મધ્યપ્રદેશમાં કોંગ્રેસને વધુ એક ઝાટકો, અખિલેશ યાદવે ગઠબંધનથી કર્યો ઈનકાર

ભોપાલ- મધ્યપ્રદેશમાં આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારી કરી રહેલી કોંગ્રેસ પાર્ટી માટે વધુ એક માઠા સમાચાર છે. માયાવતીની બહુજન સમાજ પાર્ટી બાદ હવે અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીએ પણ કોંગ્રેસને ઝાટકો આપ્યો છે.સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે જણાવ્યું કે, તેમની પાર્ટી મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં બસપા અને ગોંડવાના ગણતંત્ર પાર્ટી સાથે ગઠબંધન કરશે. અખિલેશ યાદવે જણાવ્યું કે, કોંગ્રેસ પાર્ટીએ જવાબ આપવામાં ઘણી રાહ જોવડાવી છે અને હવે તેઓ રાહ જોઈ શકે નહીં. વધુમાં તેમણે એમ પણ કહ્યું કે, છત્તીસગઢ ચૂંટણીમાં પણ બસપા અને ગોંડવાના ગણતંત્ર પાર્ટી સાથે ગઠબંધન માટે ચર્ચા કરશે.

જાહેરાત કરવા દરમિયાન અખિલેશ યાદવે કહ્યું કે, રાજનીતિમાં કોઈ કોઈની રાહ જોતું નથી. અમે ક્યાં સુધી કોંગ્રેસના જવાબની રાહ જોઈને બેસી રહીએ. જોકે વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં તેઓ કોંગ્રેસ પાર્ટી સાથે ગઠબંધન કરશે અથવા નહીં તે અંગે અખિલેશ યાદવે હાલમાં કોઈ સ્પષ્ટતા કરી નથી.