Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

બેંકો નોન પર્ફોમિંગ અસેટ્સ(NPA)ની સમસ્યાથી ઝઝૂમી રહી છે. આરબીઆઈ અને સરકાર એનપીએ ઓછી કરવા માટે તનતોડ પ્રયત્નો કરી રહી છે. કેન્દ્ર સરકાર નવી મૂડીનું રોકાણ બેંકોમાં કરવાની જાહેરાત કરી ચૂકી છે, તેમ જ આરબીઆઈને સરકારે વધુ સત્તા આપી છે અને ડિફોલ્ટરોના નામ જાહેર કરવા કહ્યું છે. એટલે હાલ સરકાર અને આરબીઆઈ એક્શનમાં છે. તેવામાં વિવિધ રાજ્યોમાં ખેડૂતોના દેવાંની માફીની માગ ઉઠી છે. ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત સહિતના વિવિધ રાજ્યોમાં દેવાં માફીને લઈને ખેડૂતો વધુ ઉગ્ર બની રહ્યાં છે. જો કે ખેડૂતોની દેવાંની માફીના આંદોલનમાં રાજકારણ ભળ્યું છે. કોંગ્રેસ જોડાઈ જતાં ખેડૂતોને વધુ બળ મળ્યું છે. કરોડો અબજો રૂપિયાની માફીનો બોજ કોણ ઉપાડે તે સવાલ છે. દેવાં માફીથી દેશની ઈકોનોમીને ખૂબ મોટુ નુકશાન થવાનો રીપોર્ટ છે. આરબીઆઈએ પણ ચેતવણી ઉચ્ચારી છે કે ખેડૂતોના દેવાં માફીથી બેંકોની હાલત કથળશે, સરકારની તિજોરી પર બોજો આવશે, મોંઘવારી વધશે, ગ્રોથ પણ ઘટશે અને રાજ્યોનો વિકાસ અટકી જશે.

ઉત્તર પ્રદેશમાં મુખ્યપ્રધાન પદે યોગી આદિત્યનાથ આવ્યા ત્યારે તેમણે ખેડૂતોના દેવા માફીનો નિર્ણય લઈ લીધો. કારણ કે ગત વર્ષે યુપીમાં ઓછા વરસાદથી ખેડૂતો બેહાલ થયા હતા. તે પછી મહારાષ્ટ્રના ખેડૂતોએ આંદોલન છેડ્યું અને તે આંદોલન મધ્ય પ્રદેશ સહિત વિવિધ રાજ્યોમાં પ્રવેશ્યું છે. દેવાના બોજ તળે દબાયેલાં ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે, તેવા રોજ સમાચારો આવતા ગયાં છે. જો કે હવે ચોમાસુ માથે છે, ત્યારે તેવા સંજોગોમાં ગત વર્ષે પાક પાણી ન થયાં, અને પાક્યું તો તે અનાજ-કઠોળ અને શાકભાજીના પોષણક્ષમ ભાવ નથી મળ્યાં, તેવી માગ સાથે ખેડૂતો દેવા માફીનો પોકાર કર્યો છે. બીજી તરફ અનાજકઠોળ- શાકભાજીના ભાવ આસમાને છે, તો પછી આ રૂપિયા કયાં જાય છે, તેનો સંશોધનનો વિષય બની રહ્યો છે.

ખેડૂતોના આંદોલનને કોંગ્રેસનો સાથ મળ્યો પછી શાસક પક્ષ ગભરાયો છે. જે રાજ્યોમાં ચૂંટણી આવી રહી છે, તેવા રાજ્યોની સરકારો ગભરાઈ ગઈ છે કે મોટી મત બેંક ખેડૂતો છે. ખેડૂતોને રીઝવવા જ જોઈએ. જેથી મહારાષ્ટ્ર સરકારે તો દેવા માફીની જાહેરાત કરી દીધી, આ દેવા માફીથી મહારાષ્ટ્ર સરકાર પર 30,000 કરોડનો વધારાનો બોજો પડશે. કોના બાપની દિવાળી… એવો સવાલ તરત જ થાય. નેતાઓને કયાં ખિસ્સામાંથી આપવાના છે. મધ્યપ્રદેશમાં આંદોલન વેગવાન બન્યું છે. દરેક રાજ્યોની આર્થિક સ્થિતિ અલગઅલગ છે, કેન્દ્ર સરકારે તો પહેલાં જ સ્પષ્ટ કરી દીધું છે કે આ મામલે કેન્દ્ર સરકાર કોઈ જ જવાબદારી નહીં લે, તે રાજ્યોનો વિષય છે, તો તે પ્રશ્ન રાજ્ય સરકાર હલ કરે.

બીજી તરફ ખેડૂતોની દાનત પર પણ સવાલો ઉઠી રહ્યાં છે. ખેડૂતો જાણીજોઈને લોન પરત ભરપાઈ નથી કરતાં. સરકાર લોન માફ કરવાની જ છે ને… અગાઉની સરકારોએ લોન માફ કરી છે, તેમ આંદોલન કરીશું તો સરકાર લોન માફ કરી દેશે. પણ આ યોગ્ય રસ્તો નથી. દરેક રાજ્યની સરકારો અને કેન્દ્ર સરકારે આનો ઉપાય શોધવાની જરૂર છે.

