Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

હોલિકા દહનનું શ્રેષ્ઠ મુહૂર્ત પ્રદોષકાળ (પ્રદોષવ્રત નહીં) હોય ત્યારે પૂનમ તિથિમાં છે. ૧૨ માર્ચ ૨૦૧૭ ના દિવસે પૂનમ ૨૦:૨૨ સુધી છે. પ્રદોષ કાળ રોજ સૂર્યાસ્ત પછી બરાબર ચાર ઘડી સુધી હોય છે. ભદ્રાપુચ્છને ધ્યાનમાં લઈને હોલિકાનો અગ્નિ પ્રગટાવવાનો શુદ્ધ સમય ૧૮:૪૨થી ૨૦:૨૨ (અમદાવાદ) સુધીનો જણાયો છે. પૂર્ણિમાંત સમયની કુંડળીમાં કન્યા લગ્ન છે અને ગુરુ કેન્દ્રમાં આવે છે, કેન્ર્દ્રમાં ગુરુ ધર્મ બાબતે સુખશાંતિ વધે અને વર્ષ દરમ્યાન ધાર્મિક ક્ષેત્રે દેશમાં અનેક શુભ ઘટનાઓ થાય તેનો સંકેત કરે છે. મંગળ અને શનિ નવમ પંચમ છે પરંતુ મંગળનો મેષ રાશિ પ્રવેશ હમણાં થયો હોઈ બંને ગ્રહો રાશિમાં પ્રવેશ કરી રહ્યાં છે અંશ ઓછાં છે, આ ગ્રહોથી રાજ્યશાસન દેશની સુરક્ષા વધુ મજબૂત કરે તેવા સંકેત થાય છે.

પવિત્ર અગ્નિનો સંકેત:

હોલિકાદહન દરમિયાન હોલિકાના પવિત્ર અગ્નિમાંથી જવાળાઓની દિશા અને એ સમયના પવનની દિશાને જાણીને ભવિષ્યવાણી કરાય છે. પ્રચલિત માન્યતાને આધારે હોલિકાદહનનો અગ્નિ જો પૂર્વ દિશા તરફ સંકેત કરતો હોય તો, તે વર્ષ દરમિયાન ખેત પેદાશો સારી થાય છે, પશુપાલન અને ખાદ્ય પેદાશોમાં આવક સારી રહે છે. અગ્નિનો સંકેત પશ્ચિમ દિશા તરફ થાય તો રાજ્યમાં આર્થિક બાબત ધીમી રહે છે, રાજ્યશાસન અને પ્રજા વચ્ચે અસમંજસની સ્થિતિ રહે છે. પરંતુ આ પ્રકારે મળતું ફળ મધ્યમ શુભ ફળ કહી શકાય. અગ્નિનો સંકેત દક્ષિણ દિશા તરફ રહે તો રાજ્ય ઉપર મુસીબત અને અતિવર્ષા કે અનાવૃષ્ટિનો ભય રહે છે. દક્ષિણ દિશા તરફનો પવન રોગ કે સામાન્ય પ્રજાજનોને તકલીફ પડે તેનો સંકેત આપે છે. ઉત્તર દિશા તરફનો અગ્નિનો ઝૂકાવ શુભ છે, રાજ્યના સુખમાં વધારો થાય છે, વહીવટ સ્પષ્ટ બને છે. પ્રજાજનોમાં સુખ રહે છે. ધર્મનું પોષણ થાય છે. દેશની સમૃદ્ધિમાં વધારો થાય છે. અગ્નિની જવાળાઓ જો ખૂબ અસાધારણ રીતે ઉંચે જતી જોવા મળે તો તે રાજ્યના શાસકો પર તકલીફનું સુચન કરે છે. રાજ્ય શાસન આકરા નિર્ણયો સમય પહેલાં લેવા પડે તેનું આ અગ્નિ સૂચન કરે છે.

ચમત્કારિક પ્રયોગ:

અવારનવાર રોગથી પીડાતી વ્યક્તિએ રોગથી મુક્તિ માટે હોલિકાના પવિત્ર અગ્નિની ઇશાન દિશાથી ૧૧ પ્રદક્ષિણા કરવી જોઈએ, તાંબાના પાત્રમાં પાણી લઇ તેની ધાર કરતાં કરતાં “ઓમ વિષ્ણવે નમઃ”ના ૧૦૮ જાપ કરવા. રોગમુક્તિ અર્થે શ્રીફળ, જુવારને હોળીના પવિત્ર અગ્નિમાં હોમી, અગ્નિદેવ અને ભગવાન વિષ્ણુની સ્તુતિ કરવી. આ પ્રયોગ સંપૂર્ણ શ્રદ્ધા સાથે કરવાથી રોગી વ્યક્તિને રોગમાંથી મુક્તિ મળે છે, વર્ષ દરમિયાન તબિયત સારી રહે છે.

હોળાષ્ટક અને હોલિકાદહન મુહુર્તની બારેય રાશિઓ પર અસર અને પૂજા-પ્રયોગ

મેષ: મેષ રાશિના જાતકો માટે સમય પોતાની ઉન્નતિ અને પ્રગતિદાયક રહેશે, નોકરિયાત અને વિદ્યાર્થી વર્ગે નવું શીખવા પર ભાર મૂકવો જોઈએ. મેષ રાશિના જાતકોએ હોળીના પવિત્ર અગ્નિની ૧૧ વખત પરિક્રમા કરવી, તાંબાના પાત્રથી પાણીની ધાર કરી “ઓમ વિષ્ણવે નમઃ” ના જાપ કરવા.

