Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

મનુષ્ય માત્ર દિવસરાત કર્મ કાર્ય કરે છે, કર્મ વિના જીવન જીવવું શક્ય નથી. દરેક મનુષ્યને કર્મોની ગતિથી અવગત રહેવું પડે છે. કર્મ પણ સારું કે નરસું ફળ આપ્યા વિના રહેતું નથી, કર્મનું સ્થાન એટલે દશમ સ્થાન, જેને જ્યોતિષમાં કર્મસ્થાન કહે છે.

જાતક જીવન દરમિયાન કર્મ કરશે પરંતુ આ કર્મોની ફળપ્રાપ્તિ અને પરિણામ આ દશમ સ્થાન સાથે સંબંધિત ગ્રહો પર અવલંબે છે. વિવિધ ઉદિત લગ્નની જન્મકુંડળીઓમાં આ યોગો વિવિધ પ્રકારે થાય છે. વાચકોએ અહી નોધ લેવી કે જ્યોતિષનો સર્વવિદિત નિયમ છે કે માત્ર યોગ હોવો પર્યાપ્ત નથી, પરંતુ યોગકર્તા ગ્રહોની વિશોત્તરી દશા ક્રમ પ્રમાણે દશા આવવી પણ એટલી જ જરૂરી છે. યોગકર્તા બે ગ્રહોની દશા અને અંતરદશામાં જાતકને યોગનું ફળ ભોગવાય છે.

દશમ ભાવને કર્મભાવ, પિતૃભાવ, રાજ્યવૃદ્ધિ અને યશભાવ વગેરે નામોથી જાણવામાં આવે છે, દશમભાવનો સીધો સંબંધ જાતકના માનસન્માન અને કીર્તિ સાથે છે. માટે જાતકના સામાજિક જીવન તથા આર્થિક સાહસોમાં પ્રગતિ માટે આ ભાવનો અભ્યાસ અનિવાર્ય છે. આજનો યુગ મહત્વાકાંક્ષી જીવન પર ભાર મુકે છે, ભાગ્યે જ કોઈ મનુષ્ય મહત્વાકાંક્ષી ના હોય તેવું બને. મહત્વાકાંક્ષા એટલે પણ દશમ ભાવ.

નાડી ગ્રંથો પ્રમાણે સૂર્ય, ગુરુ અને શનિને ઉચ્ચ પદ પ્રાપ્ત કરાવતા ગ્રહોમાં સ્થાન મળ્યું છે. જન્મકુંડળીમાં શનિ અને ગુરુનો સંયોગ એટલે કર્મોનું ભાથું છે, જાતક જીવન દરમિયાન અનેક મોટા કાર્યો કરે છે. મોટી ફેક્ટરી કે મકાન નિર્માણના કાર્યો કરનાર જાતકોની કુંડળીમાં શનિ અને ગુરુનો સંયોગ જોવા મળે છે.

સૂર્ય અને ગુરુની યુતિ કે નવમપંચમ સંબંધ જાતકને ઉચ્ચ પદ પર અચૂક બેસાડે છે, આવા જાતકો મોટેભાગે કોઈ સરકારી ક્ષેત્રે ઉચ્ચપદ મેળવે છે. સમાજમાં સારી નામના અને કીર્તિ હાંસલ કરે છે.

ઘણીવાર જાતક ખરાબ રસ્તે પણ ખ્યાતિ પ્રાપ્ત કરે છે, આવા સંજોગોમાં દશમેશ શનિ કે મંગળ હોઈ લગ્નેશ સાથે સંબંધ કરતા હોય છે.

મેષાદિ લગ્નોમાં પરાશરી પદ્ધતિ મુજબ થતાં ઉચ્ચપદના યોગો નીચે મુજબ છે, વાચકો પોતાની જન્મકુંડળીના લગ્નભાવે ઉદિત રાશિ જાણીને અહીં આપેલ યોગ કે યુતિને જાણી સરળતાથી ઉચ્ચપદ યોગ જાણી શકશે.

મેષ: મેષ લગ્નમાં શનિ દશમેશ છે, શનિનો લગ્નેશ મંગળ સાથે સંબંધ અશુભ ફળ આપનાર બને છે. પરિણામે લગ્નેશ અને પંચમેશ અર્થાત સૂર્ય અને મંગળની યુતિ ઉચ્ચ પદ પ્રાપ્તિ કરાવનાર છે, આ યુતિ જો દશમે હોય તો પૂછવું જ શું? અર્થાત જાતક ઉચ્ચપદ પ્રાપ્તિ સરળતાથી કરે છે.

વૃષભ: વૃષભ લગ્નમાં શુક્ર અને શનિની યુતિ કે બુધ અને શનિની યુતિ પરાશરી પદ્ધતિ મુજબ અચૂક ઉચ્ચપદ પ્રાપ્તિ આપે છે. ભગવાન શ્રીકૃષ્ણની પ્રચલિત જન્મકુંડળી મુજબ તેમાં વૃષભ લગ્ન છે, જેમાં શુક્ર (લગ્નેશ) અને શનિની (દશમેશ) તુલા રાશિમાં છટ્ઠા ભાવમાં યુતિ જોવા મળે છે.

મિથુન: બુધ અને ગુરુ તથા શુક્ર અને ગુરુની યુતિ પરાશરી પદ્ધતિ મુજબ અચૂક ઉચ્ચપદ પ્રાપ્તિ આપે છે. ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ. મોરારજી દેસાઈની જન્મકુંડળી મિથુન લગ્નની છે, ગુરુ અને બુધની પ્રતિયુતિ છે, જેમાં ગુરુ બીજાભાવે કર્ક રાશિમાં છે.

કર્ક: કર્ક લગ્નમાં મંગળ અને ચંદ્રની યુતિ અચૂક ઉચ્ચપદ પ્રાપ્તિ આપે છે. મંગળ અને ગુરુની યુતિ એક મધ્યમ યોગ કહી શકાય. ભારતમાં ઉચ્ચ પદે બિરાજમાન અનેક નામાંકિત વ્યક્તિઓની જન્મકુંડળી કર્ક લગ્નની જોવા મળે છે. તેમા ચંદ્ર અને મંગળની યુતિ અચૂક જોવા મળે છે.

સિંહ: સિંહ લગ્નમાં દશમેશ સાથે કેન્દ્રાધિપત્ય દોષને લીધે, સીધો ઉચ્ચપદ પ્રાપ્તિ યોગ બનતો નથી, પરંતુ લગ્નેશ અને ત્રિકોણના સ્વામી ઉચ્ચપદ આપી શકે તે જોતા સૂર્ય અને ગુરુની સફળ યુતિ હોવી જોઈએ. છત્રપતિ શિવાજી મહારાજની જન્મકુંડળીમાં ગુરુ અને સૂર્યની યુતિ સાતમાં ભાવમાં છે. ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની જન્મકુંડળી સિંહ લગ્નની છે, જેમાં સૂર્ય અને શુક્રની (લગ્નેશ અને દશમેશ) યુતિ પહેલા સ્થાનમાં છે.

કન્યા: કન્યા લગ્નમાં દશમેશ બુધ સાથે શુક્રની યુતિ પરાશરી પદ્ધતિ મુજબ અચૂક ઉચ્ચપદ પ્રાપ્તિ આપે છે. સમ્રાટ નેપોલિયનની જન્મકુંડળીમાં બુધ અને શુક્રની યુતિ લાભ ભાવે છે. બીજાક્રમે બુધ અને શનિની યુતિ આવે છે, જે મધ્યમ ફળ આપનાર કહી શકાય.

તુલા: તુલા લગ્નમાં ચંદ્ર દશમેશ થઇ, કેન્દ્રાધિપત્ય દોષને લીધે અશુભ બને છે, અહીં દશમેશ ગ્રહની લઇ ઉચ્ચપદ પ્રાપ્તિનો સંપૂર્ણ દોષમુક્ત યોગ બનતો નથી, પરંતુ શુક્ર અને શનિની યુતિ કે શુક્ર અને બુધની યુતિ ઉચ્ચપદ આપી શકે. શહેનશાહ જહાંગીરની જન્મકુંડળી તુલા લગ્નની છે, તેમાં ચંદ્ર અને શુક્રની (લગ્નેશ અને દશ્મેશની પ્રતિયુતિ) પ્રતિયુતિ તેને સર્વોચ્ચ પદપ્રાપ્તિ આપે છે.

વૃશ્ચિક: વૃશ્ચિક લગ્નમાં દશમેશ સૂર્ય અને મંગળ તથા દશમેશ સૂર્ય અને ગુરુની યુતિ જાતકને અચૂક ઉચ્ચ પદ પ્રાપ્તિના યોગ કરે છે.

ધન: ધન લગ્નમાં બુધ દશમેશ થઇ, કેન્દ્રાધીપત્ય દોષને લીધે અશુભ બને છે, પરંતુ ગુરુ અને સૂર્યની યુતિ ઉચ્ચ પદ આપનાર કહી શકાય, ગુરુ અને બુધની યુતિ મધ્યમ પ્રકારે ઉચ્ચપદના યોગ કરે છે.

મકર: મકર લગ્નમાં શુક્ર અને શનિની યુતિ જો શુભ સ્થાનોમાં થાય અર્થાત કેન્દ્ર કે કોણ ભાવોમાં થાય તો જાતક સરળતાથી ઉચ્ચપદ પ્રાપ્ત કરે છે.

કુંભ: કુંભ લગ્નમાં મંગળ દશમેશ બને છે, મંગળ અને લગ્નેશ શનિની યુતિ નિષ્ફળ યોગ કહી શકાય. શનિ અને શુક્રની યુતિ કુંભ લગ્નમાં ઉચ્ચ પદ આપી શકે. અહી શુક્ર યોગકારક થાય છે.

મીન: મીન લગ્નમાં ગુરુ અને મંગળની યુતિ ધરાવતા જાતકને અદભુત વહીવટી ક્ષમતા આપે છે, આવા જાતકો જીવન દરમિયાન જાહેર ક્ષેત્રની સંસ્થાઓમાં તથા ધાર્મિક સંગઠનોમાં નિર્ણાયક સ્થાનો પર હોય છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS