Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

ત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથને મુખ્યપ્રધાન બનાવવાની જાહેરાતની સાથે જ દેશભરમાં ‘જય શ્રી રામ’ની ગૂંજ દેશભરમાં ઉઠી. સોશિયલ મીડિયામાં ‘ગર્વ સે કહો હમ હિંદુ હૈ’ નો નારો ટ્રેન્ડિંગમાં રહ્યો. ઉત્તરપ્રદેશમાં ભાજપને 325 બેઠકો મળી ત્યારે જે આશ્ચર્ય સર્જાયું હતું, તેનાથી અનેકગણું આશ્ચર્ય મુખ્યપ્રધાનપદે યોગી આદિત્યનાથના નામની પસંદગીથી સર્જાયું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ‘સબકા સાથ સબકા વિકાસ’નાં સૂત્ર સાથે આગળ ધપી રહ્યાં હોય ત્યારે સંત-મહંતને ઉત્તરપ્રદેશ જેવા રાજ્યનું સુકાન સોપવામાં આવે તે ઘટના આંચકો તો આપે જ. એમાંય જ્યારે ભાજપને પ્રચંડ બહુમતી મળી હોય ત્યારે આવો નિર્ણય કોઈ રાજકીય મજબૂરીથી લેવામાં આવ્યો એવું માનવાને કોઈ કારણ નથી. પરંતુ ગણતરીપૂર્વક લેવામાં આવેલું પગલું ગણી શકાય.

રાજકીય વિશ્લેષકો માટે આ ઘટના ગળે ઉતરવી મુશ્કેલ બની ગઈ છે. વિકાસના એજન્ડા પર ચાલતાં મોદી અચાનક હિંદુત્વના ચહેરાને આગળ કરી દેશે એવી કલ્પના કોઈએ કરી ન હતી. ખાસ કરીને દેશના સેક્યુલર ફોર્સને ટીકા કરવા માટેનો મુદ્દો મળી ગયો. કોઈએ કહ્યું કે ભાજપનું મહોરું ઉતરી ગયું છે અને અસલી ચહેરો બહાર આવી ગયો છે. ભાજપ ફરી હિંદુત્વના માર્ગે, સંઘના ઇશારે મોદીના વિકાસની ગાડીને બ્રેક, ભાજપનો છૂપો એજન્ડા જાહેર…સાંપ્રદાયિક ધ્રુવીકરણનો વિકાસ પર વિજય. યોગીના ભૂતકાળના ઉચ્ચારણોને ચગાવવામાં આવી રહ્યાં છે

વિપક્ષો અને સેક્યુલર ફોર્સ દ્વારા ભાજપ પર ચોમેરથી હલ્લો કરવામાં આવ્યો. અગાઉની જેમ જ મોદીએ શોરબકોર નજરઅંદાજ કરી તેમના એજન્ડા પર કામ ચાલુ કરી દીધું. કોઈ યોગી આદિત્યનાથને લઇને, તો કોઈ સંઘ-પરિષદને લઈને અર્થઘટનો કરી રહ્યાં છે. એક સવાલ એવો પૂછાઈ રહ્યો છે કે યોગી વિકાસ અને હિંદુત્વના એજન્ડાને સમતોલ રાખી શકશે ? દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિકાસ એજન્ડા સફળ બની રહ્યો છે ત્યારે ઉત્તરપ્રદેશમાં ભગવાધારીને સુકાન સોંપવા પાછળનું કારણ શું. ?

સ્પષ્ટ જવાબ છે રામમંદિરનું નિર્માણ !  ભાજપને દિલ્હીમાં સૌપ્રથમ સત્તાનાં સૂત્રો અપાવવામાં રામમંદિરનો મુદ્દો મહત્વનો રહ્યો છે. અત્યાર સુધી કેન્દ્રમાં અને રાજ્યમાં સરકાર ન હોવાનું બહાનું ભાજપ આગળ ધરતું રહ્યું, હવે જ્યારે કેન્દ્રમાં અને રામમંદિર જ્યાં બાંધવાનું છે ઉત્તરપ્રદેશમાં પ્રચંડ બહુમતી છે ત્યારે કોઈ બહાનું ન ચાલી શકે. ભાજપનો પરંપરાગત મતદાર વિકાસના મુદ્દાને સ્વીકારે છે. પરંતુ રામમંદિર તેમની શ્રદ્ધા સાથે જોડાયેલો મામલો છે. એટલે જ ઉત્તરપ્રદેશ ચૂંટણી ઢંઢેરામાં રામમંદિર નિર્માણનો મુદ્દો સમાવવો પડ્યો હતો. 2019માં આ મુદ્દે સવાલો ઉભા થાય તો ભાજપ પાસે જવાબ નથી. હવે તેને જવાબ આપી શકે એવી સ્થિતિમાં આવવું હોય તો હિંદુત્વ સાથે ભાજપ જોડાયેલો છે તેવો મેસેજ આપવો પડે. અને રામમંદિર માટે ભાજપ પ્રતિબદ્ધ છે તેવી પ્રતીતિ કરાવવી પડે. યોગી આદિત્યનાથની મુખ્યપ્રધાનપદે વરણી તેનું પહેલું પગથિયું છે.યોગી યુવાન છે, કટ્ટર હિંદુ છે, પરંતુ હઠીલા નથી. સાયન્સમાં ગ્રેજ્યુએટ યોગી ગોરખનાથ સંપ્રદાયના છે. તેમના ગુરુ મહંત અવૈદ્યનાથે તેમને સોંપેલી સાંસદની બેઠક પર સળંગ પાંચ ટર્મથી ચૂંટાતાં આવ્યાં છે. આમ રાજકારણને તેમણે પચાવ્યું છે. ભાજપમાં તેમણે પોતાનું આગવું સ્થાન ઉભું કર્યુ છે.અને તેથી જ હિંદુત્વના એજન્ડાને આગળ ધપાવવા માટે તેમની પસંદગી થવા પામી છે.

ભાજપના બે મહત્વના એજન્ડા છે. પહેલો અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ અને બીજું કશ્મીરમાં 370ની કલમ હટાવવી. કશ્મીરના મુદ્દા પર હજુ સુધી જોઇએ એટલી સફળતા મળી નથી. પરંતુ રામમંદિર નિર્માણ મામલે હવે આગળ વધી શકશે. સરકાર રામમંદિરનું નિર્માણ ન કરી શકે પરંતુ અવરોધો દૂર કરી શકે. રામમંદિર માટે ભાજપ સાવચેતીપૂર્વક કામ લેશે. આમ તો મામલો અદાલતમાં પડ્યો છે. ભાજપના પ્રયાસો એવા રહેશે કે અદાલતની બહાર સમાધાન થાય અને મંદિર નિર્માણ થઈ શકે. અગાઉ સમાધાનની અનેક ફોર્મ્યૂલા ઘડવામાં આવી હતી. પરંતુ બંને પક્ષોની ખેંચતાણ સમાધાન થવા દેતી ન હતી. સમાધાનની એક ફોર્મ્યુલા મુજબ મુસ્લિમોને મસ્જિદ માટે નજીકમાં જ જગ્યા આપવી. જ્યાં બાબરી મસ્જિદ બનાવાવમાં આવે. હાલની જગ્યા પર રામમંદિર નિર્માણ કરવામાં આવે. બાબરી મસ્જિદ તરીકે ઓળખાતી જગ્યા પર વર્ષોથી નમાજ પઢવામાં આવી નથી અને તેમા રામલલ્લાની મૂર્તિ પ્રસ્થાપિત કરવામાં આવી છે. આથી આ સ્થળ મુસ્લિમોની ઈબાદતગાહ માટે વર્જ્ય ગણી શકાય. એક સમયે આ મુદ્દાપર સહમતિ સધાય તેવી સ્થિતિ હતી, પરંતુ મુદ્દો રાજકીય બની જતાં સમાધાન ન થાય તેવા પ્રયાસોને સફળતા મળી. સરકાર આ જ ફોર્મ્યુલા પર આગળ વઘશે. સત્તાવાર રીતે રામમંદિરનાંમામલે બંધારણીય માર્ગ અપનાવાશે એવો સૂર વ્યક્ત કરવામાં આવશે, પરંતુ બંને પક્ષે સમાધાન કરી અદાલતની બહાર તેનો ઉકેલ લાવવામાં આવે તેવી શક્યતા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં મુસ્લિમોના વલણમાં મોટો ફેરફાર આવ્યો છે. તેનો ફાયદો પણ સરકારને મળશે. આમ અયોધ્યામાં રામમંદિર બનશે અને બાબરી મસ્જિદ પણ બનશે.

ગુજરાતમાં સોમનાથ મંદિરનો જિર્ણોધ્ધાર તત્કાલીન ગૃહપ્રધાન વલ્લભભાઈ પટેલે કર્યો હતો. રામમંદિરના નિર્માણનો શિલાન્યાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હસ્તે થાય તો એમાં કોઈને નવાઈ ન લાગવી જોઈએ. 2019ની ચૂંટણી પહેલાં પણ આ ઘટના બની શકે છે. કેન્દ્ર અને રાજ્યમાં સત્તા ભોગવતો ભાજપ જો આ તક ચૂકી ગયો તો તેનું લાંબે ગાળે મોટું નુક્શાન થવાની સંભાવના નકારી શકાય નહીં.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS