપડ તૈયાર થાય છે.

ત્યારબાદ પાવડી કે ડોબીની મદદથી તેમાં સુંદર ભાત પાડી શકાય છે.
તે જ રીતે જીવનમાં પણ કોઈ લક્ષ્ય હાંસલ કરવું હોય તો યોગ્ય આયોજન, સતત પ્રયત્ન અને સમર્પિત ભાવથી કર્મ કરવું જરૂરી છે.
કબીરજી આ સાખી દ્વારા સમજાવે છે કે સમય ઝડપથી પસાર થઈ રહ્યો છે. તેથી જીવનનો દરેક ક્ષણ સત્કર્મ, ભક્તિ અને સદુપયોગમાં વાપરીને જીવનને અર્થપૂર્ણ બનાવવું જોઈએ.
(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)




