નવા ભાગેડૂ આર્થિક ગુનેગાર કાયદા હેઠળ નીરવ મોદી, ચોક્સીને કોર્ટનું સમન્સ

0
1263

મુંબઈ – પ્રીવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ આવતા કેસોની કાર્યવાહી સંભાળતી અહીંની વિશેષ અદાલત સમક્ષ એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ તપાસ એજન્સીએ નીરવ મોદી તથા મેહુલ ચોક્સી વિરુદ્ધ બે અલગ અલગ અરજી નોંધાવી છે.

PMLA કોર્ટે ડાયમંડ જ્વેલર નીરવ મોદી તથા એમના મામા મેહુલ ચોક્સીને તેની સમક્ષ હાજર થવાનું ફરમાન કર્યું છે. નીરવને 25 સપ્ટેંબરે અને ચોક્સીને 26 સપ્ટેંબરે કોર્ટમાં હાજર થવાનું સમન્સ ઈસ્યૂ કરાયું છે. એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે આ બંને સામે કરોડો રૂપિયાના પંજાબ નેશનલ બેન્ક છેતરપીંડી કૌભાંડના કેસમાં નવા ભાગેડૂ આર્થિક ગુનેગારના કાયદા હેઠળ વિશેષ અદાલતમાં અરજી કરી છે.

એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે કોર્ટને વિનંતી કરી છે કે તે ડાયમંડના વેપારીઓ નીરવ મોદી અને મેહુલ ચોક્સીને ભાગેડૂ આર્થિક ગુનેગાર તરીકે ઘોષિત કરે અને આ કેસના સંબંધમાં એ બંનેની રૂ. 3,500 કરોડની કિંમતની સંપત્તિ જપ્ત કરવાની પરવાનગી આપે.


સંસદે ભાગેડૂ આર્થિક ગુનેગારની સંપત્તિ જપ્ત કરવાની છૂટ આપતો કાયદો ગઈ કાલે પસાર કર્યો હતો. રાજ્યસભાએ ગઈ કાલે મૌખિક મતદાન દ્વારા ખરડાને મંજૂરી આપી હતી. લોકસભાએ 19 જુલાઈએ મંજૂરી આપી હતી.