Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

નવી દિલ્હી – કૌભાંડમાં સંડોવાયેલા સુરેશ કલમાડી અને અભયસિંહ ચૌટાલાને આજીવન પ્રમુખ તરીકે નિયુક્ત કરવાના પોતાના નિર્ણયને ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશને (IOA) આજે પાછો ખેંચી લીધો છે.

ખેલ મંત્રાલયને લખેલા પત્રમાં IOAના પ્રમુખ એન. રામચંદ્રને એવો દાવો કર્યો છે કે આ બંને વિવાદાસ્પદ નેતાઓ (કલમાડી અને ચૌટાલા)નું બહુમાન કરવા માટે રાષ્ટ્રીય ઓલિમ્પિક સંઘે કોઈ ઠરાવ પસાર કર્યો નથી.

કલમાડી અને ચૌટાલા, બંને IOAના ભૂતપૂર્વ પ્રમુખ છે.

રામચંદ્રને સ્પોર્ટ્સ સચિવ આઈ. શ્રીનિવાસને ઉદ્દેશીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે ચેન્નાઈમાં ગયા વર્ષની 27 ડિસેંબરે યોજાઈ ગયેલી સંઘની વાર્ષિક સામાન્ય સભામાં એક સભ્યએ એવો મુદ્દો ઉઠાવ્યો હતો કે કલમાડી અને ચૌટાલાને આજીવન પ્રમુખ તરીકે નિયુક્ત કરવા જોઈએ. સંસ્થાના બંધારણ અનુસાર એ મુદ્દો ઉઠાવ્યાના ઓછામાં ઓછા સાત દિવસની અંદર કોઈ લેખિત નોટિસ આપવામાં આવી ન હોવાથી કોઈ ઠરાવ પર મતદાન થયું નહોતું કે ન તો એ પાસ કરવામાં આવ્યો હતો.

રામચંદ્રને કહ્યું કે, મીટિંગમાં સભ્યો પ્રસ્તાવ રજૂ કરી શકે છે, પણ IOAના બંધારણ અનુસારની ન હોય તો એને મંજૂર રાખી શકાય નહીં કે બેઠકમાં એને પાસ પણ કરી શકાય નહીં. ઉક્ત ઘટનાના સંદર્ભમાં જણાવવાનું કે તે પ્રસ્તાવ સંસ્થાનાં બંધારણ અનુસારનો નહોતો અને સંબંધિત વ્યક્તિઓ, IOAના સભ્યો તથા અન્ય તમામ લોકોને જે તકલીફ પડી છે એને માટે ખેદ વ્યક્ત કરું છું.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS