મહારાષ્ટ્રમાં 31 જિલ્લા દુકાળગ્રસ્ત જાહેર; મુંબઈ જિલ્લો બાકાત

મુંબઈ – મહારાષ્ટ્ર સરકારે રાજ્યના 180 તાલુકાઓમાં દુકાળની પરિસ્થિતિ હોવાની જાહેરાત કરી છે. રાજ્યના પાંચ જિલ્લા – મુંબઈ, મુંબઈ સબર્બન, થાણે, ધૂળે, ગડચિરોલી જિલ્લાઓને બાદ કરતાં બીજા તમામ જિલ્લાઓમાં દુકાળની પરિસ્થિતિ સર્જાઈ હોવાની રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જાહેરાત કરી છે.

સરકારે કહ્યું છે કે રાજ્યના કુલ 36 જિલ્લાઓમાંથી 31 જિલ્લામાં દુકાળ પડ્યો છે.

મહારાષ્ટ્રમાં આ વર્ષે સરેરાશ માત્ર 77 ટકા વરસાદ જ પડ્યો હતો.

કેન્દ્ર સરકારે નક્કી કરેલા ધારાધોરણો અનુસાર મહારાષ્ટ્રમાં 180 તાલુકાઓને દુકાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે.

ફડણવીસે કહ્યું છે કે એમની સરકાર તમામ દુકાળગ્રસ્ત જિલ્લાઓમાં અસરગ્રસ્ત કિસાનોને સહાયતા કરશે. એમની ખેત લોન માફ કરાશે, એમને જમીન મહેસુલમાં રાહત આપશે, એમને સિંચાઈ માટેના પંપ પૂરા પાડશે, એમના વીજળીના ચૂકવવાના બાકી રહેલા બિલ માફ કરશે, એમના સંતાનોની શિક્ષણ ફી માફ કરશે, એમને ટેન્કરો દ્વારા પીવાનું પાણી ઉપલબ્ધ કરવામાં આવશે.

કેન્દ્ર સરકારના અધિકારીઓની એક ટૂકડી ટૂંક સમયમાં જ દુકાળગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે અને પોતાની રીતે પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી સહાયતા ઘોષિત કરશે.

ફડણવીસે કહ્યું કે અમુક તાલુકાઓ દુકાળગ્રસ્ત જાહેર કરવા જેવી સ્થિતિમાં નથી તે છતાં ત્યાં અપૂરતા વરસાદ અને અપૂરતા પાણીને કારણે જેમનો પાક નાશ પામ્યો છે એમને સરકાર સહાયતા કરશે. પાક વીમા યોજનાનાં લાભ એમને પણ આપવામાં આવશે.