કેવું છે કેન્દ્રીય બજેટ ૨૦૧૮-૧૯? શું કહે છે નિષ્ણાતો ‘ચિત્રલેખા’ને…

બજેટમાં કૃષિ-ગ્રામિણ વિકાસ, લોકપ્રિય યોજનાને પ્રાધાન્ય પણ વિકાસ-લાભની કોઇ ખાતરી નહીંઃ મયૂર મહેતા

-ખેડૂતો અને આમજનતાંને ખુશ કરવા નાણાપ્રધાને યોજનાઓનો પટારો ખોલીને લોકપ્રિય બજેટ રજૂ કર્યાની ભરમાર ઊભી કરી

નરેન્દ્ર મોદી સરકારના શાસનનું છેલ્લું પૂર્ણ બજેટ નાણાપ્રધાન અરૂણ જેટલીએ રજૂ કર્યું. રેલવે બજેટ રદ થયા પછીનું પ્રથમ પૂર્ણ બજેટ અને તે પણ નવા પ્રયોગ ખાતર હિન્દી અને અંગ્રેજી બંને પ્રથમ વખત બજેટ રજૂ થયું હતું. નાણાપ્રધાને બજેટમાં કૃષિ અને ગ્રામિણ વિકાસને પ્રાધાન્ય આપવામાં કોઇ કસર છોડી નહોતી. દેશના નારાજ ખેડૂતોને ખુશ કરવા માટે સરકાર દ્વારા જેટલી સ્કીમ રજૂ થઇ શકે તેમ હતી તે બધી જ સ્કીમોને સજાવીને રજૂ કરાઇ હતી. શિક્ષણ, હેલ્થના નવતર લાભો આપીને ગ્રામિણ અને ગરીબ પ્રજાનો પ્રેમ જીતવા અનેક નવી યોજનાઓ જાહેર કરી હતી. શહેરી મધ્યમ વર્ગને ખુશ કરવા માટે નાના શહેરોમાં નવા એરપોર્ટ, સ્માર્ટ સીટી વિગેરે આકર્ષક સ્કીમો પણ રજૂ કરી હતી.

એમએસપીમાં વધારો પણ એમએસપી જેટલાં ભાવ મળતાં નથી તેનું શું ?

૨૦૧૪ની લોકસભાની ચૂંટણી અગાઉના ઢંઢેરામાં ભાજપે ખેડૂતોને તેની ઇનપુટ કોસ્ટ (પડતર ખર્ચ) ઉપર પચાસ ટકા નફો આવતાં પાંચ વર્ષમાં આપવાની વાત કહી હતી. ચૂંટણીમાં દેશની આમજનતાંએ નરેન્દ્ર મોદીને ખોબલે ખોબલે મત આપીને સત્તાની ડોર સોંપી હતી. સત્તા સંભાળ્યાના થોડા વખતમાં ખેડૂતોને ઇનપુટ કોસ્ટ પર પચાસ ટકા નફો આપવાની બાંહેધરીનો સમયગાળો પાંચ વર્ષમાંથી સાત વર્ષનો થઇ ગયો અને ખેડૂતોને નફાને બદલે આવક શબ્દ થોડો સમય વપરાયો. હવે ૨૦૨૨ સુધીમાં ખેડૂતોનો નફો બમણો કરવાની વાતો કરવામાં આવી રહી છે. બજેટમાં આ જ મુદ્દાને કેન્દ્રમાં રાખીને ખરીફ સીઝનમાં એમએસપી (મિનિમમ સપોર્ટ પ્રાઇસ) ખેડૂતની ઇનપુટ કોસ્ટ કરતાં દોઢી રાખવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત ખેડૂતોને એમએસપી જેટલાં ભાવ આપવા સરકાર દ્વારા તમામ પગલાં લેવામાં આવશે તેની પણ ખાતરી આપવામાં આવી હતી.

છેલ્લા ચાર વર્ષમાં જે કૃષિ પાકોના ભાવ એમએસપીથી નીચા ગયા છે તે તમામ કૃષિ પાકો ઉગાડતાં ખેડૂતોને એમએસપી જેટલાં ભાવ સરકાર અપાવી શકી નથી તે વાસ્તવિકતાં છે. ગત્ત વર્ષે સરકારે તુવેરની એમએસપી પ્રતિ કિવન્ટલ ૫૦૫૦ રૂપિયા નક્કી કરી હતી પણ આખું વર્ષ તુવેર ઉગાડતાં ખેડૂતોને પ્રતિ કિવન્ટલ ૪૧૦૦ રૂપિયાથી વધુ ભાવ મળ્યા નહોતા. તાજો દાખલો લઇએ તો ગુજરાત સરકાર હાલ મગફળીની ખરીદી પ્રતિ ૨૦ કિલો ૯૦૦ રૂપિયાના ભાવથી કરી રહી છે પણ ખુલ્લા બજારમાં મગફળી આજે પણ પ્રતિ ૨૦ કિલો ૭૫૦ રૂપિયામાં વેચાય છે. ગુજરાત સરકારે ગત્ત લાભપાંચમથી મગફળીની ખરીદી શરૂ કરી હતી અને અત્યાર સુધીમાં આઠ લાખ ટનથી વધુ મગફળીની ખરીદી કરી હોવા છતાં ખુલ્લા બજારમાં એમએસપી જેટલાં ભાવ ખેડૂતોને સરકાર અપાવી શકી નથી તે વાસ્તવિકતાં છે. કહેવાનું તાત્પર્ય એ છે બજેટમાં ખેડૂતોની ઉત્પાદન કોસ્ટ કરતાં દોઢી એમએસપી નક્કી કરવાની જાહેરાત કરાઇ છે પણ ખેડૂતોને નક્કી કરેલી એમએસપી જેટલાં ભાવ ખુલ્લા બજારમાંથી મળી રહે તેવા કોઇ ઉપાયો સરકાર પાસે નથી તો એમએસપી વધારવાની જાહેરાતથી ખેડૂતોને શું લાભ થવાનો છે?

માત્ર માર્કેટયાર્ડોનું માળખું સુધારવાથી ભાવ નહીં મળે

બજેટમાં નાણાપ્રધાને જાહેરાત કરી કે દેશના ખેડૂતોની મહામહેનતને કારણે આપણે ૨૭૫૦ લાખ ટન અનાજ અને ૩૦૦૦ ટન ફળ-શાકભાજીનું ઉત્પાદન પ્રતિ વર્ષ મેળવી રહ્યા છીએ ત્યારે ખેડૂતોને તેમની મહેનતનું યોગ્ય વળતર મળે તે માટે નવા ૨૨ હજાર ગ્રામિણ કૃષિબજારો ઉભા કરવામાં આવશે. આ ઉપરાંત હાલ ઇ-નામ (ઇલેકટ્રોનિક માર્કેટ યાર્ડ) સ્કીમ હેઠળ ૫૮૫ એગ્રીકલ્ચર માર્કેટ યાર્ડો જોડવાના સરકારના લક્ષ્યાંક પૈકી ૪૭૦ માર્કેટયાર્ડો ઇ-નામ સ્કીમ હેઠળ જોડાય ગયા છે અને બાકીના માર્કેટયાર્ડો માર્ચ-૨૦૧૮ સુધીમાં જોડાઇ જશે.

વાસ્તવિકતાં એ છે કે દેશમાં એગ્રીકલ્ચર માર્કેટયાર્ડોનું માળખું મોટાભાગના વિસ્તારમાં એકદમ અપ-ટુ-ડેટ હોવા છતાં ખેડૂતોને તેમની ઉપજ પાણીના ભાવે વેચવી પડી રહી છે. ખેડૂતોને તેમની ઉપજના યોગ્ય ભાવ અપાવવા માટે માત્ર આધુનિક માર્કેટયાર્ડો જ ઊભા કરી દેવામાં આવે તે પૂરતું નથી. દેશમાં કૃષિ પાકોની ડીમાન્ડ અને સપ્લાયની આગોતરી જાણકારી મેળવીને તેની ઇમ્પોર્ટ અને એક્સપોર્ટની ડયુટી અંગેની સમયસર પોલિસી ઘડવાની તાતી જરૂરત છે. ગત્ત વર્ષે તુવેરના ઉગાડતાં ખેડૂતોને આખું વર્ષ પાણીના ભાવે તુવેર વેચવી પડી હતી કારણ કે સરકારે તુવેરની ઇમ્પોર્ટને રોકવા જાન્યુઆરીમાં ઇમ્પોર્ટ ડયુટી લાદવાની જરૂરત હતી તે ઇમ્પોર્ટ ડયુટી સરકારે છેક ઓગસ્ટમાં લાદી હતી. ઓગસ્ટમાં ખેડૂતોએ વાવેલી તમામ તુવેર માર્કેટમાં પાણીના ભાવે વેચાઇ ચૂકી હતી અને ખેડૂત ઓલરેડ્ડી લૂંટાઇ ચૂક્યો હતો આ સંજોગોમાં કદાચ આધુનિક માર્કેટયાર્ડો હોઇ તો પણ ખેડૂતોને યોગ્ય ભાવ અપાવી શક્યા ન હોત.

ફુડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝનો વિકાસ થયો પણ ખેડૂતોને લાભ નથી

દેશની ફુડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ વાર્ષિક આઠ ટકાના દરે વિકાસ સાધી રહી હોઇ તેના વિકાસ માટે સરકારે બજેટમાં નાણાકીય ફાળવણી ૭૧૫ કરોડ રૂપિયાથી વધારીને ૧૪૦૦ કરોડ કરી હતી. ફુડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝનો વિકાસ ઝડપથી થઇ રહ્યો છે પણ આ વિકાસનો લાભ હજુ સુધી ખેડૂત સુધી પહોંચ્યો નથી તે ખામીને દૂર કરવા માત્ર નાણાકીય ફાળવણી વધારવી પૂરતી નથી પણ તેને માટે ખેડૂતો દ્વારા ઉગાડેલી કૃષિચીજોનું વેલ્યુ એડીશન થાય અને તે માટે ખેડૂતોને માર્ગદર્શન મળે તે માટે માહિતી-સલાહ કેન્દ્રો ચાલુ કરવાની જાહેરાત થવી જરૂરી હતી.

કોમોડિટી વાયદા બજારોમાં બેફામ સટાખોરી, તેનું નિરાકરણ બજેટમાં નથી

નરેન્દ્ર મોદી સરકારે જ્યારે સત્તાના સૂત્રો સંભાળ્યા ત્યારે નાણાપ્રધાન અરૂણ જેટલીએ કોમોડિટી વાયદા બજારોનો સરકાર વિકાસ કરશે તેવી જાહેરાત કરતાં જણાવ્યું હતું કે કોમોડિટી વાયદા બજારોના વિકાસથી ખેડૂતોને યોગ્ય ભાવ મળે તે માટે સરકાર તેનો વિકાસ કરી રહી છે. છેલ્લા ચાર વર્ષમાં દેશભરના ખેડૂતોને તેમની કૃષિ પેદાશોના પોષણક્ષમ ભાવ નથી મળતાં તેવું સાબિત થઇ ચૂક્યું છે ત્યારે કોમોડિટી વાયદા બજારોના વિકાસ માટે બજેટમાં કોઇ મોટી જાહેરાત થઇ નથી. કોમોડિટી વાયદા બજારોમાં લિકવીડીટી (કામકાજ) ઓછી હોઇ બેફામ સટ્ટાખોરી થઇ રહી હોવાની ફરિયાદ લાંબા સમયથી થઇ રહી છે. સરકાર દ્વારા ખેડૂતો કોમોડિટી વાયદા બજારમાં કામકાજ કરવા આકર્ષાય તે માટે ફાર્મર પ્રોડયુસર્સ કમિટિને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આજે બજેટમાં જે ફાર્મર પ્રોડયસર્સ કમિટિનું ટર્નઓવર ૧૦૦ કરોડ રૂપિયા કરતાં વધુ હોય તેમને ટેક્સ ભરવામાંથી મુક્તિ આપવામાં આવી હતી. ખેડૂતો કોમોડિટી વાયદા બજારમાં સામેલ થાય, ખેડૂતોને યોગ્ય ભાવ મળે, કોમોડિટી વાયદા બજારમાં ખોટી સટ્ટાખોરી પર કાબૂ મેળવાય તે માટે બજેટમાં અનેક ક્રાંતિકારી પગલાં લેવાની જરૂર હતી પણ તે લેવાયા નથી. કોમોડિટી વાયદા બજારોમાં ખાસ કરીને કૃષિ પાકોના વાયદામાં ચાલતી બેફામ સટ્ટાખોરીને નાખવા બેન્કો, મ્યુચ્યુઅલ ફંડ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોને છુટ આપવાની જાહેરાત થવી જોઇતી હતી. સેબી (સિકયુરિટી એકસચેંજ બોર્ડ ઓફ ઇન્ડિયા)સહિતની અનેક એજન્સીઓએ સરકારને કોમોડિટી વાયદા બજારોમાં બેન્કો, મ્યુચ્યુઅલ ફંડ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોને છુટ આપવા ભલામણ કરી છે.

અનેક યોજનામાં જંગી નાણાફાળવણી પણ નાણા વિકાસ માટે વપરાશે?

બજેટમાં ગોસંવર્ધન, પશુધન, એકવા કલ્ચર, ડેરી ડેવલપમેન્ટ અને સિંચાઇ માટે મોટી નાણાકીય ફાળવણી કરવામાં આવી છે આ ઉપરાંત કૃષિ પાકોની નિકાસનો લક્ષ્યાંક હાલની ૩૦ અબજ ડોલરથી વધારીને ૧૦૦ અબજ ડોલરનો નક્કી કરાયો હતો આ માટે ૪૨ મેગા ફુડ પાર્ક ઊભા કરવાની યોજના પણ ઘડવામાં આવી હતી. ગ્રામ્ય વિસ્તારમાં ખેતી માટે ડિઝલ અને વિજળીનો ઉપયોગ ઓછો થાય તે માટે ખેડૂતો સોલાર એનર્જીનો ઉપયોગ વધુ કરે તે માટે યોજના ઘડવાની બજેટમાં જાહેરાત કરવામાં આવી હતી. આવી અનેક યોજનાઓ ઘડીને કૃષિ વિકાસ માટે સરકાર કટિબધ્ધ છે તેવો અહેસાસ કરવાની કોશિશ બજેટમાં કરાઇ હતી પણ આ યોજનાઓનો અમલ અસરકારક રીતે થાય અને યોજનાઓનો લાભ ખેડૂતોને કેટલો મળશે ? તેની કોઇ ખાતરી નથી. ચૂંટણી લક્ષી એગ્રી લોનની નાણાફાળવણી વધારાઇ હતી.

ખેડૂતોની મૂળભૂત સમસ્યાનો ઉકેલ બજેટમાં કયાંય નથી

દેશના ખેડૂતોની મુખ્ય સમસ્યા અને તેના ઉપાયો તરફ દર વર્ષની જેમ બજેટમાં કોઇ ઠોસ યોજનાઓ જાહેર કરાઇ નથી. ભારતમાં પ્રતિ હેકટર કૃષિ ઉત્પાદન વિશ્વની એવરેજ કરતાં ૪૦ ટકા ઓછું છે ઉદાહરણ તરીકે ચીન ૩૨ લાખ હેકટર જમીનમાં સાડા ત્રણ કરોડ ગાંસડી રૂનું ઉત્પાદન મેળવે છે તેની સામે ભારત ૧૨૨ લાખ હેકટરમાં સાડા ત્રણ કરોડ ગાંસડી રૂનું ઉત્પાદન મેળવે છે. આમ, જમીન બચે અને કૃષિ ઉત્પાદકતાં વધે તે માટે ખેડૂતોને પ્રોત્સાહન આપતી કોઇ યોજના અથવા તો કૃષિ ઉત્પાદકતાં વધારવાની કોઇ યોજનાની જાહેરાત બજેટમાં થઇ નથી. દેશની ખાદ્યતેલોની ઇમ્પોર્ટ વર્ષોવર્ષ વધતી જાય છે તેને રોકવા બજેટમાં ખાદ્યતેલોની ઇમ્પોર્ટ ડયુટીમાં વધારો કરાયો હતો પણ આ વધારો પણ પ્રયાપ્ત નથી કારણ કે આપણે અહીં ડયુટી વધારીએ છીએ તેની સામે જે દેશોમાંથી આપણે ખાદ્યતેલોની ઇમ્પોર્ટ કરીએ છીએ તે ડયુટી ઘટાડી રહ્યું હોઇ દેશની ખાદ્યતેલોની ઇમ્પોર્ટ ઘટવાનું નામ લેતી નથી.

ઓવરઓલ ફરી એક વખત અનેક યોજનાઓની ભરમાર સર્જીને ખેડૂતો અને ગ્રામ્ય મતદારોને છેતરવાનો એક અલગ અને આગવો પ્રયોગ બજેટમાં થયો હોવાનું સ્પષ્ટ દેખાય છે.

(લેખક કોમોડિટી વર્લ્ડ દૈનિક અખબાર અને કૃષિ પ્રભાત સાપ્તાહિક અખબારના તંત્રી છે)