Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page
ક્રિકેટ બોર્ડ પર ચાઈનીઝ મોબાઈલ ફોન ઉત્પાદક ઓપ્પોએ કર્યો નાણાંનો વરસાદ

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર ‘મેક ઈન ઈન્ડિયા’ ઝુંબેશ લોકોને સ્વદેશી બનાવવા તનતોડ મહેનત કરી રહી છે, જનતામાં પણ ચાઈનીઝ માલનો બહિષ્કાર કરવાની લાગણી ફેલાઈ છે ત્યારે ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે ટીમ ઈન્ડિયાને પાંચ વર્ષ માટે ઓપ્પોને ‘હવાલે’ કરી દીધી છે.

ચાઈનીઝ સ્માર્ટફોન ઉત્પાદક ઓપ્પોએ ભારતીય ક્રિકેટ ટીમ માટે ટાઈટલ સ્પોન્સરશિપ કોન્ટ્રાક્ટ હાંસલ કરી લીધો છે. એણે સ્ટાર ઈન્ડિયાને હટાવીને આ ખૂબ જ મહત્વનો સોદો કરવામાં સફળતા મેળવી છે.

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) સાથે ઓપ્પોનો રૂ. 1,079 કરોડનો સોદો  કોન્ટ્રાક્ટ પાંચ વર્ષનો છે – એપ્રિલ, 2017થી 31 માર્ચ, 2022 સુધી. સ્ટાર ઈન્ડિયા સાથે બીસીસીઆઈનો કોન્ટ્રાક્ટ રૂ. 203 કરોડનો અને ચાર વર્ષની મુદતનો હતો. આમ, ઓપ્પો બીસીસીઆઈને પાંચ ગણી રકમ ચૂકવશે. ભારતના ખેલકૂદ જગતમાં કરાયેલો આ અત્યાર સુધીનો સૌથી મોટો સ્પોન્સરશિપ સોદો છે.

ઓપ્પોના રાઈટ્સ સમયગાળા દરમિયાન ભારતીય ટીમ ઘરઆંગણે 14 અને વિદેશની ધરતી પર 20 શ્રેણીઓ રમવાની છે. આમાં આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી, આીસીસી ક્રિકેટ વર્લ્ડ કપ અને વર્લ્ડ ટ્વેન્ટી-20 સ્પર્ધાઓનો સમાવેશ થાય છે.

એવું કહેવાય છે કે બ્રોડકાસ્ટિંગ કંપની સ્ટાર ઈન્ડિયાને બીસીસીઆઈ સાથેનો કોન્ટ્રાક્ટ રીન્યૂ કરવામાં રસ નહોતો. એણે 2013માં કોન્ટ્રાક્ટ કર્યો હતો અને કોન્ટ્રાક્ટની અમુક જવાબદારીઓના સંદર્ભમાં એને બીસીસીઆઈ સાથે વાંકું પડ્યું હતું. સ્ટાર ઈન્ડિયાએ 2013માં સહારા ગ્રુપ પાસેથી કોન્ટ્રાક્ટ છીનવ્યો હતો.

બીસીસીઆઈ સાથેનો કોન્ટ્રાક્ટ રીન્યૂ ન કરવાનું સ્ટાર ટીવી ઈન્ડિયા કારણ એ છે કે એનું માનવું છે કે આઈસીસીમાં બીસીસીઆઈનું વજન હવે ઘટી ગયું છે.

ઓપ્પો 2016 વર્ષથી લઈને ચાર વર્ષ સુધી આઈસીસીમાં સત્તાવાર ગ્લોબલ પાર્ટનર બની છે.

ઓપ્પોના ગ્લોબલ વાઈસ-પ્રેસિડન્ટ અને ઓપ્પો ઈન્ડિયાના પ્રેસિડન્ટ સ્કાઈ લીનું કહેવું છે કે ભારતમાં ક્રિકેટ માત્ર રમત તરીકે જ નહીં, પણ એક પ્રકારની જીવનશૈલી અને સંસ્કૃતિ બની ગઈ છે. ભારતની ક્રિકેટ ટીમ દેશમાં ક્રિકેટની રમતના સત્વ સમાન છે. ભારતીય ટીમ સતત નવી ઊંચાઈઓ સર કરી રહી છે. ઓપ્પોનું પણ એવું જ છે, એ પણ ગ્રાહકોને ફોટોગ્રાફીમાં જે અદ્દભુત અનુભવ કરાવે છે એમાં એની તોલે કોઈ બીજી કંપની આવી શકે એમ નથી.

ટાઈટલ સ્પોન્સરશિપ એટલે શું?

ટાઈટલ સ્પોન્સરશિપ રાઈટ્સમાં આટલી બાબતોનો સમાવેશ થાય છેઃ ક્રિકેટ બોર્ડ તથા દેશના ક્રિકેટરોએ સંબંધિત શ્રેણીઓ વખતે ટાઈટલ સ્પોન્સર કંપનીનો લોગો દર્શાવીને સ્પોન્સર બ્રાન્ડિંગ કરવાનું રહેશે. સંબંધિત આંતરરાષ્ટ્રીય કે સ્થાનિક શ્રેણીઓ વખતે ઓપ્પોને ટાઈટલ સ્પોન્સર તરીકેનો સત્તાવાર દરજ્જો મળશે. શ્રેણીઓ રમાતી હોય એ સ્ટેડિયમ ખાતે ટાઈટલ સ્પોન્સરનું બ્રાન્ડિંગ વ્યવસ્થિત રીતે ડિસ્પ્લે કરવું પડશે. આ કોન્ટ્રાક્ટમાં બ્રોડકાસ્ટ સ્પોન્સરશિપ રાઈટ્સ તથા અન્ય અધિકારોનો પણ સમાવેશ થાય છે. ઓપ્પો હવે ખેલાડીઓના ટી-શર્ટ્સ ઉપર, સ્ટેડિયમમાં બાઉન્ડરી રોપ (લાઈન) ઉપર, ક્રિકેટના મેદાનોમાં અને બાઉન્ડરી લાઈન નજીકના હોર્ડિંગ્સમાં પોતાની પ્રોડક્ટ્સની જાહેરખબર કરશે.

 

બીસીસીઆઈ-ઓપ્પો વચ્ચેના સ્પોન્સરશિપ સોદાની રસપ્રદ વિગત…

ઓપ્પો અને બીસીસીઆઈ વચ્ચેનો કોન્ટ્રાક્ટ પાંચ વર્ષનો છે.

કુલ સોદો રૂ. 1,079 કરોડનો છે.

કોન્ટ્રાક્ટની મુદત દરમિયાન 259 ક્રિકેટ મેચોનાં પ્રસારણ વખતે ટીવી પર ઓપ્પોનાં નામનું નિશ્ચિત રીતે પ્રદર્શન કરવું પડશે.

ક્રિકેટ બોર્ડે રૂ. 8 કરોડ 10 લાખની મિનિમમ રીવર્સ પ્રાઈસ નક્કી કરી છે.

ક્રિકેટ બોર્ડે 9 કંપનીઓ પાસેથી ટેન્ડર મગાવ્યું હતું, એમાંથી ઓપ્પોની પસંદગી કરાઈ.

ઓપ્પોની વિજેતા બોલી હતી 16 કરોડ 20 લાખ.

ઓપ્પો સામે પરાજિત થઈ વિવો – જે પણ એક અન્ય ચાઈનીઝ સ્માર્ટફોન ઉત્પાદક કંપની છે.

બોલી વખતે ઓપ્પો અને વિવો વચ્ચે રૂ. 4 કરોડ 70 લાખનો તફાવત રહ્યો હતો

પ્રત્યેક સંબંધિત દ્વિપક્ષી સિરીઝમાં મેચદીઠ રૂ. 4.61 કરોડ. (સ્ટાર ઈન્ડિયા રૂ. 1.92 કરોડ ચૂકવતી હતી).

આઈસીસી યોજિત સ્પર્ધાઓમાં મેચદીઠ રૂ. 1.51 કરોડ ચૂકવશે. (સ્ટાર ઈન્ડિયા રૂ. 1.92 કરોડ ચૂકવતી હતી).


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS