કેવું છે કેન્દ્રીય બજેટ ૨૦૧૮-૧૯? શું કહે છે નિષ્ણાતો ‘ચિત્રલેખા’ને…

ધારણા મુજબનું પોપ્યુલિસ્ટ અને ચૂંટણીલક્ષી બજેટ – જીતેન્દ્ર સંઘવી (અર્થશાસ્ત્રી અને ઇન્ડિયન મર્ચન્ટ્સ ચૅમ્બરની મૅનેજિંગ કમિટીના ભૂતપૂર્વ સભ્ય)

વર્ષ 2018-19નું બજેટ મર્યાદિત વિકલ્પો છતાં મોદીના `નવા ભારત’ના વીઝનને આકાર આપવામાં સફળ રહ્યું છે.

સરકાર સામેના આર્થિક અને રાજકીય પડકારોના સંદર્ભમાં નાણા પ્રધાનના 2018-19ના અંદાજપત્રનું મૂલ્યાંકન કરીએ તો તેને `ફાઈન બેલેન્સીંગ એક્ટ’ કહી શકાય. પડકારો પાર વિનાના અને પસંદગી મર્યાદિત હોવાથી આ અંદાજપત્ર પ્રજાના વિશાળ વર્ગ અને બજારો – ખાસ કરીને શેરબજાર અને મૂડીબજારની અપેક્ષા પ્રમાણે છે.

સરકારના બધા વર્ગોના સ્પર્શતું આ અંદાજપત્ર ખેતીપ્રધાન દેશ માટે નવા ભારતના નિર્માણમાં સહાય કરે એવું ચોક્કસ દિશાના ફોકસવાળું ઠોસ અંદાજપત્ર છે.

આપણે તેને પોપ્યુલીસ્ટ અને ચૂંટણીલક્ષી બજેટ પણ કહી શકીએ. જ્યાં સુધી અંદાજપત્રની દરખાસ્તો દેશના વિશાળ વર્ગના હિતમાં હોય, વિકાસના ફળની વહેંચણીમાં સહાય કરે તેવું હોય અને છતાં ફીસ્કલ ડીસીપ્લીનને, ફીસ્કલ કોન્સોલીડેશનને કારણે મૂકતું ન હોય તો સરકાર તે દ્વારા પોતના રાજકીય લાભ જુએ તેમાં કશું અજૂગતું ગણાવું ન જોઈએ. આપણા દેશમાં અગાઉ વિપક્ષોની સરકારો અને વિદેશમાં પણ સરકારો આમ જ કરતી આવી છે. સત્તાના ચાર વરસમાં માળખાકીય સુધારાઓ (ડિમોનેટાઈઝેશન, જીએસટી, ઈન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્ટસી કોડ, `ઈઝ ઓફ ડુઈંગ બીઝનેસ’ને લગતા સુધારો) કર્યા હોય કે જેમાંથી ઘણા સુધારાઓની સારી અસર અર્થતંત્ર (આર્થિક વિકાસ) પર મધ્યમ કે લાંબા ગાળે પડવાની હોય તો સામાન્ય ચૂંટણીઓ પહેલાના છેલ્લાં પૂરા કદના બજેટમાં પ્રજાને અને મતદારોને ટૂંકા ગાળામાં તાત્કાલિક રાહત મળે એવા પગલાં લેવાય તે વાજબી ગણાય.

નવી રોજગારીના સર્જન જેવી સમસ્યાઓ

સરકાર સામેના આર્થિક પડકારોમાં કિસાનોની કંગાળ હાલત, વધતા જતા ભાવો (ફુગાવો), આંતરરાષ્ટ્રીય બજારોમાં સતત વધતા જતા ક્રૂડ ઓઈલના ભાવો, અસરકારક માંગનો અભાવ, ખાનગી ક્ષેત્રે મૂડીરોકાણનો અભાવ અને નવી રોજગારીના સર્જન જેવી સમસ્યાઓ હતી. તો રાજકીય પડકારોમાં 2018ના વરસે આઠ રાજ્યોની વિધાનસભાઓની, 2019માં લોકસભાની અને ચાર રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીઓ ગણાય.

સરકાર ખેડૂતો માટેની અનેક યોજનાઓ પાછળ ખર્ચવાના નાણાનું પ્રમાણ વધારીને ગામડાઓમાં ખેડૂતો અને તે સાથે સંકળાયેલ અન્ય કારીગર વર્ગ જે સતત તાણમાં જીવતો હતો તેના પર મન મૂકીને વરસી છે. પછી તે ખરીફ પાક માટેનું ન્યુનતમ સમર્થન મૂલ્ય (એમએસપી) હોય, એગ્રી પ્રોડક્ટ્સની નિકાસ હોય, ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ હોય, ખેતપેદાશો માટેનું માર્કેટ હોય, ખેડૂતો માટેનું ધિરાણ હોય (જે આવતા વરસે વધારીને 11 લાખ કરોડનું કરવાનું સૂચવાયું છે.) સિંચાઈ હોય કે ખેતપેદાશોના ઉત્પાદન અને બજાર માટેની માળખાકીય સવલતો હોય. ગામડાઓની માળખાકીય સવલતો માટેનું 14 લાખ કરોડનું પ્રોવિઝન આ સવલતોને સુધારશે. શિક્ષણ અને સ્કીલ સેન્ટરો માટેનું પ્રોવિઝન પણ વધારાયું છે.

હેલ્થ પ્રોટેક્શન સ્કીમ

વિશાળ કદની નેશનલ હેલ્થ પ્રોટેક્શન સ્કીમમાં પહેલી જ વાર 10 કરોડ કુટુંબો (50 કરોડ નાગરિકો)નો સમાવેશ કરાયો છે, જેમાં કુટુંબદીઠ વરસે 5 લાખ રૂપિયા સ્વાસ્થ્ય સુધારણા માટે મળી શકે.

પ્રાથમિક શિક્ષણ અને સ્વાસ્થ્ય માટેની પ્રજાની જરૂરિયાતો પૂરી પડાય તો ગરીબ સામાન્ય પ્રજાને અમેરિકાની પ્રજાને `સોશ્યલ સિક્યોરિટી સ્કીમ’ દ્વારા મળતા ફાયદા જેવો ફાયદો લાગે. નોકરી-રોજગાર ન હોય તે પ્રજા માટે તો આવી સ્કીમ આશીર્વાદ રૂપ ગણાય.

`સ્ટાન્ડર્ડ ડિડક્શન’ ફરી દાખલ કરી રાહત આપવાનો પ્રયાસ

નોકરિયાત વર્ગ માટે આવકવેરા માટેની મુક્ત આવકની મર્યાદા વધાર્યા સિવાય `સ્ટાન્ડર્ડ ડિડક્શન’ ફરી દાખલ કરી રાહત આપવાનો પ્રયાસ કર્યો છે. બિઝનેસમેન કે પ્રોફેશનલ માટેના આવકવેરામાં આવી છૂટ ન આપવાના કારણ બતાવી પ્રજાના જે વર્ગને વધુ જરૂરી છે તેને આપવાના પ્રયાસને યોગ્ય ઠેરવ્યો છે. પણ સરકારે એક હાથે આપ્યું તે અમુક છૂટછાટો ઘટાડીને (ટ્રાન્સપોર્ટ તથા મેડીકલ ખર્ચને લગતી) બીજા હાથે પાછું લઈ લીધું છે. નેટ રીઝલ્ટ બજેટની ફાઈન પ્રીન્ટ જોયા પછી ખબર પડે.

કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો

નાના અને મધ્યમ કદની કંપનીઓ (રૂપિયા 250 કરોડના ટર્નઓવર સુધી) પરનો કોર્પોરેટ ટેક્સ ઘટાડ્યો છે. મોટી કંપનીઓ મેન્યુફેક્ચરિંગ માટેની નવી કંપનીઓ ઊભી કરીને આ ઘટાડાનો લાભ લઈ શકે છે. આ પગલાંની `મેક ઈન ઈન્ડિયા’ સ્ટ્રેટેજી પર સારી અસર થઈ શકે. સરકારી પક્ષે એવી દલીલ થઈ છે કે આવી નવી કંપનીઓ ઊભી કરવાનો માર્ગ સરળ કરી સરકારે ખાનગી ક્ષેત્રના મૂડીરોકાણને વધારવાનો પ્રયાસ કર્યો છે.

લોંગટર્મ કેપીટલ ગેઈન્સ (એલટીસીજી) ટેક્સ અપેક્ષિત હતો. છતાં તેની જાહેરાત થતા સેન્સેક્સમાં ભારે ઘટાડો થયો પણ નાણા સચિવ દ્વારા થયેલ સ્પષ્ટતા પછી સેન્સેક્સ ફરી વાર ઊંચકાયો શેર પરનો 10 ટકાનો નવો દાખલ કરાયેલ એલટીસીજી અન્ય અસક્યામતો (રીઅલ એસ્ટેટ) 30 ટકાના એલટીસીજી કરતા નીચો છે. બધી અસ્ક્યામતો પરના એલટીસીજીનું તાર્કિકીકરણ જરૂરી છે.

ફિસ્કલ ડીસીપ્લીન

ફિસ્કલ ડેફિસિટ કે આર્થિક વિકાસના બે-ચાર પોઈન્ટની વધઘટનું યોગ્ય પરિપ્રેક્ષ્ય વિનાનું અર્થઘટન કવેળાનું ગણાય.

નવા ભારતના નિર્માણ માટે સરકાર ફિસ્કલ ડીસીપ્લીન બાબતે થોડી છૂટછાટ લે તો તે ગેરવાજબી ન ગણાય. સરકાર ખેડૂતોની યોજનાઓ, માળખાકીય સવલતો, શિક્ષણ અને સ્વાસ્થ્ય માટેનો ખર્ચ વધારે તો તેનાથી આર્થિક વિકાસ વધશે એટલું જ નહીં, વિકાસના ફળો નીચલા વર્ગ સુધી પહોંચવાની શરૂઆત થશે. `બજેટ બાય આઉટલે’ દેખીતી નજરે સારું લાગે છે તે સમય વીતતા `બજેટ બાય આઉટકમ’ (ફિઝિકલ લક્ષ્યાંકો) પણ સારું બને તો બજેટની સાર્થકતા અને સરકારની સફળતા ગણાય `ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ સાથે આ બજેટ `ઈઝ ઓફ લીવીંગ’ લાવે તો ગુણવત્તાની રીતે `આદર્શ બજેટ’ ગણાય.