Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page
 ટેબલ ટેનિસ રમતને મળશે નવી દિશા, વધશે એની લોકપ્રિયતા

આપણા દેશમાં ક્રિકેટની રમતે ફ્રેન્ચાઈઝ આધારિત લીગ સ્પર્ધા – આઈપીએલ શરૂ કરી એ પછી એમાં હોકી, ફૂટબોલ, કબડ્ડી, ટેનિસ જેવી રમતો પણ જોડાઈ તો ટેબલ ટેનિસ શા માટે પાછળ રહી જાય? આવતી 13 જુલાઈથી 30 જુલાઈ સુધી દેશના ત્રણ શહેર – મુંબઈ, દિલ્હી અને ચેન્નાઈમાં ટેબલ ટેનિસની લીગ સ્પર્ધા રમાવાની છે જેને અલ્ટીમેટ પિંગ પોંગ ચેમ્પિયન્સશીપ નામ આપવામાં આવ્યું છે.

ભારતમાં ટેબલ ટેનિસની રમતને ઉત્તેજન આપવા, એના પ્રસાર તથા વિકાસના હેતુ માટે આ સ્પર્ધા યોજવામાં આવી રહી છે. આને માટે ખાસ એક કંપનીની રચના કરવામાં આવી છે – ESPL (11 ઈવન સ્પોર્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ). આ લીગ શરૂ કરવા માટે એને ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઈન્ડિયા (TTFI) અને ઈન્ટરનેશનલ ટેબલ ટેનિસ ફેડરેશન (ITTF)ની પરવાનગી અને સહયોગ મળ્યા છે.

આ લીગ આ વર્ષ પછી દર વર્ષે ભારતમાં રમાશે.

ભારત તથા વિદેશના ઘણા ટોચના ખેલાડીઓએ આ લીગમાં રમવા માટે સહમતી દર્શાવી છે, પણ એમના નામ હજી સુધી ઘોષિત કરવામાં આવ્યા નથી.

મુંબઈસ્થિત ESPL કંપની વિશ્વમાં ટોપ 50 રેન્ક ધરાવતા ખેલાડીઓમાંથી મોટા ભાગનાંને કરારબદ્ધ કરવા માગે છે. જેથી ભારતમાં પહેલી જ વાર એક જ સમયે દુનિયાના શ્રેષ્ઠ ટેબલ ટેનિસ ખેલાડીઓને રમતા જોવાનો મોકો મળશે.

ભૂતકાળમાં 8 વખત રાષ્ટ્રીય ચેમ્પિયન બનેલા કમલેશ મહેતા ESPL કંપનીના ડાયરેક્ટર છે. એમનો દાવો છે કે લીગ સ્પર્ધાની ફોર્મેટ રોમાંચક અને મનોરંજક હશે.

ESPL કંપનીનાં પ્રમોટર બિઝનેસવુમન છે – વિતા દાણી. એમણે કહ્યું છે કે ભારતમાં ટેબલ ટેનિસની રમતનો વિકાસ કરવા માટે ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઈન્ડિયા સાથે એમની કંપનીએ 10 વર્ષનો કરાર કર્યો છે.

ભારતને ટેબલ ટેનિસની રમતનું જાગતિક પાવરહાઉસ બનાવવાનો કમલેશ મહેતા અને વિતા દાણીનો ઉદ્દેશ્ય છે.

વિતા દાણીએ ગળે ઉતરે એવી વાત કહી છે કે ભારતમાં ટેબલ ટેનિસની રમતને હાલ એક રીક્રીએશનલ એક્ટિવિટી તરીકે ગણવામાં આવે છે, પણ અમે એને મુખ્યપ્રવાહની રમતમાં બદલવા માગીએ છીએ.

ભારતમાં ટેબલ ટેનિસની રમત શાળાઓ, કોલેજો અને કંપનીઓમાં ફન-રીક્રીએશનલ ગેમ કે એક્ટિવિટી તરીકે લોકપ્રિય છે, પણ ચીનમાં સ્પર્ધાત્મક ગેમ છે. ત્યાંની રમત તથા કોચિંગના સ્તર સામે ભારતનું સ્તર કંઈ જ નથી.

ભારતમાં ટેબલ ટેનિસ લીગ સ્પર્ધા શરૂ કરવાનો વિચાર કેવી રીતે આવ્યો? એના જવાબમાં વિતા દાણીએ કહ્યું કે, દિલ્હીમાં તાજેતરમાં ITTF વર્લ્ડ ટુર ઈન્ડિયા ઓપન સ્પર્ધાનું સરસ રીતે આયોજન કરાયું હતું. એ સ્પર્ધા એકદમ સફળ રહી હતી. એટલે અમને વિચાર આવ્યો કે ભારતમાં કોઈક એવી સ્પર્ધા યોજવી જોઈએ જે દર વર્ષે યોજાય, દેશ-વિદેશના શ્રેષ્ઠ ખેલાડીઓ અહીં રમવા આવે, દેશનાં ટેબલ ટેનિસ પ્રેમીઓને નવી રોમાંચક સ્પર્ધા જોવા મળે અને સાથોસાથ ખેલાડીઓને પણ ચેલેન્જનો નવા પ્રકારનો અનુભવ થાય.

વિતા દાણી ઉદ્યોગપતિ અંબાણી બંધુઓનાં પિતરાઈ બહેન છે. વિતા દાણીનો પુત્ર મુદિત દાણી આંતરરાષ્ટ્રીય જુનિયર સ્પર્ધાઓમાં ભારત વતી રમી ચૂક્યો છે અને મેડલ જીતી લાવ્યો છે.

કમલેશ મહેતા ઓલિમ્પિક્સમાં (1992ની બાર્સીલોના ગેમ્સ)માં કોઈ ચાઈનીઝ ખેલાડીને હરાવનાર પહેલા નોન-ચાઈનીઝ ખેલાડી બન્યા હતા. એમણે ત્યારે લૂ લીનને હરાવીને આશ્ચર્ય સર્જ્યું હતું.

(કમલેશ મહેતા અને વિતા દાણીનું વિડિયો નિવેદન)

આજે આપણા દેશમાં ટેલિવિઝન પર ક્રિકેટ, ટેનિસ, સોકર અને બેડમિન્ટનને જેટલું મહત્વ અને લોકપ્રિયતા મળે છે એટલી ટેબલ ટેનિસને મળતી નથી. હવે એમાં પરિવર્તન લાવી ટેબલ ટેનિસને પણ એ રમતોની હરોળમાં મૂકવાનો ESPLના પ્રમોટર્સનો પ્રયાસ છે.

અલ્ટીમેટ પિંગ પોંગ લીગ સ્પર્ધા 25-50 લાખ નહીં, પણ 3 કરોડ રૂપિયાની ઈનામી રકમવાળી હશે.

અલ્ટીમેટ પિંગ પોંગમાં શરત કમલ, હરમીત દેસાઈ, માનિકા બત્રા, મધુરિકા પાટકર અને મૌમા દાસ જેવા ટોચના ભારતીય ખેલાડીઓ રમશે તો આંતરરાષ્ટ્રીય સ્તરના ખેલાડીઓમાં હશે હાન યિન્ગ (જર્મનીની 9મી વર્લ્ડ રેન્કિંગ મહિલા), વોંગ ચૂન ટીંગ (હોંગ કોંગનો 7મો રેન્કિંગ પુરુષ ખેલાડી).

કમલેશ મહેતા

બજાજ ગ્રુપના પ્રમોટર ડાયરેક્ટર અને મુકંદ લિમિટેડના ચેરમેન-મેનેજિંગ ડાયરેક્ટર નીરજ આર. બજાજ ESPLમાં ડાયરેક્ટર તરીકે જોડાયા છે. તેઓ અવ્વલ દરજ્જાના ટેબલ ટેનિસ ખેલાડી છે. ત્રણ વખત રાષ્ટ્રીય બની ચૂક્યા છે અને અર્જૂન એવોર્ડ વિજેતા પણ છે. 1970-1977 સુધી ટેબલ ટેનિસ સ્પર્ધાઓમાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને ચાર વર્ષ સુધી કેપ્ટન પણ રહ્યા હતા.

નીરજ બજાજ તો અલ્ટીમેટ પિંગ પોંગની સ્થાપના દ્વારા એવું સપનું જોઈ રહ્યા છે કે ભારત ઓલિમ્પિક્સમાં પણ મેડલ જીતી લાવશે.

સ્પર્ધાની આ છ ટીમ છે – દબંગ સ્મેશર્સ TTC (ટેબલ ટેનિસ ક્લબ), RP-SG મેવેરિક્સ, મહારાષ્ટ્ર યુનાઈટેડ, ચેલેન્જર્સ, બૅસાઈડ સ્પિનર્સ ટીટીસી અને ઓઈલમેક્સ સ્ટેગ યોદ્ધાઝ.

દબંગ સ્મેશર્સ કંપનીનાં માલિક છે રાધા કપૂર ખન્ના, આરપી-એસજી ટીમના માલિક છે સંજીવ ગોએન્કા, મહારાષ્ટ્ર યુનાઈટેડના માલિક છે કપિલ અને ધીરજ વાધવાન, ઓઈલમેક્સ સ્ટેગ યોદ્ધાઝના માલિક છે કપિલ ગર્ગ અને વિવેક કોહલી.

દરેક ફ્રેન્ચાઈઝે આયોજકને કુલ રૂ. 2.6 કરોડ રકમ ચૂકવી છે જેમાં ખેલાડીઓના પ્રવાસ તથા રહેવાની વ્યવસ્થા સહિત લીગના તમામ પ્રકારના ખર્ચનો સમાવેશ થાય છે.

ક્લબ બેઝ્ડ ફ્રેન્ચાઈઝ સિસ્ટમવાળી લીગમાં પસંદ કરાયેલો સૌથી મોંઘો ખેલાડી રૂ. 20 લાખનો છે તો સૌથી સસ્તો પસંદ કરાયેલો ખેલાડી દોઢ લાખ રૂપિયાનો છે. દરેક ખેલાડી માટે પ્રાઈસ ટેગ એનાં રેન્કિંગને આધારિત નક્કી કરાયું હતું.

અલ્ટીમેટ પિંગ પોંગ ચેમ્પિયનશિપ

ભારતના ત્રણ શહેરમાં રમાશે – મુંબઈ, દિલ્હી, ચેન્નાઈ

સ્પર્ધાના પહેલા બે ચરણ ચેન્નાઈ (13-20 જુલાઈ), દિલ્હી (21-26 જુલાઈ)માં યોજાશે, ફાઈનલ ચરણ (27-30 જુલાઈ) મુંબઈમાં યોજાશે

18 દિવસ સુધી સ્પર્ધા રમાશે

છ ટીમ – દબંગ સ્મેશર્સ TTC (ટેબલ ટેનિસ ક્લબ), RP-SG મેવેરિક્સ, મહારાષ્ટ્ર યુનાઈટેડ, ચેલેન્જર્સ, બૅસાઈડ સ્પિનર્સ ટીટીસી અને ઓઈલમેક્સ સ્ટેગ યોદ્ધાઝ. 

કુલ 48 ખેલાડીઓ ભાગ લેશે. એમાં 24 પુરુષ અને 24 મહિલા ખેલાડીઓ હશે

48 ખેલાડીઓમાં 24 ભારતના, 24 વિદેશના હશે

સ્પર્ધા 6 ફ્રેન્ચાઈઝી ટીમો વચ્ચે રમાશે. ટીમોને બે ગ્રુપમાં વહેંચી દેવાઈ છે

કુલ 18 મેચો રમાશે. 15 લીગ, બે સેમી ફાઈનલ, એક ફાઈનલ

દરેક ટીમમાં આઠ ખેલાડી હશે.

દરેક ટીમમાં બે ભારતીય પુરુષ અને બે ભારતીય મહિલા ખેલાડી હશે.

દરેક ટીમમાં બે વિદેશી પુરુષ અને બે વિદેશી મહિલા ખેલાડી હશે.

દરેક ટીમમાં એક સ્થાનિક (ભારતીય) કોચ હશે અને એક વિદેશી કોચ હશે

યુવા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા દરેક ટીમમાં એક અન્ડર-21 ખેલાડીને રાખવો ફરજિયાત હશે

લીગનાં વિજેતાને રૂ. એક કરોડ અને રનર્સ-અપને રૂ. 75 લાખનું રોકડ ઈનામ મળશે.

આ છે અલ્ટીમેટ પિંગ પોંગ ચેમ્પિયનશિપની 6 ટીમઃ

આ છે અલ્ટીમેટ પિંગ પોંગ ચેમ્પિયનશિપની 6 ટીમના ખેલાડીઓઃ

 


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS