Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

શનિનો ધન રાશિ પ્રવેશ અને સાડાસાતી વિશે જાણ્યાં બાદ આ કડીમાંશનિના ધન રાશિપ્રવેશને લઇને રાશિવાર સુખ, શાંતિ અને શુભ ફળ પ્રાપ્ત કરાવતા અનુભુત પ્રયોગો વિશે જાણીએ.આગામી તારીખ ૨૬ જાન્યુઆરી ૨૦૧૭ બપોરે ૦૨:૦૫ (નિરયન), શનિદેવનો ધન રાશિમાં પ્રવેશ થશે. શનિ ધનરાશિમાં ૨૪ જાન્યુઆરી ૨૦૨૦ સુધી રહેશે. શનિના ધન રાશિમાં પ્રવેશ સાથે, તુલા રાશિના જાતકોને શનિની સાડાસાતી પૂર્ણ થાય છે. જયારે મકર રાશિના જાતકોને શનિની સાડાસાતીનો સમય શરુ થાય છે.

શનિ કાયદો, ન્યાય, અનુભવથી ઉપજેલા જ્ઞાન, કઠોર પરિશ્રમ, જવાબદારી અને મર્યાદાનો ગ્રહ છે. શનિ મકર અને કુંભ રાશિ પર આધિપત્ય ધરાવે છે.

શનિમંદિરમાં આમ કરો દર્શન અને દાન

શનિ ગ્રહ શાંતિ માટે હનુમાનજીની ઉપાસના કરી શકાય, હનુમાન બાહુક, હનુમાન વડવાનલ સ્રોત, હનુમાન ચાલીસા અને સુંદર કાંડના પાઠ કરી શકાય. શનિ મંદિરમાં જતા સમયે રસ્તે મળતાં ગરીબ કે અશક્ત વ્યક્તિને મદદ કરવાથી શનિ મહારાજ પ્રસન્ન થાય છે. શનિદેવના દર્શન માટે હમેશાં સન્મુખ નહીં પરંતુ મંદિરના જમણે ભાગથી પસાર થઇ, શનિ મહારાજના ચરણોમાં દ્રષ્ટિ કરવી.

ચંદ્ર અને શનિની યુતિ હોય તથા, સિંહ લગ્ન અને કર્ક લગ્નના જાતકોએ, જો શનિની પનોતી હોય તો દર શનિવારે ઉપવાસ કરવા જોઈએ. કાળા શ્વાનને તથા કાળી ગાયને અનાજ ખવડાવવું. મંદિર કે સેવાના સ્થળે તેલ અને કાળા રંગની વસ્તુઓનું દાન કરવું જોઈએ.

શનિગ્રહ શાંતિના આ છે રાશિવાર ઉપાય

હાલમાં જયારે શનિનું ધન રાશિમાં ભ્રમણ છે ત્યારે બારેય રાશિના જાતકોએ નીચે પ્રમાણે ઉપાય કરી શનિદેવની કૃપા મેળવી શકે છે:

મેષ: લાંબી મુસાફરી ટાળવી જોઈએ, કોઈ એક દેવ કાર્ય કરવું જોઈએ. મેષ રાશિના જાતકોને શનિનું ભ્રમણ નવમાં ભાવે છે, ઘરમાં કે વ્યવસાયના સ્થળે તેલ કે તેલીય પેદાશોનો મોટો સંગ્રહ ના કરવો, રોજબરોજના વપરાશ પુરતો સંગ્રહ થઇ શકે. તેલ કે તેલીય પેદાશોનો વધુ સંગ્રહ કરવો પડે તો તેને ઘર કે વ્યવસાયના સ્થળની બહાર રાખવા.

વૃષભ: નાણાં, દસ્તાવેજ કે કીમતી વસ્તુઓને યોગ્ય સ્થળે જ મૂકવા. માંસાહારનો ત્યાગ કરવો, કોઈ દેવું હોય તો આ સમય દરમિયાન સૌથી પહેલા તે પૂર્ણ કરવું. ચાંદીનું એક આભૂષણ ધારણ કરવું, શરીરને અડે એ પ્રમાણે ચાંદીનું આભૂષણ ધારણ કરવાથી શનિગ્રહ જનિત શંકા કે તકલીફનું સમાધાન થાય છે.

મિથુન: ઘરમાં સ્ત્રી વર્ગને તથા કન્યા સંતાનને વિશેષ ભેટ આપી શકાય. ભગવાન શંકરનું અર્ધનારેશ્વર સ્વરૂપનું ધ્યાન ધરવું, ઘરમાં માટીના વાસણ લાવી તેમાં મધનો સંગ્રહ કરવો, આ વાસણ અને મધને બાદમાં દાન કરી શકાય.

કર્ક: કર્ક રાશિની વ્યક્તિઓએ ભગવાન શંકરના ચંદ્રમૌલી સ્વરૂપ અને સોમનાથ મહાદેવનું સ્તવન કરવું જોઈએ. ભારે ઉદ્યોગોમાં લોખંડની ખરીદી શનિવારે ટાળવી જોઈએ. શનિના ધન રાશિમાં ભ્રમણ દરમિયાન ઘરમાં ચામડાં અને લોખંડનું કામ કે નવું નિર્માણ ટાળવું, શક્ય હોય તો ચામડાંની વસ્તુનો ત્યાગ કરવો.

સિંહ: સંતાનવિષયક બાબતોને પ્રાધાન્ય આપવું જોઈએ. વિદ્યા દાન કરવું, જરૂરિયાતમંદને ચોપડા કે અભ્યાસનો સામાન ભેટ સ્વરૂપે આપી શકાય. ભગવાન વિષ્ણુની સ્તુતિ કરી શકાય. વિષ્ણુ સહસ્ત્રનામના જાપ કરવા લાભદાયી રહે.

કન્યા: શનિના ધન રાશિમાં ભ્રમણ દરમિયાન કોઈ પણ નવા કાર્યની શરૂઆતમાં માતાના આશીર્વાદ ખૂબ ફળે. શિવલિંગનો દૂધ વડે અભિષેક કરવો, દર સોમવારે અને બુધવારે શિવલિંગને અભિષેક કરી શકાય. કાળા રંગની ચીજોનો વપરાશ ટાળવો, તમને લાભદાયી રહે.

તુલા: કાર્યસ્થળે લક્ષ્મી-નારાયણનો ફોટો રાખવો, લક્ષ્મીજીની સ્તુતિ લાભદાયી રહે. કાર્યસ્થળે તથા ઘરમાં અંધારું ના હોવું જોઈએ, જ્યાં જરુરી જણાય યોગ્ય પ્રકાશની વ્યવસ્થા કરવી જોઈએ. પ્રકાશના ઉપકરણ બગડેલ હોય તો તરત બદલી નાખવા.

વૃશ્ચિક: હનુમાનજીને ૨૭ લવિંગની માળા પહેરાવવી તથા હનુમાનજીની ઉપાસના માટેના સ્રોત અને સ્તવનો લાભદાયી નીવડે. કાળી ગાય અને ભેંસને ચારો નાખવો જોઈએ, રુદ્રાક્ષની માળા ધારણ કરી શકાય. મોટા નાણાકીય વ્યવહારમાં કાયદાકીય ચોકસાઈ રાખવી.

ધન: પીપળાની પ્રદક્ષિણા કરી, પહેલાં હાથ અડાડી પછી પ્રણામ કરવા. શનિના ધન રાશિના ભ્રમણ દરમ્યાન સ્ત્રીવર્ગને મદદ કરવી, માતા તથા પત્નીને વિશેષ ભેટ આપી શકાય. સત્યભાષણ કરવું અને સૌને પ્રિય લાગે તેમ વાણી વ્યવહાર કરશો તો હાનિ ટાળી શકશો.

મકર: મકર રાશિને વ્યય ભાવે શનિ છે, પોતાના વજનના દસમા ભાગના વજનના કાળા અડદનું દાન કરી શકાય. અન્યને યથાશક્તિ મદદ કરવી, પોતાનાથી નીચેના વર્ગે કાર્ય કરતાં કામદારને સહાય કરવાથી શનિ મહારાજ પ્રસન્ન થાય છે.

કુંભ: મિત્રોને મદદરૂપ થવું, વ્યવસાયના સ્થળે કાળા રંગની ચીજો ના હોવી જોઈએ. ચાંદીનું વાસણ ખરીદી પોતાની પાસે રાખવું. દર શનિવારે સુંદર કાંડના પાઠ કરવા. તેલની ઘાણી પાસે જાતે જઈ તેલ ખરીદી, તે તેલનું શનિ મંદિરમાં દાન કરવાથી લાભ થાય છે.

મીન: પોતાનાથી જીવ હત્યા ન થાય તે બાબતે હમેશાં સજાગ રહેવું, નિર્દોષ પશુપક્ષીઓને ચારો આપવો, બંધનમાંથી મુક્તિ આપવી. દ્વિમુખી રુદ્રાક્ષ ધારણ કરી શકાય. મહાદેવને દર શનિવારે શિવમહિમ્ન સ્રોત વાંચી જલાભિષેક કરવો.

ઉપર જણાવેલ ઉપાયો જાતકે પોતાની શ્રદ્ધા, વિવેકબુદ્ધિ અને માતાપિતા કે વિદ્વાન જ્યોતિષીના સલાહસૂચન મુજબ પ્રયોગમાં લેવા.

શનિદેવના પ્રકોપથી દરેક માણસ બચવા માંગે છે. ઘરમાં સુખ શાંતિ માટે શનિદેવના મંત્રનું ઉચ્ચારણ રોજ કરવું. શનિદેવની કૃપા કાયમ તમારા પર રહેશે.

 

 


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS