Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

જના સમયમાં માણસ સતત સ્પર્ધાત્મક સંજોગોમાંથી પસાર થાય છે, જીવનમાં ડગલેને પગલે સ્પર્ધાનો સામનો કરવો પડે છે. આજના યુગમાં સફળતાની ઈમારત ભણતરના પાયે જ રચાઈ શકે, વિદ્યા વિના જીવનમાં સફળ થવું મુશ્કેલ છે. મોટેભાગે જયારે વાલીઓ પોતાના સંતાનના ભવિષ્ય વિષે પૂછતાં હોય તો સંતાનના અભ્યાસનો પ્રશ્ન જ મુખ્ય હોય છે. સંતાનનો અભ્યાસ સારો હોય તેવું દરેક મા-બાપ ઇચ્છતાં હોય છે.

વૈદિક જ્યોતિષ મુજબ બુધ અને ગુરુને વિદ્યા અભ્યાસ માટે મહત્વના ગણ્યાં છે. બુધ અને ગુરુનો પંચમ, દ્વિતીય, ચતુર્થ સ્થાન સાથે શુભ સંબંધ થયો હોય તો જાતક તર્ક અને જ્ઞાનની બાબતમાં ખૂબ મેધાવી હોય છે. બુધ એટલે તર્ક શક્તિ અને ગુરુ એટલે જ્ઞાન, આ બંને ગ્રહોને વૈદિક જ્યોતિષમાં વિદ્યા અભ્યાસ માટે મહત્વના ગણ્યાં છે.

જ્યોતિષની દ્રષ્ટિએ જોઈએ તો ચંદ્ર એ મનનો કારક છે, મન સ્થિર હોય અને એકાગ્ર હોય તો જાતક વિદ્યામાં પ્રવીણ બની શકે. લાલ કિતાબ જ્યોતિષ પ્રમાણે જોઈએ તો જન્મકુંડળીમાં ચંદ્રનું સ્થાન જ જાણે કે જાતકનો વિદ્યા અભ્યાસ કહી દે છે. લાલ કિતાબે ચંદ્રને જાતકના અભ્યાસ માટે ખૂબ મહત્વનો ગણ્યો છે. લાલ કિતાબ મુજબ જોઈએ તો જાતક કેવું ભણશે, વિદ્યાનો આંક કેવો રહેશે તેનો ચિતાર એની જન્મકુંડળીનો ચંદ્ર આપે છે. વાચકોએ માત્ર જન્મકુંડળીમાં ચંદ્રનું સ્થાન જોવાનું છે અને સ્થાન મુજબ નીચેનો ફળાદેશ વાંચવાનો છે. જન્મકુંડળીમાં જ્યાં ચંદ્ર નબળો છે, તો તેના ઉપાય શ્રદ્ધાપૂર્વક કરવા.

ચંદ્ર પ્રથમ સ્થાનમાં: ચંદ્ર પ્રથમ સ્થાનમાં હોય તો જાતક ઉત્તમ અભ્યાસ કરે છે, જાતક જે પણ ક્ષેત્રમાં અભ્યાસ કરે તેનું તેને ઉત્તમ ફળ મળે છે. વ્યવસાય કે નોકરીમાં જાતક પોતાના વિદ્યાબળથી ઉન્નતિ પામે છે. આ સ્થાનમાં ચંદ્ર હોય તો, વડના વૃક્ષને પાણી પાવાથી ચંદ્રમાનો પ્રભાવ ઓર શુભ થાય છે.

ચંદ્ર દ્વિતીય સ્થાનમાં: લાલ કિતાબનું કહેવું છે કે, બીજા સ્થાને રહેલો ચંદ્ર જાતકને અભ્યાસમાં મદદરૂપ થાય છે. એટલું જ નહીં પણ આ ચંદ્ર, ચંદ્રની જણસો જેમ કે, ચાંદી, દૂધ, ખાદ્યપદાર્થો અને દૂર દેશના સ્થળે વ્યાપારમાં પણ સફળતા આપે છે. ચંદ્ર બીજે હોય તો, ચંદ્રને શુભ કરવા, ચોખા સફેદ કાપડમાં બાંધીને મંદિરમાં દાન કરવા જોઈએ. ઘરના મંદિરમાં ચોખા ચાંદીની વાટકીમાં હંમેશા રાખવા.

ચંદ્ર તૃતીય સ્થાનમાં: ચંદ્ર તૃતીય સ્થાનમાં હોય તો જાતકનો વિદ્યા અભ્યાસ તેના ઘર પર અસર કરે છે, જાતકનો અભ્યાસ જેટલો વધુ એટલી જ એના ઘરની હાલત નબળી રહે છે. જાતક જયારે નોકરીએ વળગે છે ત્યારે ઉમરની સાથે તેના અભ્યાસનો પ્રભાવ પણ ઘટતો જાય છે. લાલકિતાબ અહી સૂર્યનો ઉપાય કરવા કહે છે. સૂર્યની જણસ જેવી કે, ઘઉં, ઉન કે ગોળનું દાન કરવું જોઈએ.

ચંદ્ર ચતુર્થ સ્થાનમાં: કાલપુરુષ કુંડળીમાં ચતુર્થ સ્થાનમાં ચંદ્રની રાશિ કર્ક છે, ચંદ્ર ચતુર્થ સ્થાને અતિશુભ ગણ્યો છે. જાતકનું મન સ્થિર અને અભ્યાસમાં એકાગ્રતા રહે છે, જાતક કોઈ પણ કલા કે વિદ્યાને સરળતાથી ગ્રહણ કરી લે છે. ચંદ્રના શુભ પ્રભાવ માટે, ચાંદીના વાસણમાં પાણી કે દૂધ રાખવું જોઈએ. દૂધનું દાન ઉત્તમ પણ દૂધનો વ્યાપાર ચંદ્રને અશુભ કરશે.

ચંદ્ર પંચમ સ્થાનમાં: ચંદ્ર પંચમ સ્થાનમાં હોય તો જાતકનો અભ્યાસ મધ્યમ રહે છે, આવા જાતકો અભ્યાસમાં પ્રગતિ કરે છે પરંતુ તેઓને અભ્યાસથી આર્થિક સુખ મેળવવા વધુ પ્રયત્નો કરવા પડે છે. સાદી ભાષામાં કહીએ તો અભ્યાસ ઉંચો પણ વળતર સામાન્ય. જો ચંદ્ર ખૂબ અશુભ થાય તો ચોખા, દૂધ વગેરે, ચંદ્રની ચીજોનું દાન કરવું જોઈએ.

ચંદ્ર છઠ્ઠા સ્થાનમાં: ચંદ્ર છઠ્ઠા સ્થાનમાં હોય તો જાતકને વિદ્યા અભ્યાસ દરમ્યાન આર્થિક અડચણો આવે છે, આ જાતકો અભ્યાસ કરે છે પરંતુ તેમને અભ્યાસ માટે જરૂરી સુખ સગવડ કે સાધનો માટે પણ ખૂબ સંઘર્ષ કરવો પડે છે, છતાં વિદ્યા અભ્યાસ સારો રહે છે. અહી ચંદ્રની અશુભ અસર ઘટાડવા, લાલ કિતાબ મુજબ જાતકે ગુરુની જણસ જેમ કે ચણાની દાળનું દાન કરવાથી ચંદ્રની અશુભ અસરમાં રાહત મળે છે.

ચંદ્ર સપ્તમ સ્થાનમાં: સપ્તમ સ્થાન લગ્નજીવનનું સ્થાન છે, લાલ કિતાબ પ્રમાણે અહી બેઠેલો ચંદ્ર અને લગ્ન થવાની ઘટના જાણે કે એકબીજા સાથે સંબંધિત છે, તેમ વર્તે છે. જાતકનો અભ્યાસ પૂર્ણ થયે જ જાતકના લગ્ન થાય છે. આવા જાતકોનો અભ્યાસ સામાન્ય હોય છતાં જીવનમાં સફળતા મળે છે. જાતકે જીવન દરમિયાન ચંદ્રની ચીજોનો વ્યાપાર ના કરવો જોઈએ.

ચંદ્ર અષ્ટમ સ્થાનમાં: અષ્ટમ સ્થાનમાં કાલપુરુષ કુંડળી પ્રમાણે વૃશ્ચિક રાશિ છે, અહી ચંદ્રમા વૃશ્ચિક્સ્થ ચંદ્રમા સમાન છે, અર્થાત નબળો છે. ચંદ્ર નબળો હોય તો માતાના સુખમાં ઉણપ અને ભણતર પણ નબળું રહે છે. જાતક એકચિત્તે ભણી નથી શકતો. ઉપાય માટે મોતી ધારણ કરવો જોઈએ, માતાની સેવા કરવી જોઈએ.

ચંદ્ર નવં સ્થાનમાં: ચંદ્ર નવં સ્થાનમાં હોય તો જાતકને પોતાના અભ્યાસનું ઉત્તમ સુખ મળે છે, સમગ્ર પરિવાર અને મિત્ર વર્ગ પણ જાતકની પ્રશંસા કરે છે. આ જાતકો પોતાની વિદ્યા થકી નામ અને દામ બેય કમાય છે. ચંદ્ર અહી શુભ છે. ચંદ્રની શુભતા ઓર વધે તે માટે, તહેવાર કે પ્રસંગ દરમિયાન જાતકે માતાને ઉત્તમ આભૂષણો અને વસ્ત્રો આપવા જોઈએ.

ચંદ્ર દસમ સ્થાનમાં: દસમ સ્થાનમાં કાલપુરુષ કુંડળી પ્રમાણે મકર રાશિ છે, અહી ચંદ્રમા જાણે કે શનિગ્રહ શાસિત મકર રાશિમાં રહેલ ચંદ્રમા છે. દસમે ચંદ્ર જાતકના જીવનમાં અભ્યાસને લઈને એક પછી એક મુશ્કેલીઓ આવતી જ રહે છે. અભ્યાસમાં વિઘ્ન આવે તેનું કારણ જાણે હમેશા હાજર જ રહે છે. ગુરુજનોની સેવા કરવી જોઈએ, રાત્રિના સમયમાં ચંદ્રની જણસોથી દૂર રહેવું જોઈએ. મોડે રાત્રિ દરમ્યાન ચોખા કે દૂધનો આહાર ટાળવો જોઈએ.

ચંદ્ર લાભ સ્થાનમાં: ચંદ્ર લાભ સ્થાનમાં હોય તો જાતક વિદ્યા અભ્યાસમાં મધ્યમ રહે છે, પરંતુ જાતક અનુભવનો પાક્કો હોય છે અર્થાત આ જાતકો ભણે કે ના ભણે પણ તેઓ અનુભવે શીખેલા કાર્યમાં પારંગત હોય છે. ચંદ્રની શુભતા વધારવા માટે ચંદ્રનું નંગ મોતી ધારણ કરવો જોઈએ.

ચંદ્ર બારમાં ભાવમાં: ચંદ્ર બારમાં ભાવે હોય તો જાતક અભ્યાસમાં નબળો રહે છે. સારી સગવડો અને સાધનો મળવા છતાંય જાતકનું મન જાણે એકાગ્ર નથી થઇ શકતું. આ જાતકો જીવનમાં ખૂબ સંઘર્ષ વેઠે છે, એકસમયે એક જ કાર્ય હાથ પર લે તો જ આ જાતક સફળ થાય. જાતકે કોઈ પણ શુભ કાર્યની શરૂઆતમાં પાણી પી પછી આગળ વધવું લાભદાયી રહે છે.

 


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS