હું ઈચ્છું તો ગમે ત્યારે મુખ્ય પ્રધાન બની શકું એમ છું, પણ મને રસ નથી: હેમા માલિની

જયપુર – અભિનેત્રીમાંથી નેતા બનેલાં હેમા માલિનીએ કહ્યું છે કે પોતે ગમે ત્યારે મુખ્ય પ્રધાન બની શકે એમ છે, પરંતુ એના બદલે પોતે એમનાં અન્ય કામો કરવા માટે મુક્ત રહેવાનું વધારે પસંદ કરે છે.

મથુરામાંથી ભાજપનાં સંસદસભ્ય તરીકે ચૂંટાઈ આવેલાં હેમાએ રાજસ્થાનના બાંસવાડા શહેરમાં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે મને મુખ્ય પ્રધાન બનવામાં કોઈ રસ નથી. ‘જો હું ઈચ્છું તો એક જ મિનિટમાં બની શકું એમ છું, પરંતુ મારે બંધનમાં બંધાવું નથી. જો હું મુખ્ય પ્રધાન બનું તો મારી સ્વતંત્રતાનો અંત આવી જાય,’ એમ હેમાએ ‘જો તમને મુખ્ય પ્રધાન બનવાની તક મળે તો તમે બનો ખરા?’ એવા સવાલના જવાબમાં ઉપર મુજબ કહ્યું હતું.

એમનો ઈશારો દેખીતી રીતે, ઉત્તર પ્રદેશના હોદ્દા તરફનો હતો. જે હોદ્દા પર હાલ એમની જ પાર્ટીના યોગી આદિત્યનાથ છે.

હેમાએ કહ્યું કે હું મારી ફિલ્મી કારકિર્દીને કારણે સંસદસભ્ય બની શકી છું. જોકે હું સંસદસભ્ય બની એ પહેલાં પણ મેં ભારતીય જનતા પાર્ટી માટે ઘણું કામ કર્યું હતું.

હેમા માલિનીએ છેલ્લા ચાર વર્ષમાં એમના મતવિસ્તાર મથુરામાં રસ્તાઓની હાલત સુધારવા માટે ઘણું કામ કર્યું છે.

‘પદ્મશ્રી’થી સમ્માનિત અને જાણીતાં ભરતનાટ્યમ નૃત્યકાર હેમા એક ધાર્મિક કાર્યક્રમમાં નૃત્ય રજૂ કરવા માટે બાંસવાડા આવ્યાં હતાં.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે હેમાએ કહ્યું કે એમણે કિસાનો, મહિલાઓ અને ગરીબ લોકો માટે કામ કર્યું છે. એમના નેતૃત્વમાં દેશે ઘણી પ્રગતિ કરી છે. એમના જેવા વડા પ્રધાન મળવા મુશ્કેલ છે. બીજા પક્ષોના નેતાઓ ભલે ગમે તે કહે, પણ આપણે એ જોવાની જરૂર છે કે દેશ માટે કોણે કેટલું કામ કર્યું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]