વૃષભ: વૃષભ રાશિના જાતકોને શુક્ર મીન રાશિમાં વક્રી હોઈ, આર્થિક લાભસૂચક છે. બૌદ્ધિક કાર્યો અને અભ્યાસમાં પ્રગતિ થાય. હોળીના પવિત્ર અગ્નિની ૨૦ વખત પરિક્રમા કરવી “ઓમ ગોવિન્દાય નમઃ” ના જાપ કરવા, સફેદ કપડું પહેરીને પૂજા કરવી જોઈએ. પૂજા પછી ગળ્યો પ્રસાદ વહેંચવાથી લાભ થાય.

મિથુન: મિથુન રાશિના જાતકોને આવનારો સમય અનેક કાર્યો અને સ્વમહેનત પર ભાર મુકનારો છે. મહેનત કરવામાં આળસ કરશો નહીં. હોળીના પવિત્ર અગ્નિની ૧૭ વખત પરિક્રમા કરવી, “હ્રીં કેશવાય નમઃ” ના જાપ સતત કરવા.

કર્ક: કર્ક રાશિના જાતકોને સપ્તાહ દરમ્યાન માનસિક ઉદ્વેગ રહી શકે, નવા કાર્ય આવી શકે, પૂર્ણ શ્રદ્ધા સાથે કામ લેવું. વિદેશ ગમન બાબતે સમાચાર મળી શકે. હોળીના પવિત્ર અગ્નિની ૧૧ વખત પરિક્રમા કરવી, “ હ્રીં માધવાય નમઃ” ના જાપ કરવા.

સિંહ: સિંહ રાશિના જાતકોને શારીરિક પીડા અને ધાર્યા મુજબ કાર્ય આગળ વધે નહીં તેવું બને, અન્ય સાથે વાદવિવાદ ટાળવો. નવા કાર્યો હાલપૂરતા મુલતવી રહે તો લાભદાયી. “ઓમ પદ્મનાભાય નમઃ” ના જાપ કરવા, હોળીના પવિત્ર અગ્નિની ૭ વખત પરિક્રમા કરવી.

કન્યા: કન્યા રાશિને આ સમય સુખદાયી નીવડે, અન્ય સાથે લેવેચ કે નાણાકીય બાબતોમાં ત્વરિત નિર્ણય થવાથી આનંદ રહે. હોળીના પવિત્ર અગ્નિની ૧૭ વખત પરિક્રમા કરવી, “ઓમ મહાવિષ્ણવે નમઃ” ના જાપ કરવા. લીલા રંગનું કપડું પહેરવું.

તુલા: તુલા રાશિના જાતકોને આ સમય દરમિયાન તબિયત નરમ રહી શકે, જીવનસાથીની પસંદગી બાબતે નિર્ણય થઇ શકે. હોળીના પવિત્ર અગ્નિની ૨૦ વખત પરિક્રમા કરવી, “ઓમ ગોવિન્દાય નમઃ” ના જાપ કરવા. પૂજા બાદ સફેદ અને ગળ્યા પદાર્થનો પ્રસાદ કરવો.

વૃશ્ચિક: વૃશ્ચિક રાશિના જાતકોને આ સમય નોકરી અને વ્યવસાયમાં પ્રગતિદાયક રહે, કોર્ટકચેરી કે કાયદાકીય કાર્યમાં જીત તમારે પક્ષે આવી શકે. હોળીના પવિત્ર અગ્નિની ૧૧ વખત પરિક્રમા કરવી, “ઓમ વિષ્ણવે નમઃ”ના જાપ કરવા.

ધન: ધન રાશિના જાતકોને શનિની પનોતીનો સમય ચાલે છે, હાલના સમયે નવા કાર્યોમાં સ્થગિતતા જણાશે, કાર્યોમાં નાણાકીય વ્યવહાર- હિસાબ સ્પષ્ટ રાખવો જોઈએ. હોળીના પવિત્ર અગ્નિની ૧૯ વખત પરિક્રમા કરવી. “ઓમ શ્રીપુરુષોત્તમાય નમઃ” ના જાપ કરવા. પીળું કપડું પહેરીને પૂજા કરવી.

મકર: મકર રાશિના જાતકોને નોકરી કે વ્યવસાયના સ્થળે બદલાવ માટે રાહ જોવી પડી શકે, લગ્ન બાબતે નિર્ણય લેવામાં દ્વિધાનો અનુભવ થઇ શકે, કાર્ય ધીરજથી કરવાં. હોળીના પવિત્ર અગ્નિની ૨૩ વખત પરિક્રમા કરવી, “ઓમ હ્રીં કૃષ્ણાય નમઃ”ના જાપ કરવા.

કુંભ: કુંભ રાશિના જાતકોને આ સમય દરમ્યાન આવકના પ્રશ્ન રહી શકે, આકસ્મિક ખર્ચ વધી શકે, કુટુંબના સભ્યો દાથે મનમેળ વધારવો અને અન્યને મદદરૂપ થવું. હોળીના પવિત્ર અગ્નિની ૨૩ વખત પરિક્રમા કરવી, “ઓમ હ્રીં કૃષ્ણાય નમઃ”ના જાપ કરવા.

મીન: મીન રાશિના જાતકોને શુક્રનું ભ્રમણ લગ્ન બાબતે નિર્ણય લેવામાં મદદરૂપ થાય, વ્યવસાયમાં ટૂંક ગાળા માટે લાભ થઇ શકે. હોળીના પવિત્ર અગ્નિની ૧૯ વખત પરિક્રમા કરવી. “ઓમ શ્રીપુરુષોત્તમાય નમઃ” ના જાપ કરવા. પીળું કપડું પહેરીને પૂજા કરવી.

 

 


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS