વાસ્તુ: બે ઘરના મુખ્ય દરવાજા સામે સામે આવતા હોય તો એ નકારાત્મક ગણાય

મજાનું વાતાવરણ હોય અને મજાની વ્યક્તિ સાથે હોય તો કેવું લાગે? મજાનું વાતાવરણ તો બધાને ખબર પડે પણ મજાની વ્યક્તિ કેવી હોય? જે આપણા વખાણ કરે એ? જે ફૂલો આપીને સતત ચાહવાની વાતો કરે એ? જે વિશાળ હોલમાં વાયોલીન સાથે પ્રપોઝ કરે એ? કે પછી કશુજ ન બોલે કશુજ ન કરે તો પણ એના પર ભારોભાર વિશ્વાસ કરવાનું મન થાય એ? જેના વિચાર માત્રથી મન પ્રફુલ્લિત થઇ જાય અને જેના સહવાસથી જીવનના બધાજ દુખ ભૂલી જવાય એવી વ્યક્તિ મજાની કહી શકાય. આવી મજાની વ્યક્તિ ક્યાં મળે? દરેકના જીવનમાં આવી એક વ્યક્તિતો હોય જ છે. બસ જરૂર હોય છે એને ઓળખવાની. મોટાભાગે જે વ્યક્તિ બિનશરતી પ્રેમ કરે છે એ વ્યક્તિ પર ધ્યાન ઓછુ અપાય છે. જે વ્યક્તિ સતત અહેસાસ દેવરાવતી હોય એના તરફ નજર વધારે રહે છે. પણ શું એ વ્યક્તિ જરૂર પડે ત્યારે સાથ આપશે ખરી? સ્વાર્થ શબ્દ સંબંધોના મૂળને ખોતરી નાખે છે.

મિત્રો આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા હોય તો આપ નીચે દર્શાવેલ ઈમેઈલ પર પૂછી શકો છો.

સવાલ: સર કહેવાનું કેવું મધુર લાગે છે નહિ? તમારો અવાજ ખુબ અદ્ભુત છે. એને સાંભળીને મન શાંત થઇ જાય છે. તમે આધ્યાત્મિક લેકચર આપો તો કેટલા બધા લોકોને ફાયદો થાય? મારે પણ આવો અવાજ કેળવવો હોય તો શું કરવું જોઈએ? કોઈ ખાસ ક્રિયા કરવાથી આધ્યાત્મિક અવાજ થાય ખરો?

જવાબ: આધ્યાત્મ શબ્દ આત્મા સાથે જોડાયેલો છે. મારો અવાજ આપને ગમે છે એ સારી વાત છે. પણ એ મારો અવાજ છે. મારા આત્મા સાથે જોડાયેલો અવાજ છે. આપને કોઈના જેવું શા માટે થવું છે? તમારી પોતાની ઓળખ બનાવો. બની શકે લોકોને આપનો અવાજ વધારે ગમે. અવાજને કેળવવા માટે ઘણી ક્રિયા પ્રક્રિયા આપણા દેશમાં પ્રચલિત છે. પણ જયારે આધ્યાત્મિકતાનો વિચાર કરીએ ત્યારે આત્માને ન ગમે એવું કશું જ ન કરવું જોઈએ. હૃદય સાફ હશે તો આપ જે બોલશો એ સારું લાગશે. મનમાં પાપ ન હોય એ ખુબ જરૂરી છે. જયારે વ્યક્તિનું મન શાંત અને હૃદય સંતૃપ્ત હોય ત્યારે એનો અવાજ મૃદુ લાગે છે. જયારે વ્યક્તિ તણાવમાં હોય કે મનમાં સ્વાર્થ કે લોભ હોય ત્યારે એ જ વ્યક્તિનો અવાજ નથી ગમતો. આપનો અવાજ પણ વખણાશે. સાચો પ્રયત્ન કરો.

સવાલ: મારી ઉમર એકવીસની છે. મારા ઘણા મિત્રો છે. વળી સારા દેખાવના કારણે ઘણા લોકો વાત કરવા પણ આવે છે. મારા મમ્મીનું માનવું છે કે પૈસાદાર લોકો ખરાબ હોય. આવું માનવાનું કારણ શું હશે? શું એમનાથી દુર રહેવું જોઈએ?

જવાબ: દેખાવ સારો હોય એ સારી વાત છે. પણ જે લોકો માત્ર દેખાવ જોઇને મિત્રતા કરે એ સાચા મિત્ર હોઈ શકે ખરા? મિત્ર કોઈ પણ હોઈ શકે. મિત્રની કોઈ જાતી નથી હોતી. પણ જયારે જાતિવાચક શબ્દથી મિત્રને જોવાનું થાય ત્યારે વિચારવું જોઈએ. વળી દરેક પૈસાદાર વ્યક્તિ ખરાબ અને દરેક ગરીબ વ્યક્તિ સારી એવો કોઈ નિયમ નથી. આ નિર્ણય તો જે તે વ્યક્તિના અનુભવથી જ લેવાય. આપના ઘરમાં અગ્નિથી વાયવ્યનો અક્ષ નકારાત્મક છે. તેથી આપના મમ્મીને આવું લાગી શકે. કોઈ નિષ્ણાતની સલાહ લઇ અને શિવપૂજા કરો. ગુરુવારે ઘરના મુખ્ય દ્વાર પર આસોપાલવનું તોરણ બંધો અને ઉંબરો પૂજી લો. ચોક્કસ સારું લાગશે.

સુચન: બે ઘરના મુખ્ય દરવાજા સામે સામે આવતા હોય તો એ નકારાત્મક ગણાય.

(આપના સવાલ મોકલી આપો Email: vastunirmaan@gmail.com)