તાજેતરમાં એક ખાનગી સર્વે પ્રકાશમાં આવ્યો હતો, જેમાં કહેવાયું છે કે જો ખેડૂતોનું દેવુ માફ કરી દેવામાં આવે તો જીડીપીના 1થી 1.3 ટકા રાજકોષીય ખાધ થઈ શકે છે.

 • વર્ષ 2016-17માં ભારતમાં કુલ મળીને1 લાખ કરોડ રૂપિયાનું દેવું માફ કરાયું છે.
 • આ દેવાં માફીની રકમ જીડીપીના 2.6 ટકા હિસ્સો છે.
 • મહારાષ્ટ્રમાં 30,000 કરોડનું દેવું માફ કરાયું છે.
 • મહારાષ્ટ્રમાં સ્મોલ અને માર્જિનલ ખેડૂતો જેમની પાસે 5 એકર જમીન છે, તેમને ફાયદો મળશે.
 • મહારાષ્ટ્રમાં દેવાં માફીથી અંદાજે 40 લાખ ખેડૂતોને ફાયદો મળશે.
 • મહારાષ્ટ્રમાં 1.34 કરોડ ખાતાધારક ખેડૂતોમાંથી 90 લાખ ખેડૂતો દેવાદાર ખેડૂતો હતાં, જ્યારે 31 લાખ ડિફોલ્ટર છે.
 • છેલ્લાં 40 દિવસમાં પંજાબમાં 23 ખેડૂતોએ આત્મહત્યા કરી છે.
 • એનએસએસઓના આંકડા અનુસાર વર્ષ 2015માં દેશમાં 52 ટકા ખેડૂત પરિવારો દેવાના બોજા હેઠળ દબાયેલાં છે.
 • 2015માં 8હજારથી વધારે ખેડૂતોને આત્મહત્યા કરી છે, આમાં મહારાષ્ટ્રમાં એક તૃતીયાંશથી વધારે ખેડૂતો છે.
 • હાલના સમયમાં એક અંદાજ મુજબ દેશના ખેડૂતોને લગભગ 9 લાખ કરોડ રૂપિયાનું દેવું છે.
 • મહારાષ્ટ્રના મરાઠાવાડમાં કેટલાય વર્ષોથી દુષ્કાળ પડી રહ્યો છે
 • એનસીઆરબીના આંકડા અનુસાર 2016ના પ્રથમ ત્રણ મહિનામાં દેશના 10 રાજ્યોમાં કુલ 116 ખેડૂતોએ આત્મહત્યા કરી છે, જેમાંથી 57 ખેડૂતો મહારાષ્ટ્ર અને 56 ખેડૂતો પંજાબના છે.
 • 2015માં મધ્યપ્રદેશમાં 581 ખેડૂતો અને છત્તીસગઢમાં 854 ખેડૂતોએ આત્મહત્યા કરી છે.
 • 2015માં તેલંગાણામાં 1358 ખેડૂતો અને કર્ણાટકમાં 1197 ખેડૂતોએ આત્મહત્યા કરી છે.

મોદી સરકાર હાલમાં 4.1 ટકા કૃષિ વિકાસ દરના આધાર પર વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવા પર કામ કરી રહી છે. પણ તેનાથી વિપરીત ખેડૂતોની આત્મહત્યા કરવાના કિસ્સા વધી રહ્યાં છે. એનસીઆરબીના રીપોર્ટ અનુસાર વર્ષ 2014માં 5660 ખેડૂતોએ આત્મહત્યા કરી હતી, તેની સરખામણીએ 2015માં 42 ટકા વધારે 8007 ખેડૂતોએ આત્મહત્યા કરી હતી.

કેન્દ્ર સરકારે ખેડૂતોના દેવાંની માફીનો મુદ્દો રાજ્ય સરકારો પર નાંખી દીધો, ત્યાર પછી કેન્દ્રીય કેબિનટની બેઠકમાં ખેડૂતોને રાહતો આપી હતી. 2017-18ના વર્ષ માટે વ્યાજમાં છૂટ આપવાની યોજનાને મંજૂરી આપી હતી. 3 લાખ સુધીની ટૂંકાગાળાની ક્રોપ લોન 7 ટકાના વ્યાજ દરે સબસિડીથી મળશે. જો ખેડૂત સમયસર લોન ભરે તો તેને વ્યાજમાં 3 ટકાની રાહત મળશે. એટલે કે ખેડૂતોને 4 ટકા વ્યાજે લોન ઉપલબ્ધ થશે.

ખેડૂતોની લોન માફીનો પ્રશ્ન દર વર્ષે આવે છે. ખેડૂત કયાં સુધી બિચારો રહેશે.  માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોએ તેનો ઉપાય શોધવો જ રહ્યો. આવી રીતે દર વર્ષે લોન માફ કરવાની અને સરકારની તિજોરી પર બોજો આવશે, દેશનો વિકાસ અટકી જશે, મોંઘવારી વધશે, દેશની ઈકોનોમીને લાંબેગાળે નુકશાનકારક સાબિત થશે. આ મુદ્દો વધુ પેચીદો છે. ખેડૂતોના દેવાંની માફીનો પ્રશ્નને રાજકારણથી દૂર રાખીને તેનો ઉકેલ મેળવવો જ રહ્યો. નહીં તો લોન માફીના નાણાં… જરૂરિયાત નથી તેવા લોકોના ઘેર જતાં રહે છે. દેશની ઈકોનોમીને બચાવવી હોય તો ખેડૂતને સ્વાવલંબી બનાવવો જ જોઈએ.

 


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS