Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

જ્યોતિષ પાસે જાતકો દ્વારા મોટે ભાગે પૂછાતાં પ્રશ્નોમાં ભણતર, આર્થિક, સ્વાસ્થ્ય અને લગ્નજીવનના પ્રશ્નો મુખ્ય હોય છે. સમય બદલાતાંની સાથે આજના સમયમાં માનવી મોટેભાગે પોતાની કારકિર્દીને લક્ષ્યમાં રાખીને જ જીવન જીવે છે. કારકિર્દી દરમિયાન અંગત જીવનમાં મહત્વનો પડાવ એ લગ્નજીવનની શરૂઆત હોય છે. કારકિર્દી અને લગ્નજીવન જાણે એકસાથે ચાલતાં રહે છે. લગ્ન બાબતે મંગળ દોષ, આયુષ્ય, આર્થિક સુખ અને જાતકનો સ્વભાવ વગેરે પ્રશ્નો જાતકો દ્વારા પૂછાતાંં હોય છે. જો લગ્નજીવનમાં શૂન્યાવકાશ થાય કે કોઈ તકલીફ ઉતરે તો કારકિર્દીમાં પણ જાણે ભંગ પડી જાય છે.

પુરુષની જન્મકુંડળીનો શુક્ર એટલે તેના લગ્નજીવનનો કારક ગ્રહ, પત્નીનો કારક ગ્રહ પણ કહી શકાય. પુરુષની જન્મકુંડળીમાં મજબૂત શુક્ર અને શુભ સપ્તમ સ્થાન અચૂક સુખી લગ્નજીવન બક્ષે છે. મહત્વની વાત એ છે કે, જો શુક્ર રાહુ કે કેતુ સાથે જન્મકુંડળીમાં યુતિ કે નવમ-પંચમ થતો હોય તો પુરુષના જીવનમાં એકવાર જીવનસાથીથી વિયોગ આવે છે. આ યુતિ જો સંપૂર્ણ હોય એટલે કે શુક્ર અને રાહુ અથવા કેતુ જો ૫ અંશથી વધુ દૂર ના હોય તો લગ્નજીવનમાં તકલીફ આવ્યા વિના રહેતી નથી તેવો અનુભવ છે. શુક્ર નબળો અને દુશ્મન ગ્રહની રાશિમાં હોય તો પુરુષ જાતકને લગ્નજીવનમાં તકલીફ આવે છે.

પુરુષ જાતકની જન્મકુંડળીમાં શુક્ર અન્ય ગ્રહો સાથે કેવા દામ્પત્યજીવનનો નિર્દેશ કરે છે તથા શુક્ર અન્ય ગ્રહોના કારકત્વ પર શું ફળ નિર્દેશ કરે છે, તે નીચે મુજબ છે:

શુક્ર સાથે સૂર્ય: શુક્ર અને સૂર્ય સાથે હોય તો જાતકની પત્નીનું કુટુંબ નામાંકિત હોય છે. જાતક અને પત્ની વચ્ચે અહમનો ટકરાવ જોવા મળે છે. સૂર્યના કારકત્વ પર આ શુક્રની અસર જોઈએ તો જાતકના પિતા પાસે સંપત્તિ અને સુખ ઘણું હોય છે. સૂર્ય અને શુક્ર એકબીજાના શત્રુ ગ્રહો હોઈ, આ યુતિનું પરિણામ મધ્યમ કે મિશ્ર શુભ હોય છે.

શુક્ર સાથે ચંદ્ર: શુક્ર અને ચંદ્ર સાથે હોય તો જાતકના લગ્નજીવનમાં સ્થિરતા મુશ્કેલીથી રહે છે. જાતકે અન્ય સ્ત્રીઓ સાથે સંબંધમાં સાવચેત રહેવું જોઈએ. ઘરમાં ખર્ચ અને મોજશોખ ખુબ વધુ થાય છે. જન્મકુંડળીના ચંદ્ર પર આ શુક્રની અસર જોઈએ તો જાતકનું મન પ્રેમાળ હોય છે, જાતક જલદી વિશ્વાસ મૂકી દે અને અન્યનો વિશ્વાસ જલદી તોડી પણ નાખે છે.

શુક્ર સાથે મંગળ: શુક્ર અને મંગળ સાથે હોય તો જાતકનો પ્રેમસંબંધ લગ્નમાં પરિણમે છે (મંગળ એટલે દેહ અને શુક્ર એટલે આકર્ષણ). લગ્ન પછી ભાગ્યોદય થઇ શકે. મંગળગ્રહ સાથે હોવાથી તેનું કારકત્વ ગુસ્સો પણ આવશે જ જેને લીધે દામ્પત્યજીવનમાં મતભેદ થઇ શકે, જે પ્રસંગોપાત હોઈ શકે. મંગળ પર આ શુક્રની અસર જોઈએ તો જાતકનો દેહ સૌષ્ઠવ આકર્ષક હોય છે. જાતક પાસે જમીન અને મકાનનું સુખ વધુ હોય છે.

