Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

મંગળ ગ્રહ કર્ક રાશિમાં તારીખ ૧૧-૦૭-૨૦૧૭, ૧૪:૫૭ પ્રવેશ કરશે. મંગળગ્રહ કર્ક રાશિમાં તારીખ ૨૭-૦૮-૨૦૧૭, ૦૮:૨૬ સુધી રહેશે. મંગળ ગ્રહનો જયારે કર્ક રાશિમાં પ્રવેશ થાય છે, ત્યારે મંગળ સાથે સૂર્યને (પુનર્વસુ નક્ષત્ર) સામે શનિ સર્વતોભદ્ર ચક્રમાં વેધ કરે છે. આ વેધ કર્ક અને વૃશ્ચિક રાશિઓને ભેદે છે. કર્કમાં એકબીજાના શત્રુ ગ્રહો મંગળ અને બુધ આવશે, અને બંનેની સાતમી દ્રષ્ટિ વૃશ્ચિક રાશિ પર પડે છે. કર્ક અને વૃશ્ચિક રાશિના જાતકો માટે મંગળનો કર્ક રાશિમાં પ્રવેશ વિશેષ ચિંતા અને કાર્યોમાં પ્રારંભિક નિરાશા આપી શકે. આ સમય દરમિયાન આ બે રાશિના જાતકોએ મોટા સાહસોથી દૂર રહેવું જ સલાહભર્યું રહેશે.

મંગળના કર્ક રાશિમાં પ્રવેશને અનુલક્ષીને, બારેય રાશિઓના જાતકોનો ફળાદેશ નીચે મુજબ છે:

મેષ:

મેષ રાશિના જાતકોને મંગળ પોતાના મિત્ર ચંદ્રની રાશિમાં પ્રવેશ કરે છે, આ સમય દરમિયાન નોકરી અને કાર્યક્ષેત્રે તમારું સ્થાન વધુ મજબૂત બને, તમે કાર્યોમાં પોતાનો પ્રભાવ વધારી શકશો. મંગળનું ભ્રમણ લાભદાયી રહે. આ સમય દરમિયાન શુભ કાર્યો થઇ શકે, કાર્યો બાબતે નવી વ્યક્તિ સાથે મુલાકાત ફળદાયી રહે. ગણેશજીની ઉપાસના ફળદાયી રહે.

વૃષભ:

વૃષભ રાશિના જાતકો માટે મંગળ સમગ્રહ છે, મંગળ ત્રીજા ભાવે આવે છે જે એક શુભ સંકેત છે. મંગળનો ત્રીજા ભાવે પ્રવેશ તમારા સાહસ અને અનુભવની તમને બેવડી મદદ સૂચવે છે, તમે પોતાના કાર્યોમાં સ્વમહેનતે આગળ આવો તેવું બને.મંગળનું આ ભ્રમણ તમારા સાહસમાં વૃદ્ધિ કરે અને સફળતા આપે. લક્ષ્મીજીની ઉપાસના શુક્રવારે કરવાથી લાભ થાય.

મિથુન:

મિથુન રાશિના જાતકો માટે મંગળ દ્વિતીય ભાવે આવે છે, મંગળનો ધન સ્થાનમાં પ્રવેશ નજીકના સગાસંબંધીઓ સાથે મતભેદ સૂચવે છે. તમારે ઘરના કાર્યોમાં જરૂરી સહકાર આપવો જોઈએ. આર્થિકઉન્નતિ થાય, તે માટે પુરતું આયોજન કરવું. વિષ્ણુ સહસ્ત્રનામના પાઠ કરવા ફળદાયી રહે.

કર્ક:

કર્ક રાશિના જાતકો માટે મંગળ યોગકારક છે, પરંતુ શરૂઆતમાં શનિનો વેધ હોતાં આ સમય દરમિયાન સ્વાસ્થ્ય બાબતે સજાગ રહેવું. બુધ કર્ક રાશિમાં છે,બુધ ગ્રહ જનિત પીડા ધીરેધીરે ઓછી થતી જશે. મંગળનું પ્રથમ ભાવે ભ્રમણ તમને નવા કાર્યો કરવા માટે પ્રેરણા આપે. માનસિક શાંતિ માટે શિવમહિમ્નસ્રોતનું પઠન કરવું જોઈએ.

સિંહ:

સિંહ રાશિના જાતકો માટે મંગળ યોગકારક છે, પરંતુ મંગળ વ્યય ભાવે આવશે. મંગળ બારમે થતાં આર્થિક બાબતોની ચિંતા સતાવ્યાં કરે. તમારે પોતાના નાણાં યોગ્ય બાબતોમાં જ ખર્ચ થાય તે માટે સજાગ રહેવું પડશે. વિદેશગમન કે દૂરના સ્થળે વ્યાપારથી લાભ થશે. વ્યવસાયમાં ઉન્નતિ માટે સૂર્યનારાયણને જળ ચઢાવવું જોઈએ.

કન્યા:

કન્યા રાશિના જાતકોને વ્યવસાયમાં આવકમાં ઉતારચઢાવનો અનુભવ થશે. કન્યા રાશિના જાતકોએ આ સમય દરમિયાન સામાજિક બાબતોમાં વધુ સજાગ રહેવું જોઈએ. નાણાકીય હિસાબ કે લે-વેચના સોદામાં અન્યના દોરવાયા કોઈ ખોટો નિર્ણય ના થાય તેનું ધ્યાન રાખવું. વિષ્ણુ સહસ્ત્રનામના પાઠ કરવા ફળદાયી રહે.

તુલા:

તુલા રાશિના જાતકો માટે ધનસ્થાનનો સ્વામી મંગળ દસમ સ્થાને આવતાં, તમારી આવકમાં તથા નોકરીમાં બઢતીના યોગ કરે છે. મંગળનું કર્ક રાશિમાં ભ્રમણ છે, ત્યાં સુધી ઉપરી અધિકારી કે ઉચ્ચ વર્ગની વ્યક્તિઓથી તમને વિશેષ સહાય અને માર્ગદર્શન મળી રહેશે, જે લાભદાયી સાબિત થાય. લલિતા સહસ્ત્રનામનું પઠન કરવું લાભદાયી રહે.

વૃશ્ચિક:

વૃશ્ચિક રાશિના જાતકોને મંગળનું કર્ક રાશિમાં ભ્રમણ ધાર્મિક આસ્થા વધારનાર સાબિત થાય. તમે ધાર્મિક હેતુથી લાંબી યાત્રા કે પ્રવાસ કરો તેના યોગ સર્જાય છે. પિતા પક્ષે તબિયત નરમ રહી શકે. અગાઉ જણાવ્યું તેમ શનિ અને સૂર્ય સાથે મંગળનો વૃશ્ચિક પર વેધ છે, સ્વાસ્થ્ય બાબતે સજાગ રહેવું જરૂરી છે. મહાદેવને જળાભિષેક કરી પૂજા કરવાથી ગ્રહજનિત પીડામાં રાહત થઇ શકે.

ધન:

ધન રાશિના જાતકોને મંગળ અષ્ટમભાવે પ્રવેશ કરશે, સંતાન બાબતે ચિંતાનો અનુભવ થઇ શકે. આ સમય દરમિયાન તમારે શેર કે સટ્ટાકીય બાબતો પર વધુ સાવચેત રહેવું જોઈએ. નાણાકીય બાબતોનું આયોજન થોડો સમય માટે તકલીફભર્યું રહી શકે. ગુરુવારે દત્તાત્રેય ભગવાનની ઉપાસના લાભદાયી રહે.

મકર:

મંગળનો સપ્તમ ભાવે પ્રવેશ તમારા લગ્નજીવન પર પ્રભાવ પાડશે, તમારે પોતાના જીવનસાથીને વધુ સાથ સહકાર આપવો જોઈએ. આ સમય દરમિયાન લગ્ન વિષયક બાબતોમાં તમારા વિચારોના કેન્દ્રમાં રહી શકે. વ્યવસાયમાં મોટો સોદો હોય તો તે પાર પડી શકે, પરંતુ કાર્ય દરમિયાન બિનજરૂરી ઉતાવળ ટાળવી પણ એટલી જ જરૂરી છે. ગ્રહજનિત પીડામાં રાહત માટે પીપળાની પ્રદક્ષિણા કરવી અને ઘીનો દીવો કરવો.

કુંભ:

કુંભ રાશિના જાતકોને મંગળનું રાશિ પરિવર્તન નોકરીમાં બદલાવ આપી શકે, નવી નોકરીની તકો ઉજ્જવળ બનશે. મોટા વ્યવસાય સાથે સંકળાયેલા જાતકોને જો કોઈ કાયદાકીય પરેશાની હોય તો તેનો સત્વરે નિકાલ આવી શકે. સ્વાસ્થ્યમાં ઉતારચઢાવનો અનુભવ થઇ શકે. કુંભ રાશિના જાતકોએ વિષ્ણુ ભગવાનના દર્શન અને પૂજા કરવા લાભદાયી રહે.

મીન:

મીન રાશિના જાતકો માટે મંગળ શુભ ગ્રહ છે, મંગળનો પંચમ ભાવે પ્રવેશ વ્યવસાયકે નોકરીના સ્થળે તમારા કર્મના પ્રભાવને વધારે છે. તમે આવનારા સમય માટે ખૂબ આશાવાન હોવ તેવું બની શકે. નવ દંપતીઓને સંતાન બાબતે શુભ સમાચાર મળી શકે. વ્યવસાયમાં વિઘ્ન હોય તો, મીન રાશિના જાતકોએ ગુરુજનોના આશીર્વાદ લેવા જોઈએ.

 

 

 


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS