સિંહોના મોતને મામલે અહેમદ પટેલે લખ્યો PM મોદીને પત્ર

અમદાવાદ- તાજેતરમાં જ ગીર અભ્યારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનમાં 23 જેટલા સિંહોના થયેલા મોતનો મામલે સમગ્ર રાજ્યમાં ચર્ચા ચાલી રહી છે. તો બીજી તરફ સિંહ પ્રેમીઓમાં ભારે નિરાશા જોવા મળી છે. આ મુદ્દે કોંગ્રેસના રાજ્યસભા સાંસદ અહેમદ પટેલે વડાપ્રધાન મોદીને એક પત્ર લખ્યો છે.

અહેમદ પટેલે પીએમને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, ગીરના જંગલોમાં ઈકો સેંસેટિવ ઝોન દસ કિલોમીટર વધારવામાં આવે. હાલમાં ઈકો સેંસેટિવ ઝોન 0.5 કિલોમીટર જ છે. પ્રવાસન અને વન્યજીવ સંરક્ષણ વચ્ચે સમતુલન જાળવવું જરૂરી છે. આ કેસમાં ગેરકાયદે રિસોર્ટ સામે પગલાં લેવામાં આવે.

તેમણે વધુમાં કહ્યું કે, વિશ્વમાં માત્ર ગુજરાતમાં જ જોવા મળતા એશિયાટીક સિંહની દુર્લભ પ્રજાતિને બચાવી રાખવા માટે કેન્દ્ર સરકારે આવશ્યક પગલા ઉઠાવવા જોઈએ. તેમજ પર્યાવરણ અને વનવિભાગ દ્વારા ઇકો સેન્સેટિવ ઝોનની સીમામાં 10 કિલોમીટરનો વધારો કરવો જોઈએ, તેમજ પ્રવાસન અને વન્યજીવન વચ્ચે સંતુલન જળવાઈ રહે તે ખાસ ધ્યાને રાખી ગેરકાયદેસર ચાલતા રિસોર્ટ પર નિયંત્રણ મુકીને બંધ કરવા જોઈએ.

ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે, ગીર જંગલમાં 23 સિંહ મૃત્યું પામ્યાં હતા, તેમજ 35થી વધારે સિંહો સંક્રમણની ચિંતાજનક સ્થિતિમાં છે. વર્ષ 2016થી અત્યાર સુધીમાં કુલ 180 અને છેલ્લા 3 અઠવાડિયામાં 23 જેટલા સિંહો મૃત્યુ પામ્યા છે, જે બાબત ગંભીર છે. તેમજ આ સમગ્ર ઘટના માટે સરકારનું ગેરવહિવટી પણું જવાબદાર હોવાનો દાવો કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે આ મુદ્દાને ગંભીરતાપૂર્વક લઈ સિંહોની સુરક્ષાને ધ્યાનમાં રાખી અમેરિકાથી વેક્સિન મંગાવી છે. જે ગઈકાલે રાજકોટ એરપોર્ટથી જૂનાગઢ પહોંચી ગઈ છે.