શુક્ર અને બુધ: શુક્ર અને બુધની યુતિ મહદઅંશે સુખી લગ્નજીવન આપે છે, જાતકની પત્નીનો અભ્યાસ સારો હોય છે. લગ્ન બાદ જીવનમાં પ્રગતિ જોવા મળે છે. બુધ પર શુક્રનું કારકત્વ જોઈએ તો, જાતકની વાણી મીઠી હોય છે. જાતક વાણીના જોરે પૈસા કમાઈ શકે છે. કળા અને કારીગરીના વિષયોમાં જાતક પ્રવીણ હોય છે.

શુક્ર અને ગુરુ: શુક્ર અને ગુરુની યુતિ લગ્નજીવનના દોષો હરી લે છે. જાતકનો વિવાહ જલદી થાય છે, ઉત્તમ પાત્ર મળે છે. જાતકની પત્ની સુંદર અને ભાગ્યવાન હોય છે. ગુરુ અને શુક્રનો સંયોગ એટલે જાણે ભાગ્યની મહેર જ જોઈ લો. જાતક પાસે વાહન અને સુખ સગવડના અનેક સાધનો હોય છે. જાતકનું વ્યક્તિત્વ આકર્ષક હોય છે. જાતકને સમાજમાં નામના અને ઉચ્ચપદ પ્રાપ્તિ થાય છે.

શુક્ર અને શનિ: શુક્ર અને શનિની યુતિ જાતકને કમાતી પત્નીના યોગ કરે છે, જાતકની પત્ની પોતાના કાર્ય અને ભાગ્યથી જાતકને મદદરૂપ થાય છે. જાતકના વિવાહ મોડા થાય છે. શનિનું કારકત્વ જોઈએ તો જાતકને નોકરી વિના મુશ્કેલીએ મળી જાય છે. નોકરી કે કાર્યની બાબતમાં જાતક હમેશાં નસીબદાર નીવડે છે. શુક્ર અને શનિની યુતિવાળા જાતકના વિવાહ ભલે મોડા થાય પરંતુ કર્મની બાબતમાં આવા જાતકો ચોક્કસ નસીબદાર જોવા મળે છે.

શુક્ર અને રાહુ: શુક્ર અને રાહુની યુતિ જાતકને જીવન દરમિયાન અઢળક પૈસા મેળવી આપે તેવું બની શકે. પરંતુ જીવનસાથીની તબિયત નાદુરસ્ત રહે છે. મોટી ઉમરે જાતકની પત્ની પર અણધારી તકલીફ આવે છે. રાહુ જોડે શુક્ર હોઈ, જાતક જીવન દરમિયાન મોટા નાણાકીય સાહસ કરી શકે છે. શુક્ર અને રાહુની યુતિવાળા જાતકો મોટી ઉમરે મહદઅંશે વ્યવસાયમાં જ ઝંપલાવે છે. આવા જાતકો પોતાના વારસદાર માટે ઘણી મિલકત મૂકીને જાય છે તેવું અનુભવે નોધ્યું છે.

શુક્ર અને કેતુ: શુક્ર અને કેતુની યુતિ જાતકને લગ્ન બાદ આર્થિક જીવનમાં તકલીફો આપે છે. જાતકને આર્થિક સ્થિતિ સુધારવા માટે ખૂબ પ્રયત્નો કરવા પડે છે. લગ્નજીવનમાં આ યુતિ પત્નીને તકલીફ આપે છે, અકાળે અકસ્માત કે એકબીજાથી દૂર રહેવું પડે છે. આ યુતિવાળા જાતકો દવાઓ કે કેમિકલના ઉદ્યોગોમાં સફળ થઇ શકે. ફિલસૂફ સ્વભાવ અને ઉદારતાને લીધે, શુક્ર અને કેતુ યુતિવાળા જાતકો મોટેભાગે આર્થિક બાબતોમાં ઢીલા રહે છે, માટે આ જાતકોએ આવતી લક્ષ્મીને હમેશાં વધાવી લેવી જોઈએ, અર્થાત જીવનમાં આર્થિક ઉન્નતિ માટે જે પણ તક મળે તેને તરત જ હાથમાં લઇ કાર્ય કરવું જોઈએ.

ઉપર જણાવેલ યોગો પુરુષ જાતકની જન્મકુંડળીમાં શુક્રને ધ્યાનમાં લઈને ફળકથન કરેલું છે. સ્ત્રી જાતકો માટે મંગળ અને ગુરુ એટલે કે પતિના કારક ગ્રહો અન્ય ગ્રહો સાથે કેવું ફળ આપે તે આવતા અંકમાં વિગતે જોઈશું.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS