Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

મંગળ ગ્રહ તુરંત પગલા ભરનાર, તમોગુણ પ્રધાન, શત્રુઓને હંફાવનાર, સ્પર્ધાત્મક, દૃઢ સંકલ્પ કરનાર, ક્રોધી અને ઈચ્છાપ્રિય ગ્રહ છે, ઘણીવાર આ ગ્રહથી પ્રદર્શિત થતી ઈચ્છા સ્પર્ધાનું કારણ બને છે અને તીવ્ર ખટરાગમાં પરિણમે છે. મંગળ એ જાતકનો દેહ પણ છે, લગ્નસુખનું પ્રથમ પગલું એકબીજામાં રહેલું દૈહિક આકર્ષણ પણ છે. તો કન્યાની કુંડળીમાં મંગળ એ તેના પતિનું કારકત્વ દર્શાવે છે. પુરુષની કુંડળીમાં રહેલો મંગળ તેનું પુરુષાતન દર્શાવે છે. આમ સાર્વત્રિક દ્રષ્ટિએ મંગળએ મંગળ પરિણય માટે ખુબ મહત્વનો ગ્રહ બની રહે છે.

લગ્ન માટે જન્મપત્રિકા મેળવવાની હોય ત્યારે મંગળદોષએ ખુબ મહત્વનો બની જાય છે, બૃહદ પરાશર હોરા શાસ્ત્રમાં સ્ત્રી જાતક ફળાધ્યાયમાં મહર્ષિ પરાશર મંગળ દોષની વાત કરે છે, જન્મકુંડળીમાં જન્મ લગ્નથી પહેલે, ચોથે, સાતમે, આઠમે અને બારમે મંગળ હોય તો મંગળ દોષ થયો ગણાય. મંગળનું આ સ્થાન ચંદ્ર અને શુક્રથી પણ જોવાય છે. શુક્ર, ચંદ્ર અને લગ્નથી જોવાતો મંગળ દોષ ઉત્તરોત્તર વધુ બળવાન છે, લગ્ન સ્થાનેથી થતા મંગળ દોષની અસર તીવ્ર ગણાય છે. કેટલાક વિદ્વાનો મંગળની જન્મકુંડળીમાં બીજા ભાવે ઉપસ્થિતિને પણ દોષકર્તા ગણે છે.

મંગળ પ્રથમ ભાવે હોય તો, તેની દ્રષ્ટિ સપ્તમ અને અષ્ટમ સ્થાન પર પડે છે, જે અનુક્રમે લગ્નજીવન અને કામ જીવન, વૈધવ્ય સૂચક સ્થાનો છે. આ બધા લગ્નજીવન સૂચક સ્થાનો સાથે મંગળનો સંબંધ થવાથી મંગળ દોષ થયો ગણાય.

મંગળ ચોથે હોય તો, તેની ચતુર્થ દ્રષ્ટિ સપ્તમ સ્થાન પર પડે છે, આમ મંગળ સપ્તમ સ્થાન અર્થાત લગ્નજીવન સાથે જોડાય છે અને મંગળ દોષ સર્જાય છે.
મંગળ સાતમે હોય તો સપ્તમ, પ્રથમ અને દ્વિતીય સ્થાન પર અસરકર્તા છે, જેમાં પ્રથમ અને દ્વિતીય સ્થાન અનુક્રમે જાતકના પોતાના તથા પરિવારના છે, આ બંને સ્થાન પર મંગળ અસર કરે છે.

મંગળ અષ્ટમ હોય તો, જાતકનું કામજીવન અને આયુષ્ય ખરાબ કરે છે, આ દ્વારા લગ્નજીવનમાં ખામી સર્જાઈ શકે.
મંગળ બારમે હોય તો, તેની દ્રષ્ટિ છઠે અને સાતમે પડે છે, અહી મંગળ વાદ- વિવાદ અને લડાયક વૃત્તિને કારણે લગ્નજીવનમાં ભંગાણ આપે છે. આ સિવાયના સ્થાનોમાં મંગળની ઉપસ્થિતિ મંગળ દોષ સર્જતી નથી.

ઉપરોક્ત ભાવોમાં ભાવ મધ્યે, અષ્ટમ, સપ્તમ, શત્રુરાશિ, નીચરાશિ કે શનિની દ્રષ્ટિ યુક્ત મંગળ અચુક ખરાબ પરિણામ આપે છે. મંગળ રાહુ સાથે યુતિમાં હોય તો આ દોષની તીવ્રતા વધે છે, વૈધવ્ય આવે છે. લગ્નજીવનમાં અકાળે આફત લાવનાર મંગળદોષના સાતત્ય વિષે લગભગ બધા જ્યોતિષીઓ એક મત છે, તેથી જ આ બાબતે કોઈ મોકો લેતું નથી.

મંગળદોષના પરિહાર માટે પરણનાર વર અને વધુ બંનેની જન્મકુંડળીમાં જો આ પ્રમાણે મંગળ દોષ થયો હોય તો મંગળ દોષનું સ્વતઃ સમાધાન થયું ગણાય છે. આજ બાબત મહર્ષિએ બૃહદ પરાશર હોરા શાસ્ત્રમાં કહી છે. ઘણા વિદ્વાનો મંગળ દોષની સામે, શનિ, કેતુ, સૂર્ય અને રાહુ જેવા પાપગ્રહો ની પહેલે, ચોથે, સાતમે, આઠમે અને બારમે ઉપસ્થિતિ મંગળ દોષ નાબુદ કરનાર ગણે છે. જ્યોતિષના આદ્ય ગ્રંથ જાતક પારીજાત પ્રમાણે સ્વરાશિ, મૂળ ત્રિકોણ રાશિ, ઉચ્ચ અને મિત્ર રાશિઓમાં મંગળ દોષ લાગતો નથી.

કોઈપણ જન્મકુંડળી સંપૂર્ણ દોષ રહિત હોય તે શક્ય નથી, માટે જ વર અને વધુ બંનેની જન્મકુંડળીમાં દોષોની સંખ્યા જ્યાં વધુ જણાય છે ત્યાં શાસ્ત્રસમ્મત પરિહાર કરવો જરૂરી છે.

મંગળગ્રહના જાપઃ

ओम् क्राम् क्रिम् क्रोम् सह् भौमाय नम:  ના જાપ ૧૧ હજાર વખત કરવા.

ઘણીવાર કન્યાઓ મીઠા (નમક) નો ત્યાગ કરીને ગોળ અને ભાખરી એક ટાઈમ ખાઈને ઉપવાસ કરે છે. મંગળ દોષ માટે લગ્ન પહેલા દોઢ વિવાહની પ્રથા પણ પ્રચલિત છે, પ્રચલિત ભાષામાં જેને અર્ક વિવાહ કે કુંભ વિવાહ કહીએ છીએ. મંગળ દોષ ધરાવતા જાતકે મંગળવારે ગણેશજીની ઉપાસના કરવાથી દોષની ખરાબ અસરો દુર થાય છે. મંગળદોષ ભંગ કે નિવારણ માટે પણ અનેક ગ્રંથોના ગ્રંથો લખાઈ ગયા છે, છતાં મંગળ દોષનું ગણિત સમજીએ તો લગભગ ૪૧% જાતકો માંગલિક રહી શકે, અર્થાત ૪૧% જન્મકુંડળીઓમાં મંગળ દોષ હશે જ. માટે જ શ્રેષ્ઠ પરિહાર લગ્ન સમયે જન્મકુંડળીમાં મંગળ સામે મંગળ હોય તે જ ગણાય, આપણે મહર્ષિ પરાશર પ્રણિત જ્યોતિષને અનુસરીએ છીએ, મંગળ સામે મંગળ હોય તે શાસ્ત્ર સમ્મત પણ